Opinion Magazine
Number of visits: 9448090
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યાત્રા મોહનથી મનમોહન સુધીની …….

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|2 October 2013

આજે મહાત્મા ગાંધીની ૧૪૪મી જન્મજયંતી ઉજવાઈ. યુનાઈટેડ નેશન્સે ૨૦૦૭માં તારીખ બીજી ઓક્ટોબરને ‘વિશ્વ શાંતિ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત દિલ્હીમાં ભરાયેલ ‘વિશ્વ શાંતિ પરિષદ’માં કરેલી. હવે અહીં વક્રતા કેવી છે તે જુઓ. દિલ્હીમાં ‘વિશ્વ શાંતિ પરિષદ’ ભરાઈ અને દિલ્હી, અરે, સમગ્ર ભારતમાં આંતરિક શાંતિ સ્થાપવા માટે શાં પગલાં ભરાયાં છે અને કેટલી સફળતા મળી છે એ પૂછવાનું સાહસ પણ કરાય તેમ નથી. તેવું જ પોતે શાંતિ સ્થાપક સંગઠન છે તેવું જાહેર કરનાર યુ.એન. દુનિયામાં ક્યાં ય પણ સંઘર્ષ થાય તો ત્યાં ‘Peace keeping force’ તરીકે સશસ્ત્ર દળો અને ટેંક મોકલે છે! ખેર આજને દિવસે ભારતમાં ફરી પાછા વડાપ્રધાનશ્રી તેમના અન્ય મંત્રીઓ સાથે રાજઘાટ પર સૂતરની આંટી ચડાવશે, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ એ ભજન ગવાશે અને ગાંધીજીએ ભારતની જનતા પર કરેલા ઉપકારોની યાદી ગણાવીને સહુ સત્કર્મ કર્યાની ભાવનાથી છુટ્ટા પડશે.

લગભગ દોઢસો એક વર્ષના ગાળામાં ભારત વર્ષે વિદેશી શાસનથી મુક્તિ મેળવી, લોકશાહીની જડ ઊંડી જમાવી અને દુનિયાના ધનાઢ્ય દેશોની હરોળમાં ઊભા રહેવાનું બહુમાન મેળવ્યું. આ જેવી તેવી સિદ્ધિ નથી જ. તેમાં ય ૧૯૯૦ના દાયકા પછી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે બધા આગળા ખોલી નાખીને સારા ય વિશ્વની કંપનીઓને દેશમાં થાણાં નાખવા આમંત્રણ આપ્યું અને જાણે જાદુ થયું. બસ ત્યારથી મધ્યમ વર્ગની સમૃદ્ધિ અને માલેતુજાર ઉદ્યોગપતિઓ અને વેપારીઓના વૈભવમાં કૂદકે ને ભૂસકે વધારો થયો એટલે દેશ તો જાણે મા લક્ષ્મીની કૃપા વરસી પડવાથી આનંદના હિલ્લોળે ચડ્યો છે.

ગાંધી જયંતી નિમિત્તે મોહનદાસ કરમચંદ ગાંધીથી માંડીને મનમોહનસિંહ સુધીના સમયની યાત્રા પર વિશ્લેષ્ણ કરવા ધારું છું. અહીં કોઈ એક વ્યક્તિને સંપૂર્ણ યશ કે દોષ આપવાનો હેતુ હરગીઝ નથી, માત્ર એ સમય ગાળા દરમ્યાન સમગ્ર દેશની રાજકીય, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સફરની દશા અને દિશા તપાસવાનો નમ્ર પ્રયાસ છે. ગાંધીજીનું જીવન અને કર્મ એટલે તેમણે આપેલા અગિયાર વ્રતોનું સાક્ષાત્ ઘનીભૂત સ્વરૂપ. એ એક એક વ્રતને લઈને મોહનથી મનમોહન સુધીના યુગમાં આપણે તેનું કેટલે અંશે પાલન કર્યું એ જોઈશું.

અહિંસા : એક સમયે મો.ક. ગાંધીએ કહેલું, ‘It is my unshakable belief that India’s destiny is to deliver a message of non-violence to mankind.’ ક્યાં બ્રિટિશ સલ્તનતના બબ્બે સદીના શાસનમાંથી મુક્તિ મેળવવા લાખો અને કરોડો નિહ્થ્થી પ્રજાને અહિંસાનું અમોઘ હથિયાર આપીને સજ્જ કરનાર સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનોની ભગવાન શ્રીકૃષ્ણ, બુદ્ધ અને મહાવીરના સંદેશ પરની શ્રદ્ધા અને ક્યાં આજે પાકિસ્તાન અને ચીન સાથેના સરહદો પરના સંઘર્ષનો અહિંસક ઉકેલ બતાવવાને બદલે એ બે દેશોના કુલ શસ્ત્રો કરતાં ય વધુ ઘાતક અને વધુ સંખ્યામાં અણુશાસ્ત્રો બનાવીને ‘શાંતિ પ્રિય સંસ્કૃિત ધરાવનાર દેશ’નું બિરુદ ગુમાવનાર આપણી સરકાર? જવાહરલાલ નહેરુએ દુનિયા સમક્ષ ‘પંચશીલ’નો સિદ્ધાંત આપ્યો તો આજની નેતાગીરીએ શી ભેટ ધરી આ લડતી-ઝઘડતી દુનિયાને? તે ઉપરાંત જ્ઞાતિઓ અને જાતિઓ વચ્ચે આચરવામાં આવતી હિંસા, મોટા ઉદ્યોપતિઓ અને વેપારીઓની શોષણખોર  નીતિમાં છુપાયેલી પ્રછન્ન હિંસાનો તો કોઈ હિસાબ નથી.

સત્ય : ઇ.સ. ૧૯૧૫થી શરુ કરીને ત્રણ ત્રણ દાયકા સુધી વ્યક્તિગત અને રોજીંદા જીવનથી માંડીને રાજકીય કારભારમાં સત્યમય આચરણના મૂલ્યને પુનર્જીવિત કરનારા યુગપુરુષને આપણે તો જલદી વિસરી ગયાં. આજનો ભારતીય નાગરિક ‘સત્ય’ એટલે શું એમ પૂછે તો નવાઈ નહીં. આજે હવે સરસ્વતીની પૂજા થાય એ વિદ્યામંદિરોમાં, જ્યાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય છે તે પૂજા ગૃહોમાં, જીવન જરૂરિયાતો પૂરી પાડવાના ઉદ્દેશથી માંડેલા વેપાર-વાણીજ્ય ક્ષેત્રે, પ્રજાની શારીરિક-માનસિક દુરસ્તીનો ખ્યાલ રાખનાર વૈદકીય સારવારના વ્યવસાયમાં, નાગરિકોની સેવા અર્થે અસ્તિત્વમાં આવેલ રાજકારણમાં, કાયદાનું રક્ષણ કરવાને વાસ્તે ઊભી કરેલ પોલિસ સેવામાં, અરે ન્યાય મંદિરોમાં પણ ડગલે ને પગલે અસત્યાચરણ એટલું પ્રસરી ગયું છે કે તેના પરિણામ સ્વરૂપ વ્યાપેલ ભ્રષ્ટાચાર એ જાણે ભારતની ઓળખ બની ગઈ છે અને ભ્રષ્ટાચારી વર્તન સમાજ અને રાજકારણમાં સર્વ માન્ય ધોરણ બની ગયું છે. ‘सत्यमेव जयते’ સૂત્રની બાજુમાં મહાત્મા ગાંધીનો ફોટો રાખવાને આપણે લાયક નથી રહ્યા.   

અસ્તેય : મો.ક. ગાંધીએ દેશના ગરીબમાં ગરીબ માણસને પોસાય તેનાથી વધુ રોટી, કપડાં કે મકાનની માલિકી હોવી તે બીજાના ધનની ચોરી કર્યા સમાન છે એમ સમજાવીને નૈતિક મૂલ્યો ગુમાવી બેઠેલી પ્રજાને સત્યની સાથે અસ્તેયનો અજોડ સંબંધ સમજાવીને મજબૂત ચારિત્ર્યવાળી બનાવી ત્યારે આપણે સ્વતંત્રતાને લાયક બન્યાં. જ્યારે આજે હવે લોકો ‘મારો ધંધો ચોરી કરવાનો નથી માટે હું ચોર નથી એટલે અસ્તેય વ્રત પાળું છું’ એવી સમજણ ધરાવે છે, પરંતુ કામ ચોરી, સમયની ચોરી શ્રમની ચોરી અને બીજાની સંપત્તિ તથા અધિકારોની સીધી કે આડકતરી ચોરી કરનારા સહુ એક યા બીજા સ્વરૂપમાં ‘ચોર’ છે એ સ્વીકારીએ તો આપણામાંથી ભાગ્યે જ કોઈ આ વ્રત પાળનારની યાદીમાં આવી શકે. અસ્તેયને સત્ય સાથે અતૂટ નાતો એટલે એ બંનેના ભંગથી આજે લાંચ-રુશ્વત અને અસમાનતા અત્ર તત્ર સર્વત્ર ઘર કરી ગઈ છે.  

બ્રહ્મચર્ય : વિશુદ્ધ જીવનના પાયા રૂપ બ્રહ્મચર્યના પાલનની અનિવાર્યતા વીર અને બુદ્ધિમાન પ્રજા માટે કેટલી છે એ ભારપૂર્વક સમજાવીને ગાંધીજીએ પારિવારિક તેમ જ સામાજિક જીવનને ઊંચી ભૂમિકા પર મૂકી આપેલી. આજે પોતાની જાતને ‘આધુનિક’ કહેવડાવતી ભારતની મોટા ભાગની પ્રજા આ શબ્દનો સાચો અર્થ પણ જાણતી નથી. આધુનિકરણ અને પશ્ચિમી જીવન પદ્ધતિનું આંધળું અનુકરણ કરવાની દોડમાં ગ્રામ્ય અને શહેરી સમાજ વધુ ને વધુ અસંયમી તથા વ્યભિચારી જીવન તરફ ઘસડાતો જાય છે. ભારતીય સંસ્કૃિતનું આટલું ધોવાણ સહુથી વધુ આ વ્રતના પાલનના અભાવમાંથી જન્મે છે.

અસંગ્રહ : ગાંધીના પુરોગામી અને અનુગામી સમાજ સુધારકો અને આઝાદીના લડવૈયાઓ અત્યંત સાદગીભર્યું જીવન જીવ્યા, ખરા અર્થમાં અકિંચન સાધુ બનીને સાચા પથ પ્રદર્શક બન્યા. મોહને કહેલું, ‘આ દુનિયામાં તમામ માનવની જરૂરિયાત પૂરી થાય એટલી સંપત્તિ છે પણ એક માણસનો લોભ પોષાય તેટલું ધન નથી.’ આજે ‘અસંગ્રહ’ શબ્દ અને તેની વ્યાખ્યા હવે આપણા શબ્દકોશમાંથી અદ્રશ્ય થવા બેઠા છે. ખપ પૂરતું પેદા કરી, પાસેની માલ-મિલકતનો વ્યય કર્યા વિના સમજણપૂર્વક ઉપયોગ કરનારી અને પછેડી પ્રમાણે સોડ તાણનારી માનવ જાત મન મોહનના પડાવ સુધી આવતાં આવતાં ‘લાવ-લાવ, ખાઉં-ખાઉં અને તારાથી હું સવાયો ધનિક’ એવી વિચારધારા ધરાવનારો ગીધ વૃત્તિનો થઈ ગયો છે. સંઘરાખોરી પાછળ ઉપલા બધા વ્રતોની અવગણના કારણભૂત છે.  

શરીર શ્રમ : What the two hands of the labourer could achieve, the capitalist could never get with all his gold and silver. આ સિદ્ધાંતને મોહને આચારમાં મૂકીને શ્રમ અને શ્રમિકો માટેનો આદર ઉજાગર કર્યો. તેમણે ભગવાન શ્રીકૃષ્ણની માફક નાનામાં નાના કામને પ્રતિષ્ઠા અપાવી જેથી એ કરનારનું સ્થાન પણ ઊંચું આવ્યું. આજે તેનાથી તદ્દન વિરુદ્ધ શ્રમવિહીન સમાજ રચના સર્જાઈ રહી છે. શરીર અને બુદ્ધિના પ્રમાદને કારણે માનવીય મૂલ્યોનો ઝડપથી હ્રાસ થવા લાગ્યો છે અને જીવનને આનુંશન્ગિક ન હોય તેવા વ્યવસાયો અસ્તિત્વમાં આવવા લાગ્યા છે. બાહુબળ અને ચારિત્ર્ય બળના અભાવવાળો માનવ સમુદાય અનેક પ્રકારના ગુનાઓ કરતો થયો છે.

અસ્વાદ : તન અને મનથી દુરસ્ત હોય તેવી પ્રજા જ સ્વ-રાજ્ય મેળવવાને સક્ષમ છે એવી મક્કમ માન્યતા ધરાવતા હોવાથી મોહન નંબર એકે લોકોને શરીરને ટકાવવા અને સ્વસ્થ રાખવા અસ્વાદ વ્રત કેળવી પૌષ્ટિક અને જરૂર પૂરતો જ ખોરાક લેવા સમજાવેલા. મનમોહનના રાજ સુધી પહોંચતાં ખાવા માટે જીવવાનો મંત્ર પ્રચલિત બન્યો અને સ્વાદ વ્રતની ઓળખ પણ ન રહી. શરીરશ્રમનો ત્યાગ કરી, સંઘરાખોરીને સહજ ગણીને આજની પેઢી પોતાના માવિત્રો કરતાં ટૂંકું અને માંદલું જીવન જીવવાની પેરવી કરતી થઈ છે.

સર્વત્ર ભય વર્જનમ્ : બાળપણમાં અંધારાથી ડરનાર મોહન અન્યાયી કાયદાઓ, દમનકારી કોરાડાઓ, જેલવાસ કે ક્રોધે ભરાયેલ ટોળાના આક્રમણથી ડર્યા નહીં અને વિશ્વની સૌથી શક્તિશાળી સત્તાના સૂત્રધારોની આંખમાં આંખ પરોવીને ‘ભારત છોડો’ કહી શક્યા. તે પછીની આ છ દાયકાની મનમોહન સુધીની સફર દરમ્યાન સામાન્ય પ્રજાજનો, નેતાઓ, વેપારીઓ, રાજ્યકર્તાઓ અને સાધુ-સંતો સહુ એકબીજાથી ડરે છે અને ડરાવે છે. સર્વત્ર ભયભર્યું વાતાવરણ સર્જાયું અને તેને પરિણામે શસ્ત્રોનો ખડકલો થયો, આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો વધ્યા. આતંકવાદે માઝા મૂકી તે પણ આ ભયભીત પ્રજા અને રાજાના પ્રભાવે.

સર્વે ધર્મે સમાનત્વ : Gandhi, ‘No two leaves are alike, and yet there is no antagonism between them or between the branches they grow on.’ તો પછી બે ધર્મો અને નાના-મોટા વાડાઓ વચ્ચે વિવિધતા હોય પણ વિસંવાદ અને વિભાજન શા માટે એમ વિચારનારા ગાંધી બાપુએ દુનિયાના તમામ મુખ્ય ધાર્મિક પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરીને ધર્મગુરુઓના સંદેશાઓ પચાવ્યા એટલું જ નહીં, દરેક ધર્મના સામાન્ય લોકો વચ્ચે જઈને તેમના જેવું જીવન જીવ્યા અને એથી જ ધાર્મિક સંગતીનું સંગીત મોહનની જીવન વીણામાંથી ઉપજ્યું. રાષ્ટ્રપિતાની આ દેણગીને બેંકમાં મૂકી હોત તો અત્યારે તેના વ્યાજમાંથી દેશમાંના દરેક ધર્મના નાગરિકોને એકત્વનું બોનસ આપી શક્યા હોત અને પાડોશી દેશોને અમનની ભેટ ધરી શક્યા હોત. તેને બદલે ધર્મો વચ્ચે વૈમનસ્યની ખાઈ ઊંડી થતી ગઈ, આતંકવાદ વધતો ગયો, હિંસા બેકાબૂ બનતી ગઈ. મોહન નામમાં આગળ ‘મન’ ઉમેરાય તો આ પરિણામ આવે? લાગે છે આપણે દુનિયાના અન્ય દેશોની શસ્ત્ર દોડની ઘેલછા પાછળ વિના વિચાર્યે ઢસડાઈએ છીએ.

સ્વદેશી : આઝાદીની લડતમાં સ્વદેશીની ચળવળનો સમાવેશ કરવાનો ગાંધીજીનો વિચાર તદ્દન મૌલિક હતો. કોઈ દેશે પોતાની સ્વતંત્રતા માટેની લડાઈ ચાલતી હોય ત્યારે પોતાની પ્રજાને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ સેવ્યાનું ઇતિહાસમાં ક્યાં ય નોંધાયું નથી કેમ કે તેને રાજકીય સ્વતંત્રતા સાથે કોઈ લેવા દેવા નથી હોતી. ભારતનો મુક્તિ સંગ્રામ અનોખો હતો. નિ:શસ્ત્ર લડાઈ હોવાને કારણે વિદેશી સત્તાની તમામ સરકારી સંસ્થાઓ, નોકરી અને વિદેશી પેદાશનો બહિષ્કાર કરીને તેમના પાયામાં લૂણો લગાડવાનો હેતુ હતો તેથી સ્વદેશી કાપડ, શિક્ષણ સંસ્થાઓ અને અન્ય તમામ વસ્તુઓ પેદા કરવી અને વાપરવી એ સ્વાતંત્ર્ય સંગ્રામનું એક સબળ હથિયાર બની ગયું. પરંતુ ગાંધીજીએ આ વ્રત માત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હોય એ સમય પૂરતું જ પાળવા માટે નહોતું કહ્યું. એમણે તો ‘act local and think global’ એટલે કે સેવા સ્થાનિક લોકોની કરો અને હિત વિશ્વનું હૈયે ધરો એમ કહેલું. આપણે તો આ વ્રતને જાણે ૧૬મી ઓગસ્ટ ૧૯૪૭થી જ દેશવટો આપી દીધો. આધુનિક ભારતમાં ‘જે ઉગાડે છે તે એ વસ્તુ ખાતો નથી અને જે ખાય છે તે એ વસ્તુ ઉગાડતો નથી.’ એવો ઘાટ થયો છે.  

સ્પર્શ ભાવના : હિંદુ ધર્મના મજબૂત ઉજ્જવળ પોત પર અસ્પૃશ્તા એક કાળો ડાઘ છે. તેને નાબૂદ કરવા અનેક અવતારી પુરુષો, સંતો અને સમાજસુધારકોએ ભરપૂર કોશિશ કરી. ગાંધીજી આ મુદ્દાને અત્યંત મહત્ત્વ આપીને એ દિશામાં પ્રગતિ થાય પછી જ રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્યની દિશામાં આગળ વધ્યા. મોહનથી મનમોહન સુધીના મારગમાં જાણે આપણે તો એ દિશામાં ડગ ભરેલા હતા એ ભૂલી જ ગયાં. જ્ઞાતિવાદનો સડો કદાચ ઓગણીસ કે વીસમી સદીમાં હતો તેવો કે તેનાથી ય વધુ વકરેલો જોવા મળે છે. દુ:ખદ હકીકત એ છે કે આ કલંકને દૂર કરવા માટે આઝાદી પહેલાં હતી તેવી કોઈ સામાજિક કે રાજકીય ચળવળ જોવામાં આવતી નથી. પછાત જ્ઞાતિ,     જાતિ અને લઘુમતી ધર્મના સભ્યો જાણે ભારતવર્ષના નાગરિકો ગણાતા નથી.

ખરેખર શાંતિના મસીહા મોહન ‘વસુધૈવ કુટુમ્બકમ્’નો સંદેશ આપી ગયા, જ્યારે વૈશ્વીકરણના તરફદાર મનમોહને વૈશ્વિક બજારની હાટડી પર આપણને મૂકી દીધા એમ અનુભવાય છે. જો મોહન ચિંધ્યા માર્ગે ચાલવાથી કાંઈ ફાયદો થવાનો નહોતો એમ જ આપણને ભાસ્યું હતું તો આજે કેમ ધીમે રહીને આ હિંસક અને અંધાધૂંધી ભરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા અસહકાર, અન્યાયી કાયદાઓનો સવિનય ભંગ, કુરિવાજો અને લાંચ-રુશ્વત સામે લોક જાગૃતિનો પયગામ જેવાં પગલાં ભરવા માંડ્યા છીએ? ભારતીય પ્રજા ગાંધી ચિંધ્યા રાહે ચાલી ન શકે તેવી નિર્માલ્ય નથી, તેણે જાણી જોઇને અવળી દિશામાં પગરણ માંડ્યાં. હજુ પણ એ આર્ષદ્રષ્ટાનું નામ લીધા વિના તેના વિચારો સમજીને તેનું શક્ય તેટલું અનુસરણ કરવાથી અને માત્ર તેમ કરવાથી જ સર્વ વિનાશની ગર્તામાંથી પોતાની અને સમગ્ર માનવ જાતને ઉગારી શકાશે એવી આજના પુણ્ય દિને શ્રદ્ધા છે.

e.mail : 71abuch@gmail.com

Loading

2 October 2013 admin
← આનો કોઈ ઈલાજ
બળવંત નાયકનો સ્મૃિત – ઓચ્છવ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved