ગયા નાણાકીય વર્ષમાં, દેશની જનતાએ ૨૭,૩૨,૯૦૩ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં કર કે બીજાં સ્વરૂપમાં જમા કરાવ્યા હતા, જેને સરકારની મહેસૂલી આવક કહેવામાં આવે છે. આની સામે એટલી જ રકમ અને કદાચ એનાં કરતાં ઘણી મોટી રકમ છેલ્લાં દસ વરસમાં દસથી પંદર હજાર લોકો બેંકોમાંથી મારી ગયા છે. સરકારને થયેલી મહેસૂલી આવક સિવાયના બાકીના આંકડા હું અહીં આપી શકવાની સ્થિતિમાં એટલા માટે નથી કે સરકાર એને છૂપાવે છે. દાખલા તરીકે સ્ટ્રેસ્ડ એસેટની સરખી વ્યાખ્યા કરવામાં આવતી નથી, અને બેંકો તેને છૂપાવી ન શકે એવી જોગવાઈ કરવામાં આવતી નથી, એટલે આનો કોઈ તાળો જ મળી શકે એમ નથી. તમે જે કોઈ કલ્પના કરો એ ખોટી ઠરાવી શકાય છે.
બીજું, બેંકોના પૈસા કોણ મારી ગયા અથવા તો તેઓ ઉચાપત કરી ગયા કે પછી પ્રતિકૂળ આર્થિક સ્થિતિના શિકાર બની ગયા એ પણ આપણે જાણતા નથી. જો રઘુરામ રાજન રીઝર્વ બેન્કના ગવર્નરપદે રહ્યા હોત, તો આની પૂરી વિગતો હાથ લાગી શકે એમ હતી, પરંતુ એ વિગતો બહાર ન આવે એટલા માટે તેમની મુદ્દત વધારવામાં નહોતી આવી. જો રાજન રહ્યા હોત તો આપણને ખબર પડત કે દેશની વાર્ષિક મહેસૂલી આવકની સામે કેટલા રૂપિયા છેલ્લાં દસ વરસમાં ડૂબ્યા છે?
એમ લાગે છે કે એ રકમ ઘણી મોટી હોવી જોઈએ એટલે તો રાજને જવું પડ્યું હતું. રાજન હોત તો કેટલા રૂપિયા લૂંટાઈ ગયા અને કેટલા રૂપિયા આર્થિક સંકટના કારણે સલવાઈ ગયા તેની પણ જાણ થાત. રાજન હોત તો લૂંટનારા કે આર્થિક સંકટનો શિકાર બનેલાઓનાં નામ પણ બહાર આવ્યા હોત અને જો રાજન હોત તો બેંકોએ રીઝર્વ બેન્કના આદેશ હેઠળ કેટલાક સુધારા કરવા પડ્યા હોત. આનું કારણ એ નથી કે રાજન દેવદૂત હતા, પણ એનું કારણ એ છે કે રાજન એ કામે લાગ્યા હતા અને તેમણે તે કહ્યું પણ હતું. વર્ષોથી છૂપાવવામાં ઉકરડો તેમણે ફેંદવાનું અને સાફ કરવાનું શરૂ કર્યું હતું.
દેશની સવા અબજ પ્રજાએ સરકારી તિજોરીમાં જેટલા પૈસા જમા કરાવ્યા તેનાથી ઘણી મોટી રકમ માત્ર ૧૫ હજાર માણસો હજમ કરી જાય એ ગંભીર ઘટના કહેવાય કે નહીં? આ પંદર હજાર માણસો દેશની તિજોરીની બરાબરની રકમ મારી જવા જેટલી હિંમત શેને કારણે કરી શક્યા? કઈ તાકાત તેઓ ધરાવે છે?
આના ઉત્તર બે જ હોઈ શકે. એક તો એ કે જે લોકો દંડવાની સત્તા ધરાવે છે તે લોકો ભાઈબંધ છે, ભાગીદાર છે અને ખરીદી શકાય એવા છે. આને કારણે એ લોકો દંડવાની સત્તાનો ઉપયોગ નથી કરતા, પણ ફાયદો કરાવી આપવાની સત્તાનો ઉપયોગ અચૂક કરે છે. તેઓ ઉપર કહ્યા એવા પંદર હજાર લોકો સાથે લાભના ભાગીદાર છે અને દંડવાની સત્તાનો ઉપયોગ તિજોરી ભરી આપનારા સામાન્ય માણસ પર કરે છે કે જેથી લોકોને લાગે કે શાસન નામની કોઈ ચીજ છે. બીજો ઉત્તર એ હોઈ શકે કે જે લોકો સત્તા ધરાવે છે એ માત્ર સત્તાની ખુરશીમાં બેઠા છે, પણ વાસ્તવમાં તેઓ કોઈ સત્તા ધરાવતા જ નથી. તેમનાં દાંત અને નહોર ઘસાઈ ગયેલા બુઠ્ઠા છે. તેઓ ધારે તો પણ ખાસ કાંઈ બગાડી શકે એમ નથી તેની તેમને ખાતરી છે.
આ બન્ને ઉત્તર સાચા છે અને એક સાથે બન્ને ઉત્તર લાગુ પડે છે. શાસકો શાસનનો પસંદ કરેલા લોકોને લાભ અપાવવા માટે દુરુપયોગ કરે છે. તેમના પૈસા થકી સત્તા સુધી પહોંચી શકાય છે એટલે તેમની સાથે ભાગીદારીની સમજૂતી વિકસી છે. શાસકોએ શાસન કરવાનું અને શાસનના સાધનોને વાપરવાનું બંધ કરી દીધું છે એટલે શાસનના ઓજારો કટાઈ ગયાં છે. કાયદો જો ઈમાનદારીથી વાપરવામાં આવે તો એમાંની ઊણપનો ખ્યાલ આવે, પણ જો વાપરવામાં જ ન આવે અથવા ઊણપને જાણીબૂજીને રહેવા દેવામાં આવે તો શું થાય? જો એમ ન હોય તો ૨૦૧૦ પછીથી ભેગી થવા લાગેલી એન.પી.એ. ૨૦૧૯ સુધી છુપાવી શકાય? જો એમ ન હોય તો દેશની તિજોરીમાંની રકમ જેટલી રકમ પંદર હજાર લોકો લઈ જાય અને તેમનો વાળ પણ વાંકો ન થાય એવું બને? આવું બની શકે જો કાયદો કમજોર હોય અને શાસક આંગળિયાત હોય અને ભારતમાં આજે આવી સ્થિતિ છે.
બીજી વાત. અંદાજે જે ત્રીસ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે એ જાણીબૂજીને ડૂબાડવામાં આવ્યા છે કે પછી વિપરીત આર્થિક સ્થિતિનું પરિણામ છે? કેટલી રકમની ઉચાપત કરવામાં આવી છે અને કેટલી આર્થિક સંકટનો શિકાર બની છે? આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. શાસકો એ જાણવા પણ નથી માગતા કે કેટલો રૂપિયો ચોરાઈ ગયો છે અને કેટલો સંકટમાં ફસાયેલો છે? કારણ બહુ સ્પષ્ટ છે. જો ચોરીનું પ્રમાણ વધારે નીકળે તો નાક કપાય અને સંકટમાં ફસાયેલા રૂપિયાનું પ્રમાણ વધારે નીકળે તો પણ નાક કપાય. આના કરતાં જાણવું જ નહીં તો જણાવવાની ક્યાં જરૂર જ પડે. આ જગતમાં ભારતની સરકાર એક માત્ર સરકાર હશે જેની તિજોરીમાં જમા થતી વાર્ષિક આવક જેટલી રકમ ધોવાઈ ગઈ હોવા છતાં એ જાણવાની પણ કોશિશ નથી કરતી કે એ ગઈ ક્યાં? લૂંટાઈ ગઈ કે આર્થિક સંકટમાં ધોવાઈ ગઈ?
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2019