= = = = ડૅનિયલ ડિફૉએ 1665-માં લન્ડન શહૅરમાં ફાટી નીકળેલા ‘ધ ગ્રેટ પ્લેગ ઑફ લન્ડન’ નામે ઓળખાતા બ્યુબૉનિક પ્લેગની જે વર્ણના કરી છે તે અહીં સવિશેષે સ્મરણીય છે = = = =
આ લેખ-શ્રેણીમાં, હું કામૂ-રચિત ‘પ્લેગ’ નવલકથામાં તેમ જ પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર ત્હુસ્સિડિડેસે ‘હિસ્ટરી ઑફ ધ પેલ્પનેશિયન વૉર’-માં પ્લેગ વિશે જે કહેવાયું છે તેની ઘણી વાતો કરી ચૂક્યો છું.
આજે હું એમાં અંગ્રેજ લેખક ડૅનિયલ ડિફૉએ વર્ણવેલા પ્લેગની વાત ઉમેરી રહ્યો છું. ડિફૉનો સમય છે, c. 1660-1731. આમ તો ડિફૉ ‘રૉબિનસન ક્રુઝો’ નવલકથાથી જાણીતા છે. કહેવાય છે કે 'બાઇબલ' પછી સૌથી વધુ ભાષાન્તરો કોઈ પુસ્તકનાં થયાં હોય તો તે 'રોબિનસન ક્રુઝો'-નાં. ગુજરાતીમાં, એકથી વધુ થયાં લાગે છે. સાધના નાયક દેસાઈએ એનો ભાવાનુવાદ કર્યો છે.
ડિફોનું 1722-માં પ્રકાશિત પુસ્તક છે ‘એ જર્નલ ઑફ ધ પ્લેગ યર’. એમાં એમણે 1665-માં લન્ડન શ્હૅરમાં ફાટી નીકળેલા ‘ધ ગ્રેટ પ્લેગ ઑફ લન્ડન’ નામે ઓળખાતા બ્યુબૉનિક પ્લેગની જે વર્ણના કરી છે તે અહીં સવિશેષે સ્મરણીય છે. એમાં, બગલ કે કમર અને જાંઘના સાંધામાં પીડાદાયક ગાંઠો નીકળવાથી એ પ્લેગની શરૂઆત થતી હોય છે.
આ ગ્રન્થ એક જર્નલ છે, વૃતાન્ત, એટલે નિરૂપણ લગભગ ક્રમાનુસારી ઢબમાં છે. એમાં ડેટા, ચાર્ટ્સ, ઉપરાન્ત, આંકડા અને સરકારી દસ્તાવેજો પણ મૂક્યા છે. એ રીતે જોતાં, હકીકતો અને તવારીખ સંદર્ભે ગ્રન્થ ઘણો ઉપયોગી થયો છે.
પરન્તુ નૉંધપાત્ર વાત એ છે કે ડિફૉએ એ દુર્ઘટનાને વાર્તાની રીતે રજૂ કરી છે અને તેથી એ જર્નલ, જર્નલ ન રહેતાં, નવલકથા ભાસે છે. નાયક નામે H. F. કથક છે અને કથા એ પોતે જ કહે છે. અપરિણિત છે. પ્લેગ હોલૅન્ડમાં આવી લાગ્યો છે એવી અફવાથી એણે કથાની શરૂઆત કરી છે. એણે ઉમેર્યું છે કે પોતે ‘બિલ્સ ઑફ મૉર્ટાલિટી’ને જોતો-વાંચતો રહ્યો છે. ત્યારે ‘બિલ્સ ઑફ મૉર્ટાલિટી’ નામનું એક સાપ્તાહિક હતું ને એમાં લન્ડનમાં થતાં રહેતાં મૃત્યુદરના અને દફનના આંકડા અપાતા’તા.
H.F.-ને હવે હું કથક કહીશ. આ લેખના વાચકો એણે પીરસેલી વાતો સાથે પ્રવર્તમાન કોરોના-પરિસ્થતિને સ્હૅલાઈથી સરખાવી શકશે.
બને છે એવું કે પ્લેગથી કેટલાંક પરગણાં પ્રભાવિત થયેલાં પણ શિયાળો હતો એટલે પ્લેગ ખાસ પ્રસરી શકેલો નહીં. પરન્તુ મે-જૂનમાં મૃત્યુનો આંકડો ઊંચે ચડવા લાગે છે, ને ત્યારે, આપણા કથકને ચટપટી થાય છે કે – શ્હૅર છોડીને જલ્દી જલ્દી ઘરે પ્હૉંચી જાઉં તો કેવું … થોડીક માથાકૂટ પછી એને થાય છે, ના, રોકાઈ જાઉં. કેમ? એ કહે છે, કેમ કે ઈશ્વર ઇચ્છે કે અહીં મારું રોકાઈ જવું જરૂરી છે.
એવા શાણા કથકભાઈએ જોયું કે તવંગરો શ્હૅર છોડીને ચાલી જઈ રહ્યા છે, પરન્તુ ગરીબો ફસાઈ ગયા છે – કેમ કે એમને ‘ડિસ્ટૅમ્પરે’ ઝડપ્યા છે. જાનવરોને અને ખાસ તો, કૂતરાંને થતા વાયરલ રોગનું નામ ‘ડિસ્ટૅમ્પર’ છે – એમાં, તાવ ચડે, ખાંસી બહુ આવે, ને લાળ દદડે …
કથક જણાવે છે કે એ રોગની પાછળ પાછળ ચાલી આવનારા પ્લેગની ગરીબોને બીક તો છે જ. એમને એની ચિન્તાઓ સતાવી રહી છે. ઉપરાન્ત, તેઓ ઊંટવૈદો, જોશીમા’રાજો તેમ જ પટાવીને પૈસા પડાવી લેનારા ગઠિયાઓને તાબે થઈ રહ્યા છે. હા, એ ખરું કે પ્લેગના પ્રસારને રોકવા માટે શ્હૅરના અફસરો સયુક્તિક છે અને વ્યવસ્થાતન્ત્રને અધીન છે. તેઓ સિટી ઑફ લન્ડનના લૉર્ડ મેયર અને બરો કાઉન્સિલના સભ્યો વતી ઑર્ડર્સ આપતા હોય છે. તદનુસારી નિયમો અને અંકુશો અન્વયે લોકોનાં ઘરોને સુરક્ષિત રાખવા માટે સંશોધકો, પરીક્ષકો અને ચૉકીદારોની નિમણૂકો થાય છે. ચેપ લાગ્યો હોય એવાં ઘરોને બંધ કરાવી શકાય છે. લોકટોળાં ભેગાં થતાં હોય એ સ્થળોને પણ બંધ કરાવી શકાય છે.
પણ આ પરત્વે આપણા આ કથકનો મત જુદો છે. ઘરોને એ બંધ કરી દેવામાં નથી માનતો. કહે છે, એથી મોટા ભાગના કેસિસમાં ફાયદો તો નહીં થાય, હાનિ વધારે થશે. પ્લેગના ફેલાવાને તો જરા પણ ડામી શકાશે નહીં. કેમ કે લન્ડનવાસીઓને છટકી જતાં બહુ આવડે છે બલકે અફસરોને તેઓ આરામથી છેતરી શકે એવા કુનેહબાજ છે.
કથકે કથામાં અનેક નાના કિસ્સા અને દૃશ્યો ઉમેરીને પોતાની વાતને સાધાર પુરવાર કરી છે : જેમ કે : સન્તાનના મૃત્યુથી વ્યથિત પિતાઓ. પોતાનાં કુટુમ્બોને બચાવવા મથતા પતિઓ. પાગલ થઈ ગયેલાંઓ શેરીઓમાં દોડતાં હોય. પીડા વેઠી શકાતી ન હોય એટલે વ્યક્તિઓ દફનને માટેના ખાડાઓમાં ઝંપલાવતી હોય. ઈશ્વરને વિશે ઍલફૅલ બોલતા લોકો. ઘરોની ચીજવસ્તુઓ માટે શરૂ થયેલી લૂંટાલૂંટ. શ્હૅર છોડીને બીજે વસવા જઈ રહેલાઓની હિજરતો. વગેરે.
પ્લેગ દરમ્યાન શ્હૅરમાં સાવ અંધાધૂંધી હતી એવી ઘૃણાસ્પદ અફવાઓને કથક ચલાવી લેતો નથી, વખોડી નાખે છે. ગરીબોની હાડમારી માટે એને અનુકમ્પા છે. પ્લેગ દરમ્યાન થયેલાં દાન અને દયાનાં ધર્મકાર્યોની નૉંધ લે છે. કેટલાંકને ઉગારી લેવાયાં'તાં, એ સેવાકાર્યોની વાતો પણ ઉમરે છે. છેવટે એ એક જ સાર પકડાવે છે કે પ્લેગથી છૂટકારો મેળવવો હોય તો ભાગો એનાથી, બને એટલા દૂર રહો.
એને એવું પણ થાય છે કે પોતે રોકાઈ ગયો એ ભૂલ હતી. ઈશ્વરને સ્મરીને એ પોતાનાં પાપ કબૂલે છે, ક્ષમા માગે છે. ઘણા દિવસો લગી ઘરમાં પુરાયેલા રહીને એણે પોતાનો સમય વીતાવ્યો છે; પણ એ યે જ્યારે એનાથી સ્હૅવાતું નથી, શ્હૅરમાં ચાલવા નીકળી પડે છે. પ્લેગ કેમ આવ્યો ને પ્રસર્યો એનાં કારણો વિશે એ ચિન્તવે છે; ઢંગધડા વિનાના ખુલાસાઓને નકારી કાઢે છે; પણ ઉપસંહારરૂપે એમ કહે છે કે પ્લેગ કેટલાંક માનવીય કારણોથી જ છે, તેમ છતાં, એને મોકલ્યો છે તો ઈશ્વરે જ !
સપ્ટેમ્બરમાં પ્લેગ અતિશય વકર્યો પણ તે સાથે એવા સમાચારો પણ મળવા લાગેલા કે ડિસ્ટૅમ્પર-રોગ મન્દ પડી રહ્યો છે. ચેપના કેસિસ ઘટી રહ્યા છે અને રોગગ્રસ્તો જલ્દીથી સાજા થઈ રહ્યા છે. જો કે આ સમાચારોની અવળી અસર થઈ. એ કે એ જાણીને લોકો બેપરવા થઈ ગયા. પરિણામે, પ્લેગ વળી પાછો ફેલાયો. જો કે ખુશીની વાત એ હતી કે થોડા વખત પછી જતો રહેલો.
આપણા આ કથકે તારવ્યું છે કે પ્લેગ ગયો પછી મોટાભાગના લોકો જુદી રીતે જીવવા લાગ્યા છે, પણ કેટલાક તો એમની એ જ જૂની આદતો પ્રમાણે પાછા ચાલુ થઈ ગયા છે. એમના એ જ પાપાચારો ફરીથી શરૂ થઈ ગયા છે – સાર એ કે આ મહામારીનાં વીતકો પરથી તેઓ કશું જ શીખ્યા નથી.
છેલ્લે કથક નાનકડા પદ્યથી પોતાનો ઉમંગ વ્યક્ત કરે છે કે સરવાળે પોતે બચી ગયો છે.
= = =
(May 21, 2020 : Ahmedabad)