અસ્વીકારની કૂખમાંથી પરિવર્તનનો જન્મ થાય છે
મૂલ્યભાન સમયસાપેક્ષ હોય છે અને કાયદાનો કડપ કે ભય વ્યવસ્થાસાપેક્ષ હોય છે. જ્યારે ગાંધીજી જેવા મહાનુભાવ, રાષ્ટ્રીય આંદોલન, દેશને નવા યુગમાં લઈ જવાની તમન્ના પ્રબળ હોય ત્યારે લોકો ચોરી નથી કરતા, ત્યાગ કરવા લાગે છે. કાળનો પ્રભાવ હોય છે. એવો એક સમય હતો જ્યારે જે.આર.ડી. તાતા ખાદી પહેરતા હતા અને લોકકલ્યાણ માટે સખાવત ન કરે એ શ્રીમંત નહોતો ગણાતો. એ દિવસોમાં કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો કાયદો કરવો નહોતો પડ્યો. ભારતના દરેક શહેર અને કસબામાં પ્રજાકીય વિકાસ માટે મંડળો રચાયાં હતા જે સરકાર તરફ નજર કર્યા વિના સ્વપ્રયત્ને શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરતાં હતાં. કવિ નર્મદ તો ૧૯મી સદીમાં મંડળી મળવાથી થતા લાભ ગણાવીને ગયો હતો. એ સમયે સરકાર પાસેથી રાહત અને સબસિડીની અપેક્ષા રાખવામાં નહોતી આવતી, કારણ કે દરેક માણસ પોતાની કમાણીનો એક હિસ્સો જરૂરતમંદો માટે રાખતો હતો. એ સમયે આજ જેટલા સાધુસંતો પણ નહોતા જે સમાજને નૈતિકતાના પાઠ ભણાવતા હોય. કદાચ માગ અને પુરવઠાનું અર્થશાસ્ત્ર એમાં કામ કરતું હશે.
જ્યારે મૂલ્યભાનનું ધોવાણ થાય છે ત્યારે કાયદાના રાજની અર્થાત્ કાયદાના કડપની જરૂર પડે છે, પરંતુ એ વ્યવસ્થાસાપેક્ષ હોય છે. વ્યવસ્થામાં છીંડાં હોય તો કાયદો નિસ્તેજ સાબિત થાય અને એ સંજોગોમાં સાચાને ન્યાય મળતો નથી અને ખોટાને સજા થતી નથી. આને કારણે સાચા પ્રામાણિક માણસો કાયદાના રાજમાંથી શ્રદ્ધા ગુમાવી દે છે અને ખોટા માણસો કાયદાનો ભય ગુમાવી દે છે. જ્યારે શ્રદ્ધા અને ભય બન્નેનો લોપ થાય ત્યારે વ્યવસ્થા પડી ભાંગે છે. ભારતમાં અત્યારે આ બન્ને સ્થિતિ જોવા મળી રહી છે. મૂલ્યભાનનો લોપ થયો છે અને કાયદાનો કડપ રહ્યો નથી.
આ સ્થિતિમાં અંગ્રેજીમાં જેને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય એવા પ્રકારના જાહેરમાં બૌદ્ધિક વિમર્શ અને ઊહાપોહ કરે એવા લોકોની જરૂર પડે છે. તેઓ પરિસ્થિતિની છણાવટ કરે છે અને માર્ગ ચીંધે છે. જોઈએ તો રસ્તા પર પણ ઊતરે છે. જેટલો વિમર્શ અને ઊહાપોહ પ્રબળ એટલી સંકટમાંથી બહાર નીકળવાની શક્યતા પ્રબળ. આ જગતમાં દરેક પ્રજાને આવા સંકટનો સામનો કરવો પડ્યો છે એટલે એમાં આપણે અપવાદ નથી. જરૂર છે નીરક્ષીર વિમર્શ અને ઊહાપોહની. બીજી બાજુ મૂલ્યહૃાસ અને સડેલી વ્યવસ્થામાં જેમનાં સ્થાપિત હિતો છે એવા લોકો વિમર્શ અને ઊહાપોહ ન થાય એવા પ્રયત્નો કરે છે. બસ, મારામાં શ્રદ્ધા રાખો, હું વ્યવસ્થા બદલી આપીશ એવાં ખોટાં વચનોનાં ગાજર ફેંકનારા નેતાઓ અને બસ, મારામાં શ્રદ્ધા રાખો, હું તમારું જીવન બદલી આપીશ એવાં ગાજર ફેંકનારા બાવાઓની યુતિ રચાય છે. એક સ્થાપિત હિતોને ચોરી કરવામાં મદદ કરે છે અને બીજા પ્રજાને પોઢાડી રાખવાનું કામ કરે છે.
યુતિ રચાય છે એનો અર્થ એવો નથી કે તેઓ કોઈક ગુપ્ત સ્થળે એકઠા થયા હતા અને સમજૂતી કરી હતી. દરેક યુગમાં આવી સમજૂતીઓ એની મેળે થઈ જતી હોય છે. પરિવર્તનના યુગમાં પરિવર્તનની યુતિઓ થઈ હતી. ગુજરાતમાં ભિક્ષુ અખંડાનંદે ગુજરાતી પ્રજાને સસ્તા ભાવે મૂલ્યવાન કાલજયી સાહિત્ય ઉપલબ્ધ કરાવી આપવા સસ્તું સાહિત્યવર્ધક મુદ્રણાલય સ્થાપીને સસ્તું સાહિત્યનું આંદોલન કર્યું હતું. પચાસ વરસથી મોટી ઉંમરનો એવો ગુજરાતી ભાગ્યે જ મળશે જેના ઘરમાં સસ્તા સાહિત્યનું કોઈ પુસ્તક ન હોય કે વાંચ્યું ન હોય. ‘અખંડ આનંદ’ સામયિક એક જમાનામાં ગુજરાતી ભાષામાં સૌથી વધુ વંચાતું સાહિત્ય હતું.
મહારાષ્ટ્રમાં મરાઠવાડામાં જન્મેલા સ્વામી રામાનંદ તીર્થે હૈદરાબાદને નિઝામથી મુક્ત કરવા સત્યાગ્રહ કર્યો હતો અને મરાઠવાડામાં શિક્ષણના પ્રસાર માટે જીવનભર કામ કર્યું હતું. બિહારમાં સ્વામી સહજાનંદ સરસ્વતી હતા જેમણે ખેડૂતોને સંગઠિત કર્યા હતા અને કિસાન સભાની સ્થાપના કરી હતી. ગયા મહિને મુંબઈમાં ખેડૂતોએ જે વિરાટ મોરચો કાઢ્યો હતો એનું આયોજન આ કિસાન સભાએ કર્યું હતું. અત્યારે એ સંગઠન સામ્યવાદીઓના કબજામાં છે. તેમને કોઈએ કહ્યું નહોતું કે તમારે આ કરવાનું છે. એ યુગનો સાદ હતો.
આવા બીજા સેંકડો સાધુઓના દાખલા આપી શકાય જેઓ એ યુગમાં પ્રજાજાગૃતિના કામમાં લાગ્યા હતા. તેઓ આજના પરમપૂજ્યોની માફક પોઢાડવાનું કામ નહોતા કરતા. બે ડૂસકાં, બે ટુચકા, બે-ચાર ગીતોના તાલે ભોળી પ્રજાને નચાવતાં તેમને પણ આવડતું હતું. આજકાલ ઇવેન્ટના સહારે નેતા લોકપ્રિય બને છે અને સાધુ પ્રતિષ્ઠિત બને છે. બન્ને પાછા એકબીજાની પીઠ ખંજવાળતા હોય છે. એમાં વળી શ્રીમંતો અને સેલિબ્રિટીઓ પહેલી પંક્તિમાં બેસીને સાધુના શ્રેષ્ઠત્વનું માર્કેટિંગ કરી આપતા હોય છે. કલ્પના કરો કે ભિક્ષુ અખંડાનંદે નેતાઓની પીઠ ખંજવાળી હોત અને શેઠિયાઓ અને સેલિબ્રિટીઓની ગુલામી કરી હોત તો ગુજરાતી પ્રજા સાંસ્કૃિતક રીતે કેટલી રાંક હોત! ઇવેન્ટો યોજતાં તેમને પણ આવડતું હતું, પણ તેમણે નક્કર કામ કર્યાં હતાં. કાળનો પ્રભાવ હતો.
પૉઝિટિવ થિન્કિંગ એ આ યુગની બીમારી છે કે પછી નેતા-બાવાજીની યુતિનું પરિણામ છે એ કહેવું મુશ્કેલ છે. પૉઝિટિવ થિન્કિંગ એટલે કાંઈ નહીં કરો, બેસી રહો. પૉઝિટિવ થિન્કિંગ એટલે વિચારવાનું નહીં અને ઊહાપોહ કરવાનો નહીં. પૉઝિટિવ થિન્કિંગ એટલે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેવાનું. જો સૉક્રેટિસથી લઈને ગાંધીજી સુધીના લોકોએ પૉઝિટિવ થિન્કિંગ કર્યું હોત તો આજે આપણે ક્યાં હોત? અસ્વીકારની કૂખમાંથી પરિવર્તનનો જન્મ થાય છે. આજકાલ પૉઝિટિવ થિન્કિંગનો મારો ચાલ્યો છે એનું કારણ આ સ્વીકાર્ય નથી એવું કોઈ ન કહે. નેતાઓ, બાવાઓ, છીછરા ચિંતકો સમાજમાં પરિવર્તનલક્ષી વિમર્શ અને ઊહાપોહ ન થાય એ માટે પ્રયત્નશીલ છે અને જો થાય તો એ પ્રજા સુધી ન પહોંચે. વૉટ્સઍપ પર રોજ સવારે શુભચિંતનનો મારો હવે અસહ્ય બની રહ્યો છે.
એટલે આજે દેશને જરૂર છે સાંગોપાંગ ચર્ચાની અને નિર્ભય ઊહાપોહની.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૅપ્રિલ 2018