સ્વચ્છતા શબ્દ લેટિન ભાષાનો ‘Sanitas’ પરથી ઊતરી આવ્યો, જેનો અર્થ ‘આરોગ્ય’ થાય છે. તેના પરથી ‘Sanitation’ શબ્દ બન્યો. સ્વચ્છતા જ આરોગ્ય અને પર્યાવરણના કેન્દ્રમાં રહેલી બાબત છે, તેથી વ્યક્તિગત બાબત પણ તેની સાથે જોડાયેલ છે. વ્યક્તિ પોતે જો ખૂબ જ જવાબદારી સાથે સ્વચ્છતાને પોતાના જીવન સાથે જોડી દેશે, તો ભારતમાં સ્વચ્છતાને લગતા પ્રશ્નો આપોઆપ દૂર થઈ જશે.
સ્વચ્છતાનાં ક્ષેત્રો અને ખર્ચઃ
૧. પર્યાવરણ અને ખર્ચઃ
સ્વચ્છતા સાથે પર્યાવરણનો સીધો સંબંધ રહેલો છે. આજે વૈશ્વિક સમસ્યા પર્યાવરણની છે. જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ જેવાં સ્વરૂપો પર જોખમો ઊભાં થયાં છે. આજે આ પર્યાવરણનાં સ્વરૂપો પર ગંભીરતાપૂર્વક પગલાં લેવા જરૂરી બન્યાં છે.
ખાસ કરીને અણુપ્રયોગો પાછળ થતો ખર્ચ બચાવવો, રાસાયણિક ઉદ્યોગો પર અંકુશ મૂકવા. વાહનવ્યવહારો પર ટેક્નોલૉજીનો ઉપયોગ, જંગલોનું સંરક્ષણ, પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, પ્રદૂષિત પાણીનો પુનઃ ઉપયોગ, લોકજાગૃતિ માટેના પ્રયાસો વગેરે બાબતો પાછળ થતો ખર્ચ ખરેખર ખર્ચ નથી, કારણ કે આપણને આ ખર્ચથી કાયમી ધોરણે તેનાં સારાં પરિણામો મળ્યાં કરશે. જો પર્યાવરણ પાછળ ખર્ચ થશે, તો પર્યાવરણથી થતા લાભો સમગ્ર સૃષ્ટિને બચાવી શકશે. મનુષ્યજીવનને વધુ બહેતર કરી શકાશે. પર્યાવરણ-જાળવણીનું ખર્ચ દૂઝણી ગાય સમાન છે, તેથી સરકાર કે વ્યક્તિ જો ખર્ચ કરશે, તો કાયમી ટકાઉ લાભો મળતા રહેશે અને આ રીતે તે એક ડહાપણપૂર્વકનું મૂડીરોકાણ સાબિત થશે.
૨. આરોગ્યઃ
સ્વચ્છતા સાથે આરોગ્યનો પ્રત્યક્ષ સંબંધ રહેલો છે. આરોગ્ય વ્યક્તિગત અને સામુદાયિક હોય છે. જેટલી સ્વચ્છતા એટલું જ આરોગ્ય સારું. પરંતુ આરોગ્યના કેન્દ્રમાં સ્વચ્છતા જરૂરી છે. જેટલો ખર્ચ આરોગ્ય સારુ કરવા (વ્યક્તિગત કે સામુદાયિક) કરવામાં આવે છે, તેના કરતાં સ્વચ્છતા પાછળ ખર્ચ કરવામાં આવે, તો આરોગ્યના પ્રશ્નો દૂર થઈ જાય. ગ્રામ-નગરસફાઈ, શાળા-કૉલેજ સફાઈ, ઉકરડા પર પ્રતિબંધ, આરોગ્ય શિક્ષણ, જંતુનાશક દવાનો ઉપયોગ, રોગચાળા- માંદગી, હૉસ્પિટલ, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો જેવી જગ્યાઓમાં સ્વચ્છતા જળવાય અને જાગૃતિ અને સભાનતા કેળવાય, તે માટે થતો ખર્ચ ખરેખર મૂડીરોકાણ બની જાય છે. જેમ વ્યક્તિ પોતાના મકાનમાં અને આસપાસમાં સ્વચ્છતા જાળવે છે, તેથી તેઓનું આરોગ્ય જળવાય અને તેની પાછળના ખર્ચને બચાવી શકે છે તેમ જ પોતાના માટે સમુદાયની પણ સ્વચ્છતા રાખે, તો આરોગ્યની પાછળ ખર્ચ કરવા કરતાં સ્વચ્છતાની પાછળ ખર્ચ એ મૂડી રોકાણ બની રહેશે. પરિણામે વ્યક્તિગત અને સામુદાયિક રીતે આરોગ્યની પાછળના ખર્ચ બચી શકશે અને કાયમી ધોરણે તેનાં સારાં પરિણામો મેળવી શકાશે.
૩. શિક્ષણઃ
શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેનાથી પરિવર્તનો લાવી શકાય છે. જો સ્વચ્છતા અંગે જાગૃતિ કે સભાનતા લાવવી હશે, તો શિક્ષણને પ્રબળ બનાવવું પડશે. સ્વચ્છતા અંગેનું સામાજિકીકરણ શિક્ષણથી આપી શકાય. બાળકોને શાળાના માધ્યમથી સ્વચ્છતાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે, તો તેના જીવનનો એક ભાગ બની જાય. પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણના તબક્કે સ્વચ્છતાને અભ્યાસક્રમનો એક ભાગ બનાવી દેવામાં આવે. વિવિધ સેમિનાર, વ્યાખ્યાનો, અભિયાનો, કાર્યશિબિર યોજવી જેવા પ્રયત્નો કરવા તેમ જ આ ક્ષેત્રે કામ કરનારાને પ્રોત્સાહિત કરવા.
આ સ્વચ્છતાના શિક્ષણ માટે, તેની જાગૃતિ માટે પ્રોત્સાહન આપવું, તે માટે ખર્ચ થતો હોય છે. આ વ્યક્તિગત વિવિધ એન.જી.ઓ., સરકાર, ઉદ્યોગો સી.એસ.આર. દ્વારા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્વચ્છતાના શિક્ષણ પાછળનું ખર્ચ મર્યાદિત છે. જો આ ખર્ચ પૂરતાં પ્રમાણમાં કરવામાં આવે, તો એ મૂડીરોકાણ સાબિત થઈ શકે. સ્વચ્છતાના સામાજિકીકરણમાં શિક્ષણનો બહુમૂલ્ય ફાળો છે, માટે પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ સુધી આ વિષય અભ્યાસક્રમનો ભાગ બનાવી દેવામાં આવે, તો બહુ ઓછા ખર્ચમાં મૂડીરોકાણ બની જશે તેમ જ સ્વચ્છતાના શિક્ષણ માટેના પ્રોત્સાહનથી પણ ઉત્સાહ વધશે, જે કાયમી ધોરણે લોકોમાં સભાનતા લાવી શકશે. અન્ય પ્રયત્નો કરતાં સ્વચ્છતાનું શિક્ષણ વધુ પ્રભાવી મૂડીરોકાણ બની જશે, જે કાયમી રીતે સારાં પરિણામો આપી શકે.
૪. સરકાર અને ખર્ચઃ
ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા છેલ્લા દસકામાં સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળતો થયો છે તેમ જ તેની સ્વચ્છતા પાછળ ફરજો પણ છે. બંને સરકારો સ્વચ્છતા પ્રત્યે કાર્યક્રમો, યોજનાઓ, મિશનો, અનુદાન-જાગૃતિ અંગેના પ્રયાસો, પુરસ્કારો, પ્રોત્સાહનો, શૌચાલયો બનાવવાં વગેરે બાબતો પ્રત્યે પ્રયત્નશીલ છે, જે રીતે નિર્મળ ગ્રામયોજના, સ્વર્ણિમ ગ્રામ, સંપૂર્ણ સ્વચ્છતા, આંગણવાડી, પાણી પુરવઠા, ગટરયોજના, શૌચાલય યોજના, નિર્મળ ગ્રામ પુરસ્કાર, વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, પ્રદર્શનો, સમૂહ-માધ્યમોનો ઉપયોગ વગેરે પાછળ ખર્ચ કરીને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ લાવવાના પ્રયાસો થાય છે. ખર્ચ તો થાય છે, પરંતુ ભારતની અતિ વસ્તી અને તેની મર્યાદિત સભાનતાના લીધે આ ખર્ચના સારાં અને ઝડપી પરિણામો લાવી શકાતાં નથી, આથી સરકારે વધુ ખર્ચ કરી તે ખર્ચ પાછળની તકેદારી અને ગંભીરતા લાવવી, તે બાબત જ હકીકતમાં મૂડીરોકાણ બનશે. માત્ર ખર્ચ નહીં, પરંતુ સરકાર દ્વારા ખર્ચ સાચા અર્થમાં મૂડીરોકાણ બની જાય એ મહત્ત્વનું છે. માત્ર ખર્ચ કરવાની જ જવાબદારી ગણવાના બદલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત જવાબદારી બનશે, તો સમગ્ર ભારતમાં કાયમી ટકાઉ મૂડીરોકાણ બની રહેશે.
૫. ગંદા વસવાટોઃ
સ્વચ્છતાનો સીધો સંબંધ ગંદા વસવાટ સાથે છે. આપણાં મહાનગરોની મોટી સમસ્યા ગંદા વસવાટો છે. આવા વસવાટોમાં પ્રાથમિક સુવિધાઓ-સવલતો હોતી નથી, જેમ કે પીવાનું પાણી, લાઇટ, રોડ, શૌચાલય, બાથરૂમ વગેરે તેમ જ આવા વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓ, ગંદા પાણીનાં તળાવ, ઉકરડા હોય છે, આથી શહેરોમાં અસ્વચ્છતા અને આરોગ્યના પ્રશ્નો ઉદ્ભવે, શહેરોનું પર્યાવરણ અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. જો આવા વિસ્તારોમાં ખર્ચ કરી આવી પરિસ્થિતિઓ દૂર કરવામાં આવે અને કાયમી ધોરણે આ વસવાટો દૂર થાય, ત્યાંના લોકોની દારુણ સ્થિતિ દૂર કરી નવી વ્યવસ્થા કરવામાં આવે તો તેની પાછળ કરેલું ખર્ચ વાસ્તવમાં ખર્ચ ન રહેતા પર્યાવરણ અને લોકોની તકેદારીમાં અને જીવનશૈલીમાં રોકાણ બની રહે છે અને કાયમી ધોરણે શહેરોમાં કલંક સમાન સમસ્યાને દૂર કરી શકાય.
૬. સ્વચ્છતા – બાળકલ્યાણઃ
આજે વિશ્વના દેશો ભાવિ પેઢીના કલ્યાણ માટે સભાન બન્યા છે. કારણ કે આ ભાવિ પેઢી આવતી કાલનાં નાગરિકો છે અને તેના દ્વારા દેશની પ્રગતિ અને વિકાસ થઈ શકશે. ભારતના સંદર્ભમાં જોઈએ તો સરકાર દ્વારા બાળકલ્યાણના કાર્યક્રમો દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પાછળ બાળકના જન્મ પહેલાં, જન્મ દરમિયાન, જન્મ બાદ અને બાળક કિશોરાવસ્થામાં પહોંચે, ત્યાં સુધી તેની તંદુરસ્તી, સ્વચ્છતા, રોગપ્રતિકારાત્મક દવાઓ, રસીકરણ અને સ્વસ્થ ઉછેર પાછળ અનેક ગણો ખર્ચ કરે છે. દેશની નવી પેઢી તંદુરસ્ત હશે, તો દેશનો વિકાસ વધુ હશે. આવી બાબતને ધ્યાનમાં રાખી માત્ર સરકાર જ નહીં, પણ કુટુંબીજનો પણ સભાન હોય છે અને તેની પાછળ આયોજન, યોજનાઓ અને બાળ કલ્યાણ કાર્યક્રમો કરવામાં આવે છે. કુટુંબ નિયોજન-કાર્યક્રમો અને ગર્ભ ધારણ કરેલા મહિલાના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બાળક જન્મે તે માટે ખર્ચ કરવામાં આવે છે. તે નવી પેઢીમાં એક પ્રકારનું રોકાણ છે અને આવું રોકાણ એ કુટુંબ- સમાજ અને દેશના વિકાસમાં, પ્રગતિમાં ઊગી નીકળે છે, આથી આવું ખર્ચ ભવિષ્ય માટે રોકાણ બની રહે છે.
૭. સ્વચ્છતા – કામદારો અને ખર્ચઃ
ઉદ્યોગો અને કામદારો સાથે સ્વચ્છતા સીધી રીતે જોડાયેલી છે. આથી જ ઈ.સ. ૧૯૪૮ના ઇન્ડસ્ટ્રિયલ ઍક્ટમાં કામદારોનાં સ્વાસ્થ્ય માટે કેટલાક નિયમો ઉદ્યોગો માટે ફરજિયાત બનાવ્યા છે. જેમ કે કામદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, બાથરૂમ, કૅન્ટીન, ગટર યોજના, શુદ્ધ હવા પૂરતો પ્રકાશ, યાંત્રિક સંરક્ષણ-સલામતી, સ્વચ્છતા, સુરક્ષા, કાર્યસંતોષ વગેરે બાબતો ઉદ્યોગોના ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો છે. સરકારી કે ખાનગી ઉદ્યોગો આ બધી બાબતો અંગે કાળજી લે, તો તેનાથી ઉત્પાદન વધશે અને કામદારોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બની રહેશે અને કાર્યસંતોષ વધશે, જે ઉદ્યોગોના નફાને વધારશે. આ બધી બાબતોની કાળજી લેવામાં ઉદ્યોગોના માલિકોને ખર્ચ કરવો પડે અને આ ખર્ચ હકીકતમાં મૂડીરોકાણ જ બની રહે છે, કારણ કે આ ખર્ચથી કામદારો ઉદ્યોગોનો નફો રળી આપે છે. તેની સલામતી અને ભવિષ્યની સુરક્ષાનું ખર્ચ પરિણામે રોકાણ બની રહે છે.
૮. સ્વચ્છતા – સમુદાયો અને ખર્ચઃ
આથી જ ભારતમાં આજે સ્વચ્છતા માટેની જે જાગૃતિ અને સભાનતા વધી છે, તેને સમગ્ર પ્રજાજનોએ આવકારી છે. લોકજુવાળ અને જીવનશૈલીમાં સ્વચ્છતાને આવકારી એ વિશ્વમાં નોંધનીય બાબત બની છે. ભારતના ઇતિહાસમાં આ સભાનતા અંગે વિશ્વએ નોંધ લીધી છે.
[શામળદાસ આટ્ર્સ કૉલેજ, ભાવનગર]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 13 − 15