Opinion Magazine
Number of visits: 9448853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજે મારે ગાંધીની શી જરૂર છે?

સુદર્શન આયંગાર|Opinion - Opinion|18 November 2019

આજે મને ગાંધીની જરૂર ત્રણ કારણે છે : પ્રથમ તો સ્વ-વિકાસ માટે. તેમની પાસેથી સૌથી મહત્ત્વનો બોધપાઠ સ્વ માટેની સતત સાવધાની અને અંતરાત્માના સુધારા અને વિકાસનો મળે છે. બહુમતીના અજ્ઞાન અને બૌદ્ધિકોના અભિમાને આ જ કારણે ગાંધીને નકારીને વ્યક્તિગત જીવનમાં આફતને નિમંત્રી છે. જાહેર અને વ્યક્તિગત જીવનમાં ઈમાનદારી અને સત્યનિષ્ઠા જોખમમાં છે. પશ્ચિમની ઉદારવાદી વિચારસરણીએ ભરોસો બંધાવ્યો હતો કે કોઈ પણ દખલગીરીની ગેરહાજરીમાં નાગરિકસમાજમાં ’સદાચાર, ઈમાનદારી, ફરજ, બલિદાન, માન, સેવા, સ્વ-શાસન, સહિષ્ણુતા, ન્યાય, શિષ્ટતા, હિંમત, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, રાષ્ટ્રભક્તિ, અન્ય માટે નિસ્બત, કરકસર અને આદર’ જેવાં મૂલ્યોનો સમાવેશ થશે. કમનસીબે  સમાજમાં  અતિરેક, મદ, સ્વાર્થ અને લોભ પ્રભાવક બની ગયાં છે. પરિણામે જીહજૂરી વર્તણૂક માન્ય બની છે અને પદચ્યૂત વર્તનને ટેકનૉલોજીની મદદથી નિયંત્રિત કરવા  છોડી દેવાય છે.

ગાંધી પણ વ્યક્તિગત સ્વતંત્રતાના મજબૂત સમર્થક હતા, પરંતુ તેઓ મિલ અને સ્પેનસરની વિભાવના કરતાં અલગ મત ધરાવતા હતા. તેમના મતે સ્વ-નિયમન માટે વ્યક્તિગત જવાબદારી સાથે વ્યક્તિની સ્વતંત્રતા જોડાયેલી છે. તેમણે અગિયાર વ્રતોનું પાલન કર્યું અને અન્યોને પાલન કરવા જણાવ્યું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, અભય, અસ્વાદ, જાતમહેનત, સ્વનિયમન માટેનાં વ્રત છે; જ્યારે સ્વદેશી, સ્પર્શભાવના, સર્વધર્મસમભાવનાં વ્રત ગ્રામીણ વિકેન્દ્રિત અર્થરચના તેમ જ જ્ઞાતિઓ તથા ધર્મો વચ્ચે સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટેનાં છે. વર્તમાન સમયમાં આ વ્રતોને શિક્ષણ અને વ્યવહારમાં વણી લેવા આવશ્યક બની રહે છે.

બીજું કારણ મને માનવજાતનાં ભિન્ન જૂથો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધના વાતાવરણમાં શાંતિસ્થાપના માટે કામ કરવા ગાંધીની જરૂર જણાય છે. જ્ઞાતિભેદ, રંગભેદ અને ધર્મભેદ એ તો રાજકીય  દેખાડો  તથા સમાજ અને સંસ્કૃતિ માટે જોખમ છે. ગાંધીએ આ ખતરાનો દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન  અનુભવ કર્યો. તેમાંથી જન્મ થયો પ્રેમબળનો. અહિંસા અથવા પ્રેમબળ માત્ર હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી વચ્ચેનું જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકામાં રહેતી, અપમાનિત થતી અને માનવ-અધિકારોના ઉલ્લંઘનને સહન કરતી બધી જ જ્ઞાતિ, જાતિ અને ધર્મનું વ્યૂહાત્મક ગઠબંધન તો હતું; પરંતુ ગાંધીજી અંતરના ઊંડાણથી ઇચ્છતા હતા કે સમગ્ર માનવજાત શાંતિ અને સંવાદિતાથી સાથે જીવે. સહુના આ ‘ગાંધીભાઈ’ પશુબળનો નીડરતાથી સામનો કરવા તૈયાર હતા. ૧૯૧૫માં હિંદમાં પાછા આવ્યા બાદ તેઓ સહુ સાથે દિલથી જોડાઈ શક્યા અને પ્રજાએ તેમનામાં પોતાની ઓળખ જોઈ. સહુને સાથે લઈને સ્વરાજ મેળવ્યું. અલબત્ત, તેમની સ્વરાજ માટેની લડતનો આ પ્રથમ મુકામ રાજકીય સ્વરાજ હતો. વિશ્વભરમાં આ સંદેશો પહોંચ્યો અને બે વિશ્વયુદ્ધથી ત્રસ્ત લોકોમાં નવી આશા જન્મી. હિંદુસ્તાન રાજકીય સ્વતંત્રતા મેળવી રહ્યું હતું, ત્યારે આમજનતાએ નહીં, પરંતુ નેતાઓએ ગાંધીનો વિશ્વાસઘાત કર્યો. સત્તા માટેની સાઠમારી અને નફરતની આગ ફરીથી ફેલાઈ. ગાંધી નિરાશ જરૂર થયા, પણ હાર્યા નહીં. નોઆખલીની આગમાં લોકોનાં આંસુ લૂછવા અને ’હિન્દ સ્વરાજ’માં તુલસીદાસને ટાંકીને કહેલા દોહામાં વ્યક્ત થયેલા પ્રેમબળનો મલમ લગાડવા એકલા ચાલ્યા.

દયા ધરમ કા મૂલ હૈ, પાપમૂલ અભિમાન;
તુલસી દયા ન છોડિયે, જબ લગી ઘટ મેં પ્રાન..

દયા અથવા પ્રેમબળ અંગે ગાંધીનો વિશ્વાસ અતૂટ હતો તથા સ્વાતંત્ર્યપ્રાપ્તિ પૂર્વે અને પશ્ચાત્‌ કોમી દાવાનળ ઠારવામાં આ બળની અસરકારકતા જોઈને તત્કાલીન ગવર્નર જનરલ માઉન્ટ બેટને ગાંધી અંગે કરેલી પ્રશસ્તિ જગપ્રસિદ્ધ બની છે, “પંજાબમાં અમારા ૫૫,૦૦૦ સૈનિકો છતાં મોટા પાયે લૂંટફાટ ચાલી રહી છે. બંગાળમાં અમારું બળ એક વ્યક્તિનું બનેલું છે અને ત્યાં કોઈ લૂંટફાટ નથી.”

કમભાગ્યે આજે માત્ર નફરતનો વૈમનસ્ય સાથે પુનઃપ્રવેશ થયો નથી; પરંતુ આ દ્વેષ સમુદાયો અને દેશો વચ્ચે કુદરતી સંસાધનો તથા આર્થિક સત્તાના કેન્દ્રિકરણથી પ્રભાવિત થયેલો છે. આપણા જ દેશમાં નવવ્યાખ્યાયિત રાષ્ટ્રભક્તિનો જે ઊભરો આવ્યો છે; તે બુદ્ધ, કબીર તથા ગાંધીના દેશના સુગ્રથિત સામાજિક-સાંસ્કૃતિક પોતને છિન્નભિન્ન કરવા તરફ લઈ જઈ રહ્યો છે. એ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી કે દેશ અને દુનિયાના સંવેદનહીન બૌદ્ધિકો અને ભાવનાશીલ કટ્ટરતાવાદીઓને જણાવવું રહ્યું કે દિલમાંથી જન્મેલી નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર વિનંતી જ સામેની વ્યક્તિના દિલને સ્પર્શશે. છ દાયકાથી વધારે સમયના પ્રયત્ન બાદ ૨૦૦૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘની ગાંધીના જન્મદિનને અહિંસાદિવસ તરીકેની ઘોષણા કોઈ અકસ્માત તો નહોતો. સાયાસ અથવા અનાયાસ, જેઓને નુકસાન થયું છે, તે સૌને માનવજાતે પ્રેમપૂર્વક ભેટીને આશ્વસ્ત કરવા રહ્યા.

ગાંધીની જરૂર અંગેનું મારું ત્રીજું કારણ વર્તમાન વિશ્વની સામે જડબું ફાડીને ઊભી રહેલી પરિસ્થિતિથી સંકટમાંથી ઉગારવા ગાંધીની અહિંસાનું દર્શન છે. પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ નોંધપાત્ર પ્રમાણમાં પરિવર્તન માગી લે છે. માનવજાત આશાવાદી છે અને હોવી પણ જોઈએ. તેમ છતાં, જૈસેથેના અભિગમે માનવજાતને ગંભીર કટોકટીમાં મૂકી છે. વર્તમાન સમયની કેટલીક કટોકટી તો માનવસર્જિત છે. ગાંધીએ આ સંકટને પારખી લીધું હતું અને ૧૯૦૯માં ‘હિન્દ સ્વરાજ’માં જણાવ્યું હતું, “પ્રથમ તો સુધારો એ નામ કઈ સ્થિતિને આપવામાં આવે છે તે વિચારીએ. આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસ બહિરની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે.” તેમણે આલીશાન મકાનો,  ઘણાં વસ્ત્રો, મોટી ગાડીઓ, વિવિધ પ્રકારનાં ભોજન, પૃથ્વીનો નાશ કરી શકવાની ક્ષમતા ધરાવતાં શસ્ત્રો, આનંદપ્રમોદમાં રચ્યાપચ્યા રહેવા માટેની વસ્તુ-સેવાની પ્રાપ્યતાને આધુનિક સંસ્કૃતિ ગણવા સામે સવાલ કર્યો. ૧૯૩૦ના દશકમાં તેમણે લખ્યું હતું કે જો હિંદુસ્તાનને અંગ્રેજ જીવનધોરણની નકલ કરવી હોય, તો તેને ત્રણ પૃથ્વી જેટલાં સંસાધનો જોઈએ. કેવા અદ્‌ભૂત ભવિષ્યવેત્તા! હાલમાં કિંમત અંગે બજારનો પ્રતિભાવ ઇષ્ટ નથી, પરંતુ એક નિશ્ચિત એશોઆરામી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તેને માંગમાં ફેરવવા માટે ગ્રાહકની પસંદગી અને રુચિને અસર કરવા સુઆયોજિત રમત ચાલી રહી છે. પરિણામે ગાંધીએ સ્થાનિકને અગ્રતા આપીને પછી વૈશ્વિકની વાત મૂકી. સ્વદેશી એટલે કે વિકેન્દ્રિત અર્થરચના, જે મુખ્યત્વે ગ્રામીણ છે, તેને પ્રોત્સાહિત કરવી. ગૌરવપૂર્ણ માનવઅસ્તિત્વ માટે પ્રસ્તુત અને જરૂરી ટેકનૉલોજીનો ગાંધીએ સ્વીકાર કર્યો હતો. તેઓ માનતા હતા કે માનવજાતે પણ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો આવશ્યક હતો. રાજકીય અને સામાજિક ઇચ્છાશક્તિ તથા વ્યક્તિની વર્તણૂકમાં મોટાં પરિવર્તનોની તેઓ અપેક્ષા રાખતા હતા.

જેણે વ્યક્તિ, સમષ્ટિ અને પ્રકૃતિ વચ્ચે શાંતિ અને સંવાદિતા જાળવી અને જાળવતા શીખવ્યું, તેવી આપણા યુગની આ  વિભૂતિની અમારે જરૂર છે.

[Why I Need Gandhi Today? “The Indian Express”માં Gandhi 150 નિમિત્તે ચાલી રહેલી શૃંખલાનો તારીખ ૦૭/૧૦/૨૦૧૯ના રોજ પ્રકાશિત થયેલો અંકોડો.]

અનુવાદક : નિમિષા શુક્લ                  

E-mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 07-08

Loading

18 November 2019 admin
← પ્રજાની સુખાકારીનાં મંદિરો ક્યારે બાંધીશું?
કસ્ટોડિયલ ડેથ: પોલીસનો હિંસ્ર ચહેરો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved