ભારતને આઝાદી અપાવનારા રાષ્ટ્રપ્રેમી નેતાઓની ઓળખ એટલી ઘુંટાયેલી છે કે નવી લીટીઓ તાણીને પણ એ ઝાંખી નહીં જ કરી શકાય
આપણી વર્તમાન સરકારને બધું જ ધરમૂળથી બદલી નાખવું છે. આ સરકારને અત્યારની પરિસ્થિતિ જ નહીં પણ આવતીકાલ અને ગઇકાલનાં સંજોગો બદલવામાં પણ રસ છે. ઑક્ટોબરમાં ગૃહમંત્રી અમિત શાહે વારાણસીમાં યોજાયેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં એવું વિધાન કર્યું હતું કે ભારતના દ્રષ્ટિકોણથી આપણો ઇતિહાસ ફરી લખાવો જોઇએ. અહીં તેમણે સાવરકરનો ઉલ્લેખ કરીને ૧૮૫૭ના વિપ્લવને સ્વતંત્રતા સંગ્રામ ગણવો જોઇએ, એવી વાત પણ કરી હતી. સત્તાધીશોને ઇતિહાસમાં ચેડાં કરવાનું પહેલેથી જ ગમતું આવ્યું છે, પછી એ કોઇપણ સરકાર હોય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાવરકર, ગોડસે, ચાફેકર બંધુઓ મુખ્ય પ્રવાહની ચર્ચામાં સતત લાવવામાં આવ્યા છે. મજાની વાત એ છે કે વર્તમાન સરકાર પહેલાનાં નેતૃત્વને કવખોડવા બેસે છે ત્યારે તેમની યાદીમાં લાલ બહાદુર શાસ્ત્રી કે ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધી કે નરસિંહ રાવ નથી હોતા પણ જવાહરલાલ નહેરુ હોય છે. સદ્દનસીબે ગાંધીજીને આડે હાથ લેવાનું તેમને પોસાય એમ નથી પણ ધીમા અવાજે ગાંધીજી ક્યાં ખોટા પડ્યા કે પછી મોટા અવાજે કેમ સાવરકર કેમ બહુ મહાન હતા એવું બધું કહેવું તેમને માફક આવે છે.
પાઠ્યપુસ્તકોમાં સાવરકરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા ફાળાને અને તેમની હિંદુ વિચારધારાને એ રીતે દર્શાવવામાં આવે છે કે એ ગાંધી અને નહેરુથી ઘણા આગળ હતા તેવી છબી ખડી થાય. સાવરકરને ‘જાહેર જીવન’માં નાયક બનાવવા માટે તેમને ‘ભારત રત્ન' આપવાની વાત સુદ્ધાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવી હતી. સાવરકર વિષે વાતો થાય કે અભ્યાસક્રમમાં તેમને વિષે લખાય તો ક્યાં ય એ વાતનો ઉલ્લેખ નથી થતો કે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમની ધરપકડ થઇ એ પછી તેમણે અંગ્રેજ સરકારની રહેમનજરની યાચના કરી હતી અને કારાવાસમાંથી બહાર આવ્યા પછી તેમણે અંગ્રેજ સરકારની ટીકા કરવાનું ટાળ્યું હતું. તેમણે અંગ્રેજ સત્તાધીશોને કહ્યું હતું કે જો તેમને છોડી દેવાશે તો તેઓ યુવા હિંદુઓમાં અંગ્રેજો તરફી ઝુકાવ પેદા થાય તે માટે પ્રયત્ન કરશે. ટૂંકમાં સાવરકરે એક રીતે તો સ્વાતંત્ર્ય સંગ્રામનો દ્રોહ કર્યો હતો. એક સમયે હિંદુ મહાસભાનાં પ્રમુખ એવા સાવરકરની વાહવાહી કરવામાં વર્તમાન રાજકીય ખેલંદાઓ પાછા નથી પડતા પણ એ સાવરકર મહાત્મા ગાંધીની હત્યાનું ષડયંત્ર રચનારા નથુરામ ગોડસે સાથે મળેલા હતા અને ગાંધીજીની હત્યા કર્યાના એક દિવસ પહેલાં ગોડસે તેના સાથી નારાયણ આપ્ટે સાથે સાવરકરને મળવા ગયા હતા. આવી કોઇ પણ વાતનો ઉલ્લેખ અભ્યાસક્રમમાં કે કોઇ ભાષણબાજીમાં નથી થતો.
વારેતહેવારે કંઇ પણ ખોટું થાય ત્યારે તોડી મરોડને કોઇને કોઇ રીતે તેનો દોષનો ટોપલો નહેરુની કામગીરી પર નાખી દેનારા અત્યારનાં રાજકીય પરિબળો યેન કેન પ્રકારેણ રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વની ઓળખમાં નવા ચહેરાઓ ઉમેરવા પ્રયત્નશીલ રહે છે. વળી ચાફેકર બંધુઓના કિસ્સાથી પણ આપણે અજાણ નથી. પૂનાના રહેવાસી ચાફેકર ભાઇઓએ પૂનામાં બ્રિટિશ કમિશનર ડબલ્યુ.સી. રેન્ડની હત્યા કરી હતી. અંગ્રેજો સામે શસ્ત્રોનો ઉપોયગ કરી ક્રાંતિ છેડનારા આ પહેલા યુવાનો હતા એમ કહેવાય છે. વડાપ્રધાને ૨૦૧૭માં તેમના એક વક્તવ્યમાં સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ વગેરેની વાત કરતાં ચાફેકર બંધુઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. ચાફેકર બંધુઓ જ્યારે પકડાયા ત્યારના સ્ટેટમેન્ટમાં તેમણે કહ્યું હતું કે., ‘તે (રેન્ડ) આપણા ધર્મનો શત્રુ બની ગયો હતો.’ અંગ્રેજ સરકારે ચાફેકર બંધુઓને આતંકવાદીમાં ખપાવ્યા હતા. મહારાષ્ટ્રીયન સમાજને આ બંધુઓની બહાદુરીની દાદ આપવી હોય તે સમજી શકાય છે, વળી ક્રાંતિકારીઓ તો કોઇ પણ હદે જાય તેવી દલીલ પણ ઊભી જ છે પણ છતાં ય કટ્ટરતાના રાષ્ટ્રવાદને યોગ્ય ઠેરવી શકાય ખરો?સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું નથુરામ ગોડસેને દેશભક્ત કહેવું, હિંદુ મહાસભાનાં શકુન પાંડે ગાંધીજીની તસવીરવાળા પૂતળા પર બંદૂકની ગોળી ચલાવીને નથુરામ ગોડસેની જય બોલાવે છે અને એટલું ઓછું હતું એમ મેરઠનું નામ બદલીને પંડિત નથુરામ ગોડસે નગર કરવાની વાતો છેડાયાને હજી અઠવાડિયું ય નથી થયું. હિંદુવાદી નેતાઓની વાતમાં જાણે એવો સૂર સંભળાય કે નથુરામ ગોડસેએ ગાંધીને માર્યા એ તો ખોટું જ કર્યું પણ તેમની વિચારધારાને ગણતરીમાં તો લેવી જોઇએ. સરદાર પટેલને ભારતના બિસ્માર્ક કહેવા જ રહ્યા, ગાંધીજી સાથેનું તેમનું જોડાણ, તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં આપેલું યોગદાન સ્મૃતિમાં રાખવું જ રહ્યું પણ સરદાર પટેલ સાથે ગાંધીજીએ અન્યાય કર્યો હતોનાં ગાણાં ગવાય એ સાવ ખોટું. ઇતિહાસને સમજનારા અને જાણનારાને ખ્યાલ છે કે ભારતને આઝાદી મળી ત્યારે સરદારનું સ્વાસ્થ્ય ધીરે ધીરે કથળવા માંડ્યુ હતું, આઝાદી મળ્યાનાં થોડાં જ વર્ષોમાં તે ગુજરી ગયા અને વૈશ્વિક સ્તરે નેતૃત્વની ઓળખ ઘડવા માટે આઝાદ ભારત માટે નહેરુ સૌથી સારો વિકલ્પ હતા.
ઇતિહાસને બદલી નાખવાની વાતો ખુલ્લે આમ કરનારા નેતૃત્વને બહેતર વર્તમાનનું ઘડતર કરીને ભવિષ્યની પેઢીને સારો ઇતિહાસ નથી આપવો પણ જે હતો તેમાં જ ચંચુપાત કરવો છે. સરદાર પટેલે એમ કહ્યું હતું કે કાયદાની પ્રક્રિયામાં તકનીકી ક્ષતિને પગલે સવારકર છૂટી ગયા છે ખરા પણ નૈતિક રીતે તો તે હત્યારા જ છે. હિંદુવાદી ચળવળના નેતા તરીકે સાવરકર ભા.જ.પા.ને માફક આવે છે પણ અંતે પોતાની વિશાળતાનું બ્યુવગલ વગાડવા તેમણે કૉન્ગ્રેસી નેતા સરદાર પટેલનો ટેકો જ લેવો પડે છે. દેશના ઇતિહાસને ફરી લખવાનું ઝનૂન બહુમતીનાં રાજકારણને પોસાય એમ છે. ભારતમાં વંશીય અને ધાર્મિક જૂથ વચ્ચેની ફૉલ્ટ લાઇન જેટલી સંવેદનશીલ છે એટલી તો બીજે ક્યાં ય નથી અને માટે જ ઇતિહાસ જેવો છે તેવો જ તેને સમજવો રહ્યો. ઇતિહાસકારો નથુરામ ગોડસે કે સાવરકરને નાયક બનાવીને રાજકીય માંગ પૂરી ન કરી શકે. મહાત્મા ગાંધીની હત્યા એક ઐતિહાસિક વાસ્તવિકતા છે અને તેમ જ રહેશે. ભારતને આઝાદી અપાવનારા રાષ્ટ્રપ્રેમી નેતાઓની ઓળખ એટલી ઘુંટાયેલી છે કે નવી લીટીઓ તાણીને પણ એ ઝાંખી નહીં જ કરી શકાય.
બાય ધી વેઃ
ભારતના દૃષ્ટિકોણથી ઇતિહાસ લખવાની મહેચ્છામાં કદાચ કંઇ ખોટું નથી પણ કોઇ એક વાદ કે ધર્મની ધાર કાઢીને રાજકીય સ્વાર્થ માટે એવું કશું પણ થાય તો આપણે આગામી પેઢીને આયનો નહીં પણ કાળી અંધારી ખીણ ધરીશું એ ચોક્કસ. મંદિર અને વિશાળ પ્રતિમા મહાત્મા અને સરદારની જ હોઇ શકે સાવરકર કે ગોડસેનાં નહીં. અત્યારે આપણો દેશ બહુ કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યો છે, તંગ પરિસ્થિતિની જ્વાળાઓ પર એક પછી એક બળતા કાકડા ફેંકાઇ રહ્યા છે ત્યારે નીરો ફિડલનો કયો સૂર ક્યારે વગાડશે તે માટે સતર્કતા, સમજ અને વિચારશીલતા જ કામે લાગશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2019