જે બધી શિક્ષણસંસ્થાઓમાં બિનલોકશાહી માર્ગે ફી વધારો કરવામાં આવે ત્યાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવો જોઈએ. બધી જગ્યાએ ફી વધુ છે એટલે એ યોગ્ય છે, બધે વિરોધ થતો નથી એટલે વિરોધ કરવો ખોટો છે એવી માન્યતા સ્વીકારી શકાય નહીં.
‘મારું રાજકારણ સારું નહીં હોય તો શિક્ષણ સારું નહીં જ હોય’, – મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું આ વિધાન અત્યારના દિવસોમાં સીધું જ પ્રસ્તુત જણાય છે.
રાજકારણમાં મહારાષ્ટ્રની સત્તા-સાઠમારી અને કેન્દ્રની નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એન.આર.સી.) જેવી વિવાદાસ્પદ નીતિઓ છે. શિક્ષણમાં અધોગતિના અહેવાલ રોજેરોજ મળે છે. તેમાં ય ગયા ત્રણેક મહિનામાં દેશની પાંચ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં બનેલા બનાવો બતાવે છે કે દેશનું ઉચ્ચ શિક્ષણ તીવ્ર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ના વિદ્યાર્થીઓએ છાત્રાલયની ફી વધારાના વિરોધમાં આંદોલન ચલાવ્યું છે. તેમણે યુનિવર્સિટીના પદવીદાન સમારંભ વખતે દેખાવો કરવાની અને સંસદના ચાલુ સત્રના પહેલા દિવસે સંસદભવન તરફ કૂચ કરવાની કોશિશ કરી. બંને વખત સરકારે બહુ મોટી સંખ્યામાં પોલીસ ખડકીને તેમને અટકાવ્યા. લાઠીચાર્જ અને અટકાયત પણ થયાં. જે.એન.યુ. યુનિવર્સિટીનાં છાત્રાલયની ફીમાં જંગી વધારો સૂચવાયો છે. એક વિદ્યાર્થીના રૂમનું મહિનાનું ભાડું રૂ.10/-થી વધારીને રૂ. 300/- અને બે વિદ્યાર્થીઓની વચ્ચે વહેંચતાં ઓરડાનું ભાડું રૂ.20/-થી વધારીને રૂ.600/- કરવામાં આવ્યું છે. તદુપરાંત દરેક વિદ્યાર્થીએ રૂ.1,700/- સર્વિસ ચાર્જ તરીકે ચૂકવવા પડવાના છે. તેમાં છાત્રાલયના સફાઈ કામદાર, રસોઇયા, મેસના કર્મચારીઓના પગાર અને નિભાવ ખર્ચનો સમાવેશ કરવામાં આવનાર છે.
જે.એન.યુ.માં ફી વધારા અંગેના તાજેતરના (અને દસેક દિવસમાં તો પડકારાયા ન હોય તેવા) અભ્યાસો મહત્ત્વની હકીકતો બતાવે છે. તે મુજબ છાત્રાલયમાં સૂચિત ફી વધારો મંજૂર કરવામાં આવશે તો ભારતની દસ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં જે.એન.યુ.નો છાત્રાલયનિવાસ સહુથી મોંઘો હશે. આ ફી વધારો યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવા મજબૂર કરશે એમ પણ સંભાવના છે. કારણ કે ખુદ જે.એન.યુ.ના 2017-18ના વાર્ષિક અહેવાલ મુજબ તેમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી 40% વિદ્યાર્થીઓ એવા છે કે જેમના વાલીઓની માસિક આવક રૂપિયા 12,000/-થી ઓછી હોય. એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેના વાલીઓની વાર્ષિક આવક રૂપિયા 50,000/-થી ઓછી હોય.
સવાલ થઈ જ શકે કે ઊંચી ફી ઘણી યુનિવર્સિટીઓમાં હોય ત્યારે જે.એન.યુ.ના જ વિદ્યાર્થીઓ જ કેમ વિરોધ કરે છે ? ખરેખર તો માત્ર જે.એન.યુ.એ જ નહીં, જે બધી શિક્ષણસંસ્થાઓમાં બિનલોકશાહી માર્ગે ફી વધારો કરવામાં આવે કે વિદ્યાર્થી-વિરોધી નીતિ ઘડવામાં આવતી હોય ત્યાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવો જોઈએ. ખાનગી શાળાઓમાં જ્યારે ફી વધારો થાય છે ત્યારે વાલીઓ વિરોધ કરતાં જ હોય છે. બધી જગ્યાએ ફી વધુ છે એટલે એ યોગ્ય છે, બધે વિરોધ થતો નથી એટલે વિરોધ કરવો ખોટો છે એવી માન્યતા સ્વીકારી શકાય નહીં. આ એવું કહેવા બરાબર છે કે બધા દારૂ પીવે છે, તેનો કોઈ વિરોધ કરતું નથી, એટલા માટે દારૂ યોગ્ય છે, દારૂબંધીનો કાયદો ખોટો છે અને દારૂબંધીના કાયદાનો વિરોધ કરનારનો વિરોધ પણ અસ્થાને છે.
સરકાર ખેડૂતોને દેવાંમાફી આપે છે ત્યારે ‘કરદાતાના પૈસા’ની ચાલુ દલીલ જે.એન.યુ.ના વિદ્યાર્થીઓના કિસ્સામાં પણ કરવામાં આવે છે. તેની સામે અભ્યાસીઓ જણાવે છે કે કૉમ્પ્રોટ્રૉલર ઍન્ડ એડિટર જનરલ(કૅગ)ના ફેબ્રુઆરી 2019ના અહેવાલ મુજબ દેશમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સેસના રૂ. 94,036/- કરોડ તેમ જ સંશોધન અને વિકાસ સેસના રૂ.7,298/- વપરાયા વિનાના રહ્યા છે, અને બીજી બાજુ ફી વધારવામાં આવી રહી છે. બીજી હકીકત એ પણ છે કે 2017-18નાં શૈક્ષણિક વર્ષમાં જે.એન.યુ.નો કુલ ખર્ચ રૂ. 566/- કરોડ હતો અને તેમાં 8,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. યુનિવર્સિટીમાંથી આ વર્ષમાં એક હજાર કરતાં વધુ સંશોધન લેખો પ્રતિષ્ઠિત અભ્યાસ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં. યુનિવર્સિટીએ જાહેર જનતા માટે પણ ખુલ્લાં હોય તેવાં 1,086 વિશેષ વ્યાખ્યાનો યોજ્યાં. યુનિવર્સિટીમાં એમ.ફિલ. લઘુશોધનિબંધ અને પીએચ.ડીના મહાનિબંધોની કુલ સંખ્યા 4,594 છે. આની સામે એક વર્ષમાં કેન્દ્ર સરકારે પોતાની અને વિવિધ યોજનાઓની પ્રસિદ્ધી માટે વાપરેલી રૂ. 1313/- કરોડની રકમ મૂકી શકાય. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા માલેતુજારોના કૌભાંડોને કારણે બૅન્કો ખાધમાં જાય તેની ભરપાઈ થવાની હોય તો તે પેલા કરદાતાના પૈસામાંથી જ થવાની છે. આપણી કાર માટે પેટ્રોલ મળે છે તે સબસિડાઇઝડ હોય છે. પૈસાદારો ય ઘણી વાર જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે તે પણ સબસિડાઇઝડ હોય છે.
જે.એન.યુ.ના અત્યારનાં આંદોલનમાં મહત્ત્વનો મુદ્દો સબસિડાઇઝડ એટલે કે ગ્રાન્ટ-ઇન-એઇડ અથવા સરકારના અનુદાનમાંથી ચાલતાં શિક્ષણને ટકાવી રાખવાનો છે. ગરીબીનું પ્રમાણ વધુ હોય તેવા કોઈ પણ દેશમાં ખાનગી શિક્ષણ બહુ ઓછા લોકોને પોષાય છે. નેવુંના દાયકામાં આવેલી ઉદારીકરણ-ખાનગીકરણ-વૈશ્વિકરણની નીતિથી ગરીબ વર્ગોની હાલતમાં થોડીક ગૅજેટસ મળવા કરતાં ખાસ સુધારો થયો નથી. અર્ધસાક્ષરતા કે નિરીક્ષરતાથી પીડાતો દેશ વિશ્વગુરુ બની શકે નહીં. તંદુરસ્ત અને ભણેલા નાગરિકો દેશને આગળ લઈ જઈ શકે. માંદા અને અભણ નાગરિકોનો દેશ પાછળ રહી જાય છે. આમ ન થાય તે માટે જાહેર અને સસ્તા દરની આરોગ્યસેવા અને એવું જ શિક્ષણ બંને અનિવાર્ય છે. કમનસીબે સરકારો યોજનાઓની અને આંકડાની માયાજાળ બિછાવે તો પણ સરકારી દવાખાનાં-હૉસ્પિટલો અને સરકારી કે અનુદાનિત શાળા-કૉલેજોની સ્થિતિ કથળતી જાય છે. આ બંનેમાં ખાનગી ક્ષેત્ર વધુ ને વધુ ફેલાતું અને મોંઘું થતું જાય છે. પરિણામે લોકોનો મોટો વર્ગ ગુણવત્તાપૂર્ણ આરોગ્યસેવાઓ અને શિક્ષણથી વંચિત રહી જાય છે.
ઉચ્ચ શિક્ષણમાં 2010થી સાર્વત્રિક રીતે મોટા પાયે લાદવામાં આવેલી સેમેસ્ટર સિસ્ટમને અને માનવવિદ્યાઓમાં ખાનગી શિક્ષણના ફેલાવાને અને અનુદાનિત શિક્ષણના ઘટાડાને સંબંધ હતો. 2019ની નવી શિક્ષણ નીતિ બધાના માટે સુલભ શિક્ષણને વધુ મુશ્કેલ બનાવવા ધારે છે. આ નીતિ અનુસાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને સ્થાને હાયર એજ્યુકેશન ફન્ડિન્ગ ઑથોરિટી આવશે. આ ઑથોરિટીનાં ધોરણ મુજબ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અનુદાન પર નહીં પણ લોન પર ચાલશે. આ લોન ફી વધારા અને ‘ઇન્ટર્નલ રિસોર્સ જનરેશન’ એટલે કે સંસ્થાએ પોતે સંસાધનો ઊભા કરીને ચૂકવવાની રહેશે. આ ઇન્ટર્નલ રિસોર્સ જનરેશન એ શિક્ષણને બજારમાં મૂકવાની નીતિનો પર્યાય છે. તેને સામાજિક વિકાસની સાથે ભાગ્યે જ કંઈક લેવાદેવા હશે. આપણું બંધારણ એવી શિક્ષણનીતિની ભલામણ કરે છે કે જેમાં શિક્ષણ સહુને માટે સરખી રીતે જાહેર ક્ષેત્ર માટેની ફાળવણીમાંથી મળતું હોય.
જે.એન.યુ. કે બીજી અન્ય અનુદાનિત યુનિવર્સિટીનાં શિક્ષણની સાથે ‘પબ્લિક યુનિવર્સિટી’ની વિભાવના પણ સંકળાયેલી છે. પબ્લિક યુનિવર્સિટી શબ્દપ્રયોગમાં પ્રાઇવેટનો ઇન્કાર અને યુનિવર્સિટીનો વહીવટ કરનાર ગવર્નમેન્ટ પર લગામ એ બંને બાબતો સમાયેલી છે. જાહેર યુનિવર્સિટીમાં બજાર, ધર્મ કે રાજ્ય એવા કોઈનો પ્રભાવ કે હસ્તક્ષેપ નથી. તેમાં વિચારો પર બંધન નથી. સંભાષણ, સંવાદ, ચર્ચા, ભિન્ન મત, વિવાદ, અસંમતિ, વિરોધને પૂરો ભય વિનાનો અવકાશ છે; અભિવ્યક્તિ, સંશોધન, સર્જનને માટે મુક્ત આકાશ છે. આવાં શિક્ષણ થકી માનવજીવન કહેતાં સિવિલાઇઝેશન તરફ ગતિ છે. આપણા વિદ્યાર્થીઓનાં કૉલેજ અને યુનિવર્સિટી શિક્ષણ તરફ આ નજરિયાથી જોવાની જરૂર છે.
*******
27 નવેમ્બર 2019
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 29 નવેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત]