પત્રકારોનું કામ સમાચાર આપવાનું હોય છે. એવા પત્રકારો બદનસીબ કહેવાય, જે સમાચાર આપતાં-આપતાં ખુદ સમાચાર બની જાય. જિજ્ઞા વોરા મુંબઈની આવી જ એક બદનસીબ પત્રકાર છે, જે અપરાધ જગતના સમાચારોનું રિપોર્ટીંગ કરતી હતી, અને એમાં ખુદ અપરાધી બનીને સમાચાર બની ગઈ! જે અદાલતમાં એ અપરાધીઓના ખટલાઓમાં હાજરી આપતી હતી, તે જ અદાલતમાં તે બીજા અપરાધીઓની માફક કઠેડામાં ઊભી રહેતી હતી. જે જેલમાં પહેલો દિવસ ગુજારનાર ચકચારી લોકોના જિજ્ઞા ઇન્ટરવ્યૂ કરતી હતી, એ જ જેલમાં જિજ્ઞા કેદી હતી. અને જે સાથી પત્રકારો સાથે જિજ્ઞા આ બધા સમાચારો કરવા જતી હતી, આજે એ જ પત્રકારો ‘અપરાધી’ જિજ્ઞાનો ઇન્ટરવ્યૂ કરે છે.
પત્રકાર તરીકે જેલમાં રિપોર્ટીંગ કરવા જવું અને એ જ જેલમાં અપરાધી તરીકે ૮ વર્ષ રહેવું, એ બંને બાબતમાં કેટલો ફર્ક છે, તે મુંબઈની એક સમયની ટોચની આ ક્રાઈમ રિપોર્ટર જિજ્ઞા વોરાને બહુ ખરાબ રીતે યાદ રહી ગયું છે. જે પોલીસ અને પત્રકારો સાથે તમારી ઊઠબેસ હોય, તે જ પોલીસ અને પત્રકારો તમને હત્યા કેસમાં જેલમાં મોકલવામાં ‘મદદ’ કરે, એવું ક્યા પત્રકારને સપનું આવે? જિજ્ઞા એટલે જ ન્યાય તંત્રનો ભરપૂર પાડ માને છે (“મને પોલીસ કે મીડિયા વિષે બોલતાં હજુ ય ડર લાગે છે,” એવું તેણે એક ટીવી ચેનલને કહ્યું હતું). મુંબઈ હાઇકોર્ટની મહેરબાનીથી જ જિજ્ઞા વોરા આજે મુંબઈના સૌથી સનસનીખેજ હત્યા-કેસમાંથી નિર્દોષ મુક્ત થઇ છે. એમાં એને ૮ વર્ષ લાગ્યાં. એ દરમિયાન એ મુંબઈની ભાઈખલા જેલમાં બંધ હતી. જેલનાં એ ૮ વર્ષનાં કારણે જિજ્ઞાની પારિવારિક અને વ્યવસાયિક જિંદગીના બધા અંકોડા વિરવિખેર થઈ ગયા હતા અને આજે એ એક એક ટુકડા ઊઠાવીને જિંદગીને સાંધી રહી છે.
જ્યોતિર્મોય ડે એટલે કે જે.ડે.ના નામથી જાણીતા મુંબઈના સાંધ્ય દૈનિક ‘મિડ-ડે’ના ૫૬ વર્ષીય વરિષ્ઠ ક્રાઈમ પત્રકારની ૧૧ જૂન, ૨૦૧૧ની દિવસે મુંબઈના પવઈ વિસ્તારમાં મોટરસાઈકલ પર આવેલા ૪ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. મુંબઈના અપરાધ જગતમાં એક જાણીતા પત્રકારની હત્યા એ બહુ મોટી ઘટના હતી. એક મહિનાની અંદર મુંબઈ પોલીસે કેસ ઉકેલી નાખ્યાનો દાવો કર્યો. આ હત્યારાઓ માફિયા ડોન રાજન સદાશિવ નિખલજે ઉર્ફે છોટા રાજનના ભાડૂતી હતા.
રાજનને શંકા હતી કે જે.ડે. હરીફ ડોન દાઉદ ઈબ્રાહિમ વતી કામ કરે છે અને સમાચારો લખે છે. રાજને સતીશ કાલિયા નામના લોકલ ગુંડાને જે.ડે.નું કામ સોંપ્યું હતું. કાલિયાએ બીજા છ જણાને રોક્યા હતા. માત્ર કાલિયાને જ ખબર હતી કે જે.ડે. પત્રકાર છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ સાતેની ધરપકડ કરી, પણ એમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો, જ્યારે જાતીય સતામણી કેસોમાં બદનામ મોદી સરકારના એકવારના મંત્રી એમ.જે. અકબરે શરૂ કરેલા અંગ્રેજી સમાચારપત્ર ‘એશિયન એજ’ની ક્રાઈમ પત્રકાર જિજ્ઞા વોરાની ૨૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ ધરપકડ કરવામાં આવી. પોલીસનો દાવો હતો કે જિજ્ઞા રાજનના સંપર્કમાં હતી અને તેણે જ રાજનને જે.ડે.ની મોટરસાઇકલનો નંબર અને ઘરનું એડ્રેસ પૂરું પાડ્યું હતું. જિજ્ઞાને જે.ડે. સામે વ્યવસાયિક દુશ્મની હતી, પોલીસે કારણ આપ્યું.
જિજ્ઞા વોરા ગુજરાતી પરિવારની છે. મુંબઈની ડી.જી. રૂપારેલ કોલેજમાંથી લોમાં ગ્રેજ્યુએટ થઇ હતી અને કે.જે. સોમૈયા કોલેજમાંથી માસ કોમ્યુનિકેશન કર્યું હતું. એની પહેલી નોકરી ‘ફ્રી પ્રેસ જર્નલ’ સમાચારપત્રમાં હતી. તે પતિથી છૂટી પડી હતી અને માતા-પિતા અને દાદા-દાદી સાથે રહેતી હતી. તે ૩૦ વર્ષની હતી અને એક દીકરો હતો. એક ઈન્ટરવ્યુમાં જિજ્ઞા કહે છે, “મારું જીવન એની (દીકરાની) અને એનું જીવન મારી આસપાસ ફરતું હતું. સવારે એ સ્કૂલે જાય. સાડા અગિયારે હું એને લઇ આવું. પછી તૈયાર થઇને કોર્ટમાં જાઉં અને ઓફિસ જઈને સમાચાર લખું. ૯.૩૦ સુધી પછી આવી જાઉં, કારણ કે એ મારા વગર ખાય નહીં. દોસ્તો બનાવવાની ટાઈમ જ ક્યાં હતો? હું ન તો સ્મોક કરતી હતી, ન તો ડ્રીંક કરતી હતી. પાર્ટી પણ કોલેજના દોસ્તો સાથે કરતી. મારું સામાજિક જીવન સીમિત હતું. મીડિયામાં મારા વિષે બહુ આવ્યું. મારે અને જે.ડે.ને અફેર હતો. હું એનાથી પ્રેગ્નન્ટ થઇ હતી અને એણે જવાબદારી લેવાની ના પાડી દીધી હતી. મેં તો એમની સાથે કામ પણ કર્યું ન હતું. મારાથી ૨૦ વર્ષ સિનીયર હતા. શેની હરીફાઈ? હું છ વર્ષમાં સિનિયર પોઝીશન પર પહોંચી એમાં ય એવું લખાયું કે પથારીઓ ગરમ કરીને ઉપર ગઈ છું. તમે એકલા હો અને પ્રગતિ કરી હોય, તો આવું કરીને જ ને. “
જે.ડે.ની હત્યા થઇ ત્યારે જિજ્ઞા સિક્કિમ ફરવા ગઈ હતી. તેનો પણ એવો અર્થ કાઢવામાં આવ્યો કે એને ખબર હતી એટલે જે મુંબઈ બહાર જતી રહી હતી. હત્યાના બે મહિના પછી, ૩૧ ઓક્ટોબરે, મુંબઈને એક ટેબ્લોઈડ સમાચારપત્રમાં આખું પાનું ભરીને ‘સ્ટોરી’ આવી કે એક મહિલા પત્રકાર જે.ડે.ની હત્યામાં સામેલ છે. એમાં જિજ્ઞાનું નામ ન હતું. ૨૫ દિવસ પછી ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત અપરાધ રોકવા માટેના જાલિમ મકોકા કાનૂન હેઠળ જિજ્ઞાની ધરપકડ કરી. ત્યારે તે ૩૭ વર્ષની હતી. “હું નિર્દોષ હતી એટલે અતિ-આત્મવિશ્વાસમાં હતી. એમાં જ હું ભરવાઈ ગઈ,” જિજ્ઞા કહે છે.
એને ભાઈખલાની મહિલા જેલમાં મોકલી દેવામાં આવી. નવ મહિના એ આ જેલમાં રહી. પછી સિંગલ માતા હોવાના આધાર પર તેને જામીન મળ્યા. એ દરમિયાન પહેલાં સી.બી.આઈ. કોર્ટ અને પછી ૨૭ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મુંબઈ હાઈ કોર્ટે જિજ્ઞાને નિર્દોષ મુક્ત કરી. પોલીસે રાજન અને જિજ્ઞાના ફોન કોલ્સના આધારે અને મોટરસાઇકલનો નંબર અને ઘરનું એડ્રેસ પહોંચાડ્યાના આધારે જિજ્ઞાની ધરપકડ કરી હતી. પોલીસ કોર્ટમાં આ સાબિત ના કરી શકી. ફોન કોલ્સ અગાઉ એક ઇન્ટરવ્યૂ માટેના હતા. એમાં ક્યાંય જે.ડે.નો ઉલ્લેખ ન હતો. જિજ્ઞાના ઈમેલ અને સીમ કાર્ડ પરથી પણ એ સાબિત ના થયું કે મોટરસાઈકલનો નંબર અને ઘરનું એડ્રેસ જિજ્ઞાને મોકલાવ્યું હતું. દરમિયાનમાં રાજનની પણ ધરપકડ થઇ ચૂકી હતી અને તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં તેની ઊલટ તપાસ થઈ, તો તેણે પણ જિજ્ઞાની સંડોવણીની કોઈ વાત ના કરી.
પોલીસ અને મીડિયાએ તો એને કાતિલ બનાવી જ દીધી હતી, પણ ન્યાયિક ત્રાજવાના પ્રતાપે જિજ્ઞા વોરા આજે તમામ કલંકમાંથી મુક્ત બનીને જીવી રહી છે, પણ એમાં એનાં આઠ વર્ષ ગયાં છે, જે એની વ્યવસાયિક, માનસિક, પારિવારિક અને સામાજિક જિંદગીને તહસનહસ કરવા કાફી હતાં. જિજ્ઞાએ તેનાં આ આઠ વર્ષ અને ખાસ કરીને ભાઈખલા જેલમાં પસાર કરેલા મહિનાઓ પર એક પુસ્તક પણ લખ્યું છે : બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાઈખલા: માઈ ડેઝ ઇન પ્રિઝન.
આ પુસ્તક માટે મદદ કરનાર અને આ આઠ વર્ષ સુધી જિજ્ઞાની પડખે ઊભા રહેનાર તેના એડિટર હુસેન ઝૈદી કહે છે કે, “ઉત્તમ સ્ટોરીઓ લાવવાની તેની કુનેહમાં વધી પડતો આત્મવિશ્વાસ અને દુનિયા-જખ-મારે-છેનો તેનો સ્વભાવ તેને પત્રકાર જગતમાં અને પોલીસમાં નડી ગયો. છેવટે એમાં જ એનું પતન થયું.” મુંબઈનું ક્રાઈમ રિપોર્ટીંગ પુરુષના પ્રભુત્વવાળું છે. એમાં જિજ્ઞાએ જે સંપર્કો બનાવ્યા હતા, તે ભલભલાને ઈર્ષ્યા અપાવે તેવા હતા. આજે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અપરાધના જગતમાં કેસ તો સોલ્વ થઇ જાય છે, પણ એમાં ઘણા લોકોના જીવનમાં ઘણી બાબતો સોલ્વ થતી નથી. જિજ્ઞા વોરા એમાંથી એક છે. આજે તે તેના પુસ્તકના પ્રમોશન, મેડિટેશન અને નાનાં-મોટાં કામમાં તૂટેલા તેરને સાંધી રહી છે.
જિજ્ઞા વોરા કહે છે, “એ જેલ હતી. એ ભયાનક જ હોય, પણ હું વગર કારણે જેલમાં હતી, તે વાત પચાવવી અઘરી હતી. એ તમામ મહિનાઓમાં એક દિવસ એવો ગયો ન હતો કે હું રડી ના હોઉં. એક દિવસ મારો દીકરો આવ્યો અને બોલ્યો કે તે મારા માટે પ્રાર્થના કરે છે, જેથી હું બહાર આવી જાઉં. એ દિવસે, મેં નક્કી કર્યું કે હું એના માટે થઈને મક્કમ મનની થઈશ. હું માત્ર તેને, મારા માતા-પિતા અને દાદા-દાદીને જ જવાબદેહ હતી. મને જેલમાંથી બહાર આવવાની બીક લગતી હતી કારણ કે હું અંડરવર્લ્ડની સ્ત્રી હતી, હત્યારણ હતી. અને ખબર ન હતી કે મારો પરિવાર તેમની વચ્ચે મારી હાજરીથી કેવી રીતે વર્તશે.”
જેલમાં ય આવું જ હતું ને. જેલના ‘પરિવાર’ને પણ જિજ્ઞાની હાજરી નડી હતી. તેના પુસ્તકમાંથી થોડા અંશ:
“સૂઈ જા ને, રાંડ,” એ બોલી “શું કરવા અમને હેરાન કરે છે?”
મેં ટચલી આંગળી ઊંચી કરીને બાથરૂમ જવું છે, એવું કહ્યું. પેલીએ મોઢું વાંકું કરીને ટોઇલેટ તરફ ઈશારો કર્યો.
પાણી ભરવાનાં ભૂરા રંગનાં ડ્રમની પાછળ ઇન્ટિયન સ્ટાઈલનાં ચાર ગંદા ટોઇલેટ હતાં. મેં શ્વાસ રોકી રાખ્યો. બારણું અડકાડીને હું બેઠી. મારું માથું અને અડધું શરીર બારણા બહાર દેખાતું હતું.
———————————————-
“તું જિજ્ઞા વોરા છે ને?” એણે શુદ્ધ અંગ્રેજીમાં પૂછ્યું.
એનો ટોન સાંભળીને મને ધ્રુજારી છૂટી અને મેં અચકાઈને કહ્યું, “ય-ય-યસ.”
પરોમીતાએ મારી આંખમાં ડોળા ઘાલીને મને માપતી હોય તેમ કહ્યું, “ડોન્ટ વરી. યુ વીલ બી ફાઈન.”
મેં રાહતનો શ્વાસ લીધો. એણે ઊંધા ફરીને બટાકાની કાતરીનું ઉઘાડું પેકેટ ઉપાડ્યું.
“ખા,” એ બોલી.
મને ખચકાટ થયો, પણ એના ડોળા જોઈને મેં એક કાતરી ઉઠાવીને મોઢામાં મૂકી.
“ચા?” એણે પૂછ્યું.
“ના,” મેં કહ્યું.
“ઓકે,” એ બોલી, “જા તારી જગ્યાએ.”
——————————————-
“તું પત્રકાર છે, નહીં?” એણે પૂછ્યું.
મેં માથું હલાવ્યું.
“તેં મર્ડર કર્યું છે?”
“ના,” હું એવી રીતે બોલી જાણે એ બહુ અગત્યનો જવાબ હતો. “ના,” મેં ભાર દઈને કહ્યું.
“મને ખબર છે,” એ બોલી, “તું સારી છું.”
મને ખબર ના પડી હું શું કહું.
“તને ભૂખ લાગી છે?” તેણે પૂછ્યું.
મેં માથું હલાવ્યું. એ મને જોઈ રહી અને ખિસ્સામાંથી સુકાયેલી બ્રેડનો ટુકડો કાઢ્યો.
“ખા,” એ બોલી, “ખાઈ લે.”
https://www.facebook.com/permalink.php?story_fbid=2387771894884189&id=1379939932334062&__tn__=K-R