Opinion Magazine
Number of visits: 9504099
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક મૂલ્યોના પ્રહરી પ્રકાશભાઈ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|18 January 2021

વિદાય લેતા પ્રમુખ સિતાંશુભાઈ, આજે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળતા નવા ચૂંટાયેલા પ્રમુખ  પ્રકાશભાઈ, અતિથિ વિશેષ વિપુલભાઈ વડીલો અને મિત્રો ..

મારે એમનાં વિશે એક વાક્ય કહેવું હોય તો હું એમ કહું કે ‘પ્રકાશભાઈ એટલે આપણા જનજીવન, સંસ્કૃતિ અને કલા-સાહિત્યનો જીવંત એનસાયક્લોપીડિયા’, પણ છતાં ય વાત આટલેથી પૂરી ન થાય. પ્રકાશભાઈનો પરિચય ચાર  ક્ષેત્રોમાં વિકસેલો અને વિસ્તરેલો છે.

એક – પ્રજાકીય રાજનીતિના આગેવાન પ્રકાશભાઈ, બે – અધ્યાપક-તંત્રી, પત્રકાર પ્રકાશ ન. શાહ, ત્રણ – સાહિત્યોપાસક પ્રકાશભાઈ, અને ચોથા – બધું કોરાણે મૂકી ગોઠડી માંડનારા પરિવાર પ્રિય, મિત્ર પ્રિય પ્રકાશભાઈ. ઓળખ બનાવવી કે ઊભી કરવી એ કઈ નાનીસૂની વાત નથી … પણ એનાથી યે આગળની વાત છે ઓળખમાં ન બંધાવું … ઓળખને ઓળંગવી. પ્રકાશભાઈ કોઈ ઓળખમાં બંધાયાં નથી. એમની કારકિર્દીના આરંભે તેઓ રાજનીતિ શાસ્ત્રના અધ્યાપક હતા અને  આજે તો માસ્ટર છે … માસ્તર નહીં … માસ્ટર … એક ત અને ટ નો કેવો ફેર છે. નિરંજનભાઈ કહેતાને નર્મદ માથા પરની રેફ ફરી ગઈ .. .મેં કહ્યા એ ચારે પાસામાં એમની ઓળખ વિસ્તરતી અને વિકસતી રહી છે.

૧) પ્રજાકીય રાજનીતિનાં આગેવાન

પ્રકાશભાઈ એટલે લોકશાહીની સીધીસાદી પણ પાકી સમજ, લોકશાહી એટલે જ્યાં ધર્મ-જાતિ-પ્રદેશ-રાષ્ટ્રવાદ આવા બધા ભાવનાત્મક કોલાહલો પેદા કરી લોકને ભૂરાયા ઢોર જેવું બનાવી કોઈ એક દિશામાં દોરવું એ નહીં. લોકશાહી એટલે જ્યાં પહેલું પદ લોક છે અને પછીનું પદ શાહી – એટલે કે તંત્ર છે. આ સત્તાધીશો જ્યારે જ્યારે આ લોકશાહીના પદ આડાંઅવળાં કરી ‘શાહીલોક’  ઊભો કરે, ત્યારે પ્રકાશભાઈ આડાંઅવળાં થયેલા પદોને સીધાં કરવા સડક પર ઉતરી આવે… મારા ખ્યાલ પ્રમાણે જયંતી દલાલ પછી આ બીજા  ગુજરાતી સાહિત્યકાર છે જેને ગુજરાતની જનતા તો જનતા, પણ શાસકો ય ભલીભાંતિ જાણે છે. ઉમાશંકર પણ પોતાની સર્જકતામાં જાહેર જીવનના ફાળાને સ્વીકારતા. દર્શક પણ. એ રીતે જોઈએ તો રણજિતરામ, ગોવર્ધનરામ, ગાંધીજી પરિષદની આ આખી જ્વલંત પરંપરાનું અનુસંધાન પ્રકાશભાઈમાં છે.

આપણે ત્યાં જમાલપુરમાં ખાંડની શેરી છે, ત્યાં ૧૯૪૬ માં કોમીએખલાસ માટે મરી ફીટનાર વસંત-રજબની ખાંભીઓ છે. તમે આ શેરીમાં જાવ તો અહીંના લોકો પણ પ્રકાશભાઈને ઓળખતા હોય, ઓળખતા હોય એટલું જ નહીં પણ એવો દ્રઢ વિશ્વાસ ધરાવતા હોય કે આ ખાદીનાં લૂગડાં પહેરતો માણસ સગવડ પ્રમાણે પક્ષ બદલતો રાજનીતિજ્ઞ નથી, પણ અમદાવાદનાં જનજીવનમાં વણાયેલી મિલનાં કાપડ જેવી ખજૂરા વિનાની બિનસાંપ્રદાયિક પ્રજાકીય રાજનીતિનો પ્રહરી છે. રાજનીતિના બે છેડા છે. એક છેડો છે મૂલ્ય આધારિત પ્રજાકીય રાજનીતિનો અને બીજો છે પક્ષીય વિચારધારાની રાજનીતિનો. આ બંનેનો ભેદ પણ સમજવા જેવો છે. અને બંને છેડે રહેલા મહાનુભાવોને પણ બરાબર રીતે ઓળખવા જેવું છે. પક્ષીય રાજનીતિ સાથે સંકળાયેલાં લોકોની સમજ એવી હોય છે કે જો મૂલ્ય એમનાં પક્ષે હોય તો તેઓ મૂલ્યના પક્ષે હોય છે. અને પ્રજાકીય રાજનીતિના વિરલાઓ મૂલ્ય જ્યાં હોય ત્યાં, રાજસત્તાની સામે તો સામે, બરાબર કરોડરજ્જુ જાળવીને ઊભા હોય. ૧૯૭૬ માર્ચથી ૧૯૭૭ જાન્યુઆરી સુધી કટોકટી દરમિયાન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કરોડરજ્જુ સમાં સ્વાયત્તતાનાં મૂલ્ય ખાતર પ્રકાશભાઈ જેલમાં ગયેલા. આ નવ માસનો જેલવાસ બહુ સૂચક છે.  એવું નથી કે બીજા નહોતા ગયાં … પણ આજે એ જ મૂલ્ય એમને વ્યર્થનો વિવાદ લાગે છે. અને પ્રકાશભાઈ આજે પણ એ જ મૂલ્ય માટે કટીબદ્ધ છે. આ ફર્ક છે પક્ષીય રાજનીતિ અને પ્રજાકીય રાજનીતિ વચ્ચેનો. ગુજરાતની કે દેશની એવી એક પણ પ્રજાકીય ચળવળ નથી જેમાં પ્રકાશભાઈ ન જોડાયા હોય. જે.પી. અંદોલનથી લઈને વિ.પી. આંદોલન અને અન્ના આંદોલનમાં પણ એમની સક્રિય ભૂમિકા રહી. એમને સડક પર હાથમાં લાઉડસ્પીકર લઈ સભા સંબોધતા કે સૂત્રોચ્ચાર કરાવતા જોઈએ ત્યારે એમનું પ્રજાકીય રાજનીતિનું પાસું બરાબર સોળે કળાએ ખીલેલું લાગે. હિંદી કે અન્ય ભાષાઓમાં સાહિત્યકારો સહજ રીતે આવી ભૂમિકા લે છે. દિનકરજી તો ‘સિંહાસન ખાલી કરો કઈ જનતા આતી હૈ’ જેવી લોકતંત્રની ધારદાર તલવાર જેવી પંક્તિઓ પણ લખતા, કે નાગાર્જુન સડક પર ઊભા રહી ‘ઇન્દુજી ઇન્દુજી ક્યા હુઆં આપકો, બેટે કે મોહ મેં ભૂલ ગઈ બાપકો’ પોકારે. આપણે ત્યાં આ કમી પ્રકાશભાઈ પોતાનાં લેખન અને જાહેર જીવનની ભૂમિકાથી પૂરી કરે છે. આજ એક્યાશી વર્ષે પણ એમનાં જોમમાં કોઈ નથી. ૪૫-૫૦ વર્ષથી તેઓ રાજનીતિના આ પ્રજાકીય છેડે સન્નાટો નથી છવાવા દેતા. આ દરમિયાન તેઓ પુરુષોત્તમ માવલંકર, આચાર્ય કૃપાલાણી, જયપ્રકાશ નારાયણ, જેવી અનેક વિભૂતિઓ સાથે કામ કરતા રહ્યા. તેઓ અનેક સંસ્થા સંગઠનોમાં કામ કરતાં રહ્યા. લોક્સ્વરાજ આંદોલન, ગુજરાત લોકસંઘર્ષ સમિતિ , જનતા મોરચો, જનતા પાર્ટી, લોક સમિતિ, લોક્સ્વરાજ મંચ, નાગરિક સમિતિ, સેક્યુલર લોકશાહી આંદોલન જેવાં અનેક નાગરિક સંગઠનોને પ્રકાશભાઈએ નેતૃત્વ પૂરું પાડ્યું છે. પ્રજાકીય છેડાની રાજનીતિનાં એ પૂર્ણકાલિક નેતા છે. આમ પણ ભીડ તો સત્તાની રાજનીતિનાં છેડે હોય છે, અહીં તો ગાંઠના ગોપીચંદન અને સરકાર તરફી લોકોની ખફગી વહોરવાનું નફામાં. પણ એ માટે એ તૈયાર છે એટલું જ અહીં બીજાઓને પણ ‘આપણે ક્યા દૂધે વાળું કરવા જન્મ્યા છીએ’ એમ કહી સંકોરતા રહે છે. પણ આ ભૂમિકાની ભૂમિ એમનાં ઘડતરમાં જોવા મળે છે.

એ એમ.એ.માં હતા ત્યારે ૧૯૬૦માં જયંતિ દલાલ અને ઇન્દુમતીબહેનનાં નિર્ણાયક પદે એક વકતૃત્વ સ્પર્ધામાં એમણે ‘સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન હોઈ શકે?’ એ વિષય પર વક્તવ્ય આપ્યું અને વિજયી થયા. પછી મહાદેવ દેસાઈ વકતૃત્વ સ્પર્ધામાં ગુજરાતભરના વક્તાઓમાં પ્રથમ આવ્યા અને સુવર્ણ ચંદ્રક મેળવ્યો. પણ ૧૯૬૨માં ચીન સામેની લડાઈ વખતે એ સુવર્ણ ચંદ્રક સંરક્ષણ ફાળામાં આપી દીધો. આ પણ સોનાનો રાષ્ટ્ર માટે સદુપયોગ છે. એ વખતે આ દેશમાં પુરસ્કારો આ રીતે ખુશી ખુશી સરકારને પાછાં વાળવાની મોકળાશ હતી. આજે સાહિત્યકારો, કલાકારો રમતવીરોએ ‘એવોર્ડ વાપસી’ કરવી પડે છે. જો કે બન્નેમાં રાષ્ટ્રપ્રેમ છે જ. જયંતિભાઈની સામે ‘સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન હોઈ શકે?’ આ વિષય પર વક્તવ્ય આપનાર પ્રકાશભાઈ પછી સીધાં પગલાં ભરવા તરફ વળે અને કટોકટી વખતે મીસામાં પકડાય તે સ્વાભાવિક છે.  અને ભલે દૂધે વાળું કરતાં ન થયા પણ આ એકસો પંદર વર્ષની ભવ્ય સાહિત્યિક પરંપરા ધરાવતી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. … આગળ વધીને કહું તો સિતાંશુ યશશ્ચન્દ્રનાં અનુગામી પ્રમુખ બન્યા. 

૨) તંત્રી-પત્રકાર પ્રકાશ ન. શાહ

૧૯૬૫થી ૭૧ સુધી એચ.કે. કોલેજમાં રાજનીતિશાસ્ત્ર ભણાવ્યા પછી પ્રકાશભાઈ સરદાર પટેલ યુનિવર્સિટીમાં જ્ઞાન ગંગોત્રીનાં સંપાદનમાં ભોગીલાલ ગાંધી સાથે જોડાયા અને પછી તો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કટોકટી વખતની લડતમાં ભાગ લેવાના શિરપાવ રૂપે જ્ઞાન ગંગોત્રીની નોકરી ગઈ. આ ઘટનાએ આપણી ભાષાને એક એવો પત્રકાર આપ્યો જે રોજબરોજના સરકાર અને સમાજનાં કાર્યકલાપોનાં આંતરિક પડળો ખોલે અને લોકશાહી મૂલ્યોને થતી ક્ષતિ નિષ્પક્ષપણે દર્શાવે. એમણે સમકાલીનમાં નવ વર્ષ, જનસત્તા જૂથમાં બાર વર્ષ અને દિવ્ય ભાસ્કરમાં એની ગુજરાતમાં શરૂઆતથી લઇ આજ સુધી તંત્રી પાના પર લખતા રહ્યાં છે. નિરીક્ષક તંત્રી તરીકે તેઓ ૧૯૯૩થી લઇ આજ સુધી, એટલે કે સત્યાવીસ વર્ષથી કાર્યરત છે. અમારે સ્ટ્રીટ થિયેટરમાં હંમેશાં કલાકારોની ખેંચ રહે. કેમ કે ત્યાં નથી ગ્લેમર, નથી પોપ્યુલારિટી, નથી ફેમ, નથી પુરસ્કારો, નથી પૈસા. એટલે એક કલાકાર ત્રણ ત્રણ કે ચાર ચાર પાઠ નિભાવે. આ પ્રકાશભાઈ પણ પત્રકારિતાના પ્રતિષ્ઠિત, મહોલ્લામાં શેરી નાટકના કલાકાર જેવી ભૂમિકા અદા કરી રહ્યા છે. સવારે ભાસ્કરનો લેખ કરતા હોય તો બપોરે આંખની ઠેઠ પાસે રાખી નિરીક્ષકનાં પ્રૂફ જોતા હોય તો સાંજે વળી પ્રેસનાં ભોંયરામાં હોય. વળી જો ગુરુવાર હોય તો નર્મદ-મેઘાણી લાઈબ્રેરીમાં સાંપ્રત નાગરિક સમસ્યા પર ચર્ચા કરતા હોય તો ક્યારેક પરિષદની અઠવાડિક કારોબારી સભામાં હાજર હોય. વાત એમનાં બેતાલીસેક વર્ષના પત્રકારત્વની કરતો હતો …. પણ પ્રકાશભાઈ આવા જ છે … એક સાથે ઘણું બધું કશી પણ પ્રાપ્તિની આશા વિના કરી શકે.

આજે પણ ભાસ્કરની એમની તંત્રી પાના પરની કોલમ કેટલાંક મિત્રો સરકાર કે વ્યવસ્થા ક્યા ચૂક કરી રહી છે એ જાણવા વાંચે છે; તો કેટલાંક એમની વિશિષ્ટ ભાષા વાક્ય રચના અને શબ્દ પ્રયોગો માટે વાંચે છે તો કેટલાંક એ અઘરી ભાષા લખે છે એવી ટીકા કરવા પણ વાંચે છે.  ઈટ્સ નોટ ડન, મિ. લોર્ડ, નામનાં નાનકડાં લેખનો એક ખંડ જૂઓ :

‘શું કહેવું ન્યાયમૂર્તિ ગોગોઈને સિવાય કે ઈટ્સ નોટ ડન મિ. લોર્ડ!? એક મહિલા કર્મચારી જ્યારે કામના સ્થળ પર જાતીય સતામણીની ફરિયાદ વાસ્તે જહાંગીરનાં અદલ ઇન્સાફી ઘંટ શી સર્વોચ્ચની ડેલીએ ઘા નાંખે ત્યારે બચાડી કીડી પર જાણે કે કટક આખું ઊતરી પડે એવું જે વરવું દૃશ્ય દેશે આ દિવસોમાં જોવાનું આવ્યું તે આપણા પ્રજાસત્તાકની એકંદર અનવસ્થા વિશે આયનાથી કમ નથી. (કુદરતી ન્યાયના સિદ્ધાંતની આવી ઘોર અવમાનના અને અવગણના વખતે સાંભરતો પેરેલલ કટોકટીમાં હેબીયર્સ કોર્પસનો હક્ક રહેતો નથી એવી સુપ્રીમની ભૂમિકાનો છે)’; અહીં ‘અદલ ઇન્સાફી’ કે ‘વરવું દૃશ્ય દેશે આ દિવસોમાં’ જેવાં વાક્યમાં કાકુનો પ્રયોગ તો છે જ, પણ વાક્ય રચના ચુસ્ત છે. ઓછાં શબ્દોમાં ઘણું કહેવાય છે. અને ૨૦૧૯ની ઘટનાને ૧૯૭૬ની કટોકટી સાથે જોડી આપે છે. એમનાં અનેક લેખો ‘આઈ ઓપનર’ જેવા હોય છે. ક્યારેક એમના હળવા કટાક્ષો લાક્ષણિક બની જાય છે જેમ કે આપણા પ્રધાન મંત્રી જ્યારે બરાક ઓબામાને ‘માય ડીયર ફ્રેન્ડ બરાક’ કહી સંબોધે ત્યારે આ પત્રકાર એ મુલાકાતને ‘બરાક અને ચબરાક’ વચ્ચેની કહે. એક લેખમાં એ આપણું ધ્યાન એ બાબતે દોરે છે કે દેશની અને અયોધ્યાની સંસ્કૃતિ તો ‘જય સીયારામ’ કહેવાની છે, પણ યુદ્ધ નાદ જેવું ‘જય શ્રી રામ’ કેવી રીતે આવી ગયું એની આપણને ખબરે ના રહી? એમની આ હળવી ટકોર પછી આપણે વિચારીએ કે વાત તો સાચી છે, આપણી સંસ્કૃતિ ‘રામ રામ’ ‘જય સીયારામ’ની છે પણ ….. તેઓ નીડરનિર્ભીક છતાં વિવેકી અને પ્રખર બોદ્ધિકતા ધરાવતા પત્રકાર તરીકે જાણીતા છે. આજે સંચાર માધ્યમો કે સમાચારપત્રો ઊંચા સ્વરે ઘોઘાટ સર્જીને જે અવાજો દબાવવા ચાહે છે એ અવાજોને પત્રકાર પ્રકાશભાઈ ચુસ્ત ભાષા અને  આગવી શૈલીમાં આપણી સામે મૂકે છે. એમનું બેંતાલીસ વર્ષનું આ અખબારી લેખન જો ગ્રંથસ્થ કરીએ તો ચારેક દળદાર ગ્રંથ તૈયાર થાય જે સાહિત્ય અને પત્રકારત્વના અભ્યાસુઓને કામ લાગે. 

૩) સાહિત્યોપાસક પ્રકાશભાઈ

સાહિત્યોપાસના એ  પાસું એમનાં વ્યક્તિત્વનું જબરજસ્ત અને મંત્રમુગ્ધ કરી દેનારું પાસું છે. એમનાં વ્યાખ્યાનોમાં અને લખાણોમાં આ સિદ્ધ થાય છે. એમની કેટલીક વિશિષ્ટ વ્યાખ્યાનમાળાઓ પણ એમની સાહિત્યોપાસક છબી ઉપસાવે છે. ‘ગાંધીથી તોલ્સ્તોય’ એક એવી વ્યાખ્યાન શ્રેણી છે. તેઓ ગાંધી અને તોલ્સતોયની વાત કરતાં કરતાં વચ્ચે ગુરુદેવ ટાગોરને પણ લઈ આવે અને પછી આપણી સામે તાદ્રશ્ય કરે યુવાન ઇતિહાસનાં પ્રોફેસર કૃપાલાણી અને ગાંધીનો મેળાપ. એટલું ઝીણવટભર્યું વર્ણન એ પ્રસંગનું હોય કે આપણે સ્થળકાળ ઓળંગીને શાંતિનિકેતનના એ ખંડમાં પહોંચી જઇએ જ્યાં કૃપાલાણી ગાંધીને એમ કહેતા હોય કે આપણે ઇતિહાસ બરાબર ભણવો-ભણાવવો જોઈએ અને ગાંધી એવો જવાબ વાળતા હોય કે ‘પ્રોફેસર, આપણે ઇતિહાસ ભણવા-ભણાવવાનો નથી, સર્જવાનો છે.’ તેઓ ડેવિડ હેન્રી થોરોએ સરકારને કર આપવાની ના કહી એ પ્રસંગ વર્ણવી આપણને સવિનય કાનૂનભંગની વિભાવનાનાં મૂળ સમજાવે. એમના લેખોમાં નર્મદ, ગોવર્ધનરામ, મુનશી, ગાંધી ર.વ. દેસાઈ. જયંતિ દલાલ, દર્શક, એ બધાના સંદર્ભો તો આવે પણ  આલ્બેર કામુ, સાર્ત્રે, દેરિદા કે ચોમસ્કીનાં પણ સંદર્ભ પંક્તિઓ કે વાક્યો પ્રસંગો સાથે આવે. કબીર, મીરા, તુલસી, ગાલિબ, મીર, ફૈઝ સાથે કાલિદાસ અને ભવભૂતિ પણ આવે.   બિનસાંપ્રદાયિકતા જેવાં બંધારણમાં આલેખાયેલા આધુનિક લોકતાંત્રિક મૂલ્યને સમજાવવા માટે તેઓ ગંગાસતી પાનબાઈનું ભજન ટાંક્તા એમ પણ કહે; ‘આવો પાનબાઈ તમને બતાવું નવલા દેશ, જ્યાં નહીં વરણ નહી વેશ’. ‘સ્વરાજ ત્રિપુટી ગાંધી-નહેરુ-સરદાર’ જેવા અનેક પ્રયોગો એમના લેખમાં આવે. પત્રકારિતાની ભાષા ઘડવા-વિકસાવવામાં એમનું જે પ્રદાન છે એ પત્રકારત્વના અભ્યાસુઓ માટે સંશોધનનો વિષય છે.   

તોલ્સ્તોયથી ગાંધી, સ્વતંત્ર પ્રકૃતિ તમામ – એક માનવી જ કાં ગુલામ, ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં, ભારતવર્ષની સ્વરાજ સાધના. આ બધી વ્યાખ્યાન માળાઓ એક એક સ્વતંત્ર પુસ્તકની ક્ષમતા ધરાવે છે. આગળ મેં આપને ‘જયસીયારામ’માંથી કેવી રીતે રામાયણ ધારાવાહિકમાં આવતું યુદ્ધ ગર્જના જેવું ‘જય શ્રી રામ’ ઊતરી આવ્યું એ લેખની વાત કરી હતી, એમાં આગળ તેઓ નાગરિક સમાજમાં બદલાતી ભાષા અંગે એક ભાષા શાસ્ત્રીનો મજબૂત સંદર્ભ આપતા લખે છે :

‘લૂઈ મમ્ફર્ડે નગર શાસ્ત્ર વિશે ખાસ્સી મીમાંસા કરી છે. મનુષ્યને, નાગરિકને, બાકીનાં પ્રાણીજગતથી જુદું તારવતું તત્ત્વ શું છે, એમ પૂછશો તો મમ્ફર્ડ કહેશે કે ભાષા’ અહીં બદલાતી ભાષાની વાત છે, શાંતિમાંથી યુદ્ધ તરફ લઇ જતી ભાષાની વાત છે. આટલા સચોટ સંદર્ભથી આ વાત પ્રકાશભાઈ સિવાય બીજું કોણ સમજાવી શકે?

અહીં સ્થાન સંકોચને કારણે પ્રકાશભાઈના પરિચય બાબતે ઘણું કહેવા જેવું છૂટી પણ ગયું છે. અંતે એ પ્રકાશભાઈની વાત આવે જે પરિવાર પ્રિય અને મિત્ર પ્રિય છે. ૧૯૭૬માં તેઓ જેલમાં ગયા તે પહેલાની ઘટના છે કે તેઓની સ્નેહગાંઠ નયનાબહેન સાથે ૧૯૭૯માં બંધાઈ. નયનાબહેન પણ એમની જેમ જ એ જ મૂલ્યનિષ્ઠ સમાજ નિર્માણનાં પ્રવાસી છે. આમ નોકરીઓ ગુમાવવી અને કારકિર્દીની પરવા કર્યા વિના લોકતાંત્રિક મૂલ્યો માટે લડત આપતા રહેવું પ્રકાશભાઈની ઓળખ છે તો નયનાબહેન એ ઓળખની પાછળ ઊભેલું બળ છે. વિપુલ કલ્યાણી એમના જૂના મિત્ર, મારા જેવા અનેક નવા .. કોઈ નવો કવિ સ્વર કે સાહિત્ય પ્રેમી ભાગ્યે જ એમની નજરથી અછાનો રહે. એ ખડખડાટ હસતા સહુને ‘માય ડીયર’ કહી સંબોધે, અને પછી દિયરનું લોકબોલીમાં તરત રૂપાંતર કરતાં ‘દિયોર’ પણ બોલે. આજે પણ આ એક્યાશી વર્ષના પ્રકાશભાઈ … વિદ્યાપીઠના ઝાંપે કોઈ નવલોહિયા યુવાનના ખભે હાથ મૂકી કહેતા હોય : ‘માય ડીયર, ઉમેશ, એક એક ચા ફટકારીશું?

આવા પરિષદ પ્રમુખ પ્રકાશભાઈને આપ સહુ વતી હું સત્કારું છું. જય જય ગરવી ગુજરાત, જય નરસિંહ, જય નર્મદ.

તારીખ: ૨૩/૧૨/૨૦૨૦; ભોપાલ

[‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના 50મા અધિવેશનમાં, 27 ડિસેમ્બર 2020ના રોજ, પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા પ્રકાશભાઈ ન. શાહનો અપાયેલો પરિચય]

Loading

18 January 2021 admin
← ગાંધીની આઝાદી માત્ર અંગ્રેજોથી આઝાદી નહોતી !
શતદલ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved