કહું મને કટેવ
દિવાળી એટલે અંધકાર ઉપર પ્રકાશનો વિજય. પ્રકાશનો વિજય ક્યારે થાય? દીવડાઓ પ્રગટે ત્યારે. પહેલી વાર મોટી સંખ્યામાં દીવડાઓ ક્યારે પ્રગટ્યા હતા, ખબર છે ને? શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછાં આવ્યાં હતાં ત્યારે આ વનવાસ દરમિયાન તેમણે રાવણ પર વિજય મેળવવાનું મહાપરાક્રમ કર્યું હતું. રાવણને હરાવવામાં તેમને સૌથી વધુ મદદરૂપ કોણ બન્યું હતું? બધા તરજ મોટે અવાજે એક જ નામ બોલશે, ‘જય હનુમાન’.
ગામમાં રામાયણની કથા બેઠી હોય અને શ્રોતાઓ રસપૂર્વક સાંભળી રહ્યા હોય, પણ બાળકોને તો કથામાં હનુમાનજીનો પ્રવેશ થાય, ત્યારે જ મજા પડે. બાળકોને શા માટે, અરે મોટેરાં માટે પણ હનુમાનજીની વારતા શરૂ થાય, એટલે એમની પલાંઠી ટાઇટ થઈ જાય અને ડોકાં ઊંચાં થઈ જાય. હનુમાનદાદાનું પાત્ર જ એવું જોરાવર છે કે હજારો વરસ વીતી ગયાં પણ લોકોના હ્રદયમાં તેમની વીરગાથાઓ સદાય ગુંજતી રહી છે. ભારતમાં કોઈ ગામ એવું નહીં હોય, જ્યાં હનુમાનદાદાનું મંદિર ના હોય. અને જ્યાં શ્રી હનુમાનદાદાનું મંદિર હોય, ત્યાં શ્રીરામ, લક્ષ્મણ, અને સીતાની મૂર્તિ અથવા ચિત્ર જરૂર હોવાનું. શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ઊભાં હોય અને શ્રી હનુમાનજી તેમનાં ચરણોમાં બિરાજ્યા હોય. એ જોઈને આપણા જીભેથી તરત શબ્દો સરી પડે, “શ્રીરામ, લક્ષ્મણ, જાનકી. જય બોલો હનુમાન કી.” શું તમે કોઈ એવું મંદિર જોયું છે કે જ્યાં હનુમાનજીની ધામધૂમપૂર્વક પૂજાવિધિ થતી હોય અને રામનું ક્યાં ય નાનું અમથું ય ચિત્ર જોવા ના મળે?
પરંતુ પવિત્ર ભરતભૂમિમાં હમણાં એક વિચિત્ર પરંપરા શરૂ થઈ રહી છે. જો કે તે હજુ બહુ નાના પાયે છે અને કેટલાકના મનમાં જ રમી રહી છે, એકદમ જાહેરમાં સ્વીકાર થતો નથી. છતાં સાવ નાનાપાયે એ શરૂ થઈ ચૂકી છે, એ આપણા સમયની કમનસીબી છે. કેવળ રાજકીય લાભ લેવા માટે કેટલાંક તત્ત્વો સરદારને મહામાનવ તરીકે આગળ ધરી રહ્યા છે અને વલ્લભભાઈ જેની સેનાના સરદાર હતા, તે ગાંધીજીને નજરઅંદાજ કરવા માંડ્યા છે. આખી દુનિયા જેને ‘મહાત્મા’ ગાંધી તરીકે સ્વીકારે છે તેને મહાત્મા ગણતાં પણ તેઓ અચકાય છે. અરે, તેઓ તો એવું પણ માને છે અને લોકોને મનાવવા માંગે છે કે કપટી અંગ્રેજોના કહેવાથી જ રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા તરીકે જાહેર કર્યા હતા. આટલેથી અટકે તો ઠીક, આપણને આઝાદી ફક્ત ગાંધીજીના આંદોલનથી મળી નથી, એવું તેઓ માને છે, હજારો શહીદોનો પણ તેમાં ફાળો છે. વીર શહીદો અવશ્ય આપણા વંદનના અધિકારી છે. પણ ગાંધીજીના પ્રદાનને કેવી રીતે ભૂલી શકાય ? આ તો, એ જ વાત થઈને કે હનુમાનજીની પૂજા કરવાની અને રામની અવગણના કરવાની ?
બીજી બાજુ સરકાર ગાંધીજીની જન્મજયંતીનાં દોઢસો વરસની ઠેર-ઠેર ઉજવણી કરી રહી છે. બધાં શહેરો અને ગામોમાં આ ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ તેમના પ્રથમ કાર્યકાળના પ્રથમ વરસે દિલ્હીની સડકો પર કચરો વાળ્યો હતો. બીજા કાર્યકાળમાં હમણાં એક વહેલીસવારે દરિયાકાંઠે તેઓ કચરો વીણતા નજરે પડ્યા છે. ગાંધીનગરમાં કરોડોના ખર્ચે મહાત્મામંદિરની રચના થઈ છે. ગાંધીજયંતીએ પ્રધાનો ખાદી ખરીદવા ઊમટી પડે છે. ભારતીય ચલણની નોટો ઉપર ગાંધીજીનાં ચશ્માંનું ચિત્ર લગાવાયું છે.
સરદાર સરોવર ઉપર વિશ્વનું સહુથી ઊંચું સરદારનું પૂતળું રચવામાં આવ્યું છે. તેને પ્રવાસનું ધામ બનાવવા માટે આસપાસ અનેક આકર્ષણો રચવામાં આવ્યાં છે. હજારો દર્શનાર્થીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે. અમે શાળામાં ભણતા હતા, ત્યારે અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીને બહુ નવાઈપૂર્વક જોતા હતા. હવે જ્યારે ભારતમાં એના કરતાં પણ મોટું પૂતળું બનાવાયું છે, ત્યારે ત્યાં જવા માટે ખબર નહીં કેમ હ્રદય ઝંખતું હોય એવું લાગતું નથી. અમેરિકન પ્રજાની સ્વાતંત્ર્ય માટેની ઉત્કટ ભાવનાને ચરિતાર્થ કરવા માટે એ પ્રતિમાની રચના થઈ હતી. આપણું સ્ટેચ્યૂ કેવળ લોકોને આકર્ષવા માટે ઊભું કરાયું હોય તેમ લાગે છે. ફરી એની એ વાત ઘૂમરાયા કરે છે. શું ત્યાં ગાંધીજીની એકાદ નાનકડી મૂર્તિ કે ફોટો છે ખરાં ?
હવે હું થોડીક વિગતો રાજમોહન ગાંધીના પુસ્તક ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ માંથી રજૂ કરું છું, તે ધ્યાનથી વાંચવા વિનંતી છે :
નિઝામની શરણાગતિ પછી સરદારની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. પણ જવાહરલાલના અગ્રપદ અને એમની લોકપ્રિયતાથી વલ્લભભાઈ પૂરેપૂરા વાકેફ હતા. મુંબઈમાં વલ્લભભાઈ અને જવાહરલાલને ઘેરી વળેલા માનવ-મહાસાગર વખતે તેમણે વિન્સેંટ શીનને જણાવ્યું તેમ “લોકો મારા માટે નહીં, પણ જવાહરલાલ માટે આવે છે.” હૈદ્રાબાદની શરણાગતિ બાદ વલ્લભભાઈએ ફરી વાર નેહરુને ‘મારા આગેવાન’ કહ્યા. ૧૯૪૮ની ૧૪મી નવેમ્બરે જવાહરના જન્મદિને તેમણે સ્પષ્ટતાપૂર્વક કહ્યું : “મહાત્મા ગાંધીએ પંડિત નેહરુને પોતાના વારસ અને અનુગામી ઠરાવ્યા હતા. ગાંધીજીના અવસાન પછી, આપણા આગેવાનની વરણી યોગ્ય હતી, તેવું આપણે સમજી શક્યા છીએ.”
વલ્લભભાઈએ વડાપ્રધાનનો હોદ્દો હંગામી ધોરણે ચાર વખત સંભાળ્યો હતો. સન ૧૯૪૮ની શરદઋતુમાં, સન ૧૯૪૯ના એપ્રિલમાં અને શરદ ઋતુમાં અને સન ૧૯૫૦ના જૂન માસમાં. આ માન તેમને ગમતું હતું અને તેનો કાર્યભાર તેઓ સહેલાઈથી ઉપાડી લેતા. જવાહરલાલ નેહરુ દેશમાં હોય કે પરદેશ ગયા હોય અને વલ્લભભાઈના રાજકીય ઉદ્દેશ ગમે તે હોય, પણ નેહરુને પછાડવાનો વિચાર વલ્લભભાઈએ કદી કર્યો નથી. વડાપ્રધાનપદના ટૂંકા ભોગવટા પછી પણ તેમને આવી લાલચ કદી થઈ નથી.
૧૯૫૦ની ૨જી ઑક્ટોબરે ઇંદોર ખાતે સ્ત્રીઓ માટે કસ્તૂરબાગ્રામનો પાયો નાખતાં વલ્લભભાઈએ અતિશય ભાવવિવશ થઈને અને રડતા અવાજે પોતાની જાતને ગાંધીના સિપાઈ ગણાવ્યા અને બાપુને પોતે આપેલા વચનનો ઉલ્લેખ કર્યો.
“બાપુના લશ્કરમાં જોડાયો, ત્યારથી આજ સુધીનું મારું આખું જીવન આજે હું જોઈ શકું છું. બાએ મારા પર જેટલું હેત રાખ્યું છે, તેટલું મારી સગી મા પાસેથી પણ મને મળ્યું નથી. માબાપનું જે હેત મારા નસીબમાં લખાયું હશે, તે મને બાપુ અને બા પાસેથી મળ્યું.
“બાપુએ આ મરેલા દેહને સજીવન કર્યો છે અને બાએ તેમને સાથ આપ્યો. આ બંનેનું સજોડે ચિત્ર આપણે હંમેશાં નજર સમક્ષ રાખવું જોઈએ. આપણે ભૂલ કરીએ, તો આપણો હિસાબ લેવા આ બંને બેઠાં છે.
“અમે બધા તો તેમની છાવણીના સિપાહી હતા. મને લોકો નાયબ વડાપ્રધાન કહે છે. હું મારી જાતને આવો પદાધિકારી ગણતો નથી. જવાહરલાલ આપણા નેતા છે. બાપુએ તેમને પોતાના વારસદાર નીમ્યા છે અને તે રીતે જાહેરાત પણ કરી છે.
“બાપુનું વસિયતનામું પાળવું તે બાપુના તમામ સૈનિકોની ફરજ છે. જે લોકો હ્રદયપૂર્વક તેનું પાલન ન કરે તે ભગવાનના ગુનેગાર થાય. હું દ્રોહી સિપાહી નથી. હોદ્દાનો વિચાર કદી કરતો નથી. હું તો આટલું જ જાણું છું કે બાપુએ જે સ્થાને મને બેસાડ્યો, ત્યાં બેઠો છું, તેનો મને સંતોષ છે.”
E-mail : ranchhod15653@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 16 તેમ જ 15