આ કોરોનાકાળે આપણે એકમેકને રૂ-બ-રૂ મળવાનું નથી કરી શકતા. મળીએ ત્યારે પણ મૉં માસ્ક-મઢ્યું હોય છે. જો કે ત્યારે આંખોથી મળવાનું ઘણું શક્ય હોય છે. પણ આંખોથી મળવાનો કશો અનર્થ થાય એ પહેલાં આપણે કોઇ ને કોઇ બ્હાને થોડી જ વારમાં છૂટા પડી જઈએ છીએ. ઊલટું એ કે કેટલા ય લોકો આંખમાં આંખ મેળવીને વાત નથી કરતા. નજરથી નજર નહીં મેળવીને વાત કરનારા ઘણું બધું છુપાવતા હોય છે. ગોગલ્સ પ્હૅરીને મારી જોડે વાતો કરવા આવેલાને હું તો સાંખી શકતો નથી.
આંખનો પ્રતાપ કદાચ આપણે બરાબર અનુભવતા નથી, મહિમા પૂરો જાણતા નથી. દુ:ખદ એ છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચેના લાઇવ આઇ-ટુ-આઇ કૉન્ટેક્ટની ઘટનાઓ ઘટી રહી છે.
હા, ઇન્સ્ટાગ્રામ કે એનાં સમાં બીજાં ઉપકરણો પર પિક્ચર્સ કે પ્રોફાઇલ્સ વારંવાર અને આંખ થાકી જાય ત્યાંલગી જોઈ શકાય છે. એટલું જ નહીં, આપણી એ વર્ચ્યુઅ્લ દુનિયા આપણને બધી રીતે સુગમ લાગે છે. ઘણા તો એને 'મફત' સમજવાની ભૂલમાં ખુશ ખુશ રહે છે.
મેં ૨૬ વર્ષ પહેલાં, ૧૯૯૫માં, ‘વર્ચ્યુઅ્લિ રીયલ સૂટકેસ’ નામની વાર્તા લખેલી. એમાં સૂટકેસ હોય છે, મારા એ ઘરની સામેનું બે સ્તરે ફેલાયેલું ગ્રાઉણ્ડ – મેઇન તે ઊંડું સ્તર અને એની ઉપરનું ખુલ્લું તે – સૂટકેસનું ઢાંકણું. અને, સૂટકેસધારી તે શામલાલ, જે પાંચેક ડગલાંમાં મુમ્બઇથી પ્રોટેગનિસ્ટના ઘરે, સમજો અમદાવાદના ઘરે, પ્હૉંચી જાય છે …
પણ એવું બધું વર્ચ્યુઅ્લ હવે તો ‘મૅટાવર્સ’-ની દુનિયામાં સૌ કોઈ કરી શકશે. ત્યાં આપણે જ આપણા અવનવા અવતારો સરજવાના છીએ. વાસ્તવિક જીવનમાં ન થઈ શકે તે બધું જ ત્યાં કરવાના છીએ, કરી શકવાના છીએ. ત્યારે આપણે પૂરું જાણતા જ હોઈશું કે કશું પણ એમાં રીયલ નથી, છતાં એ વર્ચ્યુઆલિટીને માણતા રહીશું. ક્રમે ક્રમે એમ પણ બને કે એ વર્ચ્યુઅ્લ દુનિયા જ માણસને રીયલ લાગવા માંડે.
હું ચૉક્કસ માનું છું કે માનવીય સર્જકતા અને વિજ્ઞાનીય શક્તિમત્તાનો એ મહાન વિજય હશે.
પણ ત્યારે આપણી આ યુગોપુરાણી ઍક્ચ્યુઅલ દુનિયા કેવી હશે અને કેટલી બચી હશે એ પ્રશ્નો નજીકના ભવિષ્યમાં આપણી સામે આવીને ખડા થવાના છે. એ વિજયની સામે, મને જે પ્રશ્નો થઈ રહ્યા છે તે આ, કે : સરેરાશ મનુષ્યનું શું થયું હશે – મનુષ્યના ભાવજગતનું શું થયું હશે – અને ખાસ તો, મનુષ્યની આંખોનું શું થયું હશે.
એટલે મને થાય છે કે, ચાલો, જે કંઈ સંચિત છે, માનવજાતના આર્કાઇવમાં સદીઓથી સંભરાયેલું છે, તેમાં ચાલી જઈએ. શબ્દ જન્મ્યો તેટલું પુરાણું કોઈ આર્કાઈવ હોય, તો એ તો લિટરેચર છે. તેના સર્જનહાર શબ્દસાધકો અને તેમાં યે જે માસ્ટર્સ છે અને હતા, તેમની પાસે ચાલી જઈએ.
આંખોથી મળવું એ ઘટના નિરાળી છે. કોઇ પણ મનુષ્યની આંખો જોવી અને તેની આંખોમાં જોવું મને તો ગમે છે. સ્ત્રીની આંખો જેટલું સુન્દર અને સુન્દર સ્ત્રીની આંખો જેટલું સુન્દર શું હોઈ શકે? જોયા જ કરાય, કશું બોલાય નહીં, સ્તબ્ધ રહી જવાય. આ ક્ષણે મને યાદ આવે છે, મારા વાચનમાં આવેલા રવીન્દ્રનાથ કાલિદાસ કે શેક્સપીયર આદિ મહામનાઓ અને તેઓએ આંખો વિશે કહેલું એ બધું. પણ આજે મારે કહેવું છે કે રુમિ શું કહે છે : રુમિ આવું આવું કહે છે :
કહે છે કે :
“સુન્દર, સુઘડ અને મનોરમ બધી જ વસ્તુઓ જોનારની આંખ માટે સરજાઈ છે.”
આ એટલું મોટું સત્ય છે કે એનું ભાનસાન નથી હોતું એ સુન્દરને કે એ સુન્દર વસ્તુના જોનારને. રુમિ એમ સૂચવે છે કે દૃશ્ય દૃષ્ટા માટે હોય છે, અને દૃષ્ટા ન હોય તો દૃશ્ય પણ નથી હોતું.
છતાં, રુમિ એમ પણ કહે છે કે :
“આ દુનિયા તો એક સપનું છે, આંખો ખોલ.”
રુમિની આ વાત તો એમ સૂચવે છે કે વર્ચ્યુઅલ અને રીયલ બન્ને દુનિયાઓ સપનું છે, સપના જેટલી સુન્દર છે, પણ રુમિ જાગી જવા કહે છે. ભ્રાન્તિ હમેશાં રમણીય અને આહ્લાદક હોય છે પણ બધા પ્રબુદ્ધોનું મન્તવ્ય છે કે એથી નિર્ભ્રાન્ત થઇ જવું.
પણ એ જ રુમિ, કવિતાકાર સર્જક ખરો ને, એટલે અવળું પણ સત્ય વદે છે :
“બંધ કર આંખો, પ્રેમમાં પડ, ને એમાં જ ટકી રહે.”
માણસથી ખરેખર થઈ શકે એવી સરળતમ એક જ વસ્તુ છે – પ્રેમ ! હા, સ્ત્રી-પુરુષો પ્રેમમાં પડે તો છે પણ ટકી નથી રહેતાં. નહીં ટકી રહેવાથી શું બચે છે? એ તો એ લોકો જ જાણે – દયાપાત્ર મુડદાલ જીવન …
આજકાલ, આપણે તો ‘હાય’ ને ‘બાય’-માં જીવીએ છીએ. ઘણા તો ‘બાય’ કરી દેવાની ઉતાવળમાં સરખું બોલતા પણ નથી, ખરું કે સાચું લખવાની તો વાત જ શી ! સારું ગુજરાતી લખી શકતા કવિઓ પણ ઇમોજીથી પતાવે છે. આપણને થાય એમને બચારાઓને બહુ કામ હશે. પણ ના, કામ તો શું હોય? એટલું જ કે દરેક જગ્યાએ એ-નું-એ ઇમોજી ચૉંટાડવું ! એ લોકો સોશ્યલ મીડીઆમાં દાખલ થાય ખરા પણ સોશ્યલ નથી થતા, એમની એ જ સંકીર્ણ ઇન્ડીવિજ્યુઆલિટીમાં પડ્યા રહે છે.
હાય-બાયની વાતમાં સમજી શકાય એવું સીધું એ છે કે તમે પ્રેમ કર્યો હોય તો હાય-થી મલકી પડાય, છાતી ફૂલે, અને બાય-થી મૉં પડી જાય, વિરહ થાય. ખરા પ્રેમીને – પ્રિયાને કે પ્રિયને – બાય બાય કરતાં હમેશાં દુ:ખ થાય – ઉમ્બરેથી આંગણે ને આંગણેથી શેરીના નાકે જાય, કેમ કે વિદાય એનાથી વેઠાય નહીં. પણ એવું હાય કે એવું બાય પ્રેમ કર્યો હોય તો થાય, તો જ થાય, બાકી શું …
રુમિ જુદું અને સરસ સૂચવે છે કે ખરાં પ્રેમીઓ સાદુંસીધું બાય નથી કરતાં. કહે છે :
“કેમ કે દિલોજાનથી પ્યાર કરનારાંની જિન્દગીમાં વિદાય નામની વસ્તુ કદી હોતી નથી.” અને જો બાય કરી શકે તો કોણ? રુમિ ઉમેરે છે : ‘’આવજો’ એ જ કહી શકે જે પોતાની આંખોથી તમને પ્યાર કરતું હોય.”
કેમ કે પ્રેમનું માધ્યમ અને સાધન આંખો છે. પ્રેમને હું સર્વોત્તમ વાસ્તવિકતા ગણું છું – સુપ્રીમ રીયાલિટી. અનુભવીઓ જાણે છે કે એ રીયલ રોજ વર્ચ્યુઅલમાં ને એ વર્ચ્યુઅલ રોજ રીયલમાં બદલાતું રહે છે. પ્રેમ સદા ક્રિયમાણ અને ઝલમલતું તત્ત્વ છે.
પ્રેમમાં આંખો અને આંખોમાં પ્રેમ -ની આ રહસ્યમય છતાં સીધી વાતો છે. એ વાતો જેટલી વાર કરાય એટલી વાર નવી લાગશે પણ હરેક વખતે લાગશે કે – હું જાણું છું. મહામનાઓ આપણે જાણીએ છીએ એ જ કહેતા હોય છે, પણ એઓને સાંભળ્યા પછી આપણને ખાતરી થાય છે કે હું જાણું છું એ બરાબર છે, આપણો દિવસ સારો જાય જાય છે, આપણને સારું લાગે છે …
= = =
(November 16, 2021: Amsterdam)