Opinion Magazine
Number of visits: 9447423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (58)

સુમન શાહ|Opinion - Opinion|18 July 2021

આ મુશ્કેલ સમયમાં અનેક મિત્રો પોતાનાં સંસ્મરણો લખવા માંડ્યા છે. ઘણા બધા લોકો નવરાશના માર્યા ગપ્પાં તો હાંકે છે પણ વાત વાતમાં પોતાનાં નાનપણની કે જુવાનીની વાતો કરવા લાગી જાય છે.

કોરોનાએ માનવજાતનું ઘણું ઊંધું પાડી દીધું છે. ભવિષ્ય પંગુની જેમ અડવડિયાં ખાય છે. એમ હોય ત્યારે આમ જ બને. ભૂતકાળમાં સંભવેલા કેટલાયે પ્રસંગોની ચિત્તમાં હરફર ચાલ્યા કરે. ઘટનાઓ દેખાયા કરે, કેટલીક તો એવી અવિસ્મરણીય હોય કે ભૂલી ભુલાય નહીં, નજર સામે ભજવાયા કરે – જાણે કશી ફિલમ શરૂ થઈ …

મેં મારા મિત્ર વિપુલ વ્યાસને કહી રાખ્યું છે કે – તું મારી સાથે આપણે ગામ ડભોઈ આવજે. એ પણ ડભોઈનો છે. હું તને ગાયકવાડના સમયની મારી નિશાળ બતાવીશ – જો બચી હશે તો. કાગળકામવાળા નટુ માસ્તર, ડ્રૉઇન્ગટીચર માધુસ્કર ને ગણિત કે અંગ્રેજીના બીજા ટીચરોની વાતો કરીશ. હું ટીચર થયો કેવી રીતે થયો એ કહીશ.

ગલી ગલીમાં, શેરીઓ ને ફળિયાંઓમાં લઈ જઈશ – શેઠફળિયું, ઊંચા ટીમ્બા, પટેલવાગો, તાઈવાગો, મહૂડી ભાગોળ, કડિયાવાડ, આપણી હીરાભાગોળ, ને ક્હૅતો જઈશ – અહીં મને આમ થયેલું, અહીં ઓલાએ આમ કરેલું, તેમ કરેલું. કહેતો જઈશ – એ બધું આ જગ્યાએથી શરૂ થયેલું – અહીં પૂરું થયેલું … યુ પ્લીઝ વિલ વીડિયો મી. તું બધું વીડિઓ કરજે, પછી આપણે બધાં, સાથે બેસીને માણીશું.

વિપુલ કહે, જરૂર જઇશું. પણ આ કોરોનાએ હજી જવા દીધા નથી. ક્યારે તે ય એ જાણે …

બાકી, મને મારા ગામની છીંકણીઓળની છીંકણીની મીઠી પણ તેજ સુગન્ધો યાદ આવે છે, વાર લગાડું તો છીંક પણ આવે. ચૉક્સીઓળનો અમ્બુ સોની કસોટી પથ્થર પર ઘરાકનો દાગીનો પરખતો દેખાય. શંકર ધોબી ઇસ્ત્રી હલાવતો હોય – અંદરના કૉલસા ઠરી તો નથી ગયા ને. ભાડભૂંજાવગામાં ફૂટતી ધાણીની સોડમ યાદ આવે છે. દયારામ સ્કૂલે જતાં એક પેઇન્ટરનું ઘર આવતું’તું. ચીતરેલાં પેઇન્ટિન્ગ્સ ને દુકાનોવાળાનાં સાઇનબૉર્ડ્સ એના ઓરડેથી એણે ઓટલે મૂક્યાં હોય, જોવા ઊભો રહું. નીચે ખૂણામાં પોતાનું નામ અચૂક ચીતરે – પેન્ટર રમણલાલ.

શ્રીમાળીવગામાં થઈને હું નાંદોદી ભાગોળે જતો, ને ત્યાંથી ગામ બ્હારના એક ચૉગાનમાં. ત્યાંથી બા-ના કહેવાથી ઘર માટે માથું ધોવાની કાળી માટી લાવતો. મોટીબાએ શીખવેલું. ને મોટીબાને એની બા-એ. પરમ્પરા તે એનું નામ.

ચૉગાન એવું મોટું કે સૂઇ જવાનું મન થાય, ને ત્યારે આકાશનો ઘુમ્મટ બહુ નીચો લાગે, ઊંઘી પણ જવાય. એ માટીને છાશમાં પલાળીને માથું ચોળવાનું, ધોઈ નાખવાનું ને પછી સરસ ન્હાઈ લેવાનું. ત્યારે, ન્હાવા માટેનો ઉત્તમ સાબુ લાઇફબૉય હતો, સુન્દરી આપણી ઍક્ટ્રેસોનો લક્સ તો પછી આવ્યો. સારામાં સારો ધોવા માટેનો, સનલાઈટ. કાળી માટી પછી આવ્યા અરીઠા, પછી શિકાકાઈ, ને છેલ્લે આવ્યાં શેમ્પૂ. માટીમાં નેચરલ કન્ડિશનર હતું. એથી વાળની સુંવાળપ ચમકતી, હથેળી ફેરવ્યા જ કરો. કૂણા તડકે બેસી સૂકવીએ એટલે એક અકથ્ય પીમળ આવે. ત્યારે હું વાળ લાંબા રાખતો, ઝટકાવીને સામે લાવું, ચ્હૅરો ઢંકાઈ જતો.

ઝારોલાની વાડી, દરજીની વાડી, વાડીઓમાં જમણવાર થતા. બહુ લોક હોય ત્યારે વાડી બ્હાર રસ્તાની બાજુએ પાથરણું પાથરી પંગતમાં બેસવાનું, પતરાળાં-પડિયા ગોઠવી રાહ જોવાની, ક્યારે ગરમ ગરમ દાળ આવશે … અમારી દશાલાડની વાડીમાં નાત આખીને નૉંતરું હોય. બાજુમાં વાવ હતી. સૌ પહેલાં બધી વાનગીઓની થાળી એમાં પધરાવતા, કેમ કે ત્યાંનું કોઈ ભૂત કે કોઈ ડાકણ સઘળી રસોઇને અભડાવે નહીં – બાકી, ઠેર ઠેર કીડીઓ ને ઘિમેલો ઉભરાઈ જતી.

દરજીની વાડીમાં જ્ઞાતિનાં વાર્ષિક સમ્મેલનોની પ્રૅક્ટિસો થતી. હું ત્યારે સારું ગાઈ શકતો'તો, ૧૪-૧૫નો હોઈશ. મારી સાથે કોઇક ગાતું'તું. એકવાર સમ્મેલનવાળાઓએ મને સ્ત્રીનો પાઠ આપેલો. ચોટલો ને સ્ત્રીને હોય એવું બધું બઝાડેલું. જૅન્તી અફીણી મારો 'એ' હતો. વાડી આમ સાંકડી પણ મને ગમતી’તી કેમ કે ઘરની નજીક હતી. દેશી ઘી-ના લાડુ અને લાલ તેલમાં તરતા વાલ ને કમોદના મ્હૅકતા ભાતમાં ભેળવેલી સૂરણવાળી ઊની ઊની દાળના સબડકા હજી ભુલાતા નથી …

સ્મરણોનો પાર નથી. વણજારાની વણજાર સમજો. ઘેટાં ડોકાં ધુણાવતાં એકની પાછળ એક ને જોડે જોડે એવી જ હારોમાં ચાલ્યે જતાં હોય. કોઈ કોઈ સ્મરણો બકરાંની જેમ અકારણ જ બૅંઍંઍં કરી મૂકે … મને સમજાય નહીં કે કેમ … એક ટીચરે મારા કશા જ વાંક વિના મને તમાચો મારેલો. મારી બા ધાઈને નિશાળે પ્હૉંચી ગયેલી – હમજે છે હુ તારા મગજમાં? માસ્તર છે કે રાખ્ખસ? પેલો ક્હૅ, ભૂલ થૈ ગઇ. જવાબમાં બા ગાળ જેવું બબડેલી … મૃત પત્નીના ટાઢાબોળ દેહને બાઝી રહેલા મને મારા ધબકારા આંસુમાં ઠરી ગયેલા અનુભવાતા'તા. કયો અપરાધ પડ્યો? એ શૂળ અહીં તહીં હજી ભૉંકાય છે. સ્મૃતિનાં બકરાં અકારણ જ બૅંઍંઍં નથી કરતાં, વણજારમાંથી બ્હાર નીકળી જાય છે – ઊંચી ડોકે એકલાંઅટૂલાં આકાશે શું યે જુએ છે …

મને થાય, હું આમ યાદોમાં ખૂંપી જઉં છું, કેવો છું …

બોર્હેસ

Picture courtesy : World Literature Today

પણ એવે વખતે મને હોર્હે લૂઇસ બોર્હેસે [Jorge Luis Borhes] લખેલી એક ટૂંકીવાર્તા, Funes the Memorious યાદ આવે છે. એની થોડી વાત કરું : મુખ્ય પાત્રનું નામ છે, ઇરેનેવ ફોનેસ. એ ફોનેસ ‘મેમોરિયસ’ છે. એટલે કે સ્મરણપ્રવણ. સ્મરણશીલ અથવા કહો કે સ્મરણિયો. મારે આ વાર્તાનો અનુવાદ કરવાનો હોય તો શીર્ષક રાખું – સ્મરણિયો ફોનેસ.

ફોનેસ

Picture courtesy : Leer Es Lo Mejor

ફોનેસ ૧૯ વર્ષનો છે. સ્મરણિયો છે એનો અવળો અર્થ એ કે એ કશું જ ભૂલી શકતો નથી. વીતેલાં વરસોમાંથી કોઈ એક દિવસ ખૉળી કાઢે ને એ દિવસને જેવો હતો તેવો કહી બતાવે. એની સ્મૃતિ ખૂલતી જાય, ખૂલતી જાય. મૂળે જે બન્યું હોય, અનુભવાયું હોય, તેની વીગતો બસ ઊકલ્યા જ કરે. એમાં ને એમાં, સ્મરણિયા ફોનેસનો આખો દિવસ ખરચાઈ જાય.

કથક એને ૧૮૮૪માં મળેલો, ઉરુગ્વેના ફ્રે બેન્તોસમાં. એક વાર કથક અને એનો ભત્રીજો બર્નાર્ડો ક્યાંક જતા’તા. એકાએક કશા સધર્ન વિન્ડ શરૂ થયેલા – પ્રચણ્ડ અને ભયાવહ પવનો. વૃક્ષો ગાંડાં થઈ ગયેલાં. કથકને થાય, આ ખુલ્લાંમાં, કડાકાભડાકા સાથે વરસાદ પડશે, તો તો શું યે થશે. કહે છે, અમે તો વંટોળ જોડે યુદ્ધે ચડેલા. ઢાળવાળા સાંકડા રસ્તેથી ઊતરતા’તા, જાણે તૂટેલી કોઈ દીવાલ સૂઈ ગયેલી. ત્યાં એકાએક અંધારું થઈ ગયું. મેં ઉપલાણમાં કોઈનાં ઝડપી ને ભેદી પગલાં સાંભળ્યાં. આંખો માંડીને તાક્યું તો એક છોકરો હતો. સાંકડા રસ્તે થઈને આવતો’તો. કથકને એ પરખાઈ જાય છે. એ એ જ હતો, જેનું કથકે વાર્તાના પ્રારમ્ભે ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કર્યું છે – પ્હૉળા પાયજામાવાળો, કંતાનનાં જૂતાંવાળો, કરડા ચ્હેરાવાળા મૉંમાં જેણે સિગારેટ દબાવી રાખેલી, એ ફોનેસ.

આકાશમાં તો ઝંઝાવાતી વાદળો પર વાદળો તોફાને ચડ્યાં’તાં. ત્યાં એકાએક ભત્રીજાએ ફોનેસને પૂછ્યું : કેટલા વાગ્યા છે, ઇરેનેવ? : ઊંચે આકાશમાં જોયા વગર, જરાપણ અટક્યા વગર, ફોનેસ કહે છે : આઠમાં ચાર મિનિટ બાકી છે, બર્નાર્ડો … ફોનેસે વૉચમાં જોઈને ન્હૉતું કહ્યું, મિનિટ ગણવા ય ન્હૉતો રોકાયો.

એક દિવસ ફોનેસ ઘોડા પરથી પડી જાય છે. એ પછી એ જુએ છે કે પોતાની યાદશક્તિ તીવ્ર થઈ ગઈ છે. કોઇપણ ચીજ એને આખે આખી દેખાવા લાગી, એકોએક વીગતો સાથે. દાખલા તરીકે, ફોનેસ વાદળાંના આકાર કેવા છે, તરત કહી શકતો, ભલે ને બદલાયા કરતાં હોય.

આ કથક તે બોર્હેસ પોતે, એમ મનાય છે. એ માન્યતા સાચી છે, પણ મને નથી ગમતી.

૧૮૮૭માં કથક બુએનો ઍરિસ પાછો ફરે છે, એને લેટિન શીખવી હોય છે. ઘોડા પરથી પડી જવાને કારણે ફોનેસને ઇજા તે અરસામાં જ થયેલી. કથકને ફોનેસની ચિઠ્ઠી મળે છે – એમ કે કોઈક એને કથકનાં લેટિન પુસ્તકો અને ડિક્ષનરી આપી ગયું છે. કથક અસમંજસમાં પડી જાય છે, સામું જણાવે છે કે એ પુસ્તકો કેટલાં તો અઘરાં છે, પૂરાં સમજાયાં જ નથી, પોતાનો ભ્રમ ક્યારનો ભાંગી ગયો છે.

દરમ્યાન, કથકના પિતા માંદા હોવાનો તાર આવે છે. કથક નીકળવાની તૈયારી કરતો હોય છે, એને પુસ્તકો યાદ આવે છે, ફોનેસને ત્યાં પ્હૉંચી જાય છે. ફોનેસની મા ક્હૅ છે – એ બેઠો પેટિયોમાં. અચરજની વાત એ કે ફોનેસ પર્ફૅક્ટ લેટિનમાં કથકનું સ્વાગત કરે છે ! એટલું જ નહીં, ‘હિસ્ટોરિયા નેચરાલિસ’ ગ્રન્થના ૭-મા ભાગના ૨૪-મા પ્રકરણના પહેલા ફકરાનું આબાદ પઠન કરી બતાવે છે ! એટલું જ નહીં, ગ્રન્થમાં પ્રોડિજિયસ મેમરીવાળાઓના, એટલે કે નાની વયથી જ અસાધારણ સ્મૃતિ ધરાવનારાઓના, જેટલા કંઈ કિસ્સા વર્ણવાયેલા, એક પછી એક ગણી બતાવે છે.

સ્મરણિયા ફોનેસની યાદદાસ્ત આમ, જેટલી તીવ્ર હતી એટલી જ અકળ હતી. એ શું પ્લેટોના ‘આઇડીઆ’ને સમજતો’તો? ના. સાધારણીકરણ તે શું, અમૂર્તતા તે શું, એને કશી જ ખબર ન્હૉતી. પછીથી તો, એણે ગણકયન્ત્ર બનાવેલું. પણ દરેક સંખ્યાને પોતાને જે ઠીક લાગે એ નામ આપતો'તો. કથક કહેતો – આમ ન કરાય, સંખ્યાને નામ આપવાં બરાબર નથી, દોષ કહેવાય.

પણ ફોનેસને કશું જ પલ્લે પડતું નહીં. એ તો ગામડા ગામનો ગરીબડો ભોળિયો હતો. કથક સરસ જણાવે છે કે એનામાં ‘કશીક તોતડાતી મહાનતા’ હતી. બિચારાને ઊંઘ આવે નહીં કેમ કે આસપાસનાં મકાનોના આકાર ને એની દીવાલોમાં પડેલી તિરાડો દેખાયા કરે …

કથકને એણે કહેલું કે જે કંઈ માર્વેલસ – અજબગજબ ને ચમત્કારી – કહેવાયું હોય છે, એનાથી ચકિત રહેવાની પોતાને હમેશાં મજા પડે છે.

જોવા જઈએ તો ફોનેસ પોતે પણ એવો જ ચમત્કારી પ્રોડિજી હતો.

જોવા જઈએ તો બોર્હેસની સૃષ્ટિ પણ એટલી જ માર્વેલસ છે. સ્પૅનિશ ભાષા-સાહિત્યમાં તો ખરું જ પણ વિશ્વ-સાહિત્યમાં એમનું અનોખું સ્થાન છે. આમ તો આર્જેન્ટિનાના સાહિત્યકાર ગણાય. ટૂંકીવાર્તાઓ, કાવ્યો, નિબન્ધો, લેખો, લખ્યાં છે, અનુવાદો કર્યા છે. યુનિવર્સિટી ઑફ બુએનો ઍરિસમાં અંગ્રેજી ભાષા-સાહિત્યના પ્રૉફેસર હતા. દુખદ વાત એ કે ૫૫-ની વયે દૃષ્ટિ જતી રહેલી, સાવ અન્ધ થઈ ગયેલા.

આ કોરોના પૅન્ડામિક સંસારમાં સારીનરસી અસંખ્ય સ્મૃતિઓ મૂકી જવાનો છે. માણસને ત્યારે સ્મરણિયા ફોનેસ થવું નહીં ગમે, પણ મને ગમશે. કેમ કે, જેવાં હોય એવાં, પણ સ્મરણો વિનાનો હું મને ખાલી ખોખું લાગું …

= = =

(July 17, 2021:USA)

Loading

18 July 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—104
બેંકોનાં રાષ્ટ્રીયકરણને દિવસે જ ખાનગીકરણનો વિરોધ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved