
હેમન્તકુમાર શાહ
દિલ્હીમાં રામલીલા મેદાનમાં લોકસભામાં સત્તાવાર વિપક્ષી નેતા એવા કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ અને કાઁગ્રેસના અન્ય નેતાઓએ એક જંગી સભા વોટ ચોરી મુદ્દે ૧૪મી ડિસેમ્બરે, રવિવારે યોજી હતી. સોશ્યલ મીડિયા પર તેના જે વીડિયો પ્રસારિત થયા છે તે જોતાં આ સભા ખરેખર જંગી હતી.
હવે આ સભા વિશે અમદાવાદનાં અખબારોમાં જે સમાચાર આવ્યા છે તેનું વિશ્લેષણ અહીં આપ્યું છે. તેનાથી ખ્યાલ આવશે કે મુદ્રિત મીડિયા કેવી રીતે અત્યારે કામ કરી રહ્યાં છે.
(૧) ગુજરાત સમાચાર:
અંદરના ૧૩મા પાને, ત્રણ કોલમના સમાચાર. ફોટા વિના.
(૨) સંદેશ:
અંદરના પાના નં. ૧૩ ઉપર બે કોલમના સમાચાર. કોઈ ફોટો નહીં.
(૩) ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા:
અંદરના પાના નં. ૬ ઉપર બે કોલમના સમાચાર. તેમાં રેલીનો ફોટો નહીં પણ રાહુલનો એક કોલમનો સવા ઇંચનો ફોટો.
(૪) ઇન્ડિયન એક્સપ્રેસ:
અંદરના છઠ્ઠા પાને ચાર કોલમના સમાચાર. ત્રણ કોલમનો લગભગ બે ઇંચનો ફોટો.
ઉપરોક્ત ચારમાંથી એક પણ છાપાને દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી નેતાની આટલી મોટી સભાના સમાચાર પહેલા પાને લેવા જેવા લાગ્યા જ નહીં એ આશ્ચર્ય ન કહેવાય? આમ જુઓ તો વિપક્ષી નેતા લોકશાહીમાં વડા પ્રધાન જેટલા જ દરજ્જાવાળું સ્થાન ગણાય.
મુદ્દો તો એ છે કે વોટ ચોરીથી નાગરિકોનો મતાધિકાર છીનવાઈ જાય એને આ અખબારો કોઈ ગંભીર મુદ્દો ગણતા જ નથી, કે પછી રાહુલ અને કાઁગ્રેસ કંઈ પણ કરે તો તેને અવગણવાનું નક્કી કરવામાં આવ્યું છે? આ માનસિકતા છે કે પછી સંઘસર્જિત નરેન્દ્ર મોદી અને ભા.જ.પ.ના ઇશારે આ થઈ રહ્યું છે?
શું નરેન્દ્ર મોદીએ રામલીલા મેદાનમાં આવી જ સભાને સંબોધી હોત અને કંઇ પણ ફેંકાફેંક કરી હોત તો આ અખબારોએ આમ જ કર્યું હોત?
તા.૧૫-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

