ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ,
ને ગામડે, આપણા, પાછા ચાલ્યા જઇએ,
એના એ જ ચહેરા,
એના એ જ મહોરા.
ને એના એ જ ઉપરછલ્લા ઠાલા સંબંધો,
બીબાંઢાળ યંત્રવત માણસો,
ને હીબકા ભરતું જનજીવન.
ઊભરાતી સમૃદ્ધિને ભાગદોડની ચરમસીમા,
ન ક્યાં ય હાશકારો,
ન કયાં ય પ્રેમ,
બંધ બારણામાં પુરાયેલાં બંધ હૃદયમાં,
જિવાતું જનજીવન,
ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ,
આડેધડ આમતેમ ઊભી થતી મહેલાતો,
ને બિલકુલ સામે શ્વાસ વગર જીવતી ફૂટપાથી વસાહતો,
પ્રદૂષણથી ઊભરાતું નગર,
ને મહેનતકશ મજદૂરના ધરબાતા પસીનાથી વિકસતું નગર,
જાણે આત્મા વિનાનું શરીર
ચડસાચડસી, હુંસાતુસીને હું પદમાં,
આફરે ચડતું, જીવાતું માનવજીવન.
ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ.
વ્યસ્તતા સાથે હાફતું નગર,
સમૃદ્ધિ પામવા મથતું, ભાગતું નગર,
હૃદય વગરના માણસનાં ટોળાંમાં,
છીછરા સંબંધને સહારે,
બંધ ચોગઠામાં જિવાતું જનજીવન,
ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ,
ને ગામડે, આપણા, પાછા ચાલ્યા જઇએ.
ગામને ગોંદરે
ને ચોરાના પ્રેમાલાપના સાનિધ્યમાં,
ઊભી લીલીછમ વનરાઇઓ વચ્ચે,
ખેતરના ખોળે,
મંદિરમાં ફરકતી ધજાના સાનિધ્યે,
ઝાલર વાગતા ઘંટારવની સાક્ષીએ,
વડલાના શીતળ છાંયડે,
ખાટલા ઢાળીને, શાંતિના શ્વાસ લેતી,
મીઠી રૂડી નિંદરને માણવા પામવા,
ચાલ હવે તો, ગામ આપણા, પાછા ચાલ્યા જઇએ,
ને આ નગરથી વિખૂટા પડી જઇએ.
તા. ૪-૯-૨૦૧૫
e.mail : koza7024@gmail.com