Opinion Magazine
Number of visits: 9446647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 21

દીપક મહેતા|Opinion - Opinion|9 December 2019

તે દિવસે મુંબઈમાં ભજવાયું

પહેલવહેલું ગુજરાતી નાટક

તે દિવસે વાર હતો શનિ, તારીખ હતી ૨૯, મહિનો હતો ઓક્ટોબર, સાલ હતી ૧૮૫૩. ત્યારે મુંબઈ શહેરમાં બત્તી પેટાવવા નહોતી વીજળી કે નહોતી વિદ્યાનું અજવાળું પાથરતી મુંબઈ યુનિવર્સિટી. ગુજરાતી છાપાં પણ ત્યારે ગણતરીનાં. ’મુંબઈ સમાચાર’ ઉપરાંત મુંબઈનાં ’ચાબુક’, ’જામે જમશેદ', અને ’રાસ્ત ગોફતાર', એટલાં જ. પ્રચારનાં બીજાં કોઈ સાધનો નહીં .અને છતાં એ દિવસે સાંજે ગ્રાન્ટ રોડ પર રોજ કરતાં વધુ લોકોની અવર જવર દેખાતી હતી. હા, તેમાંના ઘણા પારસી હતા તો સાથોસાથ કેટલાક હિન્દુ પણ હતા. ગુજરાતી ભાષા બોલનારાઓની સાથે થોડા મરાઠીભાષીઓ પણ હતા. ક્યાંક ક્યાંક રડયોખડયો ગોરો સાહેબ પણ દેખાતો હતો.

જગન્નાથ શંકરશેઠ

હા, બધાના પગ એક જ દિશામાં જઈ રહ્યા હતા, જગન્નાથ કહેતાં નાના શંકર શેઠે બંધાવેલા થિયેટર તરફ. એ તરફ જનારા સૌની આંખોમાં આતુરતા હતી. અંતરમાં આનંદ હતો. કારણ આજે એ થિયેટરમાં જે બનવાનું હતું એ અપૂર્વ હતું. એવું તે શું બનવાનું હતું તે દિવસે? આજે અહીં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. થોડા વખત પહેલાં આ જ થિયેટરમાં પહેલ વહેલી વાર એક મરાઠી નાટક ભજવાયું હતું. સાંગલીમાં મરાઠીનું પહેલું નાટક ‘સીતા સ્વયંવર’ ભજવ્યા પછી વિષ્ણુદાસ ભાવે એ નાટક લઈને મુંબઈ આવ્યા હતા. તેનો પહેલો ખેલ જો કે ગિરગામ રોડ પર આવેલી જગન્નાથ શંકર શેઠની વાડીમાં ભજવાયો હતો. (આજે તેની જગ્યાએ બહુમાળી ઈમારત ઊભી છે, પણ આ લખનારે બાળપણમાં તે અનેક વાર જોઈ હતી.) પણ એ હતો માત્ર આમંત્રિતો માટેનો એક ખાસ ખાનગી પ્રયોગ. તે પછી તેનો પહેલો જાહેર પ્રયોગ ગ્રાન્ટ રોડ પરના નાના શંકરશેઠના આ જ થિયેટરમાં થયેલો.

દાદાભાઈ નવરોજી

તે અગાઉ મુંબઈમાં અંગ્રેજી નાટકો ભજવાતાં ખરાં. ઈંગ્લેન્ડથી નાટક મંડળીઓ આવતી અને શેક્સપિયરનાં કે બીજાં અંગ્રેજી નાટકો ભજવતી પણ તે નાટકો જોવા મોટે ભાગે તો ગોરાઓ જતા. ક્યારેક બે-પાંચ પારસી કે મરાઠીભાષીઓ જાય એ જુદી વાત. આવી રીતે અંગ્રેજી નાટકો જોનારાઓમાંના એક હતા દાદાભાઈ નવરોજી. તેમને થયું કે અંગ્રેજીમાં ભજવાય, મરાઠીમાં ભજવાય, તો ગુજરાતીમાં નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રોને સાથે લઈને તેમણે પારસી નાટક મંડળીની સ્થાપના કરી. દારાશાહ રિપોર્ટર તેના સેક્રેટરી બન્યા. પારસી તવારીખની સોનાની ખાણ જેવા ’પારસી પ્રકાશ’માં કહ્યું કે છે “મુંબઈ મધે ગુજરાતી ભાષામાં નાટકો કરનારી એકુ ટોલી ન હોવાથી કેટલાક કેળવણી પામેલા પારસી ગરહસ્થોની આગેવાની હેઠલ આએ શાલમાં પેહલ વહેલી એક પારસી નાટક મંડળી સ્થાપવામાં આવી હતી.”

આમાંથી બે વાત સૂચવાય છે: આ અગાઉ ગુજરાતી નાટક ભજવી શકે એવી કોઈ નાટક મંડળી મુંબઈમાં નહોતી. આ એવી પહેલી જ મંડળી. બીજું, થોડા પારસી જુવાનિયાના મનમાં કીડો સળવળ્યો અને નાટકનો એક ખેલ કરી નાખ્યો એવું નહોતું. રીતસર નાટક મંડળી સ્થાપેલી. તેના હોદ્દેદારો હતા, મંત્રી હતા, પ્રમુખ હતા. નાટક ભજવતાં પહેલાં સારો એવો વખત રિહર્સલર પણ કર્યાં જ હોય. પછી જે નાટક રજૂ થયું એ અંગે ૨૯મી ઓક્ટોબર ૧૮૫૩ના દિવસનું પારસી પ્રકાશ નોંધે છે કે તે દિવસે પારસી નાટક મંડળીએ ગ્રાન્ટ રોડ પરની નાટક શાળામાં ‘રુસ્તમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરકનો ફારસ’ કરી બતાવ્યો હતો. પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટક શાળા ઉભરાઈ ગઈ હતી.” મુંબઈમાં આ પહેલવહેલું ગુજરાતી નાટક ભજવાયું એ ઘટનાની નોંધ એ વખતના અંગ્રેજી અખબાર ‘બોમ્બે કુરિયરે’ તેના ૩૧ ઓક્ટોબરના અંકમાં લીધી હતી. આ નાટકમાં જેમણે અભિનય કરેલો તેમનાં નામ પણ આપેલાં : પેસ્તનજી ધનજીભાઈ માસ્તર, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, દાદાભાઈ નસરવાનજી એલીએટના, માણેકજી મહેરવાનજી મેહરહોમજીના, મંચેરશાહ માણેકજી  મોદી, બહેરામજી જીવણજી ઝવેરી, ભીખાજી ખરશેદજી મૂસ, મંચેરજી ફરદુનજી સુનાવાલા, કાવસજી હોરમજજી બિલીમોરિયા, ડોક્ટર રૂસ્તમજી હાથીરામ, ડોક્ટર મહેરવાનજી ઈજનેર, અને કાવસજી નસરવાનજી કોહીદારૂ.

પારસી નાટક મંડળીના સભ્યો

પછીથી આ નાટક મંડળીનો કારભાર ફરામજી ગુસ્તાદજી દલાલ ચલાવતા હતા. પારસીઓની ટેવ પ્રમાણે તેમનું પણ રમૂજી ઉપનામ પાડ્યું હતું : ‘ફલુઘૂસ.’ તેમણે પોતાની આખી જિંદગી રંગભૂમિને આપી દીધી હતી. તેઓ નાટક માટેના પ્રેમ ઉપરાંત તીખો, આખાબોલો સ્વભાવ, સાહસિક વૃત્તિ અને વેપારી માનસ ધરાવતા હતા. પછી તો મુંબઈમાં ગુજરાતી નાટકની ગાડી સડસડાટ દોડવા લાગી. ૧૮૬૯ સુધીમાં મુંબઈમાં લગભગ ૨૦ નાટક મંડળીઓ કામ કરતી થઈ ગઈ હતી. અલબત્ત, આમાંની કેટલીકનું આયુષ્ય થોડા વરસનું જ હતું. આવી નાટક મંડળીઓમાંથી કેટલીકનાં નામ : એમેચ્યોર્સ ડ્રામેટિક ક્લબ, પારસી સ્ટેજ પ્લેયર્સ, ઝોરાસ્ત્રિયન નાટક મંડળી, આલબર્ટ નાટક કંપની, એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબ, વિક્ટોરિયા નાટક મંડળી, વગેરે.

પણ પારસી રંગભૂમિનું ઘડતર અને ચણતર કરવાનું કામ કરનાર તો હતા કેખુશરુ કાબરજી. તેમનો જન્મ ૧૮૮૪ના ઓગસ્ટની ૨૧મી તારીખે થયો હતો. તેઓ બેહસ્તનશીન થયા ૧૯૦૪ના એપ્રિલની ૨૪મી તારીખે. તેમના જમાનાના કાબરજી આગળ પડતા પત્રકાર હતા. ‘પારસી મિત્ર’, ‘જામે જમશેદ’, ‘રાસ્તગોફતાર’, જેવાં પત્રો સાથે તેઓ સંકળાયેલા હતા. પણ પત્રકાર તરીકેની તેમણે સૌથી મોટી સેવા તો ‘સ્ત્રીબોધ’ દ્વારા કરી જે અંગે આપણે અગાઉ વાત કરી છે. તેમને અંગ કસરતમાં પણ રસ હતો. આ માટે તેમણે કસરત શાળા શરૂ કરાવી હતી અને ૧૮૬૭થી ૧૮૭૫ સુધી તેઓ તેના વડા રહ્યા હતા. ૧૮૬૮ના મેં મહિનાની ૧૬મી તારીખે તેમણે ‘વિક્ટોરિયા નાટક મંડળી’ શરૂ કરી. તેના પ્રમુખ હતા વિનાયકરાવ જગન્નાથ શંકર શેઠ. અને તેની સમિતિમાં ડો. ભાઉ દાજી લાડ, સોરાબજી શાપુરજી બંગાલી, ડોસાભાઈ કરાકા, અરદેશર ફરામજી મુસ, વગેરેનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં આ મંડળીએ શેક્સપિયરનાં કેટલાંક નાટકોનાં રૂપાંતર ભજવ્યાં હતાં.

કેખુશરુ કાબરાજી

પછી ૧૮૬૯ના માર્ચની ૨૦મી તારીખે કેખુશરુ કાબરજીએ લખેલ નાટક ‘બેજન અને મનીજેહ’ ભજવ્યું હતું. ઈરાની પહેરવેશ, રીતરિવાજ, વગેરે આ નાટકની વિશિષ્ટતા હતી. આ નાટક ખૂબ લોકપ્રિય થતાં તેના ઘણા પ્રયોગ રજૂ થયા હતા. ત્યાર બાદ નવાં નાટકો મેળવવા માટે આ નાટક મંડળીએ ઇનામી હરીફાઈ યોજવાનું ચાલુ કર્યું હતું. પહેલી હરીફાઈમાં જમશેદજી એદલજી ખોરીના ‘રુસ્તમ અને સોરાબ’ નાટકને ૩૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું અને ભજવાયું ત્યારે એ પણ લોકપ્રિય થયું હતું. ૧૮૭૦માં ગ્રાન્ટ રોડ નજીક આ નાટક મંડળીએ ‘વિક્ટોરિયા નાટક શાળા’ નામનું પોતાનું થિયેટર બંધાવ્યું હતું. વખત જતાં આ નાટક મંડળીએ ગુજરાતી ઉપરાંત ઉર્દૂ નાટકો ભજવવાનું શરૂ કર્યું અને આ નાટકો ભજવવા માટે જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ પણ શરૂ કર્યો. હૈદરાબાદ, દિલ્હી, બનારસ, લાહોર, જયપુર વગેરે શહેરોમાં ઉર્દૂ નાટકો ભજવ્યા પછી ૧૮૭૮માં આ મંડળી રંગૂન અને સિંગાપુર ગઈ હતી. તેમની ખ્યાતિ એ વખતના બર્માના રાજા સુધી પહોંચી હતી. એ વખતે માંડલે બર્માની રાજધાની હતું. રાજાએ ત્યાં આવી નાટકો ભજવવા આમંત્રણ મોકલ્યું હતું. આ માટે કુલ ૪૧ જણાનો કાફલો માંડલે ગયો હતો. તેનો રોજનો ખર્ચ ૨૦૦ રૂપિયા જેટલો થતો હતો, પણ મંડળીએ એ જોખમ ઉઠાવ્યું હતું. તેમનાં નાટકો જોઈ રાજા એટલા ખુશ થયા હતા કે  મંડળીએ ભજવેલ ૩૫ ખેલ માટે તેને ૪૩ હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપી હતી. આ ઉપરાંત નાટક મંડળીના દરેક સભ્યને ૪૦૦ રૂપિયા, સોનું, ઘરેણાં વગેરે રાજાએ આપ્યાં હતાં. મંડળી મુંબઈ પાછી ફરી ત્યારે ખરચ બાદ કરતાં તેને ૫૦ હજાર રૂપિયાનો નફો થયો હતો. એ પછી બર્માના રાજાના આમંત્રણથી એ મંડળી બીજી ત્રણ વાર બર્માની મુલાકાત લીધી હતી. એ વખતે દરેક ખેલ માટે રાજાએ મંડળીને એક હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

ગેઈટી થિયેટર, લંડન

૧૮૮૫માં ઇંગ્લન્ડ ખાતે ‘ઇન્ડિયન એન્ડ કોલોનિયલ એકઝિબિશન યોજાયું હતું. એ પ્રસંગે ઉર્દૂ નાટકો ભજવવા માટે આ મંડળી લંડન ગઈ હતી. તે વખતે દુભાષિયા તરીકે કુંવરજી સોરાબજી નાઝરને સાથે લઇ ગયા હતા. આ નાઝર પણ વખત જતાં આગળ પડતા નાટકકાર તરીકે જાણીતા થયા હતા. લંડનમાં એક અઠવાડિયા સુધી રોજ ગેઈટી થિયેટરમાં આ મંડળીએ ઉર્દૂ નાટકો ભજવ્યાં હતાં. ત્યાર બાદ ચાર મહિના સુધી પોર્ટલેન્ડ હોલમાં પોતાના ખેલ ભજવ્યા હતા. તેમાં સયફસ સુલેમાન, હરિશ્ચન્દ્ર, મહમુદશાહ, હુમાયુન નાશીર, આશક્કા ખૂન, વગેરે નાટકોનો સમાવેશ થયો હતો. જો કે આ સફરમાં આર્થિક રીતે ખોટ ગઈ હતી, પણ હિન્દુસ્તાનનાં નાટકો વિદેશની ધરતી પર ભજવાયાં હતાં. ઇંગ્લન્ડ જઈને નાટકો ભજવનારી આ પહેલવહેલી ગુજરાતીઓની નાટક મંડળી હતી. આ બધા પ્રવાસોમાં થયેલા નફામાથી આ મંડળીએ પોતાનાં નાટકો ભજવવા માટે કોટ વિસ્તારમાં ‘નોવેલ્ટી થિયેટર’ બંધાવ્યું હતું. પણ સાથોસાથ આ મંડળી વખતોવખત જાહેર સખાવતોમાં પણ મોટી રકમો આપતી – મુંબઈમાં તેમ જ મુંબઈ બહાર જ્યાં જ્યાં પ્રવાસે જાય ત્યાં પણ. સમય સાથે આ મંડળી સાથે નવી નવી વ્યક્તિઓ જોડાતી ગઈ, જૂની વ્યક્તિઓ કાં અલગ થઈ, કાં મૃત્યુ પામી. પણ છેક ૧૯૨૪ સુધી આ વિક્ટોરિયા નાટક મંડળી કામ કરતી રહી હતી. પછી બેન્કનું દેવું ભરપાઈ ન કરી શકાતાં બેન્કે તેની સ્થાવર-જંગમ અસ્ક્યામત પોતાના તાબામાં લીધી હતી.

૧૮૫૩માં શરૂ થયેલી પારસી નાટક મંડળીના ‘ફલુઘૂસ’ વિષે થોડી વધુ વાત. પારસી નાટક મંડળી છોડી તેઓ વિક્ટોરિયા નાટક મંડળીમાં જોડાયા અને પછીથી કેખુશરુ કાબરાજી સાથે તે છોડી ‘નાટક ઉત્તેજક મંડળી’માં જોડાયા. આ વર્ષો દરમિયાન નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો બન્યા હતા. પહેલું કોમેડી નાટક ‘સૂડી વચ્ચે સોપરી’ ફ્લોપ જતાં આ મંડળીએ રણછોડભાઈના ‘હરિશ્ચંદ્ર’ અને ‘નળદમયંતી’ નાટકો ફરી ભજવ્યાં. આ ઉપરાંત કવિ નર્મદનું ‘સીતાહરણ’ નાટક પણ સફળતાપૂર્વક ભજવ્યું. હવે બન્યું એવું કે મુંબઈની કેટલીક ગુજરાતી નિશાળના માસ્તરો ‘હરિશ્ચન્દ્ર’ નાટકનો એક સોલ્ડ આઉટ શો મેળવવા પેલા ફલુઘૂસ પાસે ગયા. એક ખેલ માટે માસ્તરોએ ૩૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ ફલુઘૂસે ૫૦૦ રૂપિયા માગ્યા. માસ્તરોએ ભાવ કરવાનો પ્રયત્ન કર્યો એટલે ફલુઘુસનો પિત્તો ગયો. કહે: “જા, જા, વાનિયા! તારે વેપલો કરવો હોય તો મૂક ૫૦૦ રૂપિયા મારા ટેબલ પર અને નહિ તો નીચી મુંડી કરી ચાલતો થા.” એ વખતે બધી નાટક મંડળીઓ પારસીઓની હતી, હિંદુ ગુજરાતીઓની એક પણ નહોતી. ફલુઘૂસની વાત સાંભળી નરોત્તમ નામના એક મહેતાજીને લાગી આવ્યું. બોલ્યા : ‘જોજો, હિંદુ ગુજરાતીઓ પણ પોતાની નાટક મંડળી શરૂ કરશે.’ આ સાંભળી ફલુઘૂસ વધારે વિફર્યા : “અલ્યા વાનિયા! તું સ્ટેજ ઉપર એક ઉંદરડી સરખી પણ ચલાવી નહિ શકે.” આ રીતે અપમાનિત થયેલા મહેતાજીઓ પહોંચ્યા રણછોડભાઈ પાસે. કહે : “દક્ષિણીઓ નાટક મંડળીઓ ચલાવે, પારસી નાટક મંડળીઓ ચાલે, ઉર્દૂ નાટક મંડળીઓ ચાલે, તો આપણી નાટક મંડળી કેમ નહિ?  રણછોડભાઈએ પહેલાં તો એ મહેતાજીઓને થોડા વાર્યા.

રણછોડભાઈ ઉદયરામ

પણ પછી તેમની ધગશ જોઈ ૧૮૬૬માં પ્રગટ થયેલા પોતાના નાટક ‘લલિતાદુઃખદર્શક’ની પાંચ નકલ તેમના હાથમાં મૂકી. પેલા નરોત્તમભાઈ કહે કે આ નાટક તો મેં ૬૫ વખત વાંચ્યું છે. પછી તો એ નાટક ભજવવા માટે રણછોડભાઈના આશીર્વાદ સાથે ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટક મંડળી’ શરૂ થઈ. આ નાટક ભજવવાની પરવાનગી આપતી વખતે રણછોડભાઈએ એક શરત કરેલી : નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ. તેમને ખેલ પસંદ પડે તો જ ટિકિટ વેચીને જાહેર પ્રયોગો કરવાના. વિક્ટોરિયા થિયેટરમાં આમન્ત્રિત મહેમાનો માટે પહેલો ખેલ થયો તેને ખૂબ આવકાર મળ્યો. રાતે આઠ વાગે શરૂ થયેલો ખેલ સવારે સાડા ત્રણે પૂરો થયો. પછી તો ગુજરાતી નાટક મંડળીએ આ નાટકના ૯૦ જેટલા પ્રયોગ કર્યા. આમ, ‘ફલુઘૂસ’ની તુમાખી ગુજરાતી નાટક મંડળીના જન્મ માટે નિમિત્તરૂપ બની.

૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બે અલગ રાજ્યો થયાં. ગુજરાતનું પાટનગર ગાંધીનગર થયું. પણ છેક ૧૮૫૩થી આજ સુધી ગુજરાતી રંગભૂમિનું પાટનગર તો મુંબઈ જ રહ્યું છે. એવા મુંબઈની બીજી થોડી વાતો હવે પછી.  

e.mail : deepakbmehta@gmail.com       

XXXXXXX

પ્રગટ : "ગુજરાતી મિડ-ડે", 07 ડિસેમ્બર 2019

Loading

9 December 2019 admin
← એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી
ડાયસ્પોરા ગણાતા આપણા લેખકોએ રાજસત્તા અને લેખક-વ્યક્તિ વચ્ચે ઊભા થતા સંઘર્ષની યાતના નથી વેઠી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved