આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ ઈનામ ત્રણ અર્થશાસ્ત્રીઓ અભિજિત બેનર્જી અને તેમનાં પત્ની એસ્ટર ડફલો તથા માઈકલ ક્રેમરને અપાયું છે.
અબ્દુલ લતીફ જમીલ ૧૯૪૫થી સાઉદી એરેબિયામાં કાર્યરત એક વેપારી પેઢી છે. વાહનવ્યવહારથી માંડી રિયલ એસ્ટેટ સુધીનાં અનેક ક્ષેત્રોમાં તે વ્યાવસાયિક ધોરણે કામ કરે છે. તેના વડા મહમદ અબ્દુલ લતીફ જમીલને ઇંગ્લૅન્ડમાં મહારાણીએ ‘નાઇટહૂડ’થી નવાજ્યા છે. માત્ર વેપાર કરતી પેઢીના વડાને આવું સન્માન ન જ હોય, પરંતુ આ પેઢી માત્ર વેપાર નથી કરતી; અનેક સામાજિક ક્ષેત્રે પણ તેનું પ્રદાન છે. આ પેઢીની સહાયથી વિશ્વના અનેક દેશોમાં લગભગ ૪૦૦ અર્થશાસ્ત્રીઓ ગરીબી નિવારણ માટેના પ્રયોગો કરે છે. ગરીબી નિવારણના આ કાર્યક્રમને ‘જે-પાલ’ (જમીલ પોવર્ટી એલિવિયેશન લૅબોરેટરી) કહે છે. આ વિચારના કેન્દ્રસ્થાને અભિજિત બેનર્જી અને તેમનાં પત્ની ડફલો છે. એક અન્ય અર્થશાસ્ત્રી સાથે આ ત્રણને આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ ઇનામ મળ્યું છે.
ગરીબી નિવારણ માટેની પ્રયોગશાળા !! વિચાર અને પ્રક્રિયા બે ય નવાં છે. અર્થશાસ્ત્રના કેટલાક પ્રયોગો અને નીતિઓ તથા કાર્યપદ્ધતિઓના એકંદર સંદર્ભમાં વિચારવું ઘટે.
મૂડીવાદી વિચાર એમ કહે છે કે ગરીબી જેવા પ્રશ્ન માટે બહુ આળા થવાની જરૂર નથી. કહ્યું છે ને, ‘જિંદગી મેં જીના હૈ, તો કામ કર પ્યારે …” જે કામ કરવા માંગે તેને કામ મળી જ રહે. એન્જિનિયરે પટાવાળા કે રસોઇયા બનવામાં શરમ રાખવી ન જોઈએ ! પગાર પણ ૩૫ હોય કે ૩,૫૦૦, જે મળે તે લઈ લો. જો બધાં આવાં લચીલા વલણ ધરાવતાં થઈ જાય તો એક તરફ ઉત્પાદન અને સંપત્તિનું સર્જન થશે, તો બીજી તરફ વપરાશ અને વહેંચણી પણ હશે. સરકારના હસ્તક્ષેપની સંપૂર્ણ ગેરહાજરીમાં આપોઆપ બજારનાં પરિબળો દ્વારા સર્જાનાર આ વ્યવસ્થામાં સંપત્તિનું ઝમણ થશે અને સૌ સારાં વાનાં થશે.
પણ આવું થતું નથી. શોષણ અને અસમાનતા વ્યાપક બન્યાં છે. પરિણામે ગરીબ વધુ ગરીબ અને ધનવાનો વધુ ધનવાનો બન્યા છે. આફ્રિકા, એશિયા અને પૂર્વ યુરોપમાં પણ વ્યાપક ગરીબી છે. શિક્ષણનો અભાવ, સ્વાસ્થ્ય, સેવાઓનું અપૂરતાપણું ખાદ્યાન્નની તંગી, બજારમાંથી ખરીદવા માટેના પૈસા સહિતનાં સાધનોનો અભાવ, સામાજિક જાતિભેદ કુદરતી સંસાધનો ઉપર ધનકુબેરોનો કાબૂ વગેરે કારણોસર ગરીબી દૂર થતી નથી. સરકારો આ ગરીબી નિવારવા વાસ્તે સમગ્ર દેશ કે પ્રદેશ વાસ્તે કોઈક નીતિ ઘડતી રહે છે; તેમાં અનુભવોના આધારે સુધારા અને વધારા પણ કરતી રહે છે. ઇન્દિરા આવાસ યોજના, મનરેગા, અન્ન સુરક્ષા જેવાં પ્રત્યક્ષ પગલાં ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન, પેયજળ, ઊર્જા વગેરે જેવી અનેક યોજનાઓ ચલાવાય છે. આમ છતાં ગરીબી દૂર નથી થતી. આવું કેમ?
અભિજિત બેનર્જી પત્ની એસ્ટર ડફેલો સાથે રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ – પૂર્વનિર્ણિત ન હોય તેવાં સૂત્રો ઉપર નિયંત્રિત પ્રયોગોથી અર્થશાસ્ત્ર માટે એક નવી ઢબનો વિનિયોગ કરે છે. આ કાર્ય તે ‘જે-પાલ’ હેઠળ કરે છે.
ભારતમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની નિશાળોની જે કાયાપલટ કરી છે, તે આ જે-પાલ ઉપર આધારિત છે. આ મુદ્દા ઉપરથી સમજાશે કે યોગ્ય નીતિ અને નાણાંની સગવડ કે વહીવટી તંત્રને આધારે ચાલતી વ્યવસ્થામાં વાંચ્છિત પરિણામો હાંસલ થઈ શકતાં નથી. આથી, અભિજિત બેનર્જી, ગરીબી – નિવારણની સમગ્ર શ્રૃંખલાને નાની નાની કડીઓમાં વહેંચી નાંખે છે. આવી છૂટક છૂટક કડીઓના જુદા જુદા ટુકડા વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, સંસાધનિક ક્ષેત્રોમાં કેવી રીતે અસર નીપજાવી શકે અને તેને કઈ રીતે જોડવાથી ગરીબી નામનો રોગ દૂર કરી શકાય, તેની આ મથામણ છે. આથી જ તેમની આ પ્રવૃત્તિને રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ એક્સપરિમેન્ટ ટ્રાવલ પૂર્વનિર્ધારિત ન હોય તેવા સમૂહો ઉપરના નિયંત્રિત પ્રયોગો કહે છે. તત્ત્વતઃ આ પદ્ધતિ હેઠળ ગરીબી – નિવારણના નિયંત્રિત પ્રયોગો હાથ ધરાય છે, પણ તેની વ્યાપકતા સાબિત કરવા વાસ્તે સમૂહોની પસંદગી યદૃચ્છ રીતે કરાય છે.
અભિજિત બેનર્જી, જેની સામે વર્તમાન સરકારની નારાજગી છે, તે જે.એન.યુ.માં ભણ્યા છે અને તેમને દસેક દિવસ માટે દિલ્હીની તિહાડ જેલમાં મુકામ કરવાનો પણ લહાવો મળ્યો છે.
અભિજિત બેનર્જીનાં પાંચ પુસ્તકો પણ જાણીતા બન્યાં છે : (૧) કેન ઇન્ફર્મેશન કેમ્પેઈન સ્પાર્ક લોકલ પાર્ટિસિપેશન (૨૦૦૬), (૨) મેઇકિંગ એઈડ વર્ક (૨૦૦૭), (૩) પિટફોલ્સ ઈન પાર્ટિસિપેટરી પ્રોગ્રામ્સ (૨૦૦૮), (૪) પુઅર ઈકોનોમિક્સ (૨૦૧૧) અને (૫) ગુડ ઈકોનોમિક્સ (૨૦૧૯) જાણીતા છે. આ ઉપરાંત, ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રની તેમની કોલમ પણ જાણીતી છે.
[સંપાદક, ‘અભિદૃષ્ટિ’]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 17-18