દિલમાં ભીની લાગણી અને ચિત્તમાં સળવળતા પ્રશ્નો એ માનવી જન્મ સાથે લઈને આવે છે. કોઈમાં લાગણી વધારે હોય તો કોઈમાં શંકાશીલતા. શંકા થઈ કે પ્રશ્ન થાય જ. લાગણીમાં ક્વચિત્ સંતુલન ખોવાનો ભય રહે છે અને શંકા શ્રદ્ધાને ડગમગાવે છે. આ સ્વાભાવિક બાબતોને લીધે ઇસ્લામ ધર્મ સામે, ધર્મનું સ્વરૂપ જોતાં, બે પ્રશ્ન ઉપસ્થિત થવાના જ હતા અને થયા પણ.
‘લા ઇલાહ ઈલ્લલ્લાહ મુહમ્મદુર્રસૂલલ્લાહ’ અર્થાત્ અલ્લાહ સિવાય બીજું કોઈ પૂજનીય નથી અને મહમ્મદ તેમના રસૂલ છે, એ ઇસ્લામના મૂળ મંત્રનું સતત રટણ કરવામાં આવે એટલે દિલ અને દિમાગ શાંત થઈ જશે એટલી જ ફ્ક્ત વાત નથી. ઈસ્લામ ધર્મનું સ્વરૂપ સામાજિક છે. આ ધર્મમાં શું કરવું અને શું ન કરવું એની આજ્ઞાઓ છે. એમાં અલ્લાહ સર્જક પણ છે અને નિયંતા (નિયમમાં રાખનાર, શાસક, ન્યાય કરનાર અને સજા કરનાર એમ બધું જ) પણ છે. સ્વાભાવિકપણે અલ્લાહને તાબે થવાનું હોય, તેમનાથી ડરવાનું હોય, અલ્લાહના ખૌફ્નો શિકાર ન થવું પડે એ રીતે અલ્લાહે બતાવેલા ધર્મને અનુસરીને જીવવાનું હોય. અલ્લાહના ખૌફ્થી બચવા અલ્લાહની કૃપા સંપાદન કરવામાં આવે એ જ અલ્લાહની દયા-માયા-કરુણા-પ્રેમ જે કહો તે છે. આ દયા-માયા-કરુણા વારંવાર ભૂલો કરનારા માટીના માનવીને માફ કરી દેનારા હિંદુઓના ઈશ્વર જેવી અલ્લાહની નથી. અલ્લાહની કરુણા ન્યાયમૂલક કરુણા છે.
પણ બે વૃત્તિ માણસ જન્મ સાથે લઈને આવે છે. એક શંકા-વૃત્તિ અને બીજી પ્રેમ-વૃત્તિ. બંને ઓછાવત્તા પ્રમાણમાં દરેકમાં હોય છે અને કેટલાક લોકોમાં બેમાંથી કોઈ એક પ્રબળ હોય છે. આ સ્વાભાવિક વૃત્તિને કારણે કેટલાક મુસ્લિમ લોકો કુરાનનાં વચનો વિશે, તેની ઈશ્વરી કે માનવીય રચના વિશે, હદીસ વિશે પ્રશ્નો ઉઠાવવા લાગ્યા. જે વાતો સામાન્ય બુદ્ધિથી ગળે ઊતરતી નહોતી તેના વિશે તેઓ શંકા કરવા લાગ્યા અને પ્રશ્નો પૂછવા લાગ્યા. આવી જમાત મુત્તઝિલ્લા તરીકે ઓળખાય છે. મુત્તઝિલ્લાનો અર્થ અલગ પડવું એવો થાય છે. આનો પ્રારંભ આઠમી સદીમાં ઈરાકમાં થયો હતો. હસન અલ બસરીના અભ્યાસવર્ગમાં વાસિલ ઈબ્ન આતાએ પ્રશ્ન પૂછયો કે ખુદાએ જેની ના ફરમાવી છે એવું અધમ પાપ કરનારો પાપી મુસલમાન ગણાય કે ઇસ્લામમાં નહીં માનનારો કાફિર ગણાય? હસન અલ બસરીએ જવાબ આપ્યો કે તે મુસલમાન ગણાય. આ જવાબ વાસિલ ઈબ્ન આતાને ગળે ઊતર્યો નહીં, તેને આ જવાબ કુરાનનાં વચનોથી વિપરીત લાગ્યો અને તે બસરીના અભ્યાસવર્ગમાંથી બહાર નીકળી ગયો. આ કૃત્ય તે મુત્તઝિલ્લા.
મુત્તઝિલ્લા બનેલા વાસિલ ઈબ્ન આતાને લાગ્યું કે જો ઇસ્લામ એ ખુદાએ કરુણાથી પ્રેરાઈને આપેલી આખરી શીખ હોય તો ખુદાનો બંદો તેનાથી વિપરીત માર્ગે ચાલે જ કેવી રીતે? જો કોઈ વિપરીત માર્ગે ચાલતો હોય તો તેને મુસલમાન ન કહેવાય. અને જો એ છતાં તેને મુસલમાન તરીકે કબૂલ કરવામાં આવતો હોય તો કુરાનમાં આપવામાં આવેલાં વચનો ઈશ્વરી ન હોઈ શકે, તે માનવીય હોવા જોઈએ. ઈશ્વરી વચનનો અવશ્ય પ્રભાવ પડવો જોઈએ, માનવીય વચન પાસેથી આવી અપેક્ષા ન રખાય. પણ એ છતાં તેને જવાબ આપવામાં આવ્યો હતો કે અધમમાં અધમ પાપી પણ મુસલમાન છે. તેણે અલ્લાહની શરણાગતિ સ્વીકારી છે અને મુસલમાન હોવા માટે અને એક દિવસ જન્નત મેળવવા માટે એટલું પૂરતું છે. રહી વાત પાપની તો કયામતના દિવસે ખુદા તેનો ન્યાય કરશે.
આનો અર્થ વાસિલ ઈબ્ન આતાને એવો સમજાવ્યો કે જેણે અલ્લાહની શરણાગત સ્વીકારી છે એ પાપી હોવા છતાં એક દિવસ સ્વર્ગનો અધિકારી અને જેણે અલ્લાહની શરણાગત સ્વીકારી નથી એટલે કે જે મુસલમાન નથી થયો તે ગમે તેવો આચરણશુદ્ધ પવિત્ર અને મહાન હોય તો પણ તે જન્નતનો અધિકારી નથી. ખિલાફ્ત આંદોલન પડી ભાંગ્યું એ પછી મૌલાના શૌકતઅલીએ ગાંધીજી માટે આમ જ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગાંધીજી કરતાં બળાત્કારી મુસલમાન જન્નતનો વધારે અધિકારી છે, કારણ કે તે મુસલમાન છે. તેણે અલ્લાહની તાબેદારી સ્વીકારી છે.
શંકાશીલોનું આ આંદોલન ખાસ્સું જામ્યું હતું અને ઇસ્લામમાં વિવેકવાદ (સાવ નાસ્તિકતાના અર્થમાં નહીં, પણ વિવેકના એટલે બુદ્ધિ-પ્રામાણ્યવાદના અર્થમાં) માટે જગ્યા બનાવી હતી. બસો વરસ સુધી મુસ્લિમ વિશ્વમાં મુત્તઝિલ્લાઓ ફેશનમાં હતા. તેમની વાત સાંભળવામાં આવતી હતી અને દાદ આપવામાં આવતી હતી. બસો વરસ પછી ઈ. સ. ૧૦૫૮માં ઈરાનમાં થયેલા અલ ગઝાલી નામના વિદ્વાને મુત્તઝિલ્લાઓના પ્રભાવને ખાળ્યો હતો. સનાતન ધર્મમાં જે સ્થાન આદિ શંકરાચાર્યનું છે એ ઇસ્લામમાં અલ ગઝાલીનું છે. શંકરાચાર્યે જેમ છદ્મ શૂન્યવાદી બનીને બુદ્ધનાં દર્શનને સનાતન દર્શનમાં ઓગાળી દીધું તેમ અલ ગઝાલીએ છદ્મ વિવેકવાદનો આશરો લઈને મુત્તઝિલ્લાના પ્રભાવને ઝાંખો પાડી દીધો હતો. માટે ઇસ્લામમાં અલ ગઝાલીને મુજાદ્દીદ તરીકે ઓળખાવવામાં આવે છે. મુજાદ્દીદનો અર્થ ધર્મ-પરિષ્કૃત કરનાર એવો થાય છે. ઇસ્લામમાં એવી કલ્પના છે કે દર સદીમાં મુજાદ્દીદ થશે જે ઇસ્લામ પર બાઝેલાં જાળાં દૂર કરશે.
ભારતમાં મુસલમાનો શાસક તરીકે સ્થિર થયા એ પહેલાં મુત્તઝિલ્લાઓનો પ્રભાવ લગભગ ખતમ થઈ ગયો હતો એટલે ભારતીય શાસકો અને ભારતીય મુસલમાનો એનાથી લગભગ અજાણ છે. બીજું, જે શાસકો ભારતમાં આવ્યા હતા એ આગળના લેખોમાં કહ્યું હતું એમ અસ્સલ ઇસ્લામને સમજનારા પૂરા મુસલમાન પણ નહોતા એટલે તેમને મુત્તઝિલ્લા આંદોલનની તો કદાચ જાણ પણ નહીં હોય. ભારતીય મુસલમાનોની વાત કરીએ તો મોટા ભાગના મુસલમાન હિંદુઓની શોષિત કોમમાંથી ધર્મપરિવર્તન કરીને મુસલમાન થયા હતા એટલે તેઓ મુત્તઝિલ્લા આંદોલન વિશે ખાસ જાણતા હોય એ શક્ય નહોતું. રહી વાત વિદેશથી આવેલા મૌલવીઓની તો તેઓ મુત્તઝિલ્લાઓના તત્ત્વજ્ઞાનથી ભારતીય પ્રજાને માહિતગાર કરીને પોતાના પગ પર શા માટે કુહાડો મારે?
બીજું તત્ત્વ હતું પ્રેમનું. આ પણ સ્વાભાવિક માનવીય વૃત્તિ છે, જેમ શંકા છે. જે આ જગતનો સર્જક હોય, જે આ જગતનો નિયંતા હોય, જે માનવીનો ત્રાતા-રક્ષક હોય એને માટે ઉત્કટ પ્રેમ અને એમાં એકાકાર થઈ જવાની લાગણી સ્વાભાવિકપણે કેટલાક લોકોમાં પેદા થવા લાગી હતી. આવા કેટલાક લોકો ખુદાને પિતા, સખા અને પ્રેમી તરીકે પૂજવા લાગ્યા હતા. તેમને મુસલમાને શું કરવું અને શું ન કરવું એની કોરી સામાજિક બાજુ અધૂરી લાગવા માંડી. તેમને એમાં રસ નહોતો અને સંસાર પરત્વે તેઓ ઉદાસીન હતા. તેઓ જગત માટે ફ્કીરી ઉદાસીનતા ધરાવતા હતા. તેમનું મન જ સંસારમાં નહોતું ચોંટતું એટલે ઇસ્લામની દૃષ્ટિએ શું યોગ્ય અને શું અયોગ્ય તેનો વિવેક કરવા જેટલી પણ સૂધબૂધ પણ તેમનામાં નહોતી. તેઓ વૃત્તિથી સંસારી નહોતા અને ઇસ્લામમાં સંન્યાસ માટે કોઈ જગ્યા નથી એ બાબત તેમના માટે અડચણ રૂપ હતી.
જેમ શંકા અને પ્રશ્ન કરનારા મોટી સંખ્યામાં નીકળવા માંડયા અને તેમની મુત્તઝિલ્લા નામની એક જમાત બની ગઈ એમ બેખૌફ થઈને અલ્લાહને પિતા, સખા કે પ્રેમી તરીકે જોનારાઓની પણ એક જમાત બની ગઈ જે સૂફી તરીકે ઓળખવામાં આવે છે. અહીં કોઈ અલ ગઝાલી કાંઈ કરી શકે એમ નહોતા, કારણ કે આ ક્યાં બુદ્ધિ અને તર્કનો પ્રદેશ છે કે ચર્ચા કરીને જીતી કે હરાવી શકાય? મીરાં જેવાં સ્વ-ભાન ભૂલેલાઓને જગતનું કોઈ તર્કશાસ્ત્ર વાળી શકે નહીં. મીરાંઓનું તો પોતાનું જ તર્કશાસ્ત્ર હોય છે!
બીજું, જે લોકો ઈશ્વરમય હોય, સ્વભાન ભૂલેલા હોય, સંસારની બાબતમાં ઉદાસીન હોય, જેમનું પોતાનું વિશ્વ ન હોય અને પોતાના સ્વાર્થ ન હોય, પ્રલોભનોથી મુક્ત હોય એવા લોકો આપોઆપ સમાજમાં આદરનો વિષય બનવા લાગે છે. આવા આદરણીય માણસો ક્યારે પૂજનીય બની જતા હોય છે એની ખબર પણ ન પડે અને ‘લા ઇલાહ ઈલ્લલ્લાહ મુહમ્મદુર્રસૂલલ્લાહ’ તો ઇસ્લામનો મૂળમંત્ર છે. અલ્લાહ સિવાય કોઈ પૂજનીય નથી. આમ, આ ઓલિયાઓનું કરવું શું એ બીજો પ્રશ્ન પેદા થયો.
સમસ્યા એ હતી કે કોઈ વ્યક્તિ પોતે ઊઠીને પોતાને પવિત્ર, પૂજનીય અને તારણહાર ગણાવે એને તો શિર્ક જાહેર કરી શકાય અને દંડી પણ શકાય; પરંતુ અહીં તો પ્રજા તેમને આદર આપે છે અને આગળ ચાલતા પૂજે છે. તેઓ ખુદાની બરાબરી નથી કરતા, ખુદાને જુદી રીતે જુએ છે અને એ દિલ ફાડીને પ્રેમ કરનારી નજરે જુએ છે એ વાત પ્રજાને આદર આપવા માટે અને પૂજવા માટે પૂરતી લાગે છે. બીજું, તેમને આદર આપવામાં આવે છે, તેમને પૂજવામાં આવે છે, જે જગ્યાએ તેમને દફ્નાવવામાં આવ્યા હોય ત્યાં દરગાહ બાંધવામાં આવે છે, મૃત્યુના દિવસે ચાદર ચડાવવામાં આવે છે, તેમની સ્તુતિમાં ગીતો રચવામાં આવે છે, પ્રશસ્તિગાન (જેમ કે, કવ્વાલી) ગાવામાં આવે છે, ઉર્સ યોજવામાં આવે છે. આવું ઘણું બધું જેમના માટે કરવામાં આવે છે એ મૂળ પુરુષ એવા એ ઓલિયાનો તો એમાં કોઈ હાથ જ હોતો નથી. તો પછી તેમને શિર્ક કઈ રીતે જાહેર કરી શકાય? વધુમાં વધુ પ્રજાના પક્ષે બીદ્દ્ત (રસ્તો ચૂકવો) એમ કહી શકાય.
પ્રારંભમાં કહ્યું એમ ઇસ્લામ સામાજિક ધર્મ છે. એનું પોતાનું એક માળખું (બોડી રિલિજિયન) છે, ખુદા નિયંતા છે. ઇસ્લામમાં ખુદા માલિક છે અને બંદાનો તો અર્થ જ થાય છે; સેવક અથવા દાસ. મુસલમાન માટે જીવન જીવવાની આચારસંહિતા છે અને ખુદા સાથે ખૌફ્નો સંબંધ છે. આની વચ્ચે કોઈ આવીને ખુદા સાથે લાડ કરવા માંડે, હેત કરવા માંડે, ખીજાવા લાગે, રીસાવા લાગે તો એનું કરવું શું?
સૂફીઓ ઢાંચાબદ્ધ (સ્ટ્રક્ચર્ડ) અને સંહિતાપ્રચુર ઇસ્લામમાં મસ્તી લઈને આવ્યા, જેણે ઇસ્લામ સામે કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત કર્યા. પણ એ સાથે એક ભીનાશ પણ આપી. ભારતીય મુસલમાનોને આ ભીનાશનો અનુભવ થયો છે, કારણ કે કોઈ અલ ગઝાલી સૂફીઓનું વારણ કરી શક્યા નથી.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 06 ઑક્ટોબર 2019