સ્મરણો ઘેટાંની જેમ ધૂણતાં ધૂણતાં ચાલ્યાં આવે છે. એક વાર શરૂ થાય પછી એમને રોકી શકાતાં નથી. મને તો થાય, હું ‘ગોાવાળ’ની જેમ એમની પાછળ પાછળ ચાલું છું કે મારા ચિત્તમાં એ બધાં જાતે ને જાતે જેમ ફાવે એમ ચાલી આવે છે? મધુર રૂપની અસમંજસતા ઊભી થાય છે …
કોરોનાકાળે વાઇરસની જેમ સ્મરણો પણ અત્ર તત્ર સર્વત્ર સળવળતાં જોવા મળે છે. અનેક લોકો, પહેલાં આમ હતું ને પહેલાં આમ હતું, કરવા લાગ્યા છે. ઘણાઓ તો આત્મકથા કહેવા માંડે છે. કેટલાક તો, ચાલો આજે નાનપણમાં જઈએ – નામનો કાર્યક્રમ બનાવે છે. એવું કહી શકાય કે ક્રાઇસિસ પુશ મેન ઇન્ટુ ધ પાસ્ટ …
વતનમાં ત્યારે લાઈટો આવી ન્હૉતી, એક કૉન્ટ્રક્ટરે – જે ‘કંટ્રાટી’ કહેવાતો – થાંભલા અને તારદોરડાં બંધાવી – કરીને મુખ્ય રસ્તા પર માંડ શરૂ કરેલી. મેં ઘણી વાર એ થાંભલાની લાઇટ નીચે બેસીને, એકડિયા-બગડિયામાં હતો ત્યારે, લેસન કરેલું કેમ કે ઘરમાં ફાણસ ચીમણી દીવેલનાં કોડિયાં ખરાં, પણ થાંભલાની એ ઇલૅક્ટ્રિકની વાત જ ઑર હતી. કંટ્રાટી કુદરતપ્રેમી તે અજવાળિયાના પંદર દિવસ લાઇટો બંધ રાખતો’તો ! એ રાતોની ઠંડકભરી ચાંદની અને નવી નવી ઇલેક્ટ્રિક લાઇટનું મિશ્રણ હજી ભુલાયું નથી.
વતનમાં ત્યારે વૉટરવર્ક્સ પણ નહીં, ખારા અને મીઠા પાણીના કૂવા ને તળાવનાં પાણી. પાણિયારીએ ‘એ ચાર દિવસ’ નહીં આવવાનું તે બા પડોશણો જોડે જાય ને માથે બેડાં મૂકીને દૂરના કૂવેથી પીવાનું પાણી લાવે. ખડકીના કૂવામાં કપડાં, વાસણ કે વસ્તુઓ પડી જાય તો ‘બિલાડી’ ઉતારવાની, વસ્તુને એમાં ફસાવવાની ને આસ્તેથી ઉપર લાવી દેવાની. એ બિલાડીકળાના જાણકારનો ખડકીમાં મહિમા હતો. નજીકના ગામેથી લાકડાં વેચનારા આવતા – ઝાડ કાપીને લાવ્યા હોય, એ લાકડાં લીલાં તો નથી ને, એના જાણકારનો ય મહિમા હતો. કેરીઓનું ગાડું આવે ત્યારે ભાવતાલ કરીને બધું નક્કીચક્કી કરી આપનારા કાબેલ પણ હતા ને એમનો ય મહિમા હતો. ખડકીમાં એ જાતની સોશ્યોલૉજી વિકસેલી.
ફળિયામાં એક જ જણના ઘરે રેડીઓ ને ગામમાં બીજા બે-ત્રણને ત્યાં – બસ ! એ શેઠ વૉલ્યુમ એટલું મોટું રાખે કે ફળિયું આખું સાંભળે. જાતે સાંભળવા કરતાં એઓશ્રી સંભળાવવાની મજા લેતા. દયાળુ લાગતા’તા. ગામમાં ચાર જણને ત્યાં ફોન હતા – ઘડા જેવા પેલા કાળિયા, ત્રણ જ નમ્બરના. પછી એ રંગીન થયા, પછી મોબાઇલમાં પૅઠા, ને આજે તો સાવ સ્માર્ટ થઈ ગયા છે, મારા કે તમારા ‘ફિટબિટ’ કે ‘એપલ’-ના વૉચમાં તો એના નમ્બર પણ સંતાયેલા બેઠા હોય છે.
દાઢી કરવાનું શીખ્યો એ ઉમ્મરની વાત. બહુ સાદું બ્લેડ મળતું’તું. પણ અમારા વડોદરામાં લારિલપ્પા બજાર, ન્યાયમન્દિર સામે, હવે તો નષ્ટ થઈ ગયું છે, પણ એ બજારમાં અવનવી વિદેશી ચીજો મળતી’તી. દાણચોરીથી આવતી હશે કે કેમ, નથી ખબર. લેટ ફિફ્ટીઝનો જમાનો. ત્યાંથી ‘સેવન ઓ’ક્લૉક’ બ્લેડ આવી મળેલું. વરસો લગી એ જ વાપર્યું. એનાથી દાઢી, પેલા સાદા કરતાં અનેકશ: સુન્દર થાય, ઝડપ લગાવી શકાય. પણ જેવું ‘ફિલિપ્સ’-નું ઇલેક્ટ્રિક રેઝર આવ્યું, એ જ વાપર્યું. એક મિત્ર અમેરિકાથી આવેલા ને લાવેલા, ૧૯૭૭ની વાત. એ જોઈને પછી મેં પણ વસાવેલું. પણ ‘જિલેટ’ ને ’જિલેટ માક’ આવ્યાં; પછી, ડબલ બ્લેડવાળાં, પછી ટ્રિપલ, ને હવે પાંચપાંચ બ્લૅડવાળાં – જેનું નામ છે, ‘જિલેટ ફ્યુઝન’.
મારો એક મિત્ર જિલેટને ‘ગિલેટ’ કહેતો’તો ! એક આશાસ્પદ સાહિત્યકાર ‘કર્નલ’-ને સ્થાને ‘કોલોનલ’ કહેતા. ઘણા સમય લગી વડીલ સાહિત્યકારોએ એમને સુધારેલા નહીં – વડીલ કોને કહો છો !
Picture courtesy : TripAdviser
આ રેઝરનું ડોકું દાઢીના ઉતાર-ચડાવને એની મેળે અનુસરે એવું ડાહ્યું બનાવ્યું છે – યુઝર ફ્રૅન્ડલિ. આફ્ટરશેવ આવ્યાં ન્હૉતાં ત્યારે ફટકડીની ગોટી હતી, હળવેથી ઘસી લેવાની, ઠંડક થાય. હવે તો ‘ઍક્સ-ફૅક્ટર’, હું વાપરું છું એ ‘ઓલ્ડ સ્પાઇસ’, એમ ઘણાં …
લારિલપ્પામાં એક નાનકડી દુકાન હતી, ખોલી. એ ભાઈ બગડેલી ઇન્ડિપેન રીપેર કરી આપે, ભલે ને ગમે એટલી બગડેલી હોય – નીબ, મ્હૉરિયું, લિક થતી હોય તેને બંધ કરી દેવી, ઉપલી ખોલીની ચાંપ બદલી આપવી, વગેરે. ત્યારે વડોદરામાં ‘પ્રતાપ’ પેનનું કારખાનું ખૂલેલું – બ્રાઉન કલરની હોય. બોલપેન હજી આવી ન્હૉતી. પછી તો, હું નીબને સ્થાને નાના તાર જેવું લબડે ને ફ્લુઅન્ટલિ લખાય એવી પેન લાવેલો. પછી, શાહી પાછળના પમ્પથી ભરાય એવી, પછી, ’પિઅરે કાર્ડિન’, ‘લૅમિ’ એમ મૉંઘી અને જાત જાતની લાવેલો. એ બધી પેનો મારી દયા ખાતી પડી છે ઘરમાં ક્યાંક.
પ્રાથમિકમાં સ્લેટ-પેન હતાં, સ્લેટ પૂઠાની પણ હોય. કેટલાક થૂંકીને ભૂંસે, હું પલાળેલું સરસ નાનું પોતું રાખતો. વિદ્યા કહેવાય, વિદ્યાનું અપમાન ન કરાય. એ બૉઘાઓની સ્લેટ ‘ગંધાય’ – એવું લખતી વખતે આ ક્ષણે પણ મને ચીતરી ચડે છે.
પિતાજી એક વાર મારા માટે ૩૦૦ પાનની નોટબુક અને કણ-વાળી પૅન્સિલ લાવેલા. પહેલાં તો, નોટમાં પેન્સિલથી લખવાનો રિવાજ હતો. મેં જ્યારે જાણ્યું કે હૅમિન્ગ્વે પેન્સિલથી લખતા’તા, મને બહુ ગમેલું. પછી, પાછળ રબર-વાળી ક્યારે આવવા લાગી, નથી યાદ. મને ખોટું લખાયેલું જરા પણ ન ગમે, તરત ભૂંસી નાખતો, પેલું છૂટું રબર ન મળે તો ઘાંઘો થઈ જતો. હલકી જાતનું રબર ડાઘા પાડે. એને વારંવાર લૂછ્યા કરતો ત્યારે પણ મને ઉતાવળ ઘણી …
સાહિત્યના લેખ લખતો થયો એટલે ‘સન્લિટ બૉન્ડ’ કાગળ વાપરવા લાગ્યો. કૉપિ રાખવી પડે એટલે કાર્બન પેપર લાવતો થયો. આખું લખાણ કાચું લાગે કે તરત ડૂચો વાળીને ફૅંકી દેતો. રશ્મીતા તીખી નજરે જુએ છતાં સ્મિત કરીને એ ડૂચા વીણવા જાય, પણ ઊઠીને ડસ્ટબિનમાં હું જ નાખી આવું. મારા લખાણનો ‘કચરો’ મારે જ સાફ કરવો જોઈએ – એ પ્રકારનું સૅલ્ફ-ઍડિટિન્ગ ! મારા કોઈ પણ લખાણના એક પણ શબ્દને સુધારવાની ભાગ્યે જ કોઇ તન્ત્રીને ક્યારે ય ચેષ્ટા કરવી પડી છે.
લૅપ્ટૉપ આવ્યાં ન્હૉતાં ત્યાં લગી ડબ્બા જેવું કમ્પ્યૂટર વાપર્યુ. હજી રાખી મૂક્યું છે. મૉનિટર, માઉસ, સી.પી.યુ., સ્પીકર, કમ્પ્યૂ કૅમ, વગેરે દરેક પાર્ટ પસંદ કરીને ઍસેમ્બલ કરાવેલું. ડબ્બો પડ્યો છે હજી. પહેલું લૅપ્ટૉપ ‘એચ.પી.’નું લાવેલો, બીજું ‘મૅકબુક પ્રો’, હવે ત્રીજું, આ, જેના પર લખી રહ્યો છું, એ ‘મૅકબુક ઍર’. હું ભલામણ કરું છું કે લખનારા સૌએ કમ્પ્યૂટર પર જ લખવું જોઇએ. કમ્પ્યુટરના આગમનથી બન્યું એવું કે ડિક્ષનરીઓ ગઈ, ઇન્ડિપેનો ગઈ, કાગળ ને કાર્બન ગયાં, પણ પ્રેસના ટાઇપ જેવા અદ્દલ સુન્દર મારા મરોડદાર હસ્તાક્ષર પણ ગયા – એટલી હદે કે પેન કે બોલપેનથી લખું કશુંક, પણ વાંચતાં જો વાર થઈ હોય તો એ લખાણને હું જ નથી ઉકેલી શકતો – એટલા બધા ઝડપી ને ગૂંચપૂંચિયા …
મારા ‘વસ્તુસંસાર’ નિબન્ધસંગ્રહમાં વસ્તુઓની આવી ઘણી વાતો છે. આ લેખમાં દર્શાવ્યા પ્રમાણે મારા જીવનમાં ઉત્તરોત્તર સારી વસ્તુઓએ જ સ્થાન મેળવ્યું છે. વસ્તુઓની જેમ મારા જીવનમાં વ્યક્તિઓ પણ ઉત્તરોત્તર સારી જ આવી છે. પરન્તુ કેટલીક વ્યક્તિઓ પેલી ઇન્ડિપેનોની જેમ છૂટી ગઈ છે, કેટલીકને મેં પેલા ડૂચાની જેમ વાળીને ફૅંકી દીધી છે.
એટલે, મારું મન્તવ્ય છે કે મારે કે બીજા કોઈએ પણ સર્જનની જેમ હમેશાં કલામય, સુન્દર ને રસાનન્દ આપનારી ચીજો જ સરજવી જોઈએ, અને તે માટે જીવનના હરેક સંવિભાગમાં પણ ચૅંકભૂંસ કરવી જોઈએ.
સમજી શકાવું જોઈએ કે આખ્ખો ખરો દાખલો કદી નથી થવાનો …
= = =
(November 21, 2021: Ahmedabad)