ભારતીય પ્રજા સૅક્સથી ભડકી ગયેલી કે બ્હાવરી પડી ગયેલી છે. એને કારણે સમાજની રુગ્ણતા પણ અવારનવાર ઊથલા મારે છે, ધબા વળતી નથી. સાજા થવાનું અઘરું કે અશક્યવત્ ભાસે છે.
સહજ સ્પર્શની ઓછપ છતાં મલાજો લાજમર્યાદા સંસ્કાર કે ધરમકરમ સાચવવા માટે કેળવવામાં આવેલાં અન્તરોથી કુટુમ્બો સુરક્ષિત છે, ખાસ તો, જાતીય વાસના બાબતે સ્વચ્છ છે, એવું પરમ્પરાગત શૈલીનું એક આવકાર્ય ચિત્ર જરૂર જોવા મળે છે.
એવી કુટુમ્બજાળની સ્પૃહા કરીએ, એને સન્માનનીય ગણીએ, તેમછતાં, એવા બનાવો છાશવારે બનતા હોય છે જેમાં કુટુમ્બની જ બાળાઓ, કુંવારી કન્યાઓ, પરણેલી કે વિધવા સ્ત્રીઓ ઘરના જ પુરુષોના હવસનો શિકાર બની હોય છે.
અલબત્ત, સહજ સ્પર્શ, પેલું કેળવાયેલું અન્તર કે એ દુર્વ્યવહારો અને દુષ્કૃત્યો વચ્ચે હું કોઈ સીધો સમ્બન્ધ નથી જોતો, તો પણ એ ત્રણ નકરી હકીકતો છે તેની ઉપેક્ષા પણ નથી કરી શકતો.
અલબત્ત, કુટુમ્બો ઉપરાન્ત અન્ય સામાજિક સંવિભાગોમાં પણ આ રુગ્ણ મનોદશા જોવા મળે છે. કુટુમ્બે તે સમાજે, એમ કહી શકાય. સમાજના અશિક્ષિત વર્ગોમાં આ ઘટનાઓ ઘટે છે, પણ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગોના શિક્ષિતોમાં નથી ઘટતી એવું ક્યાં છે? છતાં, હું કોઈ તાજા સમાચાર નથી આપી રહ્યો કે કશી નવી વાત પણ કરી રહ્યો નથી. પણ, નાઉ ઍન્ડ હીયર, સમાજની એ નાડ જેમ ધબકે છે, તેની વાત કરી રહ્યો છું.
કહે છે, ફેબ્રુઆરી ૧, ૨૦૨૨થી માંડીને જાન્યુઆરી ૩૧, ૨૦૨૩ સુધીમાં, માત્ર ૧૧ મહિનામાં, અમદાવાદ શ્હૅરમાં બાળાઓને ફોસલાવવા-પટાવવાના – મોલેસ્ટેશનના – ૨૨૨ કેસ અને બળાત્કારના ૩૮૧ કેસ નૉંધાયા છે. નાડના આ ધબકાર સૂચવે છે કે રોગ કેટલો ઊંડો છે બલકે ઘર ગાલી ગયો છે.
કહે છે, મુમ્બઈમાં, બાપે દીકરી પર બળાત્કાર કર્યો. રાજસ્થાનમાં, બાપે દીકરી પર બળાત્કાર કર્યો. ઉત્તર પ્રદેશમાં, બાપે તરુણાઈમાં પ્રવેશેલી દીકરી પર બળાત્કાર કર્યો. મધ્ય પ્રદેશમાં, બાપે એક વર્ષ દરમ્યાન દીકરી પર અનેક વાર બળાત્કાર કર્યો. બળાત્કાર કરે, ગર્ભવતી કરે, પછી મારી પણ નાખે. એ દુષ્કર્મનો વિડીઓ પણ કરે ને એ વિડીઓને ફરતો કરે.
++
હું વર્ણવી રહ્યો છું એ સામાજિક રોગમાં બે પરિબળો કારણભૂત છે :
એક છે, બૅડ ફેઈથ. બીજું છે, પોસ્ટ ટ્રુથ.
Pic courtesy : Tribune India.
હું હવે ખલાસ છું, કંઈ નથી, મારા માટે કોઈ ઉપાય કે વિકલ્પ બચ્યાં નથી. હું નિર્બળ છું ને યોગ્ય પસંદગીઓ નથી કરી શકતો. બરાબર લાગતી વસ્તુ પર આંગળી મૂકતાં ડરું છું. જે છું તે છું. રામ રાખે એમ રહું છું. આ બૅડ ફેઇથ છે – જાતને હિણી ગણવી અને બધી વાતે ના-હિમ્મત રહેવું. મોટા ભાગના લોકો એવી જાતછેતરામણીનો ભોગ બન્યા હોય છે, હિણપત અને આત્મશ્રદ્ધા વિનાની જિન્દગી જીવતા હોય છે.
એટલે, બને છે એવું કે જે હાથ ચડે તે વિચારને કે ધરમને પોતાનો ગણી લે છે. સામ્પ્રત ભારતીય હિન્દુ સમાજનો મૂળાધાર ધર્મ છે. પણ એ ધર્મ એટલે? રામમન્દિરના રામ, કાશી વિશ્વનાથના મહાદેવ, નાથદ્વારાના શ્રીજી બાવા કે તિરુપતિના વેન્કટેશ્વર. આ બધામાંથી જેની ભક્તિ સરળ પડે, સગવડો સચવાય એવી લાગે, કરવા માંડે છે. મન્દિરે જઈ ભગવાનને કહે છે – પ્રભુ, મારું કંઈક કર. મારા પર કૃપા કર.
પ્રભુકૃપા એટલે પ્રસાદ અને પ્રસાદ એટલે પ્રભુકૃપા. પણ એને તો મોહનથાળનો પ્રસાદ જોઈતો હોય છે ! અને એટલે એ માટે એ બૂમો પાડવા માંડે છે. જાતછેતરામણી એને એ કોટિએ લઈ ગઈ, જેને એ તો પાછો ભક્તિ કહે છે !
બીજું પરિબળ પોસ્ટ ટ્રુથ છે. હકીકત રૂપ સત્ય હોય, સિદ્ધ હોય, નીવડેલું હોય, સર્વસ્વીકૃત હોય, પણ દુરાશયોથી પાછળના કોઈ સમયે એને મચડી નાખવામાં આવે અને એનું એક સગવડિયું રૂપ ઘડી લેવામાં આવે. એ મનઘડંતને જ સત્ય તરીકે ઘટાવવામાં આવે. એ પોસ્ટ ટ્રુથ છે. એમાં તર્ક અને તાર્કિકતા નથી હોતાં. એમાં. લોકોની લાગણીઓનો શ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
પોસ્ટ ટ્રુથ આજકાલ સત્તાના રાજકારણીઓનું હાથવગું સાધન છે. ઇતિહાસને વિકૃત કરનારા સાહિત્યકારો એને કુશળ કારીગરની જેમ વાપરી જાણે છે. ગુજરાતી સાહિત્યના સુધારક યુગમાં નર્મદ અને તેનાં સત્યોને પોસ્ટ ટ્રુથથી હણવાના પ્રયાસ થયા હતા. આજકાલ સુરેશ જોષી અને એમનાં સત્યોને હણવાના પ્રયાસો ચાલુ છે.
બૅડ ફેઈથનો ભોગ બનેલા લોકો સામાન્ય હોય છે પણ પોસ્ટ ટ્રુથના ઘડવૈયા ચતુરસુજાણ હોય છે. સામાજિક રોગ અબુધોને લીધે હોય એ સમજાય એવું છે, ચતુરસુજાણોને લીધે હોય એ ન સમજાય એવું નથી, પણ વધારે કરુણ છે.
(ક્રમશ:)
(March 8, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર