
રમેશ ઓઝા
ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે ખુમારી દરેક પ્રજાને ગમે છે, પણ તે રળવી પડે છે, ગર્જનાઓ કરવાથી અને બીજાને ગાળો દેવાથી નથી આવતી. એ રળવાનો એક માત્ર માર્ગ છે પુરુષાર્થ. પુરુષાર્થીમાં આ ચાર ગુણ જોવા મળશે; ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. જેમ કે ભ્રષ્ટાચાર કે અમલદારશાહી માટે અણગમો હોય (અને અસહિષ્ણુતાના સ્તરે હોવો જ જોઈએ), પણ એ મેં મેં ભી અણ્ણાની ટોપી પહેરીને રામલીલા મેદાનમાં ઉતરી પડવાથી ન આવે, તેને માટે ધીરે ધીરે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. ધીરોદત્ત માણસોની અસહિષ્ણુતા સહિષ્ણુતાપૂર્વકની હોય છે. એ પછી જે સ્થાન મળે છે એ અનોખું હોય છે, એ ખુમારી અનોખી હોય છે અને તે વિલક્ષણ સ્વરૂપે ચહેરા પર પ્રગટતી હોય છે.
આનું મૂર્તિમંત ઉદાહરણ ચાર દિવસ પહેલાં દક્ષિણ કોરિયામાં જોવા મળ્યું. મારી વાચકોને સલાહ છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની નેતા શી ઝિંગપીંગ વચ્ચે ટ્રેડ વોરના મામલે જે વાટાઘાટ થઈ અને સમજૂતી થઈ તેની વીડિયો કલીપ અવશ્ય જુવે. ફાચરમાંથી પૂંછડી નીકળી હોય અને વાંદરાને જે રાહતનો અનુભવ થાય એવી રાહત અને રાજીપો ટ્રમ્પના ચહેરા પર જોવા મળે છે અને સામે શી ઝિંગપીંગના ચહેરાના ભાવ જુઓ. કોઈ ઉત્સાહનો અતિરેક નહીં. ઠીક છે, નાદાન છે, પણ કામનો છે. તિરસ્કારયુક્ત આદર! અમે કોઈની લાત પણ સહન નહીં કરીએ અને અમે કોઈને અપમાનિત પણ નહીં કરીએ. અમે કોઈને જલીલ પણ નહીં કરીએ અને અમે કોઈની જીહજૂરી પણ નહીં કરીએ.
આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી. એની શરૂઆત ૧૯૭૯ પછીથી થઈ હતી જ્યારે ચીનનું સુકાન દેંગ ઝિયાઓપીંગના હાથમાં આવ્યું. એ માણસ સામ્યવાદી હતો અને માઓ ઝેદોંગનો ચુસ્ત અનુયાયી હતો. ૧૯૮૦ સુધીમાં તેને સમજાઈ ગયું હતું કે સામ્યવાદી વિચારધારા અને વહીવટ ઝડપી આર્થિક વિકાસ માટે અનુકૂળ નથી. ખુલ્લું અર્થતંત્ર ધરાવનારા દેશો આમાં સરસાઈ ધરાવે છે. બીજી બાજુ લોકશાહી ધરાવનારા દેશો લોકશાહીને કારણે ઝડપી નિર્ણયો લઈ શકતા નથી કે કૃતનિશ્ચયી પગલાં લઈ શકતા નથી. તેમણે વિરોધના કારણે કે ચૂંટણી જીતવા પ્રજાને રાજી રાખવા પીછેહઠ પણ કરવી પડે છે. તેમણે ચીનમાં એવો ઢાંચો વિકસાવ્યો જેમાં આર્થિક બાબતે ખુલ્લાપણું અને રાજકીય બાબતે બંધિયારપણું હતું અને આજે પણ છે. ત્યારે આ લખનારને અને બીજા અનેક લોકોને એમ લાગતું હતું કે આ મૂળભૂત વિરોધાભાસ લાંબો સમય નહીં ચાલે. એક દિવસ ચીન એના વિરોધાભાસનો ભોગ બની જશે. પણ એવું બન્યું નહીં. ચીને ધીરે ધીરે દરેક મોરચે પાંખ વિસ્તારવાનું શરૂ કર્યું જેને કારણે સામ્યવાદી નેતૃત્વ સામે આંતરિક વિદ્રોહ મુશ્કેલ થઈ ગયો. જ્યાં સુધી સફળતા મળતી હોય અને શાસકો વિશ્વમાં દેશની જગ્યા અને પ્રભાવ વિસ્તારી આપતા હોય ત્યાં સુધી વિરોધ મેનેજ કરી શકાય છે અને ચીનમાં ઉત્તરોત્તર સામ્યવાદી શાસકોએ એ માર્ગ અપનાવ્યો હતો.

પણ એ બન્યું કેવી રીતે? ઉપર કહ્યા એ ચાર ગુણો દ્વારા. ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. એક જ ઉદાહરણ આપું. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગે કહ્યું હતું કે રેર મિનરલ્સની બાબતમાં ચીન એ સ્થાન મેળવશે જે આરબ દેશો ખનીજ તેલની બાબતમાં ધરાવે છે. એટલે કે ઈજારાશાહી. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવા એ તેલ કાઢવા કરતાં પણ અઘરું કામ છે. આજે ઉપયોગમાં લઈ શકાય એવા રેર મિનરલ્સની બાબતમાં ચીન ૯૦ ટકા કરતાં પણ વધુ માર્કેટ શેર ધરાવે છે અને એવી ઈજારાશાહી આરબ દેશો પણ બળતણની બાતમાં નથી ધરાવતા. દક્ષિણ કોરિયામાં ચીન સાથે સમજૂતી કર્યા પછી ટ્રમ્પબાબાના ચહેરા પર જે રાજીપો અને રાહત નજરે પડી રહી છે એ આ રેર મિનરલ્સ અને બીજાં એવાં કારણોને કારણે. ચીને રેર મિનરલ્સની નિકાસ ઘટાડીને લગભગ બંધ કરી દીધી હતી. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગને સમજાઈ ગયું હતું કે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ માટે અને તેના પર આધારિત અર્થતંત્ર માટે રેર મિનરલ્સ અનિવાર્ય બનવાનાં છે.
ટ્રમ્પબાબાએ ઝૂકવું પડ્યું એનું બીજું કારણ છે ચીન અમેરિકા વચ્ચેના આયાત-નિકાસના ધંધામાં ચીનની સરસાઈ. ચીને ગયા નાણાંકીય વર્ષમાં ૪૦૧.૪ અબજ ડોલરની કિંમતની ચીજવસ્તુઓની અમેરિકામાં નિકાસ કરી હતી અને સામે અમેરિકા પાસેથી ૧૩૧ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી હતી. આયાત-નિકાસ વચ્ચે ખાધ હતી ૨૭૦.૪ બાજ ડોલરની. ચીને આ સરસાઈ રાતોરાત નથી મેળવી. ૧૯૮૦માં દેંગ શિયાઓપીંગ શાસક તરીકે આવ્યા ત્યારે ચીન અમેરિકા સામે આયાત-નિકાસમાં માત્ર ૬.૨ અબજ ડોલરની સરસાઈ ધરાવતું હતું. ૧૯૯૦માં એ વધીને ૫૬.૯ અબજ ડોલર થઈ, ૨૦૧૦માં તો પ્રચંડ માત્રામાં વધીને ૩૪૭.૦૨ ડોલર થઈ અને અત્યારે ૨૭૦ અબજ ડોલર. આ રાતોરાત નથી બન્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે નિકાસ દ્વારા કોઈ દેશ આયાત કરનાર દેશના અર્થતંત્ર માટે અનિવાર્ય બની જાય. ચીન સામે ભારત પણ આવી જ મજબૂરી ધરાવે છે. ભારત ચીનથી ૧૦૧.૭૫ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરે છે અને સામે માત્ર ૧૬.૬૬ અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરે છે. એટલે તો ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી બોયકોટ ચીનનો નશો ચડે એ પહેલાં જ ઉતરી ગયો હતો. ભારત ચીનનો ચ બોલી શકતું નથી. ચીનથી કરવામાં આવતી આયાત ભારતના અર્થતંત્ર માટે અનિવાર્ય બની ગઈ છે. ક્યાં ૧૦૧ અબજ અને ક્યાં ૧૬ અબજ! અમેરિકા સાથેના ધંધામાં ક્યાં ૪૦૧ અબજ (ચીનની નિકાસ) અને ક્યાં ૧૩૧ અબજ (અમેરિકાની નિકાસ)! ચીનની એકલા અમેરિકામાં નિકાસ ૪૦૧ અબજ ડોલરની છે અને ભારતની આખા વિશ્વમાં કુલ નિકાસ ૪૩૭.૧૧ અબજ ડોલર. ચીન ૧૨૦ દેશો સાથે ધંધો કરે છે જેમાંથી ૧૦૦ જેટલા દેશોમાં તેની નિકાસ આયાત કરતાં વધુ છે. ચીન સ્વયં એક વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે.
ટ્રમ્પબાબાએ પોતાની પૂંછડી ફાચરમાં ફસાવી ત્યારે તેમને આ બધી ચીજની જાણ નહોતી? કદાચ હોય તો પણ તેમને કશો ફરક નહોતો પડતો કારણ કે આવા નેતાઓ હેડલાઈન્સમાં જીવતા હોય છે. અરુણ શૌરી કહે છે એમ રોજેરોજ કમાનાર અને ખાનારની જેમ રોજેરોજ હેડલાઈન મેનેજ કરતા હોય છે. સુરખીઓ મેં રેહના હૈ. કાંઈ પણ બોલો, કાંઈ પણ ફેંકો અને કાંઈ પણ કરો, ઘેલાઓને રાજી કરો અને વાહવાહી મેળવો. તમારું અર્થતંત્ર ૪૦૦ અબજ ડોલરની આયાત દ્વારા ચીન પર નિર્ભર હોય અને રેર મિનરલ્સ માટે લગભગ ૯૦ ટકા નિર્ભર હોય ત્યારે કયા મોઢે સાહસ કરો? ૪૦૦ અબજ રૂપિયાની ચીજો અમેરિકામાં ઉત્પાદિત કરવી હોય અને આત્મનિર્ભર બનવું હોય તો ઓછામાં ઓછો એક દાયકો લાગે. ચીનની અનિવાર્યતા ઘટાડવી હોય તો એ બિલકુલ શક્ય છે, પણ એને માટે ચીન જેવી જ લાંબાગાળાની યોજના બનાવવી જોઈએ, ધીરજપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. જે માર્ગે ચીન અનિવાર્ય બન્યું એ માર્ગે જ ચીનની અનિવાર્યતાનો અંત લાવી શકાય. અહીં ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે શું ટ્રમ્પ ચીન જેવી સમજૂતી ભારત સાથે કરશે? શક્યતા પૂરી છે, પણ યાદ રહે, અમેરિકાના વિશ્વવ્યાપારમાં ભારતનું સ્થાન ૧૧માં ક્રમે છે. અમેરિકા સાથેના ધંધામાં ચીનની ૨૭૦ અબજ ડોલરની સરસાઈ સામે ભારત માત્ર ૪૧ અબજની સરસાઈ ધરાવે છે.
પણ આ કરે કોણ? અતીતમાં રાચનારાઓ, ઇતિહાસના હિસાબકિતાબ કરનારાઓ, પ્રજાને આપસમાં લડાવનારાઓ, વર્તમાનમાં હું કેવો લાગું છું એની ચિંતા કરનારાઓ અને રોજેરોજ ચીવીસ કલાક વાહવાહીની ચિંતા કરનારાઓ આ ન કરી શકે. ટ્રમ્પબાબાઓની જમાત જ્યાં ત્યાં ફસાય છે એનું આ કારણ છે. તેઓ પોતાને માટે હેડલાઈન મેનેજ કરે છે, દેશ નહીં અને એમ કરવામાં ઓપરેશન સિંદુર જેવા, ઈરાન જેવા, રશિયા જેવા ફિયાસ્કા થાય છે.
આનો અર્થ એ નથી કે ચીન કોઈ મહાન દેશ છે. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવામાં અને તેને શુદ્ધ કરવામાં ચીને સરસાઈ મેળવી છે એનું કારણ છે મજૂરો સાથે કરવામાં આવતો અત્યાચાર. કમકમાં આવે એ રીતે ભયંકર માત્રામાં શારીરિક અને માનસિક પ્રતારણા કરવામાં આવે છે. પ્રજાને અધિકારો આપવામાં આવ્યા નથી અને માનવીય ગરિમાનો આદર કરવામાં આવતો નથી. ચીન સભ્ય સમાજનું મોડલ ન હોઈ શકે. આ દૃષ્ટિએ વિશ્વસમાજ ભારત તરફ જોતો હતો. વિશાળ માર્કેટ, ઝાઝા હાથ, સૌહાર્દપૂર્ણ સહઅસ્તિત્વ, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, નાગરિક અધિકાર અને માનવીય ગૌરવ, કાયદાનું રાજ, લોકતંત્ર અને તેની સાથે વિકાસ. દુનિયા ઇચ્છતી હતી અને માનતી હતી કે ભારત મોડેલ બને. પણ ભારતના આજના શાસકોને ચીનની ચિંતા નથી, ઔરંગઝેબની છે. ભવિષ્યની ચિંતા નથી, ઇતિહાસની છે. જે તે શહેર જે તે ધંધાનું હબ બને તેમાં રસ નથી, તેનાં નામ બદલવામાં રસ છે.
ભારત એક તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 નવેમ્બર 2025
![]()

