એક આર્જેન્ટિનિયન ખેલાડી જે અહીં એક પણ મેચ નથી રમવાનો તેની આગતા–સ્વાગતા માટે ગણતરીના દિવસોમાં 120 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખડી થઇ; પણ આપણી પોતાની લીગને ચાલુ રાખવા માટે આપણી પાસે વર્ષે 37.5 કરોડ જેટલી રકમ નથી.

ચિરંતના ભટ્ટ
લિયોનેલ મેસીની ગયા અઠવાડિયાની ભારતની મુલાકાત બે સાવ અલગ વાસ્તવિકતાઓ નજર સામે મૂકે છે. એક તરફ કોલકાતા, મુંબઈ અને દિલ્હીના સ્ટેડિયમો હજારો ચાહકોથી ભરચક હતા. આર્જેન્ટિનાના આ G.O.A.T – Greatest of All Time – ગણાતા ફૂટબૉલરની એક ઝલક માટે લોકોએ ખિસ્સા ખાલી કર્યા. લોકોમાં જોરદાર ઉત્સાહ હતો. એ જ ચાહકોએ સ્ટેડિયમની સીટો તોડી, પાણીની બોટલો ફેંકી અને આખી ઇવેન્ટને ભાંડી કારણ કે તેમણે બાર હજાર રૂપિયા ખર્ચ્યા હતા જેથી તે તેમના મનગમતા ખેલાડીને જોઈ શકે, તેને સાંભળી શકે, વગેરે પણ તેમને મળી માત્ર 20 મિનિટ જેમાં મેસીએ ગ્રાઉન્ડ પર હાજરી આપીને લોકો સામે વેવ કર્યું. ઘણા લોકોને આ પણ જોવા નહોતું મળ્યું કારણ કે વી.આઇ.પી. નેતાઓએ તેમનો વ્યૂ બ્લોક કરી દીધો હતો. વી.આઇ.પી.ઝના મેસી સાથેના ફોટોઝ થઇ ગયા પછી મેસીને ત્યાંથી વિદાય કરી દેવાયો.
મેસીની ભારતની ટૂર ત્રણ દિવસની હતી જેને માટે 120 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. આટલા બધા ખર્ચા સાથેની એક હકીકત મેસીની ઇવેન્ટની અફરાતફરી હતી, ટિકિટોના મોંઘા ભાવ હતા અને દર્શકોની નિરાશા હતી તો બીજી વાસ્તવિકતા એ પણ છે કે ઇન્ડિયન સુપર લીગ – ISL જે દેશની મુખ્ય ફૂટબૉલ સ્પર્ધા છે તેને ચાલુ રાખવા માટે વર્ષે 37.5 કરોડ રૂપિયાની ગેરંટી આપવા માટે એક પણ લેવાલ નથી.
ભારતની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન સંદેશ ઝિંગને આ બાબતો સોશ્યલ મીડિયા પર અને અન્ય પ્રસાર માધ્યમો સાથેની વાતચીતમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે, “અમે બધું બંધ કરવાની અણી પર છીએ કારણ કે ભારતમાં ફૂટબૉલમાં રોકાણ કરવાની કોઈની દાનત નથી, છતાં ય આ પ્રવાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા.” આ વાક્ય ભારતી ફૂટબૉલ વિશ્વના દરેક સ્ટૅકહોલ્ડરને કઠવું જોઇએ.
આપણે એ ગણિત માંડીએ જે ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (AIFF) કે ભારતીય કોર્પોરેટ્સને કાં તો સમજાતું નથી અથવા સમજવું નથી. રિપોર્ટ અનુસાર GOATની ઇન્ડિયા ટૂર પાછળ સોથી દોઢસો કરોડ જેટલો ખર્ચો થયો છે. ચાહકોએ મેસી સાથે હાથ મિલાવવા અને ફોટો પડાવવા માટે 11.74 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો હતો અને વી.આઇ.પી. પેકેજીઝ લાખોમાં વેચાયા હતા. આ ટૂર તેના આયોજકો અને બ્રાન્ડ્ઝ માટે કમાણીનો ઉત્સવ હતી.
બીજી તરફ ઇન્ડિયન સુપર લીગ અત્યારે અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત છે AIFF એ ISL ચલાવવા માટે કોમર્શિયલ પાર્ટનર્સ પાસેથી વાર્ષિક માત્ર ૩૭.૫ કરોડ રૂપિયાની માંગણી સાથે પ્રસ્તાવ મૂક્યો હતો. પરિણામ? એક પણ બિડ આવી નહીં. ટેન્ડર એટલા માટે રદ્દ થયું કારણ કે સંભવિત રોકાણકારોની ગણતરી હતી કે ગેરંટીની રકમ ઉપરાંત તેમને દર વર્ષે ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.
આ વિચારવા જેવી બાબત છે કે એક આર્જેન્ટિનિયન ખેલાડી જે અહીં એક પણ મેચ નથી રમવાનો તેની આગતા-સ્વાગતા માટે ગણતરીના દિવસોમાં 120 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખડી થઇ પણ આપણી પોતાની લીગને ચાલુ રાખવા માટે આપણી પાસે વર્ષે 37.5 કરોડ જેટલી રકમ નથી. જો એ રકમ મળી શકે તો હજારો ભારતીયોને રોજગારી મળે, આપણા ફૂટબૉલર્સને કામ વગર બેસી ન રહેવું પડે. આપણી ફૂટબૉલ લીગ 13 ક્લબોને સપોર્ટ કરે છે, (જે વાર્ષિક ૬૫૦ કરોડનું રોકાણ કરનારી છે), યુવાનો માટે એકેડમીઝ ચલાવે છે અને તે ભારતીય ફૂટબૉલરો માટે કારકિર્દીનો એકમાત્ર વ્યવસાયિક માર્ગ છે.
ભારતની બીજા સ્તરની લીગ, ‘આઈ-લીગ’ (I-League), વાર્ષિક માત્ર ૬ કરોડ રૂપિયાની ગેરંટી માંગી રહી છે. આ રકમ મેસી સાથેની એક સેલ્ફીના અંદાજે ૫૦ પ્રીમિયમ પૅકેજ બરાબર છે. છતાં, લીગને મંજૂરી નથી મળી અને બધી કલ્બ્ઝ અધ્ધરતલ છે.
બોરિયા મજમુદાર સાથેના એક ઇન્ટરવ્યુમાં ઝિંગને પોતાની વાત સમજાવવા એવું દૃષ્ટાંત આપ્યું કે કોઈ પત્રકારને એમ કહી દેવાય કે તમારે લખવાનું નથી, તમારી પાસેથી બધું જ છીનવી લેવાય તો તમે એ સ્થિતિનો સામનો કેવી રીતે કરશો? આ ઇન્ટરવ્યુ પરથી કળાય છે કે વ્યવસાયિક ફૂટબોલરો માટે, કારકિર્દી માંડ 15 વર્ષની હોય છે. ISL 215 દિવસથી વધુ સમયથી બંધ છે – એટલે કે 2025 વર્ષનો લગભગ 60 ટકા સમય. આ માત્ર વેડફાયેલો સમય નથી; ૨૦ થી ૩૦ વર્ષની વયના ખેલાડીઓ માટે આ કારકિર્દીના એવાં વર્ષો છે જે ક્યારે ય પાછાં નહીં આવે. કોચ ભવિષ્યના કોન્ટ્રાક્ટ સિક્યોર નથી કરી શકતા. વિદેશી ખેલાડીઓ ભાડાના એપાર્ટમેન્ટમાં બેસી રહ્યા છે, કમાણી કે રમત વગર, કારણ કે જે લીગે તેમને રમવા માટે કામે રાખ્યા હતા તે અચાનક ગાયબ થઈ ગઈ છે. આવું ચાલશે તો વાલીઓ પોતાના સંતાનોને ફૂટબૉલના ક્ષેત્રમાં આગળ મોકલતા અચકાશે અને ફૂટબૉલની રમત આપણા મેદાનો પરથી ધીમે ધીમે ભુંસાઇ જશે. ઝિંગનનું માનવું છે કે આ હાલ પ્રોફેશનલ્સને તો નિષ્ફળ બનાવે જ છે પણ આ રીતે આવતીકાલની મહત્ત્વાકાંક્ષાઓનું પણ ગળું ટૂંપી દેવાય છે.
મેસીના આગમનને પગલે કોલકાતામાં થયેલી અંધાધૂંધી એ વાતનું પ્રતીક હતી કે ભારતમાં સ્પોર્ટસ રમત નથી પણ તમાશો છે. મેસી સોલ્ટ લેક સ્ટેડિયમમાં માંડ ૨૦ મિનિટ રોકાયો હશે ત્યાં તો સેલ્ફી લેવા માટે પડાપડી કરતા નેતાઓ અને અધિકારીઓએ તેને ઘેરી લીધો. મોંઘી ટિકિટો ખરીદનારા સામાન્ય ચાહકોને કશું જ જોવા ન મળ્યું. મુખ્ય આયોજકની ધરપકડ થઈ. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ માફી માંગી.
માફી માગવાથી માળખાગત સડો દૂર નથી થવાનો. આ માત્ર ફોટો ઓપ ઇકોનોમી હતી, ફૂટબૉલ ઇવેન્ટ નહીં, કારણ કે અહીં ખેલ કરતા સ્ટાર ખેલાડીનું સાન્નિધ્ય મહત્ત્વનું હતું. લાખો રૂપિયાની ટિકિટ રાખવી એ જ બતાડે છે કે તે વી.આઇ.પી. એક્સેસ માટેની ઇવેન્ટ હતી. પ્રિવિલેજ્ડ લોકોની લક્ઝરી પ્રોડક્ટની ખરીદી જેવી ઇવેન્ટથી ફૂટબૉલની રમતને કોઈ ફાયદો નથી થતો.
આની સરખામણી મેસીની ૨૦૧૧ની ભારત મુલાકાત સાથે કરીએ, જેમાં આર્જેન્ટિના અને વેનેઝુએલા વચ્ચે FIFA દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. મેસી રમ્યો, હરીફાઈ કરી, ગોલ આસિસ્ટ કર્યો. ચાહકો સંતોષ સાથે ગયા કારણ કે તે ઈવેન્ટમાં ફૂટબોલના ખેલનો મલાજો જળવાયો. 2025ના પ્રવાસે ફૂટબોલની જ બાદબાકી કરી નાખી. માત્ર હાઈપ (Hype), હાયરાર્કી (Hierarchy) અને પોકળ ક્ષણો બચ્યાં જેમાં ભારતીય સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન માહેર છે.
ISLની કટોકટી રાતોરાત નથી આવી. આ વર્ષોના નાણાકીય ગેરવહીવટ અને અવાસ્તવિક અપેક્ષાઓનું પરિણામ છે. 2014થી અત્યાર સુધીમાં લીગે અંદાજિત 5,000 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. ક્લબો વાર્ષિક આશરે 60 કરોડ ખર્ચે છે પણ સેન્ટ્રલ રેવેન્યુમાંથી તેમને માત્ર 13-16 કરોડ મળે છે. સ્ટેડિયમમાં હાજરી 2014માં મેચ દીઠ 25,000 હતી જે ગત સીઝનમાં ઘટીને 11,084 થઈ ગઈ છે.
AIFFના ટેન્ડરમાં 37.5 કરોડની ગેરંટી માંગવામાં આવી હતી, સામે કોમર્શિયલ પાર્ટનરને 6 સભ્યોના ગવર્નિંગ બોર્ડમાં માત્ર એક સીટ ઓફર કરાઈ, જ્યાં વીટો પાવર (Veto Power) તો AIFF પાસે જ રહેવાનો હતો. કોઈ પણ રોકાણકાર ઓપરેશનલ કંટ્રોલ વગર કરોડોનું નુકસાન ભોગવવા તૈયાર ન થાય.
ભારતીય ફૂટબોલમાં ૧૨૦ કરોડ રૂપિયાથી શું થઈ શક્યું હોત? આઈ-લીગ(I-League)ને આગલાં 20 વર્ષ સુધી ચલાવી શકાઈ હોત. 40થી વધુ યુવા એકેડમીઓને એક વર્ષ માટે ફંડ આપી શકાયું હોત. તમામ રાજ્યોમાં યુવા સ્પર્ધાઓ યોજી શકાઈ હોત. સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારી શકાયું હોત. રેફરી ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવી શકાયા હોત. તેના બદલે, આપણે આ રકમ ત્રણ દિવસના પ્રમોશનલ પ્રવાસમાં ઉડાવી દીધી, જેનાથી માળખાગત રીતે કશો જ ફરક પડ્યો નથી. આમાં મેસીનો વાંક નથી. તેણે તેનો કોન્ટ્રાક્ટ પૂરો કર્યો અને તે પૂરા ગ્રેસ સાથે વર્ત્યો. પરંતુ ભારતીય ફૂટબોલનું ભવિષ્ય સેલિબ્રિટી વિઝિટથી નહીં બને. તે માટે મેસી માટે 120 કરોડ એકઠા કરનારા હિતધારકોએ સ્થાનિક ફૂટબોલ માટે તેની 10 ટકા પ્રતિબદ્ધતા પણ બતાવવી પડશે.
ઝીંગને આરપાર વિંધી નાખે એવી વાત પણ લખી કે, “આ ઘટના મને એમ કહે છે કે આપણે રમતને પ્રેમ તો કરીએ છીએ પણ ખેલાડીઓને સપોર્ટ કરવા જેટલો નહીં.”
આપણે સામ્રાજ્યવાદને ભાંડીએ પણ હકીકત એ છે કે આપણને વિદેશનો મોહ છૂટતો નથી. ફૂટબૉલ જ્યારે વિદેશી ગ્લોબલ બ્રાન્ડના પૅકેજિંગમાં આવે છે ત્યારે આપણે તેની પૂજા કરીએ છીએ. વિદેશની મહાનતા, વિદેશી લેજન્ડ માટે અઢળક ખર્ચો કરવાની આપણી તૈયારી હોય છે પણ એવો માહોલ, એવા ખેલાડી અહીં તૈયાર કરવાનું રોકાણ કરવાની આપણી દાનત નથી. આપણને બધું રેડીમેડ જોઇએ છે, કંઇક અફલાતૂન GOAT ખડું કરવાની લાંબી ખર્ચાળ મહેનત માગે લેત પ્રક્રિયા કરવામાં આપણને રસ નથી.
બાય ધી વેઃ
રમત-ગતમમાં મહાનતા મેળવી ચૂકેલા રાષ્ટ્રો મહાનતાને ‘ઈમ્પોર્ટ’ (આયાત) કરતા નથી. પેલે(Pelé)ને હોસ્ટ કરીને જાપાન ફૂટબોલ પાવર નથી બન્યો. જાપાને દાયકાઓ સુધી શાળાઓ, કોચ અને લીગમાં રોકાણ કર્યું. મોરોક્કો સેલિબ્રિટી ટૂર્સથી આગળ નથી આવ્યું. તેણે એકેડમી અને સિસ્ટમ બનાવી જેણે આજે વિશ્વસ્તરે રમતા ખેલાડીઓ પેદા કર્યા. આપણે પણ ધારીએ તો એ રસ્તો પસંદ કરી શકીએ છે. અથવા આપણે લેજન્ડ્ઝને દૂરથી જોવા માટે સ્ટેડિયમો ભરતા રહી શકીએ છીએ, જ્યારે આપણા પોતાના ફૂટબોલરો વિચારતા રહી જાય કે તેઓ ક્યારે ય ફરી રમી શકશે ખરા? મેસીનો પ્રવાસ પૂરો થયો. સેલ્ફી પોસ્ટ થઈ ગઈ. પરંતુ સંદેશ ઝિંગન અને સેંકડો ભારતીય ફૂટબોલરો હજુ પણ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે: શું આપણને તેમનામાં રોકાણ કરવાની પરવા છે? અત્યારે તેનો જવાબ કઠે એ રીતે સ્પષ્ટ છે. ઇન્ડિયન સુપર લીગ અત્યારે અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત છે અને ભારતીય ફૂટબૉલરો રાહમાં છે કે તેમને તંત્ર યાદ કરે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ડિસેમ્બર 2025
![]()

