કર્મશીલ માર્ટિન મૅકવાન સંપાદિત ‘ભેદભારત’ પુસ્તકમાંથી સમજાય છે કે પુરુષોની વાસનાનો ભોગ બનતી ગામડાંની ખૂબ ગરીબ શ્રમજીવી સ્ત્રીઓનાં જીવતર સ્થળ, કાળ, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એવી કોઈ પણ દૃષ્ટિએ સલામત નથી. મહિલાઓને શહેરમાં પણ આ સ્થિતિમાં થોડોક જ ફેર જણાતો હોય તેમ બને.
બળાત્કાર પીડિતા માટેની સમાજની સંવેદના એ સ્ત્રીનાં ધર્મ, જાતિ, શહેર, ગામ, પૈસો, પદ, પ્રતિષ્ઠા જેવી બાબતોથી પર હોવી જોઈએ, એ વાતનો ઇન્કાર હોઈ ન શકે. સાથે એ હકીકત પણ છે કે યૌન અત્યાચારનો ભોગ બનતી સ્ત્રીઓમાં બિનશહેરી ગરીબ સ્ત્રીઓનું પ્રમાણ ઘણું મોટું છે. વળી આપણા દેશમાં મોટા ભાગના ગરીબો દલિત, આદિવાસી, વિચરતા કે લઘુમતી સમૂહોના છે. એટલે પીડિતાઓમાંથી મોટા ભાગની આ વર્ગોની હોય છે. માધ્યમોમાં આપણી સામે એકંદરે શહેરમાં થતાં અત્યાચારો અને લોકોનો રોષ આવે છે. પણ વાસ્તવમાં ગામડાં કે કસબામાં કરવામાં આવતાં, અને વિવિધ કારણોસર નજરે આવ્યાં વિના ધરબાઈ જતાં દુષ્ક્રૃત્યોની ઘાતકતા તેમ જ સંખ્યા ઘણી વધારે છે. આવા જુલમોની ઝાંકી ‘ભેદભારત’ પુસ્તકમાંથી મળે છે.
જાણીતા કર્મશીલ માર્ટિન મૅકવાને સંપાદિત કરેલાં આ પુસ્તકનું આખું નામ છે ‘2014થી 2018 : દલિત-આદિવાસી માટે ભેદભારત’. તેમાં ચાર વર્ષના ગાળામાં આખા દેશના બધાં રાજ્યોમાં અનુસૂચિત જાતિ-જનજાતિઓ પર થયેલા લાખો અત્યાચારોમાંથી જૂજ બનાવોના અખબારી અહેવાલ વિગતવાર સ્રોત સાથે મૂકવામાં આવ્યા છે. લોકોના ધ્યાનમાં ઓછા આવ્યા હોય તેવા આ કિસ્સા દૂરનાં ગામડાંનાં વાસ-વસ્તી કે જંગલના કે ડુંગરિયાળ વિસ્તારોનાં પરાં-પાડાના છે. એમાં આભડછેટ, જમીન અધિકાર અને આર્થિક શોષણને લગતાં જુલમોનો સમાવેશ થાય છે. ચોથા ભાગના બનાવો મહિલાઓ પરના અત્યાચારોના છે. તેમાંથી સમજાય છે કે પુરુષોની વાસનાનો ભોગ બનતી ગામડાંની ખૂબ ગરીબ શ્રમજીવી સ્ત્રીઓનાં જીવતર સ્થળ, કાળ, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એવી કોઈ પણ દૃષ્ટિએ સલામત નથી (મહિલાઓને શહેરમાં પણ આ સ્થિતિમાં થોડોક જ ફેર જણાતો હોય તેમ બને).
‘ભેદભારત’ પુસ્તકમાં જે પીડિતાઓને લગતા સમાચાર છે તેમનાં આખાં કુટુંબ વૈતરાં કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિહાર અને ઝારખંડની આદિવાસી મહિલાઓ દિલ્હીમાં ઘરઘાટી કે છૂટક મજૂર હોય છે અને અત્યાચારનો ભોગ બનતી રહે છે. મૂળ ઓરિસ્સાની દિલ્હીમાં ઘરઘાટી એવી સગર્ભા બનેલી પીડિતાની વિધવા માતા પશ્ચિમ બંગાળના જલપાઈગુરીમાં ચાના બગીચામાં દિવસના સિત્તેર રૂપિયામાં મજૂરી કરે છે. જમશેદપુરમાં મજૂરી કરીને છ બાળકોને ઉછેરતી મહિલાની ઇજ્જ્ત લૂંટીને તેને મારી નાખવામાં આવે છે. બિહારનાં ભોજપુર જિલ્લાના દુમરિયા ગામની બે પ્રૌઢાઓ અને ચાર કિશોરીઓ આખો દિવસ ભંગાર ભેગો કરીને સાંજે વેચે છે. તે ખરીદનાર કારખાનાવાળો અને તેના સાથીદારો આ સ્ત્રીઓ પર ગોડાઉનમાં અત્યાચાર કરે છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનાં ઝાલરપાટણ કસબાના છેડે આવેલાં ઔદ્યોગિક વિસ્તારની સગીર વયની બે બાંધકામ મજૂર સ્ત્રીઓ વાસનાનો ભોગ બને છે. કેરાલાના કસગોડે જિલ્લાના બલાલ ગામમાં છૂટક મજૂરી કરતી સ્ત્રી અને તેલંગણાના બુરગમપડુ તાલુકાના કૃષ્ણસાગર ગામની ઇંધણા વીણવા ગયેલી સ્ત્રી પર દુષ્કર્મ થાય છે. તામિલનાડુમાં થેની નજીક કુમઘુમ જંગલમાં રખડીને મધ અને ઔષધીય વનસ્પતિ એકઠી કરતી આદિવાસી પલિયાર કોમની સ્ત્રીઓને જંગલખાતાના સુરક્ષાકર્મીઓ હંમેશાં કનડે છે. પશ્ચિમ બંગાળમાં સાલબરીના ચાના બગીચામાં કામ કરતી સગીર વયની બાળાની લાશ મળે છે, તેના પિતા સફાઈ કામદાર છે. જમ્મુ અને કાશ્મીરનાં કથૂઆની આઠ વર્ષની બાળા માલધારી સમૂહની હતી. એ જ ઉંમરની બાળાની લાશ જુલમની અનેક નિશાનીઓ સાથે રાજસ્થાનનાં બુંદીના પાતપતિયાડા ગામમાં કચરામાંથી મળે છે, તેની મા ખાણ મજૂરી કરતી વિધવા છે. હિમાચલનાં કાંગલ ગામની પ્રજ્ઞાચક્ષૂ, તામિલનાડુના દેનકાઈકોટ્ટાની સાંભળી-બોલી નહીં શકતી, પશ્ચિમ બંગાળના કુસુમાંડીની કે ઝારખંડના જમશેદપુરની મંદબુદ્ધિ બાળાઓ પણ ભોગ બની છે. જેમને સારાં જીવન માટે તેમનાં મા-બાપ મજૂરી કરીને ભણાવતાં હોય. તેવી સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓ હવસનો શિકાર બને છે.
પીડિતાઓ કેટલાં અંતરિયાળ વિસ્તારની હોય છે તેનો અંદાજ આપવા માટે અત્યાર સુધી ગામોનાં નામો મૂકવામાં આવ્યાં હતાં. પણ સ્ત્રીની અસલામતી સાર્વત્રિક છે. ગરીબ દલિત કે આદિવાસી સ્ત્રીઓ પોતાનાં ઘરમાં સલામત નથી. હેવાનોએ સ્ત્રીઓનાં ઝૂંપડાંમાં પેસીને, તેમાંથી તેમને ઊઠાવી જઈને, સાસરીના ગામે જઈને ઘરમાંથી ઊઠાવીને, ઘરનાં વાડામાં સ્નાન કરતી કન્યાના ફોટા પાડી બ્લૅકમેઇલિંગની ધમકી આપીને, ઘરની પછવાડે વાસણ ઘસતી છોકરીને ઊઠાવી જઈને શિયળ લૂંટ્યાં છે.
ઘરની બહાર પણ સલામતી નથી જ. દેવગઢ બારિયામાં કરિયાણાની દુકાને પિતા અને સાથે બેઠેલી કિશોરીઓને એસ.યુ.વી.માં ઊઠાવી જઈને ચાલુ ગાડીએ પિતાની સામે આઠેક જણે જુલમ કર્યો છે. બજારમાં જઈને પાછા આવતાં બસ ચૂકી ગયેલી અંધ કન્યા કે પિતાને ખેતરે ભાત આપીને પાછી ઘરે જતી બહેરી-મૂંગી દીકરી ભોગ બને છે. શાળા કે ટ્યૂશન પરથી પાછી ફરતી અનેક છોકરીઓ સૉફ્ટ ટાર્ગેટ રહી છે. રાજસ્થાનમાં ગરબા કે લગ્નની જાન જોઈ પાછી આવતી મહિલાઓ માટે રસ્તો વેરી બને છે. ચૂલા માટે જંગલમાં લાકડાં લેવાં જતી મહિલા કે સોળમી વર્ષગાંઠ માટે નાનાં ગામનાં બજારમાં ચૉકલેટ લેવા જતી દીકરી ભોગ બને છે.
હરવા-ફરવાનું તો પછી, પણ કુદરતી હાજતે જવું ય જોખમકારક બને છે. ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડ્યું હોય અને બળાત્કાર થયો હોય તેવા આઠ કિસ્સા ‘ભેદભારત’ પુસ્તકમાં છે. તેમાંથી હરયાણાનાં ભગાના ગામની ચાર છોકરીઓ પર થયેલા રેઇપ વિશે ઘણું લખાયું. એક અખબારી અહેવાલ મુજબ તો ઉત્તર પ્રદેશમાં સેંકડો સ્ત્રીઓની આ બદકિસ્મતી છે.
સરકારી નિવાસી શાળાઓમાં સંખ્યાબંધ દલિત અને આદિવાસી વિદ્યાર્થિનીઓનાં સતામણી અને બળાત્કાર અનેક બનાવો છે. તેમાં ચોકીદાર, પટાવાળા, શિક્ષકો કે આચાર્ય સુદ્ધા દૈત્યો સાબિત થયા હતા. સોળ વર્ષથી નીચેની આદિવાસી વિદ્યાર્થિનીઓ શાળાનાં દિવસોમાં ગર્ભવતી થઈ હોય, શાળા છોડીને જતી રહી હોય કે મોતને ભેટી હોય, બાળકને જન્મ આપીને ઉછેરતી હોય એમ પણ વાંચવા મળે.
લઘુતમ વિકૃતિ એટલે હેવાનને ઉંમરનો બાધ ન હોય. ઘરઘાટી સ્ત્રીની ઉંમર 20 વર્ષ અને મર્ચન્ટ નેવીના જુલમી અધિકારીની 60 વર્ષ, 13 વર્ષ અને 55 વર્ષ, 14 અને 45, 14 અને 76 વર્ષ. વધુ વિકૃતિના કિસ્સા – બીજી કોમના છોકરીને પ્રેમ કરવા માટે છોકરાને મારઝૂડ, પછી તેને પ્રેમિકા પર જાહેરમાં બળાત્કાર કરાવ્યો અને ત્યાર બાદ બીજા પુરુષોએ કર્યો. પરજ્ઞાતિના પુરુષ સાથે લગ્નની સજા એટલે સ્ત્રી પર ધોળે દિવસે જુદી જુદી ઉંમરનાં મરદો દ્વારા જાહેરમાં બળાત્કાર. સ્ત્રીઓને થાંભલે બાંધીને, મોંમાં દારૂ રેડી રેડીને તેમની સાથેના કિશોરો સામે જ જુલમ. જમીનના મામલે પતિની સામેલગીરીથી સ્ત્રીને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી, પેશાબ પીવાની ફરજ પાડી અને તેના દીકરાની સામે અત્યાચાર. એકલદોકલ સુરક્ષાકર્મીએ કે તેમની આખી ટુકડીઓએ છત્તીસગઢ તેમ જ અન્યત્ર કરેલા નારીઅત્યાચારો અહીં નોંધાયા છે, જે અલગ લેખનો વિષય છે.
એક કિસ્સામાં સ્ત્રી જુલમીઓને ઇજ્જત લૂટવા નથી દેતી એટલે તેઓ એને સળગાવી દે છે. એક સ્ત્રી ધાકધમકીની વચ્ચે પણ બળાત્કારીથી રહેલો ચાર મહિનાનો ગર્ભ પડાવીને થેલીમાં લઈને પોલીસમાં ફરિયાદ લખાવે છે. ત્રણ કિસ્સામાં પીડિતાને ન્યાય માટે દલિત કે આદિવાસી સમૂહો રસ્તાઓ પર ઊતરી આવે છે. આજકાલ પણ બધા સમૂહોના આવી રહ્યા છે. શું એ લોકો સાંસદ જયાબહેન બચ્ચને કહ્યું છે તેમ લિન્ચિન્ગ કરશે ?
**********
05 ડિસેમ્બર 2019
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 13 ડિસેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત]