Opinion Magazine
Number of visits: 9484385
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અયોધ્યા : ન્યાયની ‘સમાધાન’કારી ફૉર્મ્યુલા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 November 2019

કોઈકે અયોધ્યા ફેંસલામાં ‘સિયાવર રામચંદ્ર કી જય’ જોઈ તો ક્યાંકથી કેમ જાણે તબલાં પર સંગત પેઠે ‘અવધમેં આનંદ ભયો’ એવી ઉક્તિ પણ આવી પડી. ‘હરખ તું હિંદુસ્તાન’નો હેલો ગાવાની, ભલે મંદ સાદે ગાવાની, હોડ પણ કદાચ વરતાઈ. એક વાત સાફ છે કે સર્વોચ્ચ અદાલતે ન્યાયની કોશિશ સાથે અમન અને સમાધાનની ખેવના ખસૂસ રાખી છે. એક રીતે, સર્વોચ્ચ અદાલત અંગે ન્યાય અને સંતુલનની મથામણમાં તંગ દોર પર નટચાલની જે છાપ ઉપસે છે એને વિધાયક વાસ્તવને ધોરણે સમજી પણ શકાય છે; કેમ કે વસ્તુતઃ દેશના રાજકીય નેતૃત્વે છેલ્લા દસકાઓમાં કેળવેલ કૌશલ અને કરતબ પોતાની જવાબદારી અદાલત પર નાખીને છૂટી જવાનાં છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાબત પુનઃસમીક્ષાને અવશ્ય અવકાશ છે, પણ અત્યારે નાનાવિધ મુસ્લિમ સંગઠનો પણ એકમતે એવું ઇચ્છે છે એમ જણાતું નથી. સંઘ શ્રેષ્ઠીઓએ ચુકાદા સબબ વિજયના ઉન્માદથી પરહેજ કરવાની સૂચના આપી તો ઠેકઠેકાણે ઇદે મિલાદનાં જુલૂસ મોકૂફ રાખવા વાટે મુસ્લિમ વર્તુળોએ પણ સૌહાર્દ અને કાયદો ને વ્યવસ્થાની જાળવણીની દરકાર કરી જાણી છે. બેશક, અહીં ‘સૌહાર્દ’ શબ્દને સીમિત સંદર્ભમાં લેવાનો છે, કેમ કે જૂનાંનવાં રમખાણગ્રસ્ત મુસ્લિમ વિસ્તારોએ ચુકાદાને દિવસે લગભગ સંચારબંધી પાળવામાં સલામતી જોઈ હતી. એમાં ભય નહોતો એવું કહી શકાતું નથી.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ૧૭મી નવેમ્બરે મળીને આ ચુકાદા અંગે સર્વોચ્ચ અદાલતની દેવડીએ પુનઃ સમીક્ષા અંગે ધા નાખવા અગર નહીં નાખવાનો વિધિવત્‌ નિર્ણય લેશે એવા હેવાલો છે. તો, મૂળ માલિક એટલે કે સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન ફાળવવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબની જમીન સ્વીકાર્ય લેખવી કે નહીં તે અંગેની અવઢવ અંગેનો બોર્ડનો મત વળતે અઠવાડિયે યોજેલ બેઠકમાં સ્પષ્ટ થશે, તેમ છતાં, એકંદર વલણવ્યૂહ આ ફેંસલા બાબતે રિઝર્વેશન્સ છતાં આગળ જવાનો જણાય છે એમ માનવામાં હરકત નથી.

જે સમજવાનું છે તે આ ચુકાદાના ઉજાસમાં એ છે કે ૧૯૪૯ની ઘટના (મસ્જિદમાં રામલલ્લાના પ્રાગટ્ય ઉર્ફે રાત્રે તાળાં તોડી ધરાર મૂર્તિસ્થાપન) અને ૧૯૯૨ની બાબરીધ્વંસની ઘટના બેઉમાં કાનૂનભંગ હતો તે હતો અને એમાં સંડોવાયેલાઓ તેમ જ એના લાભાર્થીઓ આજે સત્તાનશીન છે તે છે. સર્વોચ્ચ અદાલતે કાનૂનભંગ સ્પષ્ટ બોલી બતાવ્યો છે એ લક્ષમાં લઈએ તો સત્તાસ્થાનેથી સંયમની જે શીખ પોતાના વળના વિશાળ વર્ગને અપાઈ છે તે એને ખુદને પણ એટલી જ લાગુ પડે છે. કલમ ૩૭૦ની પૂર્ણવત્‌ નાબૂદીને કોઈ પ્રશાસનિક પગલા તરીકે નહીં જોતાં કેમ જાણે એ કોઈક ચડાઈ સાથેનાં ડંકાનિશાન હોય કે એની વાટે વિજયવાવટો લહેરાવાયો હોય એવી માનસિકતાથી પેશ આવતી મંડળીને કોઈકે યાદ અપાવવું રહે છે કે તમને આ પૂર્વે તમારા જ વળમાંથી (અને તે પણ શીર્ષ સત્તાસ્થાનેથી) રાજધર્મના પાલનની શીખ અપાઈ હતી. વર્તમાન નેતૃત્વને (અરુણ શૌરિએ વર્ણવેલ અઢી પૈકી બચેલા બે આદિપુરુષને) આ બધું વિચારવાની રગ અને ફુરસદ હોય તો હોય, અને ન હોય તો નયે હોય. વળી ખબર હોવી તે પોતે કરીને અગ્રતા હોવી એવું પણ નથી.

જે બેત્રણ જોગાનુજોગ આવ્યા આપણી સામે, આ દિવસોમાં, તે પણ તપાસ બલકે ઊહાપોહ માગી લે છે. એક તો, ચુકાદાનો આગલો દિવસ, એટલે કે ૮મી નવેમ્બર, અડવાણીનો જન્મદિવસ હતો. રામમંદિર આંદોલનના રાજકીય સ્થપતિ અને પાલમપુર ઠરાવના ઘડવૈયા અલબત્ત અડવાણી અને અડવાણી જ હતા, અને ઉમા ભારતી જેવાં એકલદોકલ ભા.જ.પ. શ્રેષ્ઠીએ એમનો વિશેષરૂપે ઉલ્લેખ કરવાનો વિવેક પણ દાખવ્યો છે. બાબરીધ્વંસના જવાબદારોમાં લિબરહાન કમિશને એમને ખાસ ગણાવ્યા છે અને વચગાળાની અવઢવ કે અસમંજસ પછી સી.બી.આઈ.એ ૨૦૧૭ની પોતાની રજૂઆતમાં પણ તેમ કહ્યું છે. જો કે, અડવાણીએ લોકસભામાં આ દિવસને પોતાના સૌથી દુઃખી દિવસ તરીકે વર્ણવ્યો હતો એ બીના જરૂર રેકોર્ડ પર છે, પણ ઘટના જોડેની એમની સંડોવણી પણ સાક્ષાત છે. એમનાં ફારગત પુત્રવધૂ ગૌરીએ તો આ સંદર્ભમાં બઢીચઢીને ખાસું એક ઇલ્જામનામું પણ મૂક્યું છે. પણ આ ક્ષણે તે માંહે રહેલ ટ્રિવિયા ટીઝર્સનો લોભ છાંડીને કરવા જેવો પાયાનો મુદ્દો અડવાણીની વિચારધારાકીય રૂખનો છે. ભા.જ.પે. રામ મંદિરને રાષ્ટ્રવાદની પોતાની વ્યાખ્યા અને ઓળખ તરીકે ઉપસાવ્યું એ આખી બીનાનું શ્રેય એક વ્યવસાયી કૉપીકાર તરીકે અડવાણીને નામે જમે બોલે છે. ભાગલા પૂર્વે મુસ્લિમ લીગે એક તબક્કે ખેલ્યું હતું એવું જ, એના હિંદુ અડધિયાશાઈ રાજકારણ એમના નેતૃત્વમાં ભા.જ.પે. ગઈ સદીના છેલ્લાં બારપંદર વરસથી ધરાર એટલે ધરાર ખેલ્યું છે. (દાંડીયાત્રા અને અયોધ્યાયાત્રા બેઉને સામસામે અને એક સાથે મૂકીને જોઈએ તો એકનું વિધાયક લડાયક સ્વરૂપ તો બીજીનું વિભાજક લડાયક સ્વરૂપ તરત પ્રત્યક્ષ થશે.)

વડાપ્રધાન મોદીએ નવમી નવેમ્બરના બીજા બે જોગાનુજોગ તરફ જાહેર ધ્યાન ખેંચ્યું છે. કરતારપુર કોરિડોરના દિવસ તરીકે તેમ બર્લિનની દીવાલ તૂટ્યાની ઇતિહાસઘટના તરીકે એમણે આ ચુકાદાની તારીખનો મહિમા કીધો છે. જ્યાં સુધી કરતારપુર કોરિડોરનો સવાલ છે, નાનકદેવ હિંદુમુસ્લિમ સમન્વયના અનેરા ઉદ્‌ગાતા હતા. ધર્મકોમને નામે રાષ્ટ્રની વ્યાખ્યાના રાજકારણ સાથે એમને સાંકળવામાં વિવેક નથી તે નથી. બર્લિનની દીવાલની જિકર કરીએ તો એનું તૂટવું અને બે જર્મનીનું એક થવું એ જરૂર એક ઐતિહાસિક આકર્ષણનું બિન્દુ છે. ત્યાં તકરાર બે સામ્રાજ્યવાદી સત્તાઓ તેમ લોકશાહી અને સર્વસત્તાવાદ વચ્ચે હતી, ધર્મકોમની નહોતી. સત્તાપુરુષ મોદીએ આ જે બે પેરેલલ પરબારા ગગડાવ્યા એ તેઓ કેન્દ્રીય સત્તા સુધી નહોતા પહોંચ્યા ત્યારના એમના રાજકારણથી વિપરીત એટલે સદંતર વિપરીત છે.

ગમે તેમ પણ, અયોધ્યા ચુકાદામાં પૂર્ણ ન્યાયને બદલે કંઈક સમાધાન ભણી ઝૂકવાના વલણને હાલની જરૂરત સમજી આગળ ચાલી શકીએ એવી એક વ્યાપક લાગણી જોવા મળે છે. પ્રજાનાં વાસ્તવિક સુખદુઃખના પાયાના પ્રશ્નોને અગ્રતા મળવી જોઈએ એવો એક વિચારધક્કો એની પૂંઠે પડેલો છે. આપણે આ વલણની કદર કરીએ, જરૂર કરીએ. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામોમાં ભા.જ.પ.ના કથિત રાષ્ટ્રવાદ સામે વાસ્તવિક સુખદુઃખની જે ચિંતાચીમકી સાફ છે. એ વિચારરૂખને જરૂર આગળ ચલાવીએ.

ખરું જોતાં, મંડલ-કમંડલમાં ચાલતી રાજનીતિથી આગળ જવાની ઇતિહાસતક તરીકે વિચારવાની આ ઘડી છે. વિશ્વનાથ પ્રતાપ સિંહના મંડલાસ્ત્ર સામે અડવાણીને જડી રહેલા મંદિરાસ્ત્રે ૧૯૯૮, ૧૯૯૯માં સત્તાફળ આપ્યું. ૨૦૦૨માં આપણે આ રાજનીતિની વિક્રિયા પણ જોઈ. ૨૦૦૯માં મંદિરાસ્ત્રે માંજેલ રાષ્ટ્રવાદનું નેતૃત્વ કરી રહેલા, પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઈટિંગ અડવાણી અને ભા.જ.પ.નું નામું લખાવા માંડ્યું કે શું એવા સવાલિયા દાયરામાં એ મુકાઈ ગયાં હતાં. ૨૦૧૪ના ભા.જ.પ. વિજયનું શ્રેય મંડલ મંદિર વિકાસની રાષ્ટ્રવાદી કોકટેલ અને મોદીને નામે જમે બોલે છે. મે ૨૦૧૯ની ફતેહ સાથે એમણે, વચલાં વરસોમાં લગરીક બાજુએ રાખ્યા જેવા ખાસંખાસ મુદ્દાઓ રાષ્ટ્રવાદના ભાલાના ફળા રૂપે આગળ ધરવા માંડ્યાં છે. પણ કમબખ્ત ૩૭૦એ મહારાષ્ટ્ર-હરિયાણામાં યારી ન આપી તે સાથે વાસ્તવિક સુખદુઃખનાં વાનાં ચિંતા અને ચર્ચાના કેન્દ્રમાં નહીં તો પણ તે ભણી આવે એવી શક્યતા ઊભી થઈ છે.

પ્રશ્ન આ છે : અયોધ્યા ચુકાદા પછી, ઉક્ત શક્યતાને કેવીક કાલવી શકાય છે. ભૂતકાળને પાછળ મૂકી આગળ જવાની વાતમાં દમ છે, અને એ રીતે આ ચુકાદાને ન્યાય ભણી ઝૂકતા સમાધાન અગર તો સમાધાન ભણી ઝૂકતા ન્યાય તરીકે ચોક્કસ જોઈ શકાય છે. ૧૯૪૯ અને ૧૯૯૨ની ઘટનાઓને ગુનાઇત કાંડ કહેવા સાથે સર્વોચ્ચ અદાલતના સર્વાનુમત ચુકાદામાં બિનસાંપ્રદાયિકતા એ બંધારણનાં મૂળભૂત લક્ષણ પૈકી છે તે સુપેરે ઘુંટાયું છે. જે નહીં ભૂલવાનો મુદ્દો છે તે આપણી ચર્ચામાં કદાચ ખાસ આવતો જ નથી. અને તે એ છે કે ૧૯૯૧ના કાયદા મુજબ, એકમાત્ર બાબરી મસ્જિદ બાદ કરતાં, બધાં જ ધર્મસ્થાનો પરત્વે ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ હતી તે સ્થિતિ સ્વીકારાયેલી છે. એટલે આ તો ‘ઝાંકી’ છે અને બીજું હજુ ‘બાકી’ છે જેવો રણનાદ હવે અપ્રસ્તુત બની રહે છે. કાશીમથુરા અમારા આંદોલન-એજન્ડામાં નથી એવી જાહેરાત કરી ચૂકેલા સરસંઘચાલક ભાગવત, એમના વિજ્ઞાનભવન વ્યાખ્યાનોનો દોર આગે બઢાવશે કે પરંપરાગત કોચલામાં મુક્તિ શોધશે?

જો કે સર્વોચ્ચ અદાલતના પૂર્વન્યાયમૂર્તિ એ.કે. ગાંગુલીએ કરેલો વેધક સવાલ વિચારણીય છે : જો બાબરી મસ્જિદ હજુ ઊભી હોત તો સર્વોચ્ચ અદાલત એને ધ્વસ્ત કરાવત? આજે એ ધ્વસ્ત થઈ છે (અને તે સારુ જવાબદાર વિચારધારાકીય વળના લોકો સત્તારૂઢ છે) ત્યારે કાયદાના શાસનનો ખયાલ છોડીને જે બન્યું એને વાજબી ઠરાવતો આ નિર્ણય નથી શું? મતલબ, ન્યાયવિધાનને બદલે બહુમતીવાદને અપાયેલો આ તો એક રુક્કો છે. ઊલટ પક્ષે, હમણાં કહ્યું તેમ, વિધાયક શરૂઆતની શક્યતા તરીકે આ ચુકાદાને જોવાનું વલણ, ઉપેન્દ્ર બક્ષી જેવી કાનૂનવિદ (અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને વરેલી) પ્રતિભાનું છે. દેખીતી રીતે જ, આ સંજોગોમાં દડો દિલ્હી દરબાર અને નાગપુર કને છે.

નવેમ્બર ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 01-02 તેમ જ 15

Loading

15 November 2019 admin
← શિક્ષણથી બેહાલી
અયોધ્યા ચુકાદા વિશે →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved