સમાજમાં માણસ માણસ વચ્ચે વિખવાદ થતા જ હોય છે. ક્વચિત સમુદાયો વચ્ચે પણ ઝઘડા થતા હોય છે. આવું જગતભરમાં બને છે અને ભારત એમાં અપવાદ નથી. ભારતમાં સમૂહોની વિવિધતા વધુ છે એટલે આપણે ત્યાં સામુદાયિક ઝઘડાઓની શક્યતા બીજા દેશોની તુલનામાં વધારે રહે છે. આનો અર્થ એવો તો નથી કે ટંટાફસાદને સમાજનું અનિવાર્ય અંગ ગણીને તેનો સ્વીકાર કરી લેવો. શાણો સમાજ તેનો ઉકેલ શોધતો હોય છે. તો જ પ્રજા સાથે મળીને સુખેથી જીવી શકે અને જે પ્રજા સાથે મળીને સુખેથી જીવી શકે એ જ પ્રજા સુખ પામી શકે.
આના બે વિકલ્પો છે. એક વિકલ્પ છે સમાજના સમજદાર વડીલો સાથે બેસીને કોઈ રસ્તો કાઢે. આને માટે વડીલોમાં ઊચું ચારિત્ર્ય, દિલની ઉદારતા અને મનની મોકળાશ જરૂરી છે. આવા માણસો હોય તો એના બોલનું વજન પડે. તેઓ બંધછોડ કરીને ઉકેલ શોધે અને બાંધછોડ કરવા પોતપોતાના સમૂહોને સમજાવે. બાંધછોડ કરવાનું, કેટલુંક જતું કરવાનું તત્ત્વ આમાં મુખ્ય છે. વ્યાપક સમાજના હિતમાં અને દેશના હિતમાં થોડુંક જતું કરવાની અને બાંધછોડ પ્રકરવાની સદિચ્છા આમાં મુખ્ય ભાગ ભજવે છે. અંગ્રેજીમાં આને ગુડવિલ કહે છે.
પણ હંમેશાં વડીલોને આવી સ્થિતિમાં સફળતા મળે જ એવું નથી હોતું. ઘણીવાર શ્રદ્ધેય વડીલોનો જ અભાવ હોય છે જેમ આજના ભારતમાં છે. ભારતમાં શું દુનિયામાં છે. ઘણીવાર પ્રશ્ન ગૂંચવાયેલો હોય. ઘણીવાર તેની સાથે વગનું કે સત્તાનું રાજકારણ જોડાયેલું હોય. ઘણીવાર લાગણીઓ તીવ્ર હોય. ઘણીવાર પ્રશ્ન ખૂબ જૂનો વણઉકલ્યો હોય એટલે સાચાં-ખોટાં પ્રમાણો અને વાયકાઓની વણઝાર હોય. આવી સ્થિતિમાં શ્રદ્ધેય વડીલો હોય તો પણ તેઓ ઉકેલ શોધી શકતા નથી. બન્ને પક્ષો કોઈ સંજોગોમાં સમાધાન માટે રાજી ન હોય એવું પણ બને.
જો વડીલો દ્વારા સાથે બેસીને ઘરમેળે ઝઘડાનો અંત ન લાવી શકાતો હોય તો એ સ્થિતિમાં ઝઘડાનો ઉકેલ લાવવાનું કામ અદાલતોનું છે. આધુનિક રાજ્ય અસ્તિત્વમાં નહોતું આવ્યું ત્યાં સુધી રાજાઓ કે રાજા દ્વારા નિયુક્ત કાજી તેનો ઉકેલ લાવતો હતો. તેની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તે ન્યાય તોળશે. સત્ય જેના પક્ષે હોય તેનો પક્ષ લેશે. જે ભૂમિકા જૂના યુગમાં રાજા-બાદશાહ કે તેના દ્વારા નિયુક્ત કાજીની હતી એ આજના યુગમાં ન્યાયતંત્રની કે અદાલતની છે. આમાં મુખ્ય તત્ત્વ સદિચ્છા નથી, ન્યાય છે.
અદાલતે ન્યાય તોળવાનો છે. ઝઘડતા પક્ષો જતું કરવા અને બાંધછોડ કરવા તૈયાર નથી એનો અર્થ જ એ થયો કે વાદી-પ્રતિવાદી પક્ષો ન્યાય માગે છે. બને કે તેમાંનો કોઈ એક પક્ષ ન્યાય ઈચ્છે છે. તે હારી જવા તૈયાર છે, પરંતુ પોતાની ભૂમિકા ન્યાયની એરણે ચકાસવા માગે છે. વાદીને કે પ્રતિવાદીને આનો અધિકાર છે. રાજ કાયદાનું હોય કે નૈતિકતા પર આધારિત રામરાજ્ય હોય; બન્ને સ્થિતિમાં જેને ન્યાય જ જોઈએ છે અને ન્યાય કરતાં ઓછું કે વધારે કાંઈ જ નથી જોઈતું તે મેળવવા તે હકદાર છે.
હવે જો અદાલતની આ જ ફરજ હોય તો તમને લાગે છે અયોધ્યાના પ્રશ્ને સર્વોચ્ચ અદાલતે ન્યાય કર્યો છે? સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ઈ.સ. ૧૨૨૮માં બાબરી મસ્જિદ બંધાઈ ત્યારથી લઈને ઈ.સ. ૧૮૫૮ સુધી એટલે કે મસ્જિદની જગ્યા પર હિંદુઓએ દાવો કર્યો ત્યાં સુધી બાબરી મસ્જિદ પર એકલા મુસલમાનોનો જ કબજો હતો, એમ મુસલમાનો સાબિત કરી શક્યા નથી. અહીં સર્વોચ્ચ અદાલતને સવાલ થઈ શકે કે તો પછી ૧૮૫૮ પછીથી એ સ્થળ પર એકલા હિંદુઓનો જ કબજો હતો એમ છે ખરું? સર્વોચ્ચ અદાલતે પોતે જ તેના ચુકાદામાં કબૂલ કર્યું છે કે ૨૨મી અને ૨૩મી ડિસેમ્બરની રાતે બાબરી મસ્જિદમાં રામ લલ્લાની છબી ઘૂસાડવામાં આવી એના આગલા શુક્રવારે એટલે કે ૧૬મી ડિસેમ્બરે મુસલમાનોએ બાબરી મસ્જિદમાં નમાઝ પઢી હતી. આનો દેખીતો અર્થ એ થયો કે સર્વોચ્ચ અદાલત કહે છે એમ જો મુસલમાનો મસ્જિદ પર વિવાદાતીત કબજો સાબિત નથી કરી શક્યા તો હિંદુ પણ સાબિત નથી કરી શક્યા. આમ છતાં સર્વોચ્ચ અદાલતે અયોધ્યાની વિવાદિત ૨.૭૭ એકર જમીન પર હિંદુઓના દાવાને માન્ય રાખ્યો છે.
આગળ કહ્યું એમ અદાલતને સદિચ્છા સાથે સંબંધ નથી, ન્યાય સાથે સંબંધ છે અને માત્ર અને માત્ર ન્યાય સાથે સંબંધ છે. સદિચ્છા આધારિત બાંધછોડ માટે ઝઘડતા પક્ષોને સમજાવવા માટે સમાજમાં ડાહ્યા માણસો છે. અદાલતનું કામ તો માત્ર ન્યાય તોળવાનું છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે મુસલમાનોને અયોધ્યામાં કોઈ શ્રેષ્ઠ જગ્યાએ મસ્જીદ બાંધવા માટે પાંચ એકર જમીન આપવામાં આવે. શા માટે? સર્વોચ્ચ અદાલતે સદિચ્છાના ભાગરૂપે આવો આદેશ આપ્યો કે ન્યાયના ભાગરૂપે? આવાં સૂચનો તો અગાઉ અનેક લોકોએ કર્યા છે. ખુદ વિશ્વહિંદુ પરિષદે લગભગ આવી ઓફર કરી હતી. બીજા ઘણા લોકોએ આવી ઓફર કરી હતી. શ્રી શ્રી રવિશંકર અને બીજા લવાદોએ પણ આવી ઓફર કરી હતી. જો મુસલમાનો તેને માટે રાજી હોત તો મામલો અદાલતમાં ગયો જ ન હોત. જો બાંધછોડ દ્વારા ઝઘડાનો ઉકેલ આવી શકતો હોત અથવા ઉકેલ મંજૂર હોત તો આટલો લાંબો વખત તેમણે અદાલતમાં ન્યાય માટે રાહ ન જોઈ હોત. વિશ્વ હિંદુ પરિષદની માફક સર્વોચ્ચ અદાલતે મુસલમાનોને પાંચ એકર જમીન હક છોડવા માટે આપી છે.
તેઓ અદાલત પાસેથી ન્યાયની અપેક્ષા રાખતા હતા જે સર્વોચ્ચ અદાલતે તેમને આપ્યો નથી. મુસ્લિમ પક્ષકારે અદાલતને પૂછ્યું હતું કે અમારા કબજામાં એક તસુ ભૂમિ સુદ્ધાં અમારા હકની છે કે નહીં તેનો ન્યાય કરો. આજે જ્યાં બાબરી મસ્જિદ છે ત્યાં પહેલાં મંદિર હતું કે નહીં એના કોઈ પૂરાવા નથી. પુરાવા હોય તો પણ ઇતિહાસ ઉખેળવાનું કામ અદાલતનું નથી. આનો તો કોઈ અંત જ આવવાનો નથી. અયોધ્યાની પાછળ કાશી અને મથુરા છે જ. કોઈની લાગણી અને શ્રદ્ધા સાથે પણ અદાલતને કોઈ લેવાદેવા નથી. અદાલતમાં તો માત્ર ન્યાયના પડઘા પડવા જોઈએ, લાગણીઓના નહીં. સર્વોચ્ચ અદાલતે પણ આનો સ્વીકાર કર્યો છે. આમ અદાલતે વિવાદિત ભૂમિની માલિકી (ટાઈટલ) વિષે ન્યાય તોળવાનો હતો. સર્વોચ્ચ અદાલતે ટાઈટલ પરનો મુસલમાનોનો દાવો કમજોર છે એમ કહ્યું છે પણ એમ નથી કહ્યું કે હિંદુઓનો મજબૂત છે. આના કરતાં તો અલ્હાબાદની વડી અદાલતનો ચુકાદો વધારે ન્યાયી હતો. તેણે દરેક પક્ષકારના દાવાઓનો કમસેકમ સ્વીકાર તો કર્યો હતો!
સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સદિચ્છા અને ન્યાયના ભેળસેળવાળો છે. અથવા તો એમ કહી શકાય કે નથી સદિચ્છા કે નથી ન્યાય. બહુમતી રાષ્ટ્રવાદ આધારિત રાજ્ય અને તેના દ્વારા પેદા કરવામાં આવતાં દબાવો જ્યારે ન્યાયતંત્રને અભડાવવા માંડે ત્યારે સમજી લેવું જોઈએ કે કાયદાના રાજ્યનો અંત આવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે દેશની જનતાને, મુસ્લિમ વક્ફ બોર્ડને, આધુનિક ભારતીય રાજ્યને અને પોતાને એ કહેવું જોઈતું હતું કે ૧૯૪૯માં બાબરી મસ્જિદમાં મોડી રાતે રામ લલ્લાની છબી ઘૂસાડવામાં આવી હતી એ ઘટનામાં કાયદાનું ઉલ્લંઘન થયું હતું કે નહીં? એ ઘટના અતિક્રમણની ઘટના હતી કે નહીં? એ કાયદાની દૃષ્ટિએ ગુનો હતો કે નહીં?
ચુકાદો સર્વાનુમતીવાળો છે અને પાંચ જજોની બેન્ચમાં એક મુસ્લિમ જજ પણ છે એની નોંધ લેવી રહી. અંતે ન્યાયના શીર્ષાસન પછી નૈતિકતાનો પ્રશ્ન તો ઊભો જ છે.
પ્રગટ : “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2019