હૈયાને દરબાર
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દીવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’
વ્હાલમ (૪) ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ઉંહું
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
• કવિ : મૂકેશ માલવણકર • સંગીતકાર અને ગાયક : પરેશ ભટ્ટ
વરસાદની આ ભીની ભીની મોસમને અનુરૂપ આથી વધારે ઉત્તમ ગીત કયું હોઈ શકે? પ્રેમથી તરબતર બે હૈયાં એક છત્રી નીચે ભીંજાયાં હશે, ત્યારે કદાચ આ ગીતનો ઉદ્ભવ થયો હશે. પાણીના અનેક રંગની જેમ સ્ત્રીની સંવેદનાનો એક આ પણ રંગ છે. વિરહની વેદનાનાં આસું આંખથી છલકાય છે, છતાં વ્હાલમની સ્મૃતિઓ દિલને તરબતર કરી દે છે. વ્હાલમોની ફિતરત જ કદાચ તરબતર ભીંજવીને છૂ થઈ જવાની હોય છે! પેલું એક ગીત ફિલ્મી છે ને, ઈતના ન મુઝ સે તૂ પ્યાર બઢા કિ મૈં એક બાદલ આવારા, કૈસે કિસી કા સહારા બનું, કિ મૈં ખુદ બેઘર બેચારા …!
વરસાદમાં પોતાના વ્હાલમની ગેરહાજરીથી શુષ્કતા અનુભવતી પ્રિયતમા, અલબત્ત, પછીથી પ્રિયતમના આગમન પછીની કલ્પનામાં પુષ્કળ ભીંજાય છે.
ગીતના રચયિતા મૂકેશ માલવણકર મૂળ મહારાષ્ટ્રીયન હોવા છતાં જન્મે અને કર્મે શુદ્ધ ગુજરાતી છે. વડોદરા આકાશવાણી કેન્દ્ર સાથે વીસ વર્ષ સંકળાયેલા માલવણકરે દોઢસોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે, અઢળક પુરસ્કારો-એવોર્ડ્સ મેળવ્યાં છે. દેશ રે જોયા દાદા પરદેશ રે જોયાં ફિલ્મનાં એમનાં ગીતો રેકોર્ડ બ્રેકિંગ પુરવાર થયાં છે. મનહર ઉધાસને કંઠે ગવાયેલા એમના ગીત દીકરી મારી લાડકવાયીએ અપાર લોકચાહના મેળવી છે, તથા મનહર ઉધાસના નવા આલ્બમમાં લેવાયેલું સાસરે જતી દીકરીનું ગીત એથી ય વધુ લોકપ્રિય થશે એમ મનહરભાઈ માને છે.
કવિ મૂકેશ માલવણકર એકલ દોકલ ગીત વિશે રસપ્રદ વાત કરે છે, "હું અને પરેશ ભટ્ટ ખાસ મિત્રો. એક વાર વરસાદની ઋતુમાં હું ભૂજથી રાજકોટ બસમાં પ્રવાસ કરી રહ્યો હતો અને સૂરજબારી પૂલ પર અચાનક મને છૂ શબ્દ સૂઝ્યો. રાહ જોતી પ્રિયતમાને છોડીને ચાલી જતા વ્હાલમ માટે ‘ગયો’ શબ્દ પણ મને ભારે લાગતો હતો. લાગણીના ઉભરાને પંપાળીને વરસાદમાં ભીંજાઈ રહેલી પ્રિયતમા હજુ તો પ્રેમના ધોધમાં પૂરેપૂરી ભીંજાય એ પહેલાં તો વ્હાલમ છૂ થઈ જાય છે! એ વાત અચાનક મનમાં સ્ફૂરી અને શબ્દો ઊતરવા લાગ્યા. પાસે કાગળ પેન્સિલ કંઈ ન હોવાથી આખું ગીત મેં મારી હથેળીમાં લખી દીધું.
રાજકોટ જઈ સીધો પહોંચ્યો આકાશવાણી પર પરેશને મળવા. હાથમાં લખેલું ગીત જોઈ એ અચંબિત થઈ ગયો. ગીત એને એટલું ગમી ગયું કે એ જ વખતે એણે કમ્પોઝ કરી દીધું. છૂ શબ્દને એણે જે રીતે સંગીતબદ્ધ કર્યો એ જબરજસ્ત હતો. કમ્પોઝ કરવામાં આ ગીત ઘણું અઘરું હતું કારણ કે એમાં કહન છે, અભિનય છે. વ્હાલમ શબ્દ મેં ચાર વાર એટલે લીધો કેમ કે તો જ એની ધારી અસર પડે એમ હતી. પરેશે ચાર જુદી રીતે એ રજૂ કરીને કમાલ કરી હતી. એમાં ય ‘રોકાઈ જા’ શબ્દ તો એણે જે અદ્દભુત રીતે ગાયો છે એવો આજ સુધી કોઈ કલાકારે ગાયો નથી. પ્રિયતમને રોકાઈ જવા કરવામાં આવેલી વિનંતી આબેહૂબ એણે ગાઈ અને પછીની પંક્તિ, તો એ કહે – ઉંહું…માં એ ફક્ત ખભો જ ઉલાળતો અને ઉમાશંકર જોશી સહિત ઉપસ્થિત અનેક ધૂરંધરો છક્કડ ખાઈ જતા. આ ગીત ઘણા કલાકારોએ ખૂબ સરસ રીતે ગાયું છે પણ પરેશની ગાયકી લાજવાબ હતી. કાવ્યમાં હું તો એવા જ શબ્દો પસંદ કરું કે અભણ માણસને પણ હૈયા સોંસરવા ઊતરી જાય. પરેશનાં ગીતોની ખૂબી એ હતી કે શબ્દો અને સંગીત બેઉની બારીકી ઉજાગર થતી. એના સંગીતની મીઠાશમાં શબ્દો ખોવાઈ જતા નહોતા, પરંતુ પૂરેપૂરો અર્થ પામતા. બીજું કે એનામાં એક આગ, જુનૂન હતાં. પરેશ ગાવા બેસે પછી બીજા કોઈ કલાકારને ઓડિયન્સ સ્વીકારે જ નહીં એવો હતો એનો જાદૂ. પ્રેક્ષકોને વશ કરી દે એવું સંગીત હતું. આજે એ હયાત હોત તો સુગમ સંગીતને ચાર ચાંદ લગાવી દીધા હોત.
https://www.youtube.com/watch?v=hXETIKd-LJM
૨૪ જૂન ૧૯૫૦માં પરેશ ભટ્ટનો જન્મ અને અવસાન ૧૪ જુલાઈ ૧૯૮૩માં. ખૂબ નાની વયે અવસાન પામ્યા હોવાથી, આ ઉત્તમ સ્વરકાર-ગાયકથી ઘણા લોકો પરિચિત નથી, પરંતુ આ સંગીતકારના સંક્ષિપ્ત કાર્યકાળને અવગણી શકાય તેમ નથી. સંગીતની પ્રારંભિક તાલીમ એમણે વિશ્વનાથભાઈ વ્યાસ (રાજકોટ) અને વિજ્યાબહેન ગાંધી પાસે લીધી હતી. ત્યારબાદ સંગીતકાર રાસબિહારી દેસાઈ સંચાલિત ‘ભવન્સ સંગીત’ના વર્ગમાં દાખલ થયા. ૧૯૮૦ સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગાયનકલામાં સ્નાતક થયા હતા.
૧૯૭૩થી આકાશવાણી અમદાવાદ-વડોદરા ઉપર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી હતી. સુરતની જીવનભારતી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા તથા આકાશવાણી વડોદરા અને રાજકોટના ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી બજાવી હતી. યુવાવાણી અને શૈક્ષણિક ક્ષેત્રને લગતાં અનેક કાર્યક્રમનું સંચાલન તેઓ કરતા. ૧૯૮૦માં આકાશવાણીનાં સહકાર્યકર નીતા ભટનાગર સાથે પ્રણયલગ્ન થયાં હતાં, પરંતુ આ પરિચય પૂરતો નથી. પરેશને સાચી રીતે સમજનારા અને અનુસરનારા લોકો તેને આધુનિક ગુજરાતી સુગમ/કાવ્ય સંગીતનો ફરિશ્તો અને મશિનરી મ્યુઝિશિયન ગણે છે. તેનું કારણ એ છે કે કવિતાને અનુરૂપ સ્વર બાંધણી કરવી એ પરેશ ભટ્ટની આગવી દેણ હતી.
ચાહકોનાં મંતવ્ય અનુસાર કોઇપણ શબ્દ રચનાની બંદિશો માટેના શાસ્ત્રીય નિયમો તો પરેશ બખૂબી જાણતા હતા, પરંતુ આ ઉપરાંત કોઈ એક ગૂઢ બાબત (પરેશત્વ!) એવી તો તેમને આત્મસાત્ હતી કે જેનાથી એમની બંદિશોમાં કશુંક ચમત્કારિક નીપજતું હતું. પરેશે સ્વરો સાથે એવું ઝીણું નકશીકામ અને નવા પ્રયોગો કર્યા કે જેને કારણે ગુજરાતી સંગીતને નવો આયામ સફળતાપૂર્વક આપી શક્યા.
શબ્દ રચનાને સહેજ પણ હાનિ કે અન્યાય ન થાય એ રીતે વાતાવરણમાં ચિત્ર ઊપજાવવાની હથોટી એમને સિદ્ધ હતી. તેઓ કવિતા ગાતા નહોતા, બલકે કવિતામાં આરપાર પરોવાઈ જતા હતા. પાશ્ચાત્ય સંગીતની ‘કોર્ડઝ’નો સૌ પ્રથમ પ્રયોગ પરેશ ભટ્ટ દ્વારા થયો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. પરેશ ભટ્ટે કવિતાને વિઝ્યુઅલ સ્વરૂપ આપ્યું હતું. તેઓ કલાકાર તરીકે જેટલા સમૃદ્ધ એટલા જ માણસ તરીકે પણ ઊંચા. મનગમતા મિત્રો મળે તો પરેશ બાગબાગ થઈ જાય એ વિગતો પરેશ ભટ્ટ સ્મૃતિ ગ્રંથ તથા ઇતિ સિદ્ધમ્: ‘સમાઈ ગયો, અલગારીનો નાદ નાદબ્રહ્નમાં’ મૂકેશ પચ્ચીગરના લખાણમાંથી મળી છે.
રાજકોટમાં નિવાસ સ્થાન નજીક જ વીજળીનો કરંટ લાગતા ફક્ત ૩૩ વર્ષની યુવા વયે એમનું અવસાન થયું અને સંગીત જગતે એક ઝળહળતો સિતારો ગુમાવી દીધો.
આ ગીત પરેશ ભટ્ટ ઉપરાંત હેમા દેસાઈ, તૃપ્તિ છાયા, વિભા દેસાઈના સ્વરમાં નિખરી ઊઠ્યું છે. મેં સૌ પ્રથમ હેમાંગિની દેસાઈના મીઠા કંઠે સાંભળ્યું હતું, ત્યારથી આ ગીત હૈયે વસી ગયું હતું. હેમાબહેન આ ગીત વિશે કહે છે, "મારું આ ખૂબ ગમતું ગીત છે. કિરવાણીનો બેઝ ધરાવતાં આ ગીતમાં કમ્પોઝર પરેશ ભટ્ટે નાયિકાના મનની સ્થિતિ આબેહૂબ ઝીલી છે જેમાં એક ગૂંજ સતત ચાલે છે. સાંજ પડે વાદળ થઈને પાછો આવતો વ્હાલમ પૂછે કે કેમ છો રાણી? એ કલ્પના પણ કેવી સરસ છે. અટપટું છતાં અત્યંત કર્ણપ્રિય સ્વરાંકન હોવાથી લગભગ બધી લીડ સિંગર્સ આ ગીત ગાય છે.
રમેશ પારેખે એક સ્થાને લખ્યું હતું, "પરેશ જીવનરસનો ધોધ હતો, ઊર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો. ગુજરાતનું બેનમૂન મોતી હતો. જ્યારે ઉમાશંકર જોશી કહેતા કે, મંચ ઉપર વાદ્ય સાથે ઊભેલા પરેશની સૂરધારા ધસમસતી આવી. એમાં માર્દવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો. પરેશને અખબારનો ફકરો આપો તો પણ એ કમ્પોઝ કરી આપે. એવી ક્ષમતા ધરાવતો સ્વરકાર હતો.
એમના મૃત્યુનાં આટલાં વર્ષો પછી ય પરેશ ભટ્ટ સ્મૃતિ સમારોહ ગુજરાતમાં અનેક સ્થળોએ ઉજવાય છે. મુંબઈમાં એ ઉજવાય તો એમનાં અદ્દભુત ગીતોનો લ્હાવો સંગીત પ્રેમીઓને મળી શકે.
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઑગસ્ટ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=576657