Opinion Magazine
Number of visits: 9448990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાચો દેશપ્રેમી એ કહેવાય જે દેશને ઓળખવાનો પ્રયાસ કરે

રમેશ ઓઝા|Opinion - Opinion|3 November 2019

રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદ પર ભાષણ આપ્યું એની શરૂઆત જ આ શબ્દોમાં કરી હતી. Our real problem is not political. It is social. This is a condition not only prevailing in India, but among all nations. અને એ પછી આગળ કહે છે, Nationalism is a great menace. It is the particular thing which for years has been at the bottom of India’s troubles. રવીન્દ્રનાથ કહે છે કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે અને આવી સ્થિતિ એકલાં ભારતમાં નથી પણ બાકીના દેશોમાં પણ છે. રાષ્ટ્રવાદ એક અભિશાપ છે અને ભારતની સમસ્યાઓનું એ કેન્દ્રવર્તી કારણ છે.

ભક્તોએ અહીં થોડી ધીર ધરવી જરૂરી છે. આ કથન નોબેલ પારિતોષિક વિજેતા કવિ રવીન્દ્રનાથ ટાગોરનું છે. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ત્રણ વ્યક્તિ થકી જગત ભારતને ઓળખતું હતું. એક સ્વામી વિવેકાનંદ, બીજા મહાત્મા ગાંધી અને ત્રીજા રવીન્દ્રનાથ. જે કાલખંડમાં બબ્બે વિશ્વયુદ્ધ થયાં અને રાષ્ટ્રો એકબીજાનાં અસ્તિત્વ મિટાવી દેવા આતુર હતાં ત્યારે ભારતમાંથી વિવેકનો અવાજ પેદા થયો હતો. એ પણ એક નહીં ત્રણ અવાજ. એ ત્રણેય અવાજ વૈશ્વિકતાના હતા. માણસ માણસની સાથે જીવતા નહીં શીખે તો મારતા તો તેને આવડે જ છે. આને માટે કશું જ શીખવાનું નથી. માનવીયતા પ્રયત્ને પ્રાપ્ત કરવાની ચીજ છે, પશુતા તો અંદર પડેલી જ છે. એ યુગમાં વિવેકીજનોએ કાન દઈને જો કોઈને સાંભળ્યા હોય તો આ ત્રણ જણને. વિવેકાનંદ ભલે સદેહે હયાત નહોતા પણ વૈશ્વિક જાગરણની ભારતીય ત્રિપુટીમાં તેઓ હયાત હતા.

આ એ સમયનું કથન છે જ્યારે ભારતે હજુ આઝાદી મેળવવાની બાકી હતી અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા રાષ્ટ્રવાદનો ખપ હતો. જેમ લોકમાન્ય તિલકને લાગ્યું હતું, જેમ અન્ય નેતાઓને લાગ્યું હતું, જેમ કંઈક અંશે ગાંધીજીને પણ લાગ્યું હતું એમ રવીન્દ્રનાથને પણ લાગવું જોઈતું હતું કે પ્રજાકીય જાગરણ માટે રાષ્ટ્રીય ચેતના જરૂરી છે અને તેને માટે રાષ્ટ્રવાદ સશક્ત  માધ્યમ બની શકે એમ છે. મેધામાં રવીન્દ્રનાથ, વિવેકાનંદ અને ગાંધીથી ચડે એમ હતા અને તેમની દેશભક્તિ બીજા કોઈ પણ કરતાં ઓછી નહોતી. રવીન્દ્રનાથે દેશને બેઠો કરી દેનારા ગાંધીજીની પીઠ થપથપાવવી જોઈતી હતી અને એની જગ્યાએ કાન આમળે છે. એ બે મહાનુભાવો વચ્ચે સંબંધ કેટલો હાર્દિક હતો અને જીવનપર્યંત રહ્યો હતો તેની વિગતો આપવાની અહીં જરૂર નથી.

આ એ સમયનું કથન છે જ્યારે રૉલેટ ઍક્ટ તરીકે ઓળખાતો કાળો કાયદો ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેનો વિરોધ કરી રહેલા નિ:શસ્ત્ર લોકો પર અમૃતસરમાં જાલિયાંવાલા બાગમાં નિર્મમ ગોળીબાર કરીને ૩૭૯ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી અને દેશ બેઠો થઈ ગયો હતો. ભારતમાં હવે વધારે સમય રાજ કરવું શક્ય નથી એવું અંગ્રેજોને લાગવા માંડ્યું હતું, તે ત્યાં સુધી કે ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ લંડનમાં આમની સભામાં બ્રિટિશ વડા પ્રધાને નિવેદન કરીને બ્રિટિશ પ્રજાને સધિયારો આપવો પડ્યો હતો કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સલામત છે અને રહેશે.

તો પછી ઘરણ ટાણે સાપ કાઢવાની રવીન્દ્રનાથને શી જરૂર પડી? ખરા ટાણે અપશુકન કરવાનું તેમને કોણે કહ્યું હતું? શા માટે રંગમાં ભંગ પાડવા તેઓ બહાર આવ્યા? કદાચ દેશદ્રોહી હશે નહીં? ભક્તો ખિસ્સામાંથી લેબલ કાઢવાની પેરવી કરતા હોય તો જરા થોભી જાય. આ એ માણસ છે જેણે જાલિયાંવાલા બાગની ઘટના પછી તેમને આપવામાં આવેલો સરકારી ઈલ્કાબ પાછો આપી દીધો હતો. આ એ માણસ છે જે તેમના વિચારોને કારણે તેઓ તેમના પોતાના શાંતિનિકેતન પરિવારમાં લઘુમતીમાં મૂકાઈ ગયા હતા. તેમના સગા મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથનો વિરોધ કરીને ગાંધીજીને ટેકો આપતા હતા. આમ છતાં ય રવીન્દ્રનાથ પોતાની વાત પર કાયમ રહ્યા હતા. તો શા માટે ખરા ટાણે તેમણે ચેતવણીનો ઘંટ વગાડ્યો? કારણ કે તેઓ આર્ષદૃષ્ટા કવિ હતા અને કવિનો એ ધર્મ હતો.

હવે પ્રારંભમાં જે રવીન્દ્રનાથનું અવતરણ ટાંકવામાં આવ્યું છે એ ફરી વાંચો. એ કવિની પોચટ વાણી નથી. એ એક દૃષ્ટાનું કથન છે અને એવા સમયનું કથન છે જ્યારે દેશને અને દુનિયાને એની જરૂર હતી. ઈતિહાસમાં ક્યારે ય નહોતી એટલી જરૂર હતી. ચેતવણીનો ઘંટ એ વગાડી શકે જે કાન ફાડી નાખતા અવાજોની વચ્ચે નોખો અવાજ કાઢવા જેટલી પ્રામાણિકતા અને હિંમત ધરાવતા હોય. આની પાછળનું પરમ તત્ત્વ કારુણ્ય છે. જાતવફાઈ છે. આ બાબતે રવીન્દ્રનાથ ગાંધીજીથી એક તસુ પણ પાછળ નહોતા. ભક્તોએ કરાવવામાં આવી રહેલા ઘંટારવની વચ્ચે નોખા અવાજને સાંભળવાની ટેવ પાડવી જોઈએ જો ઘેટાંમાં ન ખપવું હોય તો!

રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદને અભિશાપ તરીકે ઓળખાવે છે. માત્ર ભારત માટે નહીં, આખા જગત માટે; પણ ભારત માટે વિશેષ. ભારત માટે વિશેષ એટલા માટે કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે. આમ તો આખા જગતની મુખ્ય સમસ્યા સામાજિક જ હોય છે, પણ ભારતની સમસ્યા સામાજિક વિશેષ છે. રવીન્દ્રનાથે આમ કેમ કહ્યું? કયા અર્થમાં સામાજિક છે? સામાજિક અને રાજકીયમાં શો ફેર? આ વિષે સાંગોપાંગ વિચારો. ભારતના સામાજિક સ્વરૂપ વિષે વિચારશો તો જવાબ મળી રહેશે. સાચો દેશપ્રેમી એ કહેવાય જે દેશને ઓળખવાનો પ્રયાસ કરે. બાકી સમજ્યા વિચાર્યા વિના કોઈની જાનમાં નાચવા લાગે તેને જાનૈયા કહેવાય.

એક સપ્તાહ તમારી પાસે છે. એ દરમ્યાન તમે ઈચ્છો તો રવીન્દ્રનાથના રાષ્ટ્રવાદ વિશેના ત્રણ પ્રવચનોનો ડૉ. ત્રિદીપ સુહ્રદે ગુજરાતીમાં કરેલો અનુવાદ જોઈ જઈ શકો છો. નવજીવન પ્રકાશન મંદિરે તેનું પ્રકાશન કર્યું છે. એમાં પશ્ચિમનો રાષ્ટ્રવાદ અને જપાનના રાષ્ટ્રવાદ એમ બે નિબંધો વધુ વાંચવા મળશે. નાનકડું પુસ્તક છે એટલે એક અઠવાડિયામાં વાંચી જઈ શકશો. જો અંગ્રેજી વાંચતા હો તો એસ. ઈરફાન હબીબ દ્વારા સંપાદિત ‘ઈન્ડિયન્સ નેશનાલિઝમ’ પુસ્તક પણ જોઈ શકો છો. એમાં મહાદેવ ગોવિંદ રાનડે, સુરેન્દ્રનાથ બેનર્જી, બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય, બિપીન ચન્દ્ર પાલ, શ્રી અરવિંદો, મૌલાના હુસેન અહમદ મદની, અલ્લામા ઇકબાલ, સરોજિની નાયડુ, પ્રફુલ્લ ચન્દ્ર રાય, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, ડૉ. બી.આર. આંબેડકર, સી. રાજગોપાલાચારી, સુભાષ ચન્દ્ર બોઝ, ભગત સિંહ, માનવેન્દ્રનાથ રોય, મૌલાના અબુલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન, ખ્વાજા અહમદ અબ્બાસ, જયપ્રકાશ નારાયણ અને રવીન્દ્રનાથ ટાગોરનો ઉપરનો નિબંધ એમ કુલ ૨૩ મહાનુભાવોના રાષ્ટ્રવાદ વિશેના વિચારો એક જ સ્થળે મળી રહેશે.

હું અપેક્ષા રાખું છું કે આ બધા લોકોને તમે તમારા કરતાં વધુ નહીં તો પણ તમારા જેટલા બુદ્ધિશાળી અને દેશપ્રેમી તો માનતા જ હશો. પછી તો ભગવાન જાણે! આ શૂરવીરોનો યુગ છે એટલે કાંઈ કહી ન શકાય. આ પુસ્તક વાંચશો તો અલગ અલગ વિચારધારા અને વલણના લોકો રાષ્ટ્રવાદ વિષે શું વિચારે છે એની જાણ થશે. આમાંના કેટલાક એકબીજાની સામે બાખડ્યા પણ હતા.

આ ૨૩ મહાનુભાવોનાં તારામંડળ(ગૅલેક્સી)ને એકંદરે રાષ્ટ્રવાદ વિષે અને મુખ્યત્વે ભારતીય રાષ્ટ્રવાદ વિષે શું કહેવાનું છે એ જોઈ લીધા પછી તમે મેઝિની, બેનિટો મુસ્સોલિની, એડોલ્ફ હિટલર, વિનાયક દામોદર સાવરકર અને એમ.એસ. ગોલવલકરને ખુશીથી વાંચી શકો છો. આનાથી પોતાની સગી બુદ્ધિએ નીરક્ષીર વિવેક કરવાનો મોકો મળશે. આંખ ઊઘડે એ કાંઈ ખોટનો સોદો તો નથી જ!

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 નવેમ્બર 2019

Loading

3 November 2019 admin
← આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે?
હું ગૃહિણી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved