23 માર્ચ 2025, ભગતસિંહની શહીદીના દિવસે રાત્રે 9.00થી 10.30 સુધી યૂટ્યૂબર જ્યોત્સના આહિરે ઓનલાઈન સંવાદસભાનું આયોજન કરેલ. વિષય હતો : ‘શું ઔરંગઝેબ બધી સમસ્યાનો ઉકેલ છે?’ આ સંવાદસભામાં ભૂપેન્દ્રસિંહ રાઓલ / જગદીશ બારોટ / ડો. દિનેશ ધાનાણી / રમેશ સવાણી જોડાયા હતા. સમસ્યા અને તેના ઉકેલ અંગે ચર્ચા થઈ.
જ્યોત્સના : ઔરંગઝેબ આપણા મીડિયાનો ફેવરિટ ચહેરો બની ચૂક્યો છે. ધાર્મિક સંગઠનો / સરકાર માટે ઔરંગઝેબ દરેક સમસ્યાનું સમાધાન બની ગયો છે. ‘જો ઔરંગઝેબની કબર હટી જશે તો ભારતની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આપણા જમીની મુદ્દાઓ છે, ગરીબી / બેરોજગારી / રૂપિયાનું અવમૂલ્યન / સુરક્ષાનો અભાવ / શિક્ષણ-સ્વાસ્થ્યની સમસ્યાનું સોલ્યુશન આવી જશે. દેશ સોને કી ચીડિયા બની જશે !’ આવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. શું ખરેખર સમસ્યાઓ દૂર થઈ જશે?
રમેશ સવાણી : મૂળ વાત એ છે કે શાસક પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માટે ધાર્મિક મુદ્દાઓ ઉછાળતા હોય છે. ભૂતકાળમાં જ્યારે ડોલરના મુકાબલે રૂપિયો ગગડી ગયો ત્યારે હાલના વડા પ્રધાને, તત્કાલીન વડા પ્રધાનની કેવી કેવી આલોચના કરી હતી, આટલી મોંઘવારી, બેરોજગારી છે / લોકોની અસલામતી છે / હેલ્થકેર બિમાર છે. શિક્ષણ ખાડે ગયું છે. આ બધાં મુદ્દાઓ અંગે લોકો વિચારે નહીં, એની કોઈ ચર્ચા ન કરે, તે માટે ઔરંગઝેબ બહુ જરૂરી છે ! ઈરાદાપૂર્વક, સમયાંતરે આવા મુદ્દાઓ ઊભા કરવામાં આવે છે. શાસકની નિષ્ફળતા છુપાઈ જાય, શાસકની વાહવાહી થાય, પરંતુ દેશને, સમાજને અને વ્યક્તિને આનું ભયંકર નુકસાન થાય. ગુજરાતમાં 2002માં જે હિંસા થઈ તેના આરોપીઓ સાબરમતી જેલમાં છે, તેમને કોઈ પૂછતું નથી, અને જેમણે ઉશ્કેરાટ કરાવ્યો તે સત્તાના મેવા ખાય છે. આમાંથી પણ લોકો કોઈ બોધપાઠ લેતા નથી. કેમ નથી લેતા? ધર્મનો નશો જ એવો છે કે તેમાં લોકો કંઈ વિચારતા નથી. લોકો પોતાની વિવેકશક્તિ ગુમાવી બેસે છે. પોતાની સત્તા ટકાવી રાખવા, સમાજને મધ્યયુગમાં લઈ જવાનું કાવતરું છે. 1947 પહેલા પણ ગાંધીજી સામે કોમી દાવાનળનો પ્રશ્ન હતો. પરંતુ ગાંધીજીએ હિંદુ મુસ્લિમ સમુદાયને સમજાવ્યા. જો ગાંધીજી ન હોત તો આઝાદી પહેલાં જ લાખો લોકો અંદરોઅંદર કપાઈ જાત. મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ઉશ્કેરવાનું કામ કરતા હતા. હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત જળવાઈ રહે તે તો અંગ્રેજો ઈચ્છતા હતા. એ સમયના રજવાડા પણ ઈચ્છતા હતા કે હિન્દુ મુસ્લિમ અંદરોઅંદર ઝઘડતા રહે તો પોતાની સત્તા જળવાઈ રહે. આ સત્તાની ગંદી રમત છે.
જ્યોત્સના : અવાજ ઊઠી રહ્યો છે, પરંતુ અવાજ ઊઠાવનારને હિન્દુવિરોધી, વામપંથી, એન્ટિનેશનલ ઠરાવે છે. ‘તમને હિંદુ ધર્મ જ દેખાય છે? મુસ્લિમોની આલોચના કેમ કરતા નથી? તમે ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકનો બચાવ કરો છો?’ એવી દલીલ કરે છે.
ભૂપેન્દ્રસિંહ રાઓલ : ઔરંગઝેબની કબર 318 વર્ષથી છે. એ કબર પછી પેશ્વા અને મરાઠા સામ્રાજ્યનો જબરજસ્ત ઉદય થયો હતો. એ લોકોએ કબર કેમ ન હટાવી? શિવાજીએ અફઝલખાનને માર્યો હતો, પણ અફઝલખાનની કબર શિવાજીએ બનાવી હતી. અફઝલખાનની કબર તોડવા પ્રયત્ન થયેલ ત્યારે ખબર પડી કે આ તો શિવાજીએ બનાવેલી છે, એટલે રોકાઈ ગયા. એટલે મોંઘવારી / બેકારી / વિદેશી દેવું વગેરે પ્રશ્નો ભૂલવાડવા કઈ રીતે? એટલે ધાર્મિક લાગણીના મુદ્દાઓ આગળ કરવામાં આવે છે. એવા મૂવી બનાવો, ધૃણા ફેલાવો. જેથી લોકો બીજા માર્ગે વળી જાય. આ સરકાર લોકોને ઈમોશનલી ગેરમાર્ગે દોરે છે. અકબરના સમયે 20% અધિકારીઓ હિન્દુ હતા અને ઔરંગઝેબના સમયે 32% અધિકારીઓ હિન્દુ હતાં. સુવર્ણમંદિરમાં આર્મી મોકલવી પડી હતી, કેમ કે ત્યાં આતંકવાદી છૂપાયેલ. તેમ કોઈ મંદિર તોડવામાં આવ્યા હોય. ઇતિહાસ કહે છે કે ઔરંગઝેબે 100 મંદિરોને દાન આપેલ. રાજાઓને ધર્મની દૃષ્ટિએ મૂલવો તો લોચો પડે. રાજા હંમેશાં ધન, સંપત્તિ, વિસ્તાર માટે કામ કરતો હોય છે. શિવાજીના સૈન્યમાં મુસ્લિમો હતા. શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારે વેપારીઓની આરતી ઊતારી હશે? રાજાઓ ઓલમોસ્ટ ક્રૂર જ હતા. વિરોધી રાજા હારે તેનું અપમાન કરવાની પ્રથા હતી. હિન્દુ રાજાઓએ પણ હિંદુ / જૈન / બૌદ્ધ મંદિરો તોડેલા છે. તેઓ સત્તા માટે લડતા હતા, હિન્દુ-મુસ્લિમ માટે લડતા ન હતા.
જ્યોત્સના : કેન્દ્રના મિનિસ્ટર અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પણ કહે છે કે કબર હટાવી દેવી જોઈએ.
જગદીશ બારોટ : હાલ ઔરંગઝેબ કેમ જીવતો થયો? એમને જીવતા કરવાનું શું કારણ છે? મૂવીવાળા સત્તાપક્ષને ખુશ કરવા અતિશયોક્તિભરી મૂવી બનાવે છે. તે સમયે શાસન કરવાની આ પદ્ધતિ હતી. ઈશુ ખ્રિસ્તને માંચડે જડી દીધા હતા, ત્રણ દિવસ કણસતા રહ્યાં હતાં. એ માટે હુકમ તે વખતના રાજાએ જ કર્યો હતો. ઔરંગઝેબે શિવાજીને, તેના પુત્રને અન્યાય કર્યો હશે, પરંતુ રાજ્યસત્તાના વિસ્તાર માટે દરેક રાજા આવું કરતા હોય. ઔરંગઝેબે પોતાના સગા ભાઈ દારાશિકોહનું માથું કાપીને પોતાના પિતાને મોકલ્યું હતું. પોતાના ભાઈ મુરાદની પણ હત્યા કરી હતી. પોતાના પિતાને 8 વરસ જેલમાં પૂર્યો હતો. એટલે ઔરંગઝેબ હિન્દુઓ પ્રત્યે ક્રૂર હતો એવું નથી, પોતાના પરિવાર પ્રત્યે પણ ક્રૂર હતો. આજે પણ શાસકો તરફથી બુદ્ધિજીવીઓને કોઈ આધાર પુરાવા વિના જેલમાં પૂરવામાં આવે છે. સત્તાધીશો માટે આ સામાન્ય છે, વિરોધીઓની કતલ કરવી કે તેમને યાતનાઓ આપવી. એમ કહેવાય છે કે ઔરંગઝેબે મંદિરો તોડી નાખ્યા હતા. પણ આજે વિકાસના કામે હિન્દુ શાસકો પણ મંદિરો તોડી નાખે છે. અયોધ્યાના કેટલાં મંદિરો તોડી નાખ્યા. ઔરંગઝેબે મસ્જિદો પણ તોડી હતી. ઔરંગઝેબનો સેનાપતિ જ હિન્દુ હતો. તેમની સેનામાં હિન્દુઓ હતા. ઔરંગઝેબે તેમને મુસ્લિમ બનાવ્યા ન હતા.
જ્યોત્સના : હાલ પણ મંદિરો તોડવામાં આવે છે પણ તેનો વિરોધ નથી થતો. પણ મસ્જિદ તોડવામાં આવે ત્યારે બૂમો પાડે છે કે જોયું અમે મુસ્લિમોને કેવા ટાઈટ કર્યા !
ડો. દિનેશ ધાનાણી : હું 40 વર્ષ પહેલા અમેરિકા આવ્યો ત્યારે ઇમિગ્રેશન અધિકારીએ પૂછ્યું કે ક્યાંથી આવો છો? મેં કહ્યું કે ઈન્ડિયાથી. તો તેને ઈન્ડિયા વિશે માહિતી ન હતી. માત્ર ગાંધીજી અને તાજમહેલ વિશે તેણે સાંભળ્યું હતું. જે ગાંધીજીએ આઝાદી અપાવી તેમના વિશે દુષ્પ્રચાર થાય છે અને હત્યારા ગોડસેની પૂજા કરવામાં આવે, તે દર્શાવે છે કે દેશ કઈ તરફ જઈ રહ્યો છે. સત્તા ટકાવી રાખવા હિન્દુ-મુસ્લિમ થાય છે. કોઈ પણ ધર્મની કટ્ટરતાનો સામનો હિન્દુ-કટ્ટરતાથી નથી કરવાનો. તેનો વિરોધ સચ્ચાઈથી / આઈડિયોલોજીથી થવો જોઈએ. ખોટું શું છે, તેની સામે વિરોધ છે. આપણને કોઈ માણસ સાથે વિરોધ નથી, કોઈ ધર્મ સાથે વિરોધ નથી. રાજકીય નેતાઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે લોકોને ઉશ્કેરે છે. ડોન્ટ બી ઈમોશનલ, બી રેશનલ.
જ્યોત્સના : આપણે સમસ્યાઓની ચર્ચા કરી, પણ ઉકેલ શું? 2022ના એક સમાચાર હાલ ટ્રેંડમાં છે કે છે કે દસમાં ધોરણના પુસ્તકમાંથી ભગતસિંહને કાઢીને હડગેવારને મૂક્યા છે ! આ પેઢી જ્યારે યુવાન થશે ત્યારે હેડગેવારને જ આદર્શ માનશે ! વર્તમાન તો ડામાડોળ છે, ભવિષ્ય તો આના કરતાં ખતરનાક દેખાય છે. શું આપણે આમાંથી નિકળી શકીશું? આનું સોલ્યુશન શું?
જગદીશ બારોટ : ઉપાય સરળ છે, ગેરસમજણ દૂર કરવી. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સોશિયલ મીડિયા છે. એટલે ગેરસમજણ દૂર કરવાથી આપણે આ સમસ્યામાંથી બહાર આવી શકીએ. આ જ સંવાદસભા પણ સાચી દિશાનું પગલું છે. ધર્મસત્તા, રાજસત્તા અને અર્થસત્તાએ હાથ મિલાવેલ છે. એમની સાથે ધર્મગુરુઓ છે / પૂંજીપતિઓ છે. ગુંડાઓ છે / તંત્ર છે. સાધુઓ / સ્વામિઓ / ધર્મગુરુઓ બેફામપણે સત્તાપક્ષનો પ્રચાર કરે છે. કોર્પોરેટ મીડિયા હિન્દુ-મુસ્લિમ કર્યા કરે છે. આ મોટો પડકાર છે જ. કેટલાંક બહાદુર લોકો છે. રવિશકુમાર / અજિત અંજુમ / અભિસાર શર્મા / ધ્રુવ રાઠી લોકોને જગાડી રહ્યા છે. જાગૃતિ એ જ ઉપાય છે. સાચો માણસ એકલો હોય તો પણ બહુમતીમાં છે ! હિમ્મત રાખવાની છે. આવનારી પેઢીઓ પૂછશે કે આ બધી ધૃણા-નફરત ચાલતી હતી ત્યારે તમારા બાપદાદા ક્યાં હતા? શું કરતા હતા? ત્યારે આપણા વારસદારો કહેશે કે તેમણે પ્રયત્નો કર્યા હતા. ખિસકોલી જેમ શરીર પર માટી ચોંટાડી દરિયો પૂરવામાં મદદ કરતી હતી, એમ તેમણે પ્રયત્નો કર્યા હતા. સામા પ્રવાહે જીવતી માછલી જ તરે, મરેલી માછલી પ્રવાહ સાથે ખેંચાય ! એટલે આપણે જીવતા છીએ તેની આ સાબિતી છે ! આપણે આ કામને લોકહિત / દેશસેવા માનીએ છીએ. સૈનિકો બોર્ડર પર ગોળી ખાય છે, અમે ગાળો ખાવા તૈયાર છીએ. લોકો આપણી નિષ્ઠા જોઈને કહેશે કે આમને કોઈ સ્વાર્થ નથી, એટલે લોકો જોડાશે.
રમેશ સવાણી : ચારેબાજુ નફરત / ધૃણાનો દાવાનળ સળગ્યો છે તેને આપણે ઠારી શકીએ? આપણે દૃઢતાથી કહેવું પડશે કે આવી રીતે દેશ / સમાજ / વ્યક્તિનો વિકાસ ન થાય. નફરતથી ભરેલો માણસ પોતાનો વિકાસ કરી શકે નહીં. આ આપણે સમજાવવું પડશે. સંવાદસભા કરવી પડશે. માત્ર રેશનલ વિચાર સાથે જોડાયેલ જ્યોત્સ્નાના 36 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે સૂચવે છે કે ગુજરાતમાં સમજદાર લોકો છે જ. સંગઠિત પ્રયત્નો કરવા જોઈએ. તાર્કિક વિચારસરણીને વળગી રહીએ. ભગતસિંહનો પાઠ કાઢી નાખ્યો તે અંગે અવાજ ઊઠાવવો જોઈએ. વિચાર જ પરિવર્તન લાવી શકે. વિચારોનું આદાનપ્રદાન થાય તો તેને બળ મળે.
ભૂપેન્દ્રસિંહ રાઓલ : આપણી પાસે સાચી માહિતી હોતી નથી. WhatsApp યુનિવર્સિટીના જૂઠાણાં જ હોય છે. સાચી માહિતી ફેલાવો. તેની અસર પડતી હોય છે. મને એક ભૂવાજીને ફોન આવેલ કે તમારી રેશનલ સભા સાંભળીને મેં ધૂણવાનું બંધ કરી દીધુ છે ! અટક્યા વિના કામ કરતા રહેવાનું છે.
ડો. દિનેશ ધાનાણી : આપણે ચાર વસ્તુઓ પર ભાર મૂકવો જોઈએ : 1. ફિઝિકલ હેલ્થ. 2. મેન્ટલ હેલ્થ. 3. સ્પિરિચ્યુઅલ હેલ્થ. 4. એનવાયરમેન્ટલ હેલ્થ. હું હેલ્ધી હોઈશ તો હોસ્પિટલમાં મારો બેડ બીજાને આપી શકીશ. મેન્ટલ હેલ્થમાં એ આવે કે આ બધા ધર્મો રોગ છે. તમને એ રોગ તરીકે દેખાતો નથી. તેણે માણસની વિચારશક્તિને ખતમ કરી નાખી છે. ધર્મ ઈરેશનલ છે. મુસ્લિમની વાત છોડો, આપણે હિન્દુઓની અંદર અમુક હિન્દુઓને દૂર રાખીએ છીએ. સ્પિરિચ્યુઅલ હેલ્થ એટલે Consciously વિયારવું. એનવાયરમેન્ટલ હેલ્થ એટલે આપણે પર્યાવરણને શુદ્ધ રાખવું પડશે. નહીંતર આપણા બધાનો નાશ થશે. હકારાત્મક વલણ પ્રત્યે જ આપણે લક્ષ્ય આપવાનું છે. માણસ બનીએ. સાહિર લુધિયાનવી કહે છે : ‘તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા.’ નીરજ કહે છે : ‘મૈં બસાના ચાહતા હૂં સ્વર્ગ ધરતી પર, આદમી જિસ મેં રહે બસ આદમી બનકર.’ અંધારુ દૂર કરો, અંધારું દૂર કરો એવી બાંગ પોકારવાની જરૂર નથી, દીપક પ્રગટાવો અંધારું દૂર થઈ જશે. આપણે ભૂતકાળમાં જવું શા માટે છે? અત્યારે સાયન્સ / ટેકનોલોજીમાં શું ચાલે છે એની ચર્ચા થવી જોઈએ. આપણું જીવન જ એવું હોવું જોઈએ જે સંદેશ આપે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર