
રવીન્દ્ર પારેખ
એનો આનંદ છે કે ઓપરેશન સિંદૂરને કારણે આખો દેશ સિંદૂરિયો થઈ ગયો છે, પણ હવે આત્મ નિરીક્ષણ કરીને, વાસ્તવિક પરિસ્થિતિ કેવીક છે, તે જોવાની જરૂર છે. એવું નથી કે 11 વર્ષનાં ભા.જ.પ.નાં કાર્યકાળમાં કૈં થયું જ નથી. જનધન, આયુષ્યમાન, ઉજ્જવલા જેવી યોજનાઓ દ્વારા લોકકલ્યાણનાં કામ થયાં જ છે. મોદી સરકારનાં ત્રણ ત્રણ કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, તીન તલાકનો ગુનાહિત કૃત્યમાં સમાવેશ, મહિલા આરક્ષણ કાયદો, વકફ કાયદામાં સંશોધન, 370મી કલમની નાબૂદી જેવાં ઘણાં કામ થયાં છે, તેની ના પાડી શકાશે નહીં. નોટબંધી, ન્યાયપાલિકામાં સુધાર, સ્માર્ટ સિટી એવમ્ આદર્શ ગ્રામ યોજના, નવી શિક્ષા નીતિનો અમલ- જેવામાં ધારી સફળતા મળી નથી, પણ 81.5 કરોડ જનતા સરકારની મફત અન્ન યોજનાથી ધરાયેલી છે તે પણ સ્વીકારવું ઘટે. પણ, દયનીય સ્થિતિ શિક્ષિતોની છે –
હજારો, લાખો રૂપિયા ખર્ચીને જે ભણી પરવાર્યા છે, તેમને માટે નોકરી નથી. જે છે તે હંગામી છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી છે. એ નોકરી નથી, લાઇસન્સ છે જે રિન્યૂ કરાવતાં રહેવાનું છે. જે પ્રકારની મોંઘવારી છે, તેની સામે કોન્ટ્રાક્ટ નોકરીનો પગાર મશ્કરી જેવો છે. દેશ તો વર્લ્ડ ઇકોનોમીમાં જાપાનને પછાડીને ચોથા નંબરે પહોંચી ગયો છે ને કાલે ત્રીજા નંબરે પણ પહોંચશે, પણ એથી સામાન્ય નાગરિકનો દા’ડો વળ્યો છે કે કેમ તે જોવાનું રહે જ છે. વર્લ્ડ ઇકોનોમીમાં દેશ આગળ વધ્યો હોય ને આખો દેશ કોન્ટ્રાક્ટ નોકરી પર મુકાયો હોય તો, આનંદ કે ગૌરવ થાય એવું ઓછું જ છે.
મંત્રીઓના રસાલા પાછળ કોઈ કરકસર થતી ન હોય, ઉચ્ચ અધિકારીઓ કાયમીનો લાભ મેળવતા હોય, કારણ વગરનાં ઉજવણાંમાં કરોડોનો ધુમાડો થતો હોય ને શિક્ષિતોને કોન્ટ્રાક્ટ પર નોકરી દસ-વીસ હજારની આપતાં પણ હાથ ખેંચાતો હોય, તો સમાનતા અને સમભાવ પાયામાંથી નથી તે સ્વીકારવું પડે. વાત શિક્ષણ ક્ષેત્રની જ નથી, નોકરીનાં તમામ ક્ષેત્રોમાં આ હાલત છે. આ કરકસર નથી, કંજૂસાઈ છે. ક્યાંક વહીવટી વિવાદો પણ ભાગ ભજવે છે ને જગ્યાઓની મંજૂરી સરકારે આપી હોવા છતાં, ભરતી ઘોંચમાં પડે છે.
28 મે, 2025ના જ સમાચાર છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક સમયે વહીવટી કર્મચારીઓની સંખ્યા 500ની હતી, તે હવે 50 પર ઊતરી આવી છે. રાજ્ય સરકારે બબ્બે વખત મંજૂરી આપી હોવા છતાં, વહીવટી વિવાદોને કારણે ભરતી અટકી પડી છે. યુનિવર્સિટી દ્વારા ફરી ભરતીની દરખાસ્ત કરવામાં આવી છે ને કમાલ એ છે કે હવે ભરતી માટે મંજૂરી મળતી નથી. અત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, સિસ્ટમ મેનેજર, મદદનીશ કુલસચિવ, પ્રકાશન અધિકારી … જેવી અનેક જગ્યાઓ ખાલી છે. આવતાં જૂનમાં વધુ કાયમી કર્મચારીઓ નિવૃત્ત થશે, એ સ્થિતિમાં નવી નિમણૂક થાય એ જરૂરી છે, પણ સરકાર બને ત્યાં સુધી નિમણૂક ન થઈ જાય એની કાળજી રાખે છે. ગુજરાતનું વિકાસ અને રોજગારીનું મોડેલ વાયદા અને ફાયદા પર નિર્ભર છે. સરકારી વિભાગોમાં, પોલીસ ખાતામાં, કોર્પોરેશનમાં, હેલ્થ સેક્શનમાં, એરપોર્ટ પર, પોસ્ટમાં જરૂર મુજબ કરાર આધારિત નોકરીઓ અપાય છે. સચિવાલયમાં ફેશન જરા જુદી છે, ત્યાં નિવૃત્ત અધિકારીને જ કોન્ટ્રાક્ટ પર રાખી લેવામાં આવે છે. એથી ડિપાર્ટમેન્ટને અનુભવી અધિકારી તો મળે જ છે, પણ નવી નિમણૂકનો અધિકાર આંચકી લેવાય છે. આપણે ત્યાં કોન્ટ્રાક્ટનું ગુજરાતી, શોષણ થાય છે, કારણ નજીવા પગારે માણસો રાખી લેવાતા પૈસાની બચત થાય છે ને પૂરું કામ ધાકધમકીથી લેવાતું રહે છે.
પેટ્રોલ કે પોકેટમની જેટલા ભાવમાં સરકાર અપેક્ષા રાખે છે કે કર્મચારી ઈમાનદારીથી નોકરી કરે ને પરિવારનું પેટ પાળે. એવા પાંચેક લાખથી વધુ કર્મચારીઓ હશે, જે દસેક હજારના પગારમાં કુટુંબનો નિર્વાહ કરવા વિવશ છે. એક ટ્રાફિક પોલીસ કે કોન્સ્ટેબલ દસેક હજારના કોન્ટ્રાક્ટ પર હોય ને તે કરપ્ટ હોય તો તેને માથે માછલાં ધોવાય છે. અહીં કરપ્શનનો બચાવ નથી, પણ ભૂખે ભજન કરાવવાની દાનત ખોરી છે. ટ્રાફિક પોલીસનો જ દાખલો લઈએ. સિગ્નલ પર ટાઢ-તડકા-વરસાદમાં ધુમાડા, ઘોંઘાટ અને લોકો સાથેની રકઝક વચ્ચે એ ઊભો હોય છે. નથી એને પીવાનાં પાણીની પૂરી સગવડ કે નથી હોતાં ટોઇલેટ-બાથરૂમનાં ઠેકાણાં. આવામાં ટૂંકા પગારમાં ઘર ચલાવવા, લાંચ માટે ક્યાં સુધી ન લલચાય તે પ્રશ્ન જ છે.
કોર્પોરેશન શાળાઓમાં જ નહીં, અન્ય વિભાગોમાં પણ 400-500ના રોજ પર રોજમદારો રાખે છે. તેમાં રજા હોય તો રોજ મળતો નથી. ઓછા પગારે કામચોરી કે લાંચ તરફ ખેંચાવાનું એવા કર્મચારીઓમાં સામાન્ય થઈ પડે છે. એની દાઝ ઘણી વખત સામાન્ય લોકો પર કઢાય છે ને વેઠવાનું એમને આવે છે, જેમનો કોઈ વાંક નથી. શિક્ષિતોને રોજગારી મળતી નથી, મળે છે તો પગાર ભીખ જેવો હોય છે ને કરપ્ટ નેતાઓ એ શિક્ષિત ભિખારીઓને ઈમાનદારી અને પ્રમાણિકતાનો ઉપદેશ આપતા રહે છે. દેખીતું છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. સરકાર, સાંસદો અને વિધાનસભ્યોને રાતોરાત પગાર અને ભથ્થાં તોતિંગ આપે છે, પણ નાના કર્મચારીઓને પગાર આપવામાં ગરીબ થઈ જાય છે. સરકારને પોતાને માટે ગરીબી નડતી નથી, ઉજવણાં કરવાં પણ તિજોરી ખુલ્લી રહે છે, પ્રજા પાસેથી ઠેર ઠેર ટેક્સ અનેક રીતે નીચોવાય છે, પણ પ્રજાને આપવાનું આવે છે, તો સંકોચાય છે.
સૌથી વધુ કંજૂસાઈ કદાચ શિક્ષણ વિભાગમાં ચાલે છે. એમાં મજૂરો રાખવા કરતાં માસ્તરો રાખવાનું સસ્તું પડે છે. તે તો દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી જ છે ! ભણાવવા સિવાયનાં બધાં કામ તેની પાસેથી કઢાવાય છે. તેને ભણાવવા દેવાતો નથી, પણ નેતાઓનાં ભાષણ માટે તે ભીડ એકઠી કરી આપે છે. રસીકરણ કે ટીકાકરણમાં, વસ્તી ગણતરીમાં, ચૂંટણી મથકોમાં, પ્રવેશોત્સવમાં, ગુણોત્સવમાં, કસોટીઓમાં, પરિપત્રોના જવાબો આપવામાં, ડેટા મોકલવામાં માસ્તર બહુ કિફાયતી છે. એ બધું તે વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયકની ટેગ નીચે ફિક્સ પગારમાં કરતો રહે છે. કાયમી શિક્ષક કરતાં તે વધારે વૈતરું કરે છે, પણ પગાર ત્રીજા ભાગનો જ મેળવતો હોય તો નવાઈ નહીં ! આટલું કરવામાં કસૂર થાય તો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આફત આવી પડે છે. આને શોષણ કહેવાય એની ખબર સરકાર સિવાય બધાંને છે.
હેલ્થ, સફાઇ જેવાં ક્ષેત્રોમાં પણ મોટે ભાગનાં કામ કોન્ટ્રાક્ટ પર અપાય છે. સારું છે કે ડોકટરો કોન્ટ્રાક્ટ પર નથી રખાતા, નહિતર દવાનો ડૉક્ટર, ઇન્જેક્શનનો ડૉક્ટર, ઓપરેશનનો ડૉક્ટર .. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારે રખાય એમ બને. સફાઇ કામદારોને પણ સમ ખાવા પૂરતો પગાર અપાય છે. આમ તો વિધાનસભા કે લોકસભા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર જ ચાલે છે, પણ સફાઇ કામદાર કે શિક્ષકના કોન્ટ્રાક્ટમાં પાયાનો ફરક એ છે કે સફાઇ કામદારનો કોન્ટ્રાક્ટ પૂરો થતા તે ઘર ભેગો થાય છે ને સાંસદ કે વિધાનસભ્ય ટર્મ પૂરી થતાં પેન્શન અને અન્ય લાભો મેળવવા હકદાર બને છે. પેન્શન ને અન્ય નિવૃત્તિ લાભો ન આપવા પડે એટલે શિક્ષક કે સફાઇ કામદારને કોન્ટ્રાક્ટ પર રખાય છે. હલકું નામ હવાલદારનું એ ન્યાયે કોન્ટ્રાક્ટ પર રખાયેલાનો ભ્રષ્ટાચાર છાપે ચડે છે ને તે શિક્ષાને પાત્ર પણ ઠરે છે, જ્યારે કોર્પોરેટરો, વિધાનસભ્યો, સાંસદો અનેક કોન્ટ્રાકટોમાં કરોડોનાં ભ્રષ્ટાચાર કરે છે ને પકડાવાનું થાય તો એકાદ નાના માણસને વધેરીને દોષનો ટોપલો તેને માથે નાખી દેવાય છે.
કાયમી કમાય ને કોન્ટ્રાક્ટવાળો પસ્તાય – એ સ્થિતિ છે. એનું કોઈ બેલી નથી. એની ક્યાં ય રજૂઆત નથી. જો કે, સુપ્રીમ કોર્ટે આની નોંધ ગયા ફેબ્રુઆરીમાં જ લીધી છે. તેનું કહેવું છે કે ભારતીય શ્રમ કાયદો, કાયમી કામ હોય ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિની ફેવર નથી કરતો. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ કર્મચારીનાં શોષણ માટે કે તેને લાભથી વંચિત કરવા ન કરી શકાય. કામચલાઉ ભરતીમાં પણ કર્મચારીઓ વર્ષો સુધી સેવાઓ આપતા હોય તો તેમનું યોગદાન કાયમીથી ઓછું ન અંકાવું જોઈએ – એવો ચુકાદો સુપ્રીમે આપ્યો છે. પણ સરકારને એ કોણ સમજાવે? તેણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ જ એટલે કરી છે કે વર્ષો સુધી હંગામી તરીકે સેવા આપી હોય, તો પણ તેને કાયમી કર્મચારીઓ જેવા અધિકારો ન મળે. આ બધી રીતે નિંદનીય છે. શિક્ષણનું કામ હંગામી ન હોય, તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કેટલીક સરકારી ઓફિસોમાં કાયમી સેવાની ગરજ રહેતી જ હોય છે, ત્યાં કોન્ટ્રાક્ટ પર રખાતા કર્મચારીઓ કે અન્યત્ર એ રીતે રખાતા કર્મચારીઓ, શોષણને ઇરાદે રખાતા હોય તો તેનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ. કેટલાક લાલચુ અને કંજૂસોનું ચાલે તો તે રૂપિયો ય ઓછો લે એમ નથી, પણ ફાયદો થતો હોય તો આખો દેશ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપી દે એમ બને …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 મે 2025