Opinion Magazine
Number of visits: 9448702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક ભારતના સમાજ સુધારક સંત : ગાડગે બાબા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 December 2023

ચંદુ મહેરિયા

આજકાલ બધે ચર્ચા તો બાગેશ્વર બાબાની છે, પણ આપણે વાત ગાડગે બાબાની કરવી છે. હવે આડા બે વરસ છે ને એમનું  દોઢસોમું જન્મ પર્વ મનાવાશે. મૂળ નામ તો ડેબુ કે ડેબુજી. પણ જાણીતા થયા ગાડગે બાબા (1876 – 1956) તરીકે. પત્ની – સંતાનો સહિતના પરિવારને છોડી લોકસેવા માટે એમણે ભારતના આમ આદમી જેવું જીવન સ્વીકાર્યું. તેમાં બદન પર ફાટેલાં લુગડાં અને એકમાત્ર મિલકત સમું માટીનું શકોરું હતાં. શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર તરીકે ગાડગે બાબા તરીકે પ્રખ્યાત થયા હતા.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેણગાંવમાં ૨૩મી ફેબ્રુઆરી ૧૮૭૬ અને મહાશિવરાત્રિના દિવસે નિર્ધન ધોબી પરિવારમાં ગાડગે બાબાનો જન્મ થયો હતો. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. ધોબી જ્ઞાતિનો ઉત્તર અને પૂર્વ ભારતમાં અસ્પૃશ્ય અને પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં પછાત વર્ગમાં સમાવેશ થાય છે. બાબા ગાડગેના જન્મ સમયનું, ઓગણીસમી સદીનું, ભારત અને મહારાષ્ટ્ર ધાર્મિક વહેમ, અંધશ્રદ્ધા, પાખંડ, રૂઢિજડતા, પશુબલિ, વ્યસનો, ગરીબી, અસ્પૃશ્યતા અને  નિરક્ષરતાથી ગ્રસ્ત હતું. ડેબુના પિતા પણ દારૂના વ્યસન અને શાહુકારોના કરજથી મુક્ત નહોતા. આઠ વરસના એકમાત્ર સંતાન પુત્ર ડેબુને છોડીને અંતિમ વિદાય લેતાં એમણે પત્ની પાસેથી દીકરાને દારુ અને ધાર્મિક પાખંડથી દૂર રાખવાનું વચન લીધું હતું. પિતાનું અવસાન થતાં, માતાએ પિયરવાટ પકડી. ડેબુજીનું બાળપણ મોસાળમાં વીત્યું. નિશાળે જવાનો તો કોઈ સવાલ જ નહોતો. ઢોર ચરાવવાનું અને ખેતીનું કામ કરતા મહેનતુ ભાણાને મામાએ બહુ વહેલો પરણાવી દીધો.

ગાડગે મહારાજ

ગોવાળિયા તરીકે ઢોર ચરાવતી વેળા કે વિશ્રાંતિમાં ભજનો લલકારતા ડેબુજીએ ભજન મંડળી પણ ઊભી કરી હતી. જો કે નિરક્ષર ડેબુજીનો અભિગમ ધાર્મિક કરતાં માનવતાવાદી વધુ હતો. સારાનરસા અને ન્યાયઅન્યાયની પરખે મામાની સાથે શાહુકારે કરેલી છેતરપિંડી અને તેમના પ્રતિકાર સામે કુટુંબની શરણાગતિએ તેમને હલાવી મૂક્યા. અગાઉ પ્રથમ સંતાનના જન્મ વખતે તેમણે પશુબલિનો ઈન્કાર કરીને સમાજમાં સુધારાની શરૂઆત તો કરી જ હતી. મનની ચૈતસિક સ્થિતિ અને સમાજની હાલત વિશે વિચારીને કુટુંબના નાના દાયરાની બહાર નીકળી બહોળા સામાજિક જીવન અને સમાજસુધાર માટે તેમણે ગૃહત્યાગ કર્યો હતો. 

ગર્ભવતી પત્ની અને ત્રણ બાળકોને છોડીને ડેબુજી નીકળી પડ્યા હતા. ૧૯૦૫થી ૧૯૧૭ના બાર વરસ તેઓએ આખા મહારાષ્ટ્ર અને દેશના ઘણાં ભાગોમાં પગપાળા અને ક્યારેક રેલવેમાં ખુદાબક્ષ તરીકે ભ્રમણ કર્યું હતું. આ વરસોમાં અપમાન,ઉપેક્ષા, તિરસ્કાર અને માન જેવા બધા અનુભવો કર્યા. બાર વરસનો આ સાધનાશ્રમ ખરેખર તો અનુભવશ્રમ કે સ્વાધ્યાય હતો. રોજ ભીખ માંગીને ખાધું અને બદલામાં તનતોડ મજૂરી કરી. ભીખના બદલામાં કોઈના લાકડા ફાડ્યા તો ખેતર કે મહોલ્લો સાફ કર્યો. 

શેઠના બંગલે કે ગાંધીના સેવાગ્રામ સુધ્ધામાં દેશના અદના આદમીની જેમ જમીન પર બેસીને હાથમાં રોટલો અને ચટણી લઈ બાબા હંમેશાં ખાતા. શકોરું કે છાલિયાની જેમ સાવરણો પણ એમની ઓળખ. ગાંધી હજુ ભારતમાં આવ્યા પણ નહોતા તે પૂર્વે ગાડગે બાબાએ સ્વચ્છતાને આચરણ દ્વારા ઉપદેશ બનાવ્યો. મંદિર હોય કે ગામનો ચોક સઘળું દિવસભર ચોખ્ખુંચણાક કરી દેતા. ગંદકીથી ખદબદતા તીર્થસ્થાનોને પણ એમણે ચમકાવ્યા હતા. સમાનતા અને સ્વચ્છતાની અલખ મારું જીવન એ જ મારી વાણીથી જગવ્યા હતા.

ભ્રમણ દરમિયાન દિવસે મજૂરી કરતાં ગાડગે મહારાજ રાત્રે કીર્તન કરતા હતા. તેમના મધુર અવાજમાં કબીર અને રૈદાસ, જ્ઞાનેશ્વર અને તુકારામના પદો એવા તો ગવાતા કે જે લોકો તેમને પાગલ સમજતા તે પણ સાંભળવા બેસી જતા. બાબાની કીર્તન કરવાની પદ્ધતિ સંવાદની કે સવાલ-જવાબની હતી. સરળ અને લોકભોગ્ય શૈલી તથા વિદર્ભની કરાડી બોલીમાં તે ઘણી અઘરી વાતો તર્કબધ્ધતાથી લોકોના ગળે ઉતારતા. આખાબોલા બાબા કડવાબોલા પણ એટલા જ હતા. માનવમાત્ર અને પશુપક્ષી પ્રત્યે અપાર કરુણા ધરાવતા બાબા લોકોને ખોટું કરતા જોઈને દુ:ખી થતા. તેઓ કીર્તન કે સંવાદમાં અસ્પૃશ્યતા, ભાઈચારો, ધાર્મિક અંધશ્રદ્ધા, શાહુકારોનું કરજ, પશુબલિ, ગરીબી અને શિક્ષણ જેવા વિષયો ચર્ચતા હતા. બાબા કીર્તનમાં કોઈ આત્મા-પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન આપવાને બદલે લોકોના જીવનને સ્પર્શતી સામાજિક – ધાર્મિક સુધારાની બાબતો કહેતા એટલે લોકોને તે વધુ ઉપયોગી બનતી.

ગાડગે બાબા કહેતા કે ના હું કોઈનો ગુરુ છું કે ના કોઈ મારો ચેલો છે. એટલે રાત્રે કીર્તન પૂરું કરીને એ અલોપ થઈ જતા હોય તેમ બીજા ગામ જતા રહેતા. તેમની પાછળ રહેતા તેમના કીર્તનના શબ્દો, જે લોકો જીવનભર ગાંઠે બાંધતા. બાબાએ જ્યાં પણ લોકોની મુશ્કેલીઓ જોઈ ત્યાં તેમને મદદ કરી. દલિતો, પછાતો, ગરીબો, કુષ્ઠરોગીઓ, વૃદ્ધો અને વિકલાંગોની સેવા તેમની પ્રાથમિકતા રહેતાં. કર્મસ્થળ ઋણમોચનની પૂર્ણા નદી, મંદિર અને ઘાટની સફાઈનું આરંભિક નમૂનેદાર કાર્ય તેમની કાયમી ઓળખ બની ગયું. જનહિત માટે તેમણે લોકફાળાથી લોકોપયોગી ઘણા ઘાટ, ધર્મશાળા, શાળા, વૃદ્ધાશ્રમ, અનાથાલય અને ઔષધાલય બનાવ્યા હતા.

આભડછેટનો તેમનો વિરોધ ખુદના આચરણથી ઊભો થયો હતો. એટલે સો ટચનો હતો. પંઢરપુરમાં વિશાળ ચોખામેળા ધર્મશાળા તેમણે દલિતો માટે બનાવી હતી. જાતે નિરક્ષર હતા પણ શિક્ષણની મહત્તા જાણતા હતા. એટલે ગરીબોને કહેતા કે બાળકોને ભણાવવાના પૈસા ન હોય તો ખાવાની થાળી વેચીને પણ બાળકોને ભણાવજો. થાળી વિના રોટલો હાથમાં લઈને ખાઈ શકાશે પણ ભણ્યા વિના નહીં ચાલે. મહારાષ્ટ્રના અમરાવતીની ગાડગે બાબા યુનિવર્સિટી અભણ બાબાના લોકશિક્ષણ અને સામાજિક સુધારણાનું જીવંત સ્મારક છે. 

નિરક્ષર ગાડગે બાબા પાસે અનુભવનું જ્ઞાન એટલું કે ડો. આંબેડકર અને ગાંધીજી બેઉ તેમની સાથે વિમર્શ કરતા અને માર્ગદર્શન મેળવતા. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે બાબાને સવિશેષ ભાવ હતો. પંઢરપુરની ધર્મશાળા બાબાએ બાબાસાહેબને દલિત  વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે અર્પિત કરી હતી. કરોડોના ખર્ચે લોકસેવાના કામો અને બાંધકામો છતાં બાબા અકિંચન જ રહ્યા. કોઈ કીર્તિ અને કલદાર તેમને ચળાવી ના શક્યા. રાજ્ય અને રાષ્ટ્રના અનેક નેતાઓ તેમને મળતા પણ એ તો સદાય ચીંથરેહાલ અને શકોરા સાથે જ રહ્યા. 

સાથી કાર્યકરોની પસંદગી તેઓ આકરી તાવણીથી કરતા. ગણપતરાવ ગાંગણા બાબાનાં બધાં કામોનો હિસાબકિતાબ રાખતા. કામમાં કુશળ અને પ્રામાણિક એટલા કે બાબા ગણપતરાવ જેવાના ગામ વસાવવાનું કહેતા. આ જ ગણપતરાવ પર ખોટું આળ મૂકાયું તો એમણે આત્મદહન કરીને જીવ આપી દીધો હતો. લોકોને તીર્થયાત્રાઓમાં નકામા સમય, શક્તિ, નાણાં ન વેડફવા બાબા કહેતા. સાચા ભગવાન મંદિર, મસ્જિદ કે તીર્થમાં નથી કે નથી પથ્થરની મૂર્તિઓમાં સાચા દેવ દરિદ્રનારાયણ છે. તેમની સેવા એ જ સાચી સેવા છે એમ ઉપદેશતા બાબા સેવાના નામે ચાલતા ધંધાથી વાકેફ હતા. થોડી સેવા અને ઝાઝી પ્રસિદ્ધિને બાબા સેવાના નામે ચાલતી દુકાનદારી કહેતા હતા. 

૮૦ વરસની વયે ૧૯૫૬ની ૨૦મી ડિસેમ્બરે અવસાન પામેલા ગાડગે બાબા લોકસેવાની એવી મિશાલ હતા કે સ્વામી આનંદે તેમને સેવક સંત કહ્યા હતા. આચાર્ય અત્રેના મતે અડધી સદી સુધી શુદ્ધ માર્ક્સવાદનું લોકશિક્ષણ આપનાર ગાડગે બાબા મહારાષ્ટ્રની સમાજવાદની પીઠ હતા.

e.mail : maheriyachandu@gmail.com

Loading

27 December 2023 Vipool Kalyani
← નોખી વાત, અનોખું કમિશન … ઓવર ટુ કાશ્મીર!
ફસલ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved