
કિશોર દેસાઈ
ગાંધીજીના જીવન વિશે, ખાસ કરીને તેમના હરિલાલ સાથેના સંબંધો વિશે, સાચી હકીકતોનો તટસ્થતાથી અભ્યાસ કર્યા વિના નવલકથા કે નાટક લખવામાં આવે અને પછી તેને નાટક દ્વારા પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે તે યોગ્ય છે ખરું ? આ મુદ્દા ઉપર હાલમાં પુષ્કળ વિવાદ ચાલી રહ્યો છે.
થોડા વખત પહેલાં હરિલાલ ગાંધીનાં પૌત્રી ઊર્મિ દેસાઈએ જાહેરમાં પત્ર લખીને ગાંધીજીના જીવનની હકીકતોને અવળી રીતે રજૂ કરવામાં આવે છે એવી ફરિયાદ કરી હતી. (“ગુર્જરી”ના જુલાઈ 1998ના અંકમાં એ પત્ર છપાયો હતો.) ગંભીર હકીકતદોષો તરફ ધ્યાન દોરવા છતાં તે પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવી છે એ તેમની ખાસ ફરિયાદ છે.
લોકશાહીમાં ગાંધીજી જેવી વિભૂતિને પણ ચર્ચાને ચાકડે ચડવું પડે છે. એમાં આમ તો કાંઈ ખોટું નથી. પણ કંઈક બુદ્ધિગમ્ય ચર્ચા થાય અથવા બૌદ્ધિક સ્તરે ગાંધીજીના વિચારોનું મંથન, દોહન થાય તો તે ઉપયોગી પણ નીવડે. એને બદલે વિવાદ જગાવીને પોતાનું કામ સાધી લેવાની વૃત્તિ જો રહેલી હોય તો તેની ચર્ચા થવી જ જોઈએ.
ગાંધીએ તો એનું સમગ્ર જીવન કોરી કિતાબ જેવું જગતની સામે મૂકી દીધું છે. એકલદોકલ નહીં, પણ હજારોની સંખ્યામાં વિશ્વના ખૂબ ઊંચાઈએ પહોંચેલા મહામાનવોએ ગાંધીજીને, તેમના વિચારોને, તેમના આદર્શોને, નિષ્ઠાને પ્રામાણિક સર્ટિફિકેટો આપી દીધા છે. એટલે ગણ્યાગાંઠ્યા કોઈ વેંતિયાઓ, તકસાધુઓ, લેભાગુઓ કે મુફલીસો ચારેકોર ગાંધીનો પુનરપિ પુનરપિ વધ કરીને પછી પોતાનો જય જયકાર કરીને હોબાળો મચાવે તેથી આમ તો બહુ વ્યથિત થવાની જરૂર નથી.
વર્તમાન જગતમાં તમે નિગેટિવ બનો તો તમને પ્રસિદ્ધિ વહેલી મળે છે. આમાં તમારે ગાંધી જેવું વિશ્વમાં પંકાયેલું કોઈ પાત્ર શોધી લેવાનું અને પછી એને ચર્ચાના ચાકે ચડાવવાનું. એમ કરવામાં સાચી હકીકતોની સંભાળ લેવામાં ઐસી કી તૈસી, બસ, લોકો તો કુતૂહલવશ પણ જોડાવાના જ છે. અને આમ પછી આપણું ટટ્ટુ ચાલશે જ. આવી કોઈક ફોર્મ્યુલા પર આ સમગ્ર લેભાગુ વર્ગ કામ કરતો હોય છે. એ બધાં કંઈ રિચાર્ડ ઍટનબરો નથી કે જે વીસ વીસ વર્ષો સુધી ગાંધીના જીવનને ઝીણવટથી તપાસવાની ધીરજ રાખે અને પછી જ એના પર ફિલ્મ બનાવે. કે નથી એ લોકો કોઈ સર્વપલ્લી રાધાકૃષ્ણન્, કે સિત્તેર જેટલી વિદેશી વ્યક્તિઓને મળી, ચકાસીને પછી કોઈ પુસ્તક લખે. ઈન્ટરનેટના યુગમાં ‘જર્નાલિઝમ’નું કલેવર બદલાયું છે. મોટી અને જાણીતી વ્યક્તિઓનાં જીવન વિશે કોઈ રોમાંચક કથાઓને બજારમાં મૂકવાથી વેચાણ સારું થઈ શકે છે કેમ કે વાણી સ્વાતંત્ર્યની ઢાલ નીચે એની કોઈ સજા નથી.
ગાંધીને આપણે આજે બજારુ અને આપણી નબળાઈઓથી ભરેલી લૂઝ ‘વેલ્યુઝ’થી મૂલવીએ છીએ. ગાંધી સામે ગોડસેનો મહિમા થાય, ગાંધીનું ઘસાતું બોલાય અને પેલા જાણે વીરપુરુષ હોય એમ એને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાય ત્યારે આ વધારે પડતું છે એમ લાગે છે અને આપણે કેટલા બેવકૂફ છીએ તેનું ઉઘાડેછોગ પ્રદર્શન કરતા હોઈએ એમ લાગે છે. આમાં દેશદ્રોહ છે. ગાંધીને કારણે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા છીએ એ ઐતિહાસિક ઘટનાને આપણે ભૂલી જઈએ છીએ.
બેશક, ગોડસે હત્યારો છે. જે હત્યા કરે તેને જો હત્યારો ન કહેવાય તો એને બીજું શું કહેવાય? એની દૃષ્ટિએ કારણો ગમે એટલા મજબૂત હોય; પણ તેથી બીજાના વિચારો જોડે સંમત ન થઈએ એટલે એને ખતમ કરી નાખવું એ વિચાર જ બહુ ખતરનાક છે. જો આપણે બધા એમ જ કરવા બેસીએ તો આપણામાંથી કેટલા બચે ?… પોતાના વિચારો વ્યક્ત કરવાનો કોઈને પણ પૂરો હક છે. અન્યના વિચારોને ધીરજપૂર્વક સહન કરવાના ઔદાર્યથી તો લોકશાહી પુખ્ત બનતી હોય છે. એની પ્રતીતિ અમેરિકામાં આપણે રોજ કરીએ છીએ.* ‘અ માઇનર બર્ડ’ નામની એક કવિતામાં ઘરઆંગણે વૃક્ષ પર બેસીને ગીત ગાતાં કોઈ પંખીને હાથની તાળીઓ પાડીને ઉડાડી મૂકવાના કૃત્યને પણ રોબર્ટ ફ્રોસ્ટે તો ગુનો કહ્યો છે. એમનાં કાવ્યની છેલ્લી બે પંક્તિ છે :
And of course there must be something wrong
In wanting to silence any song.
[Robert Frost]
ગાંધીજીની હત્યાનો પ્રશ્ન ‘ગુજરાતી વિરુદ્ધ મરાઠી’ કે ‘હિંદુ વિરુદ્ધ મુસ્લિમ’ વચ્ચેનો નથી. માત્ર સાંકડા દૃષ્ટિકોણથી એને ન જોવાય. પ્રશ્ન એ છે કે, એક ‘સિવિલાઈઝ્ડ નૅશન’ તરીકે આપણે જંગલી અવસ્થામાં રહેવા માગીએ છીએ કે વૈચારિક મતભેદ વચ્ચે પણ આપણે સહિષ્ણુતાથી અડીખમ ઊભા રહી શકીએ એવું વાતાવરણ સર્જવા માગીએ છીએ?
થોડાં વર્ષ પહેલાં એક વિદ્વાન સાથે વાત થતી હતી ત્યારે એમણે એક બાણ છોડ્યું, ‘ગાંધીજીની બ્રહ્મચર્યવૃત્તિની વાતમાં હું સંમત થતો નથી’. એમાંથી હજી તો કળ વળે તે પહેલાં એમણે બીજું બાણ છોડ્યું, ‘ગાંધીજીની નિઃસ્વાદવૃત્તિ સાથે હું સંમત થતો નથી.’
આ જાતનો એક નવો ઠઠેરો વળી હમણાં હમણાંનો ચાલે છે. અલ્યા બાબાભાઈ, ગાંધીજીની સાથે સંમત કે અસંમત થનારા આપણે કઈ વાડીના મૂળા!
દેશને આઝાદી અપાવવાનું એમનું તો એક મિશન હતું. એમાં દૃઢ મનોબળવાળાઓની એમને તાતી જરૂર હતી, એવા કે જે ધારાસણામાં સામી છાતીએ લાઠીના ઘા ઝીલી શકે. તો સાજન, કહોને, કહોને, સાજન, તમારે કયું મિશન છે ?
પણ ઠીક છે, ગાંધીનું નામ લઈને પંગુઓ ભલે લંઘયતે ગિરિમ્. જયન્તભાઈ પંડયાએ લખ્યું છે તેમ આ બધા અવાજો ચાર દિવસના મહેમાન છે, પછી મુંબઈના દરિયામાં ડૂબી જશે. જ્યારે ગાંધીનો અવાજ સદીઓ વીંધીને પ્રવર્તશે, ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં.
પાદટીપ :

જયન્ત મ. પંડ્યા
ફિલાડેલ્ફિયામાં એક વાર્તાલાપમાં, પ્રાધ્યાપક જયન્તભાઈ પંડ્યાએ ગાંધીજી વિશે વાત કરી હતી. ‘ગાંધી આજે રેલેવન્ટ ખરા?’ એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે ‘ઠગોની વચ્ચે સતવાદીનું રેલેવન્સ હંમેશાં રહેવાનું છે.’ ગાંધીને આપણે બજારુ મૂલ્યોથી મૂલવીએ છીએ એટલે આપણે ગૂંચવાઈએ છીએ. ગાંધીએ નીતિમત્તા કેળવી હતી. કોઈ પાસેથી સાદાઈ લીધી, કોઈ પાસે અહિંસા લીધી, કરુણા લીધી, બ્રહ્મચર્ય લીધું. અને પછી આખી જિંદગી એ બધાને વળગી રહ્યા.
હરિલાલ સંબંધમાં એમણે ક્યાં ય ગાંઠ નથી રાખી. સંબંધ હંમેશાં પ્રેમનો રાખ્યો છે. હરિલાલે પ્રેમ રાખ્યો પણ સાથે સાથે ધૂંધવાટ પણ રાખ્યો. એક વાર બા અને બાપુ રેલવેમાં જતા હતા ત્યારે હરિલાલ સ્ટેશન પર મળવા આવેલા. સાથે ચાર સંતરાં લેતા આવેલા તે કસ્તૂરબાને આપતાં કહ્યું કે, ‘આ તમારા માટે જ છે.’ આથી ડોસા ઉપર શું ગુજરી હશે એની આપણે તો માત્ર કલ્પના જ કરવાની રહી.
(‘ઓપિનિયન’ નવેમ્બર 1999માંથી સાભાર)
*1999.
07 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 356