Opinion Magazine
Number of visits: 9448255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમસુ રે મારો લાડકો નાતો

પ્રભા મરચંટ|Profile|30 September 2013

તમસુ રે મારો લાડકો નાતો      

લાખો ભવનું લ્હેણું રે … તમ સુ રે      

દુનિયા ભવાં તાણતી ભલે      

નેહ ઝરે દો નેણ રે … તમ સુ રે

દીદીનાં સંસ્મરણો એટલે પરમસખાનું મધુર ગાન. સખ્યનો ઘુઘવતો સાગર.

જ્યારે જીવન વેરાન-સૂકુંભઠ્ઠ બની ગયું હતું, નિષ્પર્ણ વૃક્ષ જેવું એકલુંઅટૂલું ઊભું હતું, હરિયાળીનું નામોનિશાન નહોતું ત્યારે રસ ઋતુઓના રાજવી બનીને દીદી પ્રવેશ્યાં. વસંતનો ઉત્સવ બનીને આવ્યાં. જીવનના અણુરેણુને ચૈતન્યની અમીધારાથી સીંચીને નવપલ્લવિત કરી દીધાં. ભર ઉનાળે ઘરમાં ને ઘરમાં જ અષાઢી અમૃતહેલી વરસાવીને નખશિખાન્ત નવડાવી દીધી. જીવનવાદ્યના તારે વેરવિખેર થયા હતા, તૂટું તૂટું થઈ રહ્યા હતા ત્યારે મધુર પ્રેમથી એને રસ્યા-કસ્યા. જીવનવીણાને ચૈતન્યધારાથી ઝંકૃત કરી દીધી, રણઝણતી કરી મૂકી. તૂટેલું સાજ વાગવા માટે સજ્જ થઈ બેઠું. એમની ઉપસ્થિતિથી આ ઘટના ઘટી, પરંતુ ક્યાં ય એનો અણસાર નહિ, પદરવ નહિ, એનું શ્રેય લેવાની તો વાત જ નહિ, કહ્યું તો એવું કહ્યું આ તો તમારામાં પડેલું જ હતું એ ઉદ્દઘાટિત થઈ રહ્યું છે. એમાં મારું લવલેશ કરવાપણું નથી. જે સહજ હતું, સ્વાભાવિક હતું, જે ઘટવાનું હતું તે ઘટ્યું, કર્તાવિહોણી કર્મસરિતાના પ્રથમ ચરણે દર્શન થયાં. જીવન કિમિયાગરે આ કેવી રીતે ઘટાવ્યું એની કલા વિષે તમને કહીશ તો એ તમને ગમશે જ ગમશે. જીવનરાસ રમવાની છટા તમને પોતાના કરી દેશે. દીદીના સંસ્મરણો એટલે આપણા સૌમાં રસાયેલું એમનું જીવન. નાના-મોટા સૌને આ રસલ્હાણ પ્રાપ્ત થઈ છે. એ ચેતનાના પરમ સ્પર્શથી ઓછા-વધતા પ્રમાણમાં આપણે સૌ આંદોલિત છીએ એટલે આપણે સૌ બડભાગી છીએ. આજે આપણે સૌ મળીને ગાઈએ : ‘રાને તેરો ચિર જીયો ગોપાલ’. આપણા હૃદયમાં એનું પુનિત ધામ બને.

એકવાર એમણે મને કહ્યું હતું, ‘પ્રભા, હું બેસું તો ક્યાં બેસું ? મને ઓછું-અદકું સ્થાન ના ખપે. મારે તો પૂરેપૂરું તમારું હૃદય જોઈએ, પરંતુ ત્યાં તો વાસનાઓનું તાંડવ છે, એ દૂર કરવા રહ્યાં. ત્યારે જ મારું પદાર્પણ તમારા હૃદયમાં થાય. તમે કહો છો, ‘પગલાં કરો, પગલાં કરો’. ક્યાં પગ મૂકું ? કૃષ્ણના હાથમાં તો શંખ-ચક્ર-ગદા-પદ્મ હતાં અને આ કળિયુગમાં મારા હાથમાં તો સાવરણી, ઝાપટિયું અને ખણીખોતરીને કચરો કાઢવા માટે અનેક પ્રકારના સાધનો પકડાવ્યાં છે. તમે રાગદ્વેષની અહંકારની રમત રમ્યા કરો અને મારે તમને ક્યારેક ટપલાં મારીને ક્યારેક Hammering કરીને ઝાપટીને જગાડવા પડે. યુગોથી આ રમત રમતા આવ્યાં છો. ડેલીએ હાથ દઈને પાછા વળ્યા છે. હવે તો જાગો! જાગતાને જગાડવાની એમની આ નવલી રીત હતી. હૃદયને પરમધામ બનાવવાનો આ સંકેત હતો. એમને જીવતા જાગતા સ્મારક ખપતા હતા.

પ્રથમ મિલને જ મને ‘Seek not’, ‘Reject not’નો જીવનમંત્ર પકડાવી દીધો હતો. એમણે મને કહ્યું આ શબ્દોને એના ગર્ભગૃહમાં જઈને ઉકેલજે, એને સમજજે જીવનમાં જે કોઈ ઘટનાઓ ઘટે છે એ પરમના પ્રેમપત્રો જ છે. મારા જીવનમાં આવું કેમ ઘટ્યું ? આ સહી શકાય તેવું નથી, આવું ના થવું જોઇએ. આ બધું તારા ચિત્તમાં ઊઠે તો સમજી લેજે કે જે ઘટ્યું તેનો સંપૂર્ણ-સમગ્ર સ્વીકાર નથી, સ્વીકારવાની તૈયારી નથી, સંપૂર્ણ સ્વીકાર જૂઠી સાંત્વનાથી કરવાનો નથી. શિયાળ કુદકા મારીને દ્રાક્ષનું ઝૂમખું લેવા જાય છે, પહોંચી નથી વળતું એટલે કહે છે કે દ્રાક્ષ ખાટી છે. જે ઘટ્યું તે ટાળી શકતા નથી એટલે એની સાથે સમજૂતી કરવી એ પણ સ્વીકાર નથી. ફૂલોનો સ્વીકાર છે અને કાંટાનો સ્વીકાર નથી. અરે ! બંનેમાં એ જ પરમાત્માનો રસ છે. એટલે તો કવિએ ગાયું છે કે ‘તેરા ફૂલોં સે ભી પ્યાર, તેરા કાંટો સે ભી પ્યાર; જો ભી દેના ચાહે દે દે રે કિરતાર.’ તું જેમાં પ્રગટી રહ્યો છે તેમાં તારો પ્યાર જ ઉમટી રહ્યો છે. ‘રાજી હૈ હમ ઉસી મેં, જિસમેં તેરી રજા હૈ, યૂં ભી વાહ વાહ હૈ, યૂં ભી વાહ વાહ હૈ’. જન્મ વાહ છે તો મૃત્યુ પણ વાહ વાહ જ છે. એને સ્વીકારવાની જીવનકલા શીખી લો. જિસસને શૂળી પર ચઢાવી રહ્યા હતા ત્યારે એમનાથી સહજ બોલાઈ ગયું, ‘આ શું કરી રહ્યા છે એનું એમને ભાન નથી.’ અને બીજી ક્ષણે થયું મારથી આ શું કહેવાઈ ગયું ? અને શબ્દો સરી પડ્યા ‘Let thy will be done’. જીવને જે મોકલ્યું છે એનો સંપૂર્ણ સ્વીકાર. જે નથી એની ઝંખના નહીં. અપૂર્વ સંતોષ. સંતોષ જબરજસ્ત ક્રાંતિ છે.

દીદીને આબુ આવ્યે ત્યારે વધારે સમય નહોતો થયો, એ દિવસોમાં પાર્વતીબહેન, ઇન્દુબહેન દીદી સાથે રહેતા ંહતાં. હું અવારનવાર ત્યાં જતી હતી. મહા ફાગણના જ એ દિવસો હતા,. આબુનગરીનો ઠસ્સો એ દિવસોમાં ઓર જ હતો. મકાનોનાં જંગલો ત્યારે નહોતાં. આબુમાં પ્રકૃતિ નિરંકુશ રીતે મહાલતી હતી, ત્યારે આબુ સ્વપ્નનગરી સમ હતી. મને ઘણી વ્હાલી લાગતી હતી. કલાકો સુધી બેસીને માણ્યા જ કરું એમ થતું. આવા જ એક દિવસે હું નાના બગીચામાં પાણી પીવડાવતી હતી. અચાનક મારા પર જળનો જોરથી છંટકાવ થયો. હું આમતેમ જોવા લાગી. કોઈ દેખાતું નહોતું. દીદી પાઈપ લઈને બારીમાંથી મારા પર જળ છંટકાવ કરી રહ્યાં હતાં. મને જોતાં જ એ સંતાઈ ગયાં. મેં મનોમન નક્કી કરી લીધું કે આજે તો એમને નવડાવે જ છૂટકો. હું નાની પાણી ભરેલી બાલદી લઈને છાનીમાની વરંડામાંથી રૂમમાં આવી. દીદી મોટા રૂમમાં ઊભા હતાં. મેં જળથી એમને ભીંજવીં જ દીધાં. પાછા ફરીને એ મને કહી રહ્યાં હતાં : ‘પ્રભા, આ શું કરી રહી છો ? મને ભીંજવી દીધી.’ મેં કહ્યું : ‘તમે એ જ લાગના હતાં. મને ચોરીછૂપી ભીંજવી તો હું તમને હવે છોડવાની નથી. ભીંજવીને જ રહીશ.’ એ જ સમયે ત્રિકમભાઈ, ભોગીકાકા (ઊંઝા ફાર્મસીવાળા) અને બિંદુકાકાનું ત્યાં આવવાનું થયું. ત્રિકમભાઈ મને કહેવા લાગ્યા : ‘અરે, તું આ શું કરી રહી છો ? કોના પર પાણી નાંખી રહી છો ? આ કોણ છે તેનું તને ભાન છે કે નહીં ? ભાઈ મને આમ લઢી રહ્યા હતા. એમની પીઠ હતી અને દીદી મને ડીંગો બતાવીને કહી રહ્યા હતાં, બસ આ જ લાગની હતી. બિંદુકાકાએ એમનો ડીંગો જોઈ લીધો હતો. એમણે કહ્યું : ‘જવા દો ને ભાઈ, એમના પ્રેમકલહમાં આપણે ન પડીએ તે જ સારું.’ જીવનરણમાં રણોદ્યાન સ્થાપવાનો આ મધુર કીમિયો હતો. આ સખ્યની અનોખી દાસ્તાન હતી.

દીદીની તબિયત ઠીક નહોતી એટલે (માસા) ત્રિકમભાઈ એમને ઉપચાર માટે અમદાવાદ લઈ આવ્યા હતા. હું ત્યારે મુંબઈ હતી. માસાએ મને કોલ કરીને કહ્યું : ‘અમદાવાદ આવી જા.’ હું તરત જ મુંબઈથી અમદાવાદ આવી. રાત્રે એમની સાથે જ સૂઈ જતી. માસા મને સૂચના આપી ગયા હતા કે રાત્રે એક ગ્લાસ દૂધ આપવાનું છે. આપી દે જે. નવ વાગ્યા હતા. દીદી તો સૂઈ ગયા હતાં. મેં પહેલાં તો દૂધ લાવી છું કહ્યું, પણ ઊઠ્યાં નહીં એટલે મચ્છરદાની ખોલીને તેમને ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં ઉઠ્યાં નહીં તેથી એક હાથ પીઠ પાછળ રાખીને ટેકો આપી ઉઠાડ્યાં, તેમની આંખો તો મીંચેલી જ હતી. નાના બાળકની માફક મીંચેલી આંખે દૂધ ગટગટ પી ગયાં. જ્યાં મેં હાથ ખસેડ્યો કે ધબ્બ કરતા પથારીમાં પડ્યાં. બીજે દિવસે સવારે માસા આવ્યા, પૂછ્યું : ‘પ્રભા, રાત્રે દૂધ આપ્યું હતું કે નહીં ?’ મેં કહ્યું : ‘હા, મેં પીવડાવી દીધું હતું.’ દીદીએ કહ્યું :’ના મને એણે દૂધ આપ્યું જ નથી.’ એ દિવસે મારે માસાની વઢ ખાવી જ પડી. તને સાથે રાખી છે અને આવું ધ્યાન રાખે છે ? બીજે દિવસે ખાસ સૂચના આપીને માસા ગયા હતા. મેં દૂધ આપ્યું. દીદીએ પીધું પણ ખરું. આ વખતે મેં નક્કી જ કર્યું હતું કે દૂધનો ગ્લાસ પલંગ નીચે જ મૂકીશ. બીજે દિવસે માસાએ પૂછયું ત્યારે હું જવાબ આપું એ પહેલાં જ દીદીએ કહ્યું : ‘ના, મને દૂધ આપ્યું જ નથી.’ મેં માસાને પલંગ નીચે પડેલો ખાલી ગ્લાસ દેખાડ્યો તો કહેવા લાગ્યા કે એ જ પી ગઈ હશે. માસાને એમના તોફાન-મસ્તીની લીલા સમજાઈ ગઈ હશે, તેથી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ચાલ્યા ગયા. આવાં તોફાન મસ્તી એમણે અનેક વાર મારી સાથે કર્યાં અને આવા તોફાન મસ્તીનો સખ્યની ભૂમિકા પર રહીને મેં એનો બરાબર જવાબ વાળ્યો.

આબુની જ વાત છે. વર્ષ તો મને બરાબર યાદ નથી, પરંતુ એ દિવસે મારે બે-ત્રણવાર દૂર દૂર ચાલીને જવાનું થયું હતું અને સાંજે વશિષ્ઠ આશ્રમ ચાલીને જ ગઈ હતી. થાકીને ઠૂસ થઈ ગઈ હતી. મોટા હોલની બાજુનાં ખંડમાં પાર્વતીબહેન, ઇન્દુબહેન તથા હું ત્રણેય સૂઈ રહેતા હતાં. રાત્રે સૂતાં પછી મને મારા પગ કોઈ દબાવતું હોય એવું લાગ્યું. મેં બંને પગ સંકોરી લીધા અને કહ્યું : ના ના, ઇન્દુબહેન ! મહેરબાની કરી મારા પગ ના દબાવો. મને ખૂબ સંકોચ થાય છે.’ સફાળી ઊઠી અને જોયું તો દીદી ખાટલા પર બેસીને મારા પગ દબાવતાં. મેં કહ્યું : ‘ના, દીદી ! આ તો હું કેમે ય કરવા નહીં દઉ.’ દીદીએ કહ્યું કે જો આજે તું તારા પગ મને દબાવવા નહીં દે તો હું ક્યારે ય મારા પગ તને નહીં દબાવવા દઉં. મારા પગ તે પગ છે અને તારા પગ તે પગ નથી શું ? એ દિવસે મારે ચૂપચાપ પડ્યા રહીને પગ દબાવવા દેવા પડ્યા.

યાદ આવી ગઈ એ દિવસની જ્યારે મને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો. ત્યારે ઘડીક મારું માથું ખોળામાં રાખીને મંત્રોચ્ચાર કરે, ઘડીક મારા પગ ખોળામાં મૂકીને સૂંઠ ચોળતાં સ્તોત્ર બોલે. આ દિવસો સંસ્મરણો નહીં, જીવનરસ બની ગયા છે. એનું તત્ત્વ-સત્ત્વ જીવનસરિતામાં કલકલ વહેતું જ રહ્યું છે. એમની સાથે જીવવામાં વિવિધ રંગ, રસ અને નાદની મહેફિલ માણી છે.

શરદપૂર્ણિમાની ચાંદની રાતે નખી લેઈકમાં નૌકાવિહાર … ભજનનોની રમઝટ … દીદીના મુખે ‘ભેદ ના જાણે કોઈ સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ’, ત્રિકમભાઈનું ‘નામ જપન કયોં છોડ દીયા’. ત્રણે ભાઈઓ ભાવવિભોર બની જતા. એ તો રસેશ્વરની રસલ્હાણ હતી. પૂર્ણિમાની રાત્રે અનહદનો નાદ ગૂંજી રહ્યો હતો અને ગાત્રવીણા એ નાદ ઝીલવા સજ્જ થઈ રહી હતી, તત્પર બની બેઠી હતી.

દીદીએ વાતોવાતોમાં જાણી લીધું હતું કે મને આઈસ્ક્રીમ ખૂભ ભાવે છે. એક દિવસે મને કહ્યું : ‘ચાલ પ્રભા, જરા આંટો મારી આવીએ.’ રોજ હું, મારી સાથે પાકીટ રાખીને જ બહાર નીકળતી હતી એટલે પાકીટ લેવા ગઈ, ત્યારે કહેવા લાગ્યા કે, ‘ના, આજે તારે પાકીટ લેવાનું નથી.’ દીદી સાથે હું નીકળી પડી, ત્યારે નખી તળાવ પાસે એક જ રેસ્ટોરન્ટ હતું. અમે નખી તરફ વળ્યાં. દીદીએ કહ્યું, ‘ચાલો રેસ્ટોરન્ટમાં જઇએ.’ મારી આંખો તો કપાળે ચઢી. દીદી અને રેસ્ટોરન્ટ ? અમે રેસ્ટોરન્ટમાં પ્રવેશ કર્યો. માલિક તો દીદીને સારી રીતે ઓળખતા હતા. દોડતા આવ્યા. આવો, આવો, દીદી. ત્યારે લાકડાની કોઠીમાં આઈસ્ક્રીમ બનતો હતો. વેનિલાનો આઈસ્ક્રીમ હતો. શાનો ઓર્ડર આપવાનો એ તો દીદી જ જાણતા હતાં. એમણે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. હું તો પાણી પાણી થઈ ગઈ. અમે બરાબર આઈસ્ક્રીમ ખાધો. હવે તમે જ મને કહો, આવા દીદીને શું કહીને નવાજું ? શું કહીને બિરદાવું ? કોઈ પણ શબ્દ વામણો જ લાગશે. વિરાટને શબ્દોની બાથમાં કેવી રીતે લઉં ? ગાઈ લઉં ‘તારો મને સાંભરશે સથવારો’.

નેપાળના દૂતાવાસમાંથી ત્યાંની એમ્બેસીમાં પ્રવચન આપવાનું દીદીને આમંત્રણ હતું. ત્યારે એમની સાથે જવાનું સૌભાગ્ય સાંપડ્યું. નેપાળ પહોંચ્યાં ત્યારે ઘણાં બધાં દીદીને સત્કારવા એરપોર્ટ પર આવ્યા હતા. આ યાત્રામાં તો હું તદ્દન નવીસવી હતી. દૂતાવાસ એટલે તો ભવ્ય મહેલ જ હતો. દીદી રાજબહાદુરજી સાથે ઔપચારિક વાતો કરતા હતા. મારી પાસે રાજબહાદુરજીના સેક્રેટરી આવીને બેઠાં. એ મને દીદીના પરિચય માટે બધું પૂછવા લાગ્યાં. હું તો દીદીની પૂર્વભૂમિકા વિષે કાંઈ જ જાણતી નહોતી. કહેવું તો કહેવું શું ? દીદીની વાતો રાજબહાદુર સાથે ચાલતી હતી, પરંતુ એમની ચાંપતી નજર મારા પર હતી. એમને થતું હશે કે આ કાંઈ બાફી ન મારે. સાથે મારે શું જવાબ આપવો એનો ફફડાટ તો હતો જ. વળી અંગ્રેજીમાં બોલવાનું ત…ત..પ…પ થઈ જાય. મેં કહ્યું, ‘Her speech will introduce her.’ ક્યાંથી આ જવાબ સ્ફુર્યો એ તો પ્રભુ જ જાણે ! સેક્રેટરી તો જવાબ સાંભળીને ખુશખુશ થઈ ગયા, મને થયું હાશ … છૂટી.

જ્યારે દીદીને એકલા મળવાનું થયું ત્યારે મને દીદીએ પૂછયું કે, શું વાત કરતી હતી ?’ મેં કહ્યું, ‘તમારા વિષે પૂછતા હતાં. હું તો તમારા વિષે કાંઈ જ જાણતી નહોતી એટલે મને અંદરથી જે સૂઝયું તે જવાબ આપ્યો.’ દીદી મારો જવાબ સાંભળીને ખિલખિલ હસી પડ્યાં. કહેવા લાગ્યાં કે, ‘પ્રભા ! ભૂલેચૂકે તું ક્યારેક યથાર્થ બોલી શકે છે.’ દીદી દેશ-વિદેશની યાત્રામાં મને પૂર્વ સૂચના આપતા નહીં. જવાબ આપવાનું પ્રત્યેકની સમજ ઉપર છોડી દેતા. ક્યારે ય બફાટ પણ થઈ જાય. આમ એ સ્વનિર્ભરતા અને કોઠાસૂઝને ઊઘડવાને અવકાશ આપતા. જવાબ ખોટો અપાય તો એમનો પ્રકોપ ખમવા તૈયાર રહેવું પડે. ત્યારે રડવાનું નહીં કે ડરવાનું નહીં. એ સમયે દીદીને સાંભળવા માટે “અમૃતબજાર પત્રિકા”(કલકત્તા)ના તંત્રી તુષારકાંતિ ઘોષ પણ આવેલા. એમ્બેસીમાં દીદીના પ્રવચનો સાંભળીને કહેવા લાગ્યા કે આવું chest ઈંગ્લિશ કેટલા વખતે સાંભળીને મારા કાન પાવન થયા. નેપાળમાં એમના માટે પિત્તળનો ચકચકિત સારો એવો ઊંચો પલંગ હતો. દીદીને ઉપર ચડતાં થોડું અઘરું તો પડે જ. પિત્તળનો બાજોઠ પણ મૂક્યો હતો. મને કહેવા લાગ્યા કે ‘તારો પલંગ કેવો નાજુક રૂપકડો છે. અને મારો જો. કેવી રીતે ચઢું ? ચાલ થા ઘોડો. તારા પર પગ મૂકીને ચઢીશ.’ અને સાચે જ મારા પર પગ મૂકીને એ પલંગ પર ચઢ્યા. એમની બાળસુલભતા જોઈને હું તો દંગ રહી ગઈ. તમે જ કહો આને અભિવ્યક્ત કરવા હું ભાષા ક્યાંથી લાવું ? તમારું હૃદય જ આ ભાષા સમજશે. પ્રખર જ્ઞાન, પરમ જ્ઞાન સાથે બાળક જેવી નિર્દોષતા અદ્દભુત સમન્વય.

મને તાજમહલ જોવાનું ઘેલું હતું તે મારી સાથેની વાતોમાંથી એમણે જાણી લીધું હતું. દર વર્ષે ઉનાળામાં અમારે ડેલહાઉસી જવાનું થતું હતું. ડેલહાઉસી જવાનું નક્કી થયું એટલે દીદીએ કહ્યું, ‘આ વખતે દિલ્હીથી સીધા પઠાણકોટ નહીં જઇએ, પ્રભાને તાજમહલ જરૂર બતાવીશું.’ આગ્રામાં તો ભંયકર ગરમી હતી. અમારી સાંજની ટ્રેન હતી એટલે ભર બપોરે જ અમારે તાજમહલ જોવાનું થયું. દીદી તો મારા ખભા પર હાથ મૂકીને તાજમહલની ખૂબીઓ, કલાકારીગરી અને નજાકત મને પ્રેમથી સમજાવતા હતાં. તાજમહેલ જોવાનો અનેરો આનંદ હતો પણ દીદી ક્યારે ય બપોરે નીકળે નહીં, એમને તાપ સહેવો પડે એનું દુઃખ પણ મને હતું. તાજમહલ જોવાનું મારું સ્વપ્ન દીદીએ સાકાર કર્યું. ત્યાં આગ્રહ કરીને ફોટો પણ પડાવ્યો. એ ફોટો બાને પોસ્ટ કર્યો અને લખ્યું ‘તમારી પ્રભાએ મારી સાથે તાજમહેલ જોયો છે.’

દીદીની જીવનકળાનાં અનેકવિધ પાસાં હતાં. ખૂબીઓ, બારીકીઓ હતી. મારી આંખમાં તો એમનો પ્રેમ નીતરતો હતો. કદાચ તમને પણ એ સર્વગ્રાહી પ્રેમ સ્પર્શ કરી ગયો હશે. એમાં જીવનનું લાવણ્ય, ગરિમા અને ગૌરવ છે. એ અંદરના સત્ત્વને તુષ્ટિ-પુષ્ટિ બક્ષે છે અને અંતરતમનો સ્પર્શ પામવા સક્ષમ બનાવે છે.

કલકત્તામાં સરલાબહેન બિરલાને ત્યાં જ્ઞાનેશ્વરી પારાયણ રાખ્યું હતું. કૈસરને દીદી સાથે જવાનું નક્કી હતું. ટિકિટો થઈ ગઈ હતી. યોગાનુયોગ એવો થયો કે એ જ દિવસોમાં કૈસરને ચાર તાવ થઈ ગયો. દીદીએ મને કહ્યું, ‘મારે આ વખતે તને લઈ જવી નહોતી, પણ તને જ લઈ જવી પડશે.’ અને મારે કલકત્તા જવાનું થયું. અખંડાનંદ સરવસ્તીજી એ સમયે ત્યાં હતા. તેઓ બિરલાના ગુરુ હતા. દીદીની વ્યાસપીઠ તો ઘણી ઊંચી રાખી હતી. દીદીએ સ્વામીજીને કહ્યું. ‘તમે ઉપર પધારો, હું તમાર સિવાય ઉપર નહીં બેસું.’ સ્વામીજીએ કહ્યું, ‘આ જે તો શ્રોતા બનીને મારે તને સાંભળવી છે, એટલે મારું સ્થાન તો નીચે જ રહેશે.’ દીદીનું પ્રવચન ચાલતું રહ્યું અને તેઓ સતત આંખો લૂછતા જ રહ્યા. કહેવા લાગ્યા કે, ‘આજે સરસ્વતીનું વીણાવાદન સાંભળીને હું પાવન થઈ ગયો.’ પછી તો વૃંદાવનમાં પણ દીદીની શિબિર હતી ત્યારે પણ તેઓ આવ્યા જ હતા.

વસંતભાઈએ કહ્યું, ‘પ્રભાબહેનને દક્ષિણેશ્વર જવાનો કાર્યક્રમ ગોઠવીએ.’ દીદીએ કહ્યું, ‘દક્ષિણેશ્વર પ્રભા એકલી નહીં જાય, સાથે હું પણ જઈશ.’ રામકૃષ્ણ દેવને પ્રણામ કરવા જવાનું અને સાથે દીદી હોય તો તમે કલ્પના તો કરો મારા આનંદની ! હું તો ગાંડીઘેલી બની ગઈ. એ દિવસે અમે બધાં સાથે ગયાં. રામકૃષ્ણ દેવની નાની ઓરડીમાં દીદી મારા ખભા પર હાથ મૂકીને ઊભા રહ્યાં. ઓહ ! એ ક્ષણો તો જીવનમાં કંડારાઈ ગઈ. કાલીમાનું મંદિર. માની મૂર્તિ ખંડિત થવી. એમને જળમાં પધરાવવાની વાત અને રામકૃષ્ણ દેવનું કહેવું કે ‘શું તમારા માતા-પિતાના હાથ-પગ તૂટે તો એમને જળમાં પધરાવશો ?’ માની મૂર્તિ સંધાઈને ત્યાં જ રહી.

દીદીનો સંગ એ તો મારું જીવતું-જાગતું જીવન હતું એ બેલુર મઠ. વિવેકાનંદજીનો પલંગ, જ્યાં દીદી નાના હતાં ત્યારે ત્યાં ચઢી ગયાં હતાં. દીદીના નાનાએ કહ્યું, ‘અરે ! બેટા તું આ શું કરે છે ? નીચે ઉતર.’ ત્યાં ઊભેલા સ્વામીજીએ કહ્યું, ‘રહેવા દો, એને કાંઈ કહેશો નહીં. એ તો એનો અધિકાર છે.’

આ બધી ઘટનાઓએ જીવનને ઉદાત્ત પવિત્રતા, ગહનતા, ગંભીરતા બક્ષી. જીવનરસાયણ બન્યું, આગળ ચાલવાનો પથ પ્રશસ્ત કર્યો. આવી ઘટનાઓ ઘણી ઘટી. ક્ન્યાકુમારી વિવેકાનંદ રોક જવાનું પણ અનાયાસે ઘટ્યું. એ પણ દીદી સાથે. દીદી સાથે જવાનું, રહેવાનું, પ્રત્યેક સ્થાનની અદ્દભુતા સાથે સમરસ થવાનું દીદીની ઉપસ્થિતિ એ જ શીખવ્યું. દીદી અનેક સ્થાનોમાં લઈ ગયાં. અનરાધાર વરસ્યાં. લોક સત્સંગ યાત્રા. લોક જાગરણ યાત્રા, પોરબંદર અનુષ્ઠાનમાં સતત સાથે રહેવાનું બન્યું. પ્રત્યેક સ્થળનો ઇતિહાસ, એ સ્થળની સૌરભ, એ સ્થળના મનુષ્યોની આગવી વિશિષ્ટતા તથા દીદીનો એ લોકોને સંદેશ … કહેવા જઈશ તો તમે કહેશો – બસ, હવે નહીં.

પંજાબના એ ગામોની સાહસભરી ગાથા. મધ્યરાત્રિએ ઉઘાડી તલવારો સાથે લાલ હિંગળોક જેવી આંખો અને કાળા વસ્ત્રો પહેરીને નવયુવકોનું આવવું, એમનું કથન, એમની વ્યથા સાંભળીને આંખો દ્રવી જતી. લાલા લજપતરાયના જન્મસ્થાન ઢુડિકેમાં ગયા ત્યારે લાલ, બાલ અને પાલની વાતો દીદી પાસેથી સાંભળીને મસ્તક સહેજે નમી જતું. આ બધામાં વિશિષ્ટ પરની પકડ અને સમગ્રતાનું અવધાન જોઈને મસ્તક નમી જતું. પંજાબમાં રોજ એક ગામ ફરતા દિવસે ને દિવસે ઇતિહાસ રચાતો. એનું સારતત્ત્વ જીવન સાથે રસાયું, જીવનના વહેણમાં ભળી ગયું. આવી ઘોર પ્રવૃત્તિમાં પણ આત્મહિત ક્યાં ય નંદવાય નહીં એની સજગતા અખંડ રહેતી. પંજાબ જતાં પહેલાં દીદીને ત્યાંની ભયાનક પરિસ્થિતિનો તાદૃશ્ય ચિતાર આપ્યો હતો. ન જવા વિનંતી કરી હતી. પણ દીદીનો નિર્ણય તો ‘મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં રે ભલે ભાંગી પડે રે બ્રહ્માંડજી’ !  ભૂદાન વખતે યાત્રા કરતા એ પટણામાં હતાં. દીદીએ કહી દીધું કે, ‘અહીં તો કંસનું રાજ્ય છે.’ ત્યારે શ્રી બાબુ મુખ્ય પ્રધાન હતા. એમણે સીધું વિનોબાજીને લખી નાખ્યું કે એક સર્વોદય કાર્યકર મને આવું કહેવાની હિંમત કરે છે. વિનોબાજીએ દાદા ધર્માધિકારીને બોલાવ્યા અને કહ્યું કે જરા પટણા જાઓ. વિમલને સંભાળો. દાદા આવ્યા. દીદીને સાથે લઈને શ્રી બાબુ પાસે જવાનું હતું. દીદીએ કહ્યું હતું : ‘હું માફી માંગવાની નથી. હું જે માનું છું તે જ કહું છું.’ દાદાએ કહ્યું, ‘મારી સાથે ચાલ તો ખરી.’ દાદા શ્રી બાબુ પાસે લઈ ગયા. દાદાએ કહ્યું, ‘યુનિવર્સિટીમાંથી સીધી જ આવી છે એટલે બોલવામાં જરા વિનય ચૂકાઈ જવાય. એણે તો એમ કહેવું જોઈતું હતું કે અહીં તો શ્રીકૃષ્ણના મામાનું રાજ્ય છે.’ શ્રી બાબુ દાદાની બોલવાની કટાક્ષભરી યુક્તિ જોઈને હસી પડ્યા.

ભૂદાનની કાર્યકારિણી સભામાં પણ વિનોબાજીએ દીદીને હાજર રહેવાનું કહ્યું હતું. ત્યારે એ સભામાં જયપ્રકાશજી સહિત બીજા પણ સભ્યો હતા. જયપ્રકાશજીનો કોઈ વાત પર આગ્રહ જોઈ દીદીએ કહ્યું, ‘શું તમારે બીજા જવાહરલાલ બનવું છે ? હું એમાં સહમત નથી.’ દાદાએ કહ્યું, ‘વિમલ, તું આ શું કહી રહી છો ? ‘બહાર પ્રભાવતીજી બેઠા હતાં. એમને પણ ઘણું દુ:ખ થયું. દીદીને ઘણું સમજાવ્યા, દીદીએ દાદાને સ્પષ્ટ કહી દીધું, ‘હું અહીં તમારી દીકરી તરીકે નથી બેઠી. હું જે સમજું છું, માનું છું તે જ કહીશ.’ એ દિવસે તો જયપ્રકાશજી ગુસ્સામાં ને ગુસ્સામાં જતા રહ્યા. અઠવાડિયા પછી આવ્યા. સીધા દાદાના ઉતારે ગયા. ત્યાં જઈને કહ્યું, ‘વિમલબહેન, હું આવ્યો છું. આજે નાસ્તો તો અહીં જ કરીશ.’ દીદી દોડતા આવ્યાં. પ્રણામ કર્યાં. ખબરઅંતર પૂછયાં. એમના ગયા પછી દાદાએ કહ્યું, ‘જોયું વિમલ, આ મનુષ્ય કેવો પ્રાંજલ પારદર્શી છે ? ક્યાં ય કશું સંઘર્યું છે ? અઠવાડિયા પહેલાંના પ્રસંગનું ત્યાં નામોનિશાન નહોતું. વર્તમાનમાં જીવવું આને કહેવાય.’

સાધનશુદ્ધિ માટે તો દીદી જાણીતા હતાં જ. એમાં જો કોઈ ગરબડ કરે તો ક્યારે ય એને છોડતા નહીં. બરાબર પાઠ ભણાવતાં. પોરબંદર અનુષ્ઠાન વખતે એનો પરચો સૌને થઈ ગયો હતો. એક ડબ્બાની જરૂર હોય તો બે ડબ્બા મંગાવવાના નહીં. પાછો મોકલો. માફી માંગો. તમે સૌ જીવનસાધકો છો, સાધકની લક્ષ્મણરેખા ઓળંગીને જશો નહીં. નહીં, તો અહીંથી પવનવેગે તીર આવશે જ.

ભૂદાન સમયે કામ કરતા હતાં, ત્યારે હનુમાનપ્રસાદ પોદ્દાર એમને મહિને બસો રૂપિયા મોકલતા હતા. જેવું ભૂદાન છોડ્યું કે તુરત જ દીદીએ પત્ર લખ્યો કે મેં ભૂદાન છોડ્યું છે. મને હવે પૈસા મોકલશો નહીં. પોદ્દારે કહ્યું કે તું તો એવું જ જીવન જીવી રહી છો. મને પૈસા મોકલવા દે. દીદીએ કહ્યું કે, ‘હું એ સ્વીકારીશ નહીં.’ જ્યારે દીદી સાથે ગોરખપુર ગયા ત્યારે એમના સ્થાન પર વંદન કરવા ગયા હતા.

હવે આ પ્રસંગોને અહીં જ સંકેલું, નહિ તો એનો કોઈ આરો – ઓવારો નથી.

(સદ્દભાગ્ય : “બિરાદર – પત્રિકા”, અૉગસ્ટ 2013 : પૃ.1-6) 

Loading

30 September 2013 admin
← બદલાતી સંસ્કૃિતઓ
આનો કોઈ ઈલાજ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved