Opinion Magazine
Number of visits: 9449953
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત ૨૦૧૯, અર્થપ્રકરણી પૂર્વરંગ

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 September 2019

પુસ્તક – અર્થવાસ્તવ : પહેલી આવૃત્તિ – જુલાઈ 2019; પૃ. 10+ 170 : પ્રકાશક – ગુજરાતવિશ્વકોશ ટૃસ્ટ : મુખ્ય વિક્રેતા – ગુર્જર સાહિત્ય ભવન અને ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ : કિંમત – રૂ. 170

પ્રસ્તુત લેખસંગ્રહમાં સમાવિષ્ટ ૨૧ લેખો પૈકી ત્રણ લેખોને બાદ કરતાં બાકીના ૧૮ લેખો અર્થશાસ્ત્રીય મુદ્દાઓ પર લખાયેલા છે. આ લેખો ૧૯૮૯થી ૨૦૧૮નાં વર્ષોમાં લખાયા છે, પણ કોઈક રીતે તે આજે પ્રસ્તુત બની શકે તેમ છે. આઠ લેખો દેશમાં અપનાવવામાં આવેલી આર્થિક વિકાસ માટેની નીતિને સ્પર્શે છે. એ ગ્રંથનો મુખ્ય ભાગ હોવાથી તેની ચર્ચા થોડી વિગતે કરી છે.

દેશના ઝડપી અને સમાનતાકારક આર્થિક વિકાસ માટે આપણે રાજ્યની વિસ્તૃત ભૂમિકા સાથેની સમાજવાદી નીતિ પંડિત નેહરુના શાસનકાળમાં અપનાવી હતી. એ ઔપચારિક રીતે ૧૯૯૧માં નરસિંહરાવના શાસનમાં મનમોહનસિંઘે નવી આર્થિક નીતિની જાહેરાત કરી ત્યાં સુધી ચાલુ રહી.

આ નીતિની પાછળની ઐતિહાસિક ભૂમિકા બે લેખોમાં સ્પષ્ટ કરવામાં આવી છે : (૧) ‘નેહરુની આર્થિક નીતિઓનો સંદર્ભ’ અને (૨) ‘ભારતની આર્થિક નીતિમાં ડોકિયું’. આ બીજા લેખમાં દેશની આર્થિક નીતિના સંદર્ભમાં આઈ.જી. પટેલનાં સ્મરણો નોંધવામાં આવ્યાં છે. તેમાં બે અવલોકનો ધ્યાનપાત્ર છે : ‘દેશમાં આયોજનનો સાચો આરંભ બીજી પંચવર્ષીય યોજનાથી થયો હતો. તેમાં જાહેર (સરકારી) ક્ષેત્રે મોટી ભૂમિકા પોતાને હસ્તક રાખી હતી અને ખાનગી ક્ષેત્રને મર્યાદિત ભૂમિકા સોંપવામાં આવી હતી. આર્થિક નીતિવિષયક આવો મોટો નિર્ણય કશીયે ચર્ચા વિના જ લેવાયો હતો.’ મહત્ત્વની વાત તો આઈ.જી.પટેલે એ નોંધી છે કે જે પરવાના-પદ્ધતિ દેશમાં લગભગ ચાર દસકા ચાલી તેના વિશે કોઈ પાયાની વિચારણા જ કરવામાં આવી ન હતી.’ દેશના કરોડો લોકોને સ્પર્શતા આર્થિક નીતિવિષયક નિર્ણયો પુખ્ત વિચારણા કર્યા વિના કરવાનો આ સિલસિલો આજે પણ ચાલુ છે તેનો ઇશારો ‘નોટબંધીનું પોસ્ટમોર્ટમ’માંથી સાંપડે છે.

નવી આર્થિક નીતિનો અમલ ધીમા પગલે અને કશીયે જાહેરાત વિના ૧૯૮૦ પછીનાં વર્ષોમાં થયો હતો. પરંતુ જૂની નીતિનો ત્યાગ કરીને નવી બજારવાદી નીતિનો વિધિવત્ ‌અમલ કરવા માટે સરકારે ૧૯૯૦-૧૯૯૧ની વિત્તીય કટોકટીની જરૂર પડી હતી. એની પાછળ રહેલા રાજકારણની ચર્ચા ‘આર્થિક કટોકટી અને રાજકારણ’માં કરવામાં આવી છે. ૨૦૧૪માં ભા.જ.પ.ના વડપણ નીચે રચાયેલી સરકાર પાસે નિર્ણાયક બહુમતી હોવાથી એ સરકાર મોટા અને પાયાના આર્થિક સુધારા કરશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પણ અપેક્ષા રાખવામાં આવી હતી તે પ્રમાણે તેણે મજૂર-કાયદામાં સુધારા ન કર્યા અને સરકારી સાહસોનું ખાનગીકરણ ન કર્યું. કામદારો – કર્મચારીઓના વિરોધનો સામનો કરવા માટે રાજકારણીઓને વિત્તીય કટોકટી જેવી કોઈ મજબૂરીની જરૂર પડે છે. એવી કોઈ કટોકટી સર્જાઈ ન હોવાથી સરકારે મોટા આર્થિક સુધારા પણ કર્યા નહીં.

નવી આર્થિક નીતિની પાછળ બજારવાદી અર્થશાસ્ત્રીઓની વિચારધારા રહેલી છે. જી.ડી.પી.ની ઊંચા દરે થતી વૃદ્ધિ એની ધ્યાનમૂર્તિ છે. એ માટે બજારપ્રથા અત્યંત કાર્યક્ષમ છે તેવું પ્રતિપાદન આ અર્થશાસ્ત્રીઓએ અમૂર્ત મૉડલ રચીને કર્યું છે. એનો અર્થશાસ્ત્રીય વિવાદ અહીં પ્રસ્તુત નથી પણ જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર હાંસલ કરવા માત્રથી દેશની બધી સમસ્યાઓનો ઉકેલ સાંપડતો નથી એની ચર્ચા ‘નવી આર્થિક નીતિ’ અને ‘જી.ડી.પી. કોઈ જાદુઈ છડી નથી’ એ લેખોમાં કરવામાં આવી છે. જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદર છતાં રોજગારી અપેક્ષા પ્રમાણે ન વધવાથી બેકારીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે અને વધેલી આવકની વહેંચણીમાં તીવ્ર અસમાનતા માલૂમ પડી છે. પૂર્વ એશિયામાં ચીન, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં બજારવાદી નીતિને જેવી અને જેટલી સફળતા સાંપડી છે તેવી અને તેટલી સફળતા તેને ભારતમાં સાંપડી નથી. વિકાસ અંગેના આપણા પ્રશ્નો વિશિષ્ટ છે અને આપણે નોખી સંસ્કૃતિ ધરાવીએ છીએ. તેથી આપણી વિકાસનીતિની બાબતમાં આપણે મૌલિકતા દાખવવી પડે, આપણે ‘સ્વદેશી’ થવું પડે. આ મુદ્દાની ચર્ચા ‘ગાંધીજી, સ્વદેશી અને આર્થિક સ્વરાજ’માં થોડી વિગતે કરવામાં આવી છે. એ વિચારનું મૂળ ગાંધીજીના પ્રથમ પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં રહેલું છે.

‘હિંદ સ્વરાજ’ એ ગાંધીજીનું અત્યંત વિવાદાસ્પદ બનેલું પુસ્તક છે. એ પુસ્તકના પ્રથમ બે વાચન પછી મને પણ એ પુસ્તક તદ્દન જૂનવાણી અને નવી અવતરેલી ઔદ્યોગિક સંસ્કૃતિના પ્રત્યાઘાત રૂપે રચાયેલું લાગેલું, પણ બે વિદેશી વિદ્વાનોના ગાંધીવિચાર અંગેનાં પુસ્તકોના વાચનથી ‘હિંદ સ્વરાજ’ વાંચવાની દૃષ્ટિ મળી. તે પછી તેના ત્રીજા વાચને મને ‘હિંદ સ્વરાજ’ જે રીતે સમજાયું તે મેં ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’ એ લેખમાં દર્શાવ્યું છે. ગાંધીજી માટે દેશના રાજકીય સ્વરાજ કરતાં સાંસ્કૃતિક સ્વરાજ અને સાંસ્કૃતિક સ્વરાજ કરતાં વ્યક્તિનું સ્વરાજ વિશેષ મૂલ્યવાન હતું. વ્યક્તિ સ્વરાજ ભોગવી શકે એવા સમાજનું ‘વિઝન’ ગાંધી પાસે હતું. ‘હિંદ સ્વરાજ’ને આ દૃષ્ટિએ વાંચવાનું છે.

‘ભારતના વિકાસ અંગે ગાંધીજી અને નેહરુના વિચારભેદ’ એ લેખમાં ગાંધીવિચારના માર્ગે ભારત કેમ ન ચાલી શક્યું તેનો ખુલાસો સાંપડે છે અને પંડિત નેહરુની વિચારસૃષ્ટિનો પરિચય થાય છે. નેહરુ દેશના શિક્ષિત યુવાનોના ભારતના વિકાસ અંગેના વિચારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તે ‘ભારતની આર્થિક નીતિમાં ડોકિયું’માં વાંચવા મળે છે.

‘ભારતમાં બજારની વિસ્તરતી ભૂમિકા’માં ઝડપી બનેલા આર્થિક વિકાસથી દેશમાં આવેલાં કેટલાંક પરિવર્તનોની ચર્ચા કરવામાં આવી છે. કુટુંબથી શરૂ કરીને આરોગ્યસેવા, શાસ્ત્રીય સંગીત જેવાં કલાનાં ક્ષેત્રો, ક્રિકેટ જેવા રમતના ક્ષેત્ર વગેરેમાં બજારનો જે પ્રવેશ થયો છે તે તેમાં વર્ણવવામાં આવ્યું છે.

‘શિક્ષણ : રાજ્યે ઘટાડેલી જવાબદારી’માં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે રાજ્યે તેની નાણાકીય જવાબદારીમાં જે મોટો ઘટાડો કર્યો છે તેની ચર્ચા કરવામાં આવી છે. આ વલણ ભારતમાં જ અસ્તિત્વમાં આવ્યું નથી, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ તે જોવા મળે છે. એની પાછળનાં પરિબળોની ચર્ચા આ લેખમાં કરવામાં આવી છે.

આ ચર્ચાના એક આનુષંગિક મુદ્દાની અહીં નોંધ લેવા જેવી છે. દેશમાં ૧૯૬૬માં કોઠારી પંચનો હેવાલ પ્રગટ થયો ત્યારથી જી.ડી.પી.ના છ ટકા જેટલું ખર્ચ રાજ્યે શિક્ષણ પાછળ કરવું જોઈએ એવી ભલામણ પંચે કરી છે એ વાત ભારપૂર્વક વારંવાર કહેવાતી આવી છે. પણ હકીકત જુદી છે : કોઠારી પંચે ૧૯૮૫-૮૬માં શિક્ષણ પાછળ થનાર કુલ ખર્ચ, તેમાંનું કેટલું ખર્ચ રાજ્ય ભોગવશે અને એ વર્ષે દેશની જી.ડી.પી. કેટલી હશે એ વિશે વિવિધ ધારણાઓના આધારે અંદાજો મૂક્યા હતા. એ અંદાજોના આધારે પંચે એવી ગણતરી કરી હતી કે ૧૯૮૫-૮૬ના વર્ષમાં સરકારનું શિક્ષણ પાછળનું ખર્ચ જી.ડી.પી.ના છ ટકા જેટલું હશે, જે ૧૯૬૫-૬૬માં ત્રણ ટકાથી ઓછું હતું. આમ રાજ્યે શિક્ષણ પાછળ જી.ડી.પી.ના છ ટકા ખર્ચવા જોઈએ એવો કોઈ નીતિવિષયક આદર્શ કોઠારી પંચે રજૂ કર્યો નહોતો. પંચોના હેવાલો કેટલા ઉપર ઉપરથી વંચાય છે તેનો આ એક નમૂનો છે.

અર્થશાસ્ત્રની ઓળખ એક સામાજિક વિજ્ઞાનની છે, પણ પ્રાકૃતિક વિજ્ઞાનોની જેમ તે સાચી આગાહીઓ કરી શકતું નથી. અર્થશાસ્ત્રીઓ વચ્ચે મોટા મતભેદો પ્રવર્તે છે અને મુખ્ય પ્રવાહથી જુદો મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ પરત્વે કેટલી ઉપેક્ષા સેવવામાં આવે છે તે ભારત અને અમેરિકાનાં ઉદાહરણો લઈને ‘આર્થિક આગાહીઓ : કેટલી ભરોસાપાત્ર?’ એ લેખમાં વિગતે વર્ણવાયું છે.

વિકાસના માપદંડ તરીકે જી.ડી.પી.ના વિકલ્પે માનવવિકાસનો ખ્યાલ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક, ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અને અન્ય અર્થશાસ્ત્રીઓએ ૧૯૯૦માં રજૂ કર્યો હતો અને દુનિયાના વિવિધ દેશોના માનવવિકાસ અંગેનો પ્રથમ હેવાલ પણ ૧૯૯૦માં પ્રગટ કરવામાં આવ્યો હતો. ત્યારથી શરૂ કરીને એ હેવાલ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા દર વર્ષે પ્રગટ કરવામાં આવે છે. પ્રભાવક બનેલી વિકાસ અંગેની આ વિચારણાની સમીક્ષા ‘માનવવિકાસ – અભિગમ : એક સમાલોચના’ એ લેખમાં કરવામાં આવી છે. માનવવિકાસના એક નમૂનારૂપ ઉદાહરણ તરીકે કેરળનો દાખલો ટાંકવામાં આવતો હતો. તેથી કેરળના માનવવિકાસને એના ઇતિહાસમાં જઈને તપાસવામાં આવ્યો છે અને તેની મર્યાદાઓ દર્શાવવામાં આવી છે.

રશિયા અને પૂર્વ યુરોપના અન્ય દેશોમાંથી સામ્યવાદની વિદાય પછી આજે મૂડીવાદી પ્રથાનો કોઈ વિકલ્પ દુનિયાના દેશો પાસે રહ્યો નથી. અલબત્ત, મૂડીવાદી સમૃદ્ધિ સર્જવામાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે પણ તે સાથે તેની મર્યાદાઓ પણ મોટી છે. આ પ્રશ્નોની ચર્ચા ‘મૂડીવાદનો વિકલ્પ શું છે?’ એ લેખમાં કરવામાં આવી છે.

આપણા દેશમાં મજબૂત નેતા અને સ્થિર સરકારનો દેશના વિકાસમાં સંદર્ભમાં બહુ મહિમા કરવામાં આવે છે. આ મહિમા રાજકારણીઓ પોતે જ કરતા હોય છે. પણ સમગ્ર દેશ અને વિવિધ રાજ્યોના સંદર્ભમાં તથાકથિત મજબૂત નેતા અને વિકાસ વચ્ચે કેવો અને કેટલો સંબંધ છે તે એક લેખમાં તપાસવામાં આવ્યું છે. ‘દૃઢ’ નેતૃત્વ અને વિકાસ. એનું તારણ સ્પષ્ટ છે : આપણે ઉદ્ધારકની માનસિકતાથી બચવાનું છે.

પંદરમીથી અઢારમી સદી દરમિયાન દેશમાં અને વિદેશોમાં નાણાવટના કેન્દ્ર તરીકે અને વીસમી સદીના પૂર્વાર્ધમાં દેશના માંચેસ્ટર તરીકે ખ્યાત અમદાવાદની આર્થિક ચડતીપડતીનો ઇતિહાસ ‘અમદાવાદનાં ૬૦૦ વર્ષ : આર્થિક આલેખ’માં વર્ણવાયો છે. તેનું એક નોંધપાત્ર પાસું છે : ઇંગ્લૅન્ડ આદિ યુરોપના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી બજાર-આધારિત જે અર્થવ્યવસ્થા વિકસી હતી તેવી વ્યવસ્થા અમદાવાદ અને ગુજરાતનાં અન્ય કેટલાંક નગરોમાં વિકસી હતી. રાજ્યની ભૂમિકા વ્યવસ્થા (ઑર્ડર) જાળવવા પૂરતી મર્યાદિત હોય તો પણ ઉદ્યોગધંધા મોટા પ્રમાણમાં વિકસી શકે એવું પણ અમદાવાદના આર્થિક ઇતિહાસમાંથી ફલિત થાય છે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસની બાબતમાં વીસમી સદીના છેલ્લા બે દસકામાં વાઇબ્રન્ટ બની ગયું હતું. એની થોડી વિગતે ચર્ચા ‘ગુજરાત વાઇબ્રન્ટ ક્યારથી બન્યું છે?’ એ લેખમાં કરવામાં આવી છે. એ વર્ષોમાં ગુજરાતને મુખ્યમંત્રીના રૂપમાં કોઈ ‘વિકાસ-પુરુષ’ નહોતા મળ્યા તોપણ ગુજરાત ઉદ્યોગના ક્ષેત્રે વાઇબ્રન્ટ બન્યું હતું તે એક નોંધપાત્ર બાબત છે.

ડૉલરની કિંમત રૂપિયામાં રોજેરોજ બદલાતી રહે છે. ક્યારેક એ વધઘટ બહુ મોટી હોય છે. ૨૦૧૮ના ઑક્ટોબરમાં ડૉલરની કિંમતમાં ૧૫ ટકા જેવો મોટો વધારો થયો હતો. રૂપિયામાં ડૉલરની કિંમતમાં આવી મોટી વધઘટ કેમ થાય છે, તેની સમજૂતી ‘ગબડતો રૂપિયો’માં આપી છે. એ એક ‘કેસ સ્ટડી’ છે. બીજા કિસ્સામાં જવાબદાર પરિબળો નોખાં હોઈ શકે. મુદ્દો એ છે કે હૂંડિયામણના દરને રાષ્ટ્રીય ગૌરવ સાથે સાંકળવાનો નથી. એ પણ એક કિંમત જ છે.

વીસમી સદીના છેલ્લા દસકામાં અને ૨૧મી સદીની શરૂઆતમાં વૈશ્વિકીકરણ ચર્ચાનો એક વિવાદાસ્પદ મુદ્દો હતો. વૈશ્વિકીકરણ સામે ઠેર ઠેર દેખાવો થતા હતા. પણ ૨૦૦૮માં અમેરિકામાં સર્જાયેલી વિત્તીય કટોકટી અને એના પગલે આવેલી મંદી પછી વૈશ્વિકીકરણ ભુલાઈ ગયું છે. આર્થિક ચર્ચાની દૃષ્ટિએ ભૂતકાળ બની ગયેલા વૈશ્વિકીકરણની થોડી ચર્ચા ‘વૈશ્વિકીકરણ સામેનો અસંતોષ’માં કરી છે.

આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી સંખ્યા – જાતિ ગુણોત્તર – (sex ratio)નો પ્રશ્ન ભ્રૂણહત્યાના સંદર્ભમાં ચર્ચાવામાં આવે છે. ગુજરાતમાં ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૧૯ સ્ત્રીઓ છે. સમગ્ર દેશમાં એ પ્રમાણ ૯૩૩ સ્ત્રીઓનું છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં ૧,૦૦૦ પુરુષોની સામે ૧,૦૦૦થી વધારે સ્ત્રીઓ માલૂમ પડે છે. પણ ગુજરાતમાં સ્ત્રીઓની આ ‘ખાધ’નો પ્રશ્ન કેટલીક જ્ઞાતિઓમાં ૧૯મી સદીના છેલ્લા બે દસકાઓમાં પણ માલૂમ પડ્યો હતો. તેથી સ્ત્રીઓની આ ખાધનો પ્રશ્ન કેવળ ભ્રૂણહત્યાનું પરિણામ નથી. એની પાછળ બીજાં કારણો પણ હોવાં જોઈએ એવું ‘સ્ત્રીઓની ખાધ’એ લેખમાંથી ફલિત થાય છે.

ગુજરાતીમાં અર્થશાસ્ત્રીય વિષયો પર બિનપાઠ્યપુસ્તકીય અલ્પ સાહિત્ય ઉપલબ્ધ છે. અન્ય શાસ્ત્રો અને વિજ્ઞાનો માટે પણ આ વિધાન કરી શકાય. યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતી માધ્યમ અપનાવવામાં આવ્યું ત્યારે એક અપેક્ષા હતી : વિવિધ વિષયોનું જ્ઞાન ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. પણ એ આશા સંતોષાઈ નથી. આપણી યુનિવર્સિટીઓ એ દિશામાં કોઈ પ્રદાન કરી શકી નથી. જ્ઞાનનું વિસ્તરણ અને સર્જન એ યુનિવર્સિટીનાં મુખ્ય કાર્યો છે. આ અર્થમાં ગુજરાતમાં યુનિવર્સિટીનું અવતરણ થયું નથી.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે જ્ઞાનના વિસ્તરણનું યુનિવર્સિટીનું એક કાર્ય ઉપાડી લીધું છે. તે માટે તેણે વિશ્વકોશના ૨૫ ગ્રંથો પ્રગટ કર્યા છે અને તે સાથે વિવિધ વિષયોના ગ્રંથો પણ પ્રગટ કર્યા છે. એ પ્રવૃત્તિના એક ભાગરૂપે  અર્થશાસ્ત્રીય વિષયો પરના લેખોનો આ સંગ્રહ થઈ રહ્યો છે. કુમારપાળ દેસાઈના આગ્રહમિશ્રિત સૂચનનું એ પરિણામ છે. મારા ગુજરાતીમાં લખાયેલા અર્થશાસ્ત્રીય લેખો ગ્રંથસ્થ થાય એ મારા માટે કલ્પનાતીત હતું પણ કુમારપાળભાઈએ શક્ય બનાવ્યું. તે માટે હું સાચે જ તેમનો અને વિશ્વકોશ ટ્રસ્ટનો આભારી છું. પ્રીતિબહેન શાહે આ ગ્રંથની જે માવજત કરી છે તેની સાભાર નોંધ લઉં છું. ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના અધ્યાપક અશ્વિન ચૌહાણે આ ગ્રંથ તૈયાર કરવામાં સંપાદકીય કામગીરી કરી એની પણ આનંદપૂર્વક નોંધ લઉં છું.

તા. ૩-૫-૧૯

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 08, 09 તેમ જ 07

Loading

2 September 2019 admin
← ભાષાકારણ
લેખક હોવું એટલે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved