Opinion Magazine
Number of visits: 9507889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેશન – ચાહના

ઇલા કાપડિયા, ઇલા કાપડિયા|Opinion - Short Stories|22 August 2019

લેન્ડ લાઇનનો ફોન રણક્યો અને અમારા એરોનોટિક એંજિનિયર દીકરા ક્રીસે સમાચાર આપ્યા કે તેમના પરિવારમાં ઓરવિલ અને વિલ્બર નામના બે નવા સભ્યોનો ઉમેરો થયો છે. નિત નવું પ્રસ્તુત કરતો ક્રિસ, એરોપ્લેનની શોધ તથા પ્રથમ ઉડાન કરનાર રાઇટ (Wright) ભાઇઓના નામ પસંદ કરે તે સાહજિક હતું, છતાં થોડું ગુહ્ય લાગ્યું ખરું.

ક્રિસ ચબરાક, ચપળ, બુદ્ધિમત્તા અને અતિ પ્રેમાળ વ્યક્તિ. ક્રિસનું ખરું નામ તો કિશન છે પરંતુ એને એ.એ. મિલ્નની ‘વિની ધ પૂહની’ વાતો અને કાર્ટૂન નાનપણમાં ખૂબ જ ગમતાં. જેમાં ક્ર્રિસ્ટોફર રોબિન નામનો છોકરો રમકડાંનાં પ્રાણીઓ સાચાં હોય તેવી રીતે તેમની સાથે રમે. ક્રિસને પણ તે કાર્ટૂનનાં પાત્રો, જેવાં કે પૂહ બેર (રીંછ), ઇયોરે (ગદર્ભ), ટીગર, રૂ – કાંગારૂ, જેવાં રમકડાં ખૂબ જ ગમતાં. કિશન પણ એવો જ મીઠડો, એટલે અમે એને ક્રિસના હુલામણા નામથી બોલાવીએ છીએ.  

વળી, નાના ક્રિસનો પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ કંઈક અનોખો હતો. બે ત્રણ મહિનાનો હતો ત્યારે પણ પ્રાણી કે પક્ષીનાં રમકડાં જોઈ તેની આંખમાં તારા ચમકતાં અને ઘૂરુરુર ઘૂરુર કરી તેની સાથે વાતો કરતો. ત્રણેક વર્ષનો સમજણો થયો ત્યારથી તેને પોતાના ‘પેટ’ (પાળતું) પ્રાણીની માંગણી ચાલુ કરેલ. પ-ણ મારી વિચારસરણી કંઇક અલગ હતી. હું એને મારી માન્યતા પ્રમાણે સમજાવતી કે, “બેટા પ્રાણીઓને ઘરમાં કે પિંજરમાં પૂરવાં એ ક્રૂરતા છે”. એ પણ સમજતો કે પાંજરામાં રહેવાનું હોય તો એને પણ ન ગમે.

કેળવણી ક્ષેત્રના નિષ્ણાત મારા પપ્પા હંમેશ કહેતા, ‘બાળકોને પાંચ વર્ષ સુધી પાંચે ઇન્દ્રિયો કેળવાય તેવા વાતાવરણમાં ઉછેરો, તેના રસને પોષો, પાંગરો, તે પોતાની જાતે શીખે તેવું કરો અને તે દ્વારા મળેલા અનુભવોનું વર્ણન કરતાં પ્રેરો’. તેથી જ જ્યારે તે નાનો હતો તે સમયમાં અમે ભારત ગયાં ત્યારે તેનો ‘પ્રાણીપ્રેમ’ પોષવા નડિયાદથી બેએક માઈલ દૂર કુંભનાથ પાસે ખુલ્લાં નૈસર્ગિક વાતાવરણમાં પપ્પા તેને પક્ષીઓનાં નિરીક્ષણ માટે લઈ જતા, આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર બહાર બનાવેલા રસ્તામાં જ આવતા ચબૂતરામાં (પરબડી) નાખવાનાં ચણના દાણા લેવાનું તે અવશ્ય યાદ રાખતો. ખુલ્લા આકાશ નીચે પ્રસરેલ વિશાળ વનમાં વિહરતાં પક્ષીઓની વર્તણૂકનું અવલોકન કરતાં તે ખરેખર ક્રિસ્ટોફર રોબિન લાગતો. પપ્પાએ જણાવેલ પક્ષીઓનાં ગુજરાતી નામો, તેમનાં દેખાવ, હલનચલનની વાતો કરતા તે ધરાતો નહીં.

રોજ પાછલા બેડરૂમમાં ચકલીએ કરેલા માળાની મુલાકાત લેવા પપ્પાને આંગળી પકડી દોરી જતો. ઇંડામાંથી બચ્ચાં નીકળ્યાં ત્યારે એની આનંદની કિકિયારીઓથી આખું ઘર ગાજી ઊઠ્યું હતું. પણ એક દિવસ હ્રદય દ્રવી ચીસ પાડી, મારી તરફ દોડતાં આવી હાંફળોફાંફળો બોલ્યો, ‘ક્વીક મમ, કોલ ધ એંબ્યુલન્સ, લિટલ ચીક ફોલન એન્ડ ઈંજર્ડ’.

ચીસ સાંભળી બધાં જ દોડ્યા. એંબ્યુલન્સની વાતે થોડી રમૂજ સાથે બધાં વિખરાયાં. એના જ હાથે પપ્પાએ બચ્ચાને પાછું માળામાં ગોઠવાવ્યું. બીજે દિવસે ચકલીની ચાંચમાંથી બચ્ચાને ચણ કરતાં જોઈ એને શાતા વળી અને મોં પર પ્રસરી આનંદની લહરી.

વાત સારી શેઠ પોળમાં પ્રસરી અને બાળગોપાળની ગેંગ અમારા ઘર પર ઊતરી, તેને નવાં જન્મેલાં ગલૂડિયાં રમાડવા લઈ ગયા, મારા મમ્મીએ કૂતરી માટે બનાવેલા શીરા સાથે. એને પોતાનું ગલૂડિયું પસંદ કરી નામ પણ પાડવા દીધું. પણ જેવું ક્રીસે તેને ગોદમાં લઈ દોડવા માંડ્યું કે બધા સાથે બોલી ઊઠ્યાં. ‘નહીં ક્રિસ, એની મા કરડશે. ખાલી રમાડવાનું’.

મા અને બચ્ચાંના નાતાનો એક નવો પાઠ એ શીખ્યો.

સાથે હળીમળીસાર્વજનિક પશુ પક્ષીઓની સહકારી સંભાળ રાખવાની મહત્ત્વતા તેને સમજાઈ.     

લંડનમાં પણ એનો ‘પ્રાણીપ્રેમ’ અમારા પાડોશીઓથી અજાણ્યો ન હતો. એક દિવસ સામે રહેતા ચાર્લ્સ અને બેટી, ‘લેસી’ લેબ્રાડોરને ફરવા લઈ જતાં હતાં. જોઈને ક્રીસે આનંદની કિકિયારી પાડી ‘લે — સી —'. બારી ખુલ્લી હોવાથી બંનેએ તે સાંભળી અને અમારા ઘરની ઘંટડી વગાડી. બારણું ખૂલતાં જ ક્રીસ દોડીને લેસીને વળગી પડ્યો.

‘ઓહો!! ક્રીસ બેટા લેસીની ઉપર સૂઈ નહીં જવાનું, તેને પંપાળવાની, જો એના બધા વાળ તારા કપડાં ઉપર લાગ્યા છે’. તેમનાં ગયાં પછી, ચોખ્ખાઈની ચૂંધી રાખતી મારી નજર ક્રિસનાં કપડાં પર પડતાં હું બોલી પડી.

‘મમ, કેન આઈ હેવ આ પપી? નાનું અમથું, રિયલી કડલી’. ક્રીસે તક ઝડપી.

અને અમે આ ઘરમાં રહેવા આવ્યાં ત્યારનો દુઃસ્વપ્ન જેવો અનુભવ મારી આંખ સમક્ષ તરવર્યો. ગમે તેટલી વાર વેક્યૂમ કરતાં અને કાર્પેટ ધોવડાવવા છતાં પહેલાના માલિકના ચારપગા પ્રાણીના વાળ કે ઘરની વિચિત્ર વાસ ન ગઈ. મકાન ખરીદવાનો મોટો ખર્ચ કર્યા પછી બીજી જરૂરિયાતો જવા દઈ કાર્પેટ બદલવાનો મોટો ખર્ચ તરત જ કરવો જ પડ્યો.

‘બેટા, પપીની ખૂબ સંભાળ રાખવી પડે. એને નવડાવવું પડે, બહાર ફરવા લઈ જવું પડે, શિસ્તની તાલીમ આપવી પડે. તું હજુ નાનો છે એટલે એ બધું કઈ રીતે કરે?’ એમ સમજાવી વાત મેં વાળી.

પુરુષત્વના જીન્સ – વંશીય ગુણો અને ખાસ એના ડેડીના, એમ તે પાછીપાની કરે તેમ ન હતો. ઉંમર વધતાં માગણીમાં બુદ્ધિ અને અનુભવોની દલીલો સાથે તર્ક વિતર્ક ઉમેરાતાં ગયા.

પાંચ વર્ષે એના મિત્ર અમલની પાર્ટીમાંથી આવી પુખ્ત વયના માણસની જેમ કહે ‘મમ, કેન આઈ ટોક ટુ યુ’?

‘ઓફકોર્સ, બેટા, શું છે’? મેં પૂછ્યું.

‘કેન આઈ હેવ અ રેબિટ ? યુ સી અમલ તેના રેબિટને પાંજરામાં ગાર્ડનના પાટિયો પર રાખે છે. પણ  નિયમિત બહાર પણ કાઢે છે.’ પૂરી તૈયારી સાથે આવેલ ક્રિસ બોલ્યો.

અને એની બહેન કાયા વચ્ચે બોલી પડી. ‘ઓહ નો, ક્રીસ, યુ ડોન્ટ વોન્ટ રેબિટ. કારણ કે રેબિટ કેબેજ ને કેરટ ખાય અને — ઓહ, છી છી એટલું ગંદું કરે’.

‘તને ક્યાંથી ખબર’? એણે તરત જ પૂછ્યું. 

‘કારણ કે આઈ હેડ વન’. કાયાએ કહ્યું.

‘રિયલી, વ્હોટ હેપન્ડ ટુ ઇટ?’ ક્રિસના મોં પર ઇંતેજારી ચમકી.

‘વેલ થોડા સમયમાં તો મો — ટું થઈ ગયું હતું. પાંજરું સાફ કરવા હું એને પકડીને બહાર મૂકવા જતી હતી અને તે મારા હાથમાંથી છટક્યું અને એક—બે—અને ત્રીજી છલાંગે પહોચ્યું વાડની પેલે પાર. એના ભાઈ બહેનો અને મિત્રોને મળવા’.

રમૂજથી તેના મોં પાર હાથ રાખી ખીલ ખીલ કરતાં ક્રિસના મોં પર થોડી ક્ષણો પછી વિચારોનું વાદળ છાયું. 

‘હાશ, કાયાએ આજ તો ઉગારિયાજી રે’!!! મેં રાહત અનુભવી.

પ—ણ એમ જવા દે તો એ ક્રિસ નહીં. મારી ધારણા ખોટી પડી. આ વખતે તો તે પરિપૂર્ણ તૈયાર હતો.

‘વેલ, કેન આઈ હેવ અ બર્ડ ધેન, જસ્ટ આ લિટલ વન, કાયા હેડ એ ‘પેટ’, વ્હાય કાન્ટ આઈ? ઇટ્સ નોટ ફેર’ એણે દલીલ કરી. 

હું પણ એની જ મમ્મી હતી ને! પાંચ વર્ષમાં હું પણ એટલી જ પાવરધી દલીલોમાં કે પટાવવામાં ના, સમજાવવામાં હતી.

એનો હાથ પકડી એને પાટિયો ડોર પાસે લઈ ગઈ. ‘જો બેટા, સામે પેલા બે કબૂતર કેવાં બાજુ બાજુમાં પ્રેમથી બેઠાં છે! સામે ઝાડ પર પક્ષીઓ ડાળે ડાળે અને આકાશે મુક્તિથી ઊડે છે ને?’ કેટલાંક માળાનાં બચ્ચાંઓની ચાંચમાં કેટલા પ્રેમથી ચણ મૂકે છે!’

‘એમાંનાં એકને પાંજરામાં લાવી પૂરીએ તો ?’

એમ તો મારો દીકરો લાગણીપ્રધાન હતો. એના હ્રદયની સંવેદના એના ચહેરા પર પથરાઈ. એ કશું બોલ્યા વગર મારે ગળે વળગી પડ્યો.

છતાં મારા મગજમાં વિચારનું બીજ એણે જરૂર રોપ્યું. ભાઈ બહેનની વચ્ચે થયેલ ભેદભાવ ભાવિમાં મોટું સ્વરૂપ કદાચ લે.

ગાર્ડનનું દ્રશ્ય બતાવ્યા પછી, પોતાના પ્રેમને પોષવા તે ગાર્ડનમાંથી નાના લેડી બર્ડ્સને નાજુકાઈથી પકડી હથેળીમાં રાખી પંપાળતો, તેના પરનાં ટપકાં ગણતો, ચાલવાની રીતનું નિરીક્ષણ કરતાં ધરાતો નહીં. એક ખુલ્લી બોટલમાં રાખી, થોડા પાંદડા એમાં મૂકતો, એમને ખાવા માટે, રોજ તેનું જતન કરતો અને મન મનાવતો કે તે એના ‘પેટ’ છે. પોતાના ઘરને સાથે લઈ ફરતી ગોકળ ગાયને જોઈ વિસ્મય પામતો, રોબિનની સાથે વાતો કરતો, બ્લેક બર્ડનું ગાયન સાંભળવામાં એક લીન થઈ જતો.

તેને જોતાં મને નેચરાલિસ્ટ જેરલ્ડ ડુરેલે લખેલ આત્મકથા માય ‘ફૅમિલી એન્ડ અધર એનીમલ્સ’ યાદ આવી જતી, જેમાં એ પણ બાળપણમાં ગ્રીસના કોર્ફુ આઇલૅન્ડના મુક્ત વાતાવરણમાં આ જ રીતે પ્રાણીઓની સંભાળ રાખતા.

છતાં મને એમ ભાસ થતો કે તે ખોવાયેલો ખોવાયેલો લાગે છે અને મને હ્રદયસ્પર્શી રંજ થતો.

એક દિવસ તે ગાર્ડનમાં રમતો હતો. અચાનક મને એની ઉત્સાહિત હર્ષ સભર કિકિયારી સંભળાઈ.

‘મ—મ’ કરી એ મારી તરફ દોડ્યો. ‘મ —મ મારું ‘પેટ’, મારું પોતાનું’. મને ખેંચીને લઈ ગયો.

શ્વાસ થંભાવી એણે સ્ફોટ કર્યો. ‘હું મારો દડો લેવા ગેરેજમાં આવ્યો, તો મને કંઈક અવાજ આવ્યો અને કશુંક હાલતું હોય તેવું સંભળાયું. અચરજ સાથે હું નજીક ગયો. અ — ને એને જોયું’.

આનંદથી એની આંખમાં ફરી તારા ચમકવા લાગ્યા. મારી નજર નીચી કિનારીવાળા બોક્સમાં લપાઈને બેઠેલા એક નાના હેજહોગ પર પડી. ‘ઓહ!! મમ, આઈ કેન કીપ ઇટ, કાન્ટ આઈ’! કહી મને વીંટળાઇ ગયો. એના ગાલ પર પપ્પી ચોડતાં આશ્ચર્ય અને આનંદ મિશ્રિત સંવેદનો સાથેની મારી ‘હા’ સાથે, અમારા ઘરમાં એક નવું પ્રકરણ શરૂ થયું.

એક દિવસ એની કારમી ચીસ સંભળાઈ, ‘ડે —ડી —‘, જે અમને એસ.ઓ.એસ. (સેવ અવર સોલ્સ – અમારા જાન બચાવો) સિગ્નલ જેવી લાગી. અમે બંને દોડતા પહોંચ્યાં. એના ચહેરા પર દર્દનું વાદળ છાયું હતું, અને ખુલ્લું મોં અને પહોળી આંખો કંઇંક અનિવાર્ય થયું હોય તેની ભીતિનો ખ્યાલ આપતા હતા. અમારા હોંશકોશ ઊડી ગયા. પાસે જતાં રાહત થઈ કે ક્રિસને કશું નથી થયું. કદાચ તેને થયું પણ હોત, તો પણ એ આવી ચીસ ન પાડત, જેવી એના પ્યારા ‘પેટને’ જોઈને તેનાથી પડાઈ ગઈ. એણે આંગળી હેજહોગ તરફ ચીંધી. અમારી નજર હેજહોગ તરફ ગઈ. ‘હું બોક્સ બહાર ગાર્ડનમાં લઈ આવ્યો. મારા ‘પેટને’ ચાલવાની પ્રેક્ટિસ આપવા. હળવેથી તેને બહાર મૂક્યું. પ—ણ —? એ ચાલવાનો પ્રયત્ન કરતું હતું પણ લંગડાતું હતું.’ એકી શ્વાસે તે બોલ્યો.

અમે પણ વિમાસણમાં પડી ગયા કે આટલા નાજુક પ્રાણીના નાજુક પગની કેવી રીતે મરામત કરવી. આચાનક મને બ્રેઇન વેવ સ્ફૂરયો —– ‘આર.એસ.પી.સી.એ’ !!! મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા.

તે જમાનામાં ગૂગલ દાદાની મહેર ક્યાં હતી? બી.ટી. ટેલિફોન કંપનીની ડિરેક્ટરી ફંફોસી અમે આર.એસ.પી.સી.એ.(પ્રાણીઓનું રક્ષણ કરતી સંસ્થા)ને ફોન લગાડ્યો. તેમની સલાહ લેવા. સામેથી તેમણે જણાવ્યું કે તેઓ આવીને તેને લઈ જશે. અમારા અચંબા સાથે પંદરેક મિનિટમાં તો પ્રાણીઓની એંબ્યુલન્સ આવી પહોંચી અને અમને જણાવ્યું કે હેજહોગ પ્રોટેકટેડ સ્પીશીસ છે, (હેજહોગની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે તેથી તે પ્રજાતિને સુરક્ષિત રાખવાનો કાયદો છે). એટલે તેની સારવાર કર્યા પછી પણ તે પાછું નહીં આપે.

ક્રિસનું પડેલું મોં જોઈ એંબ્યુલન્સ મેને એને સમજાવ્યું કે તેઓ હેજહોગનું રક્ષણ કરી, તેમની વસ્તી વધે તેવા વાતાવરણમાં રાખશે.

‘એનો પગ સારો થઈ જશેને? તેને બહુ દર્દ તો થતું હશેને’? ક્રિસે પૂછ્યું. “યુ ડોન્ટ વરી સન, અમે તેની ખૂબ કાળજી રાખીશું“. એમ્બ્યુલન્સ મેને એને ખાતરી આપી.       

હેજહોગ તો ગયો પણ ક્રિસને વ્યથાનાં વાદળમાં ડૂબાડીને. એનું નાનું હ્રદય હેજહોગનું દુ:ખ ન સહી શક્યું. અને તે ધ્રૂસકાં ભરતો ખાધા વગર જ સૂઈ ગયો.

ક્રિસના પ્રાણી માટેનો તલસાટ, તડપાટ અને વલવલાટથી અમારું હ્રદય દ્રવી ઊઠ્યું. અડધી રાત સુધી પાસાં ફેરવ્યાં.

માની મમતા આગળ મારી પ્રાણીઓને પિંજરમાં નહીં પૂરવાની મક્કમતા, ચોખ્ખાઈની ચૂંધી અને સમય ન્યૂનતા ડગી ગયાં!!!

નીચે આવી ડાઇનિંગ ટેબલ આગળ અમે સામસામે ગોઠવાયાં. મેં પાપડી ગાંઠિયા, મરચાંની ચટણી અને નડિયાદથી આવેલ નવીનચંદ્રનું ભૂસું કાઢી મૂક્યું, ના, દિલસોજીમાં થોડું હડસેલ્યું. અમારી આ અકથ્ય પ્રશ્નને ઉકેલવાની એક પરંપરા હતી.

‘એવું નથી કે મને પશુ પક્ષીઓ માટે પ્રેમ નથી. વર્ષો સુધી ગાય, કૂતરા માટે સૌથી પ્રથમ કાઢેલું ખાવાનું હું જ ચાટમાં નાખવા જતી અને સાથે પાણી પણ ભૂલતી નહીં. મેં વર્ષોનો ઊભરો ઠાલવ્યો. આપણે ભારતમાં દાયકાઓથી ચાલતી કેટલી સારી વ્યવસ્થા હતી. પોળનાં, ફળિયાનાં કે સોસાઇટીનાં બધાં પ્રાણીઓ સાર્વજનિક અને એમની સંભાળ પણ સહકારી. ચોખ્ખાઈને ધ્યાનમાં રાખેલ ગામ કે શહેરની બહાર ચબૂતરો, પક્ષીઓ માટે એક અનોખી વ્યવસ્થા હતી. વૃદ્ધોને ચણ નાખવા જવા માટે ચાલવાની કસરત અને બહાર નિકળવાનું બહાનું મળતું’. મેં મારી વિચારણા રજૂ કરી.

‘હા, આઈ અગ્રિ વિથ યુ, પણ નીશુ, આપણે થોડું પ્રેક્ટિકલ થવાની જરૂર છે, ડિયર’.

‘તે હવે મને સમજાય છે ને! આટલા નાના બાળકની એક નાનકડી માંગણી માટે મા થઈને મેં એને  કેટલો દુ:ખી કરી તાવ્યો. કોરાતાં હ્રદયે હું બબડી’.    

ચર્ચા વિચારણા પછી એક નાનું ‘પેટ’ અપાવવું એવું વિચારી મારા પતિ હિતેનના સૂચન પ્રમાણે આર.એસ.પી.સી.એ.ની સલાહ લેવાનું નક્કી કરી, રહી સહી રાતનો ઉપયોગ અને અમારી થાકેલી આંખને આરામ આપવાના હેતુ સાથે અમે પલંગની દિશા પકડી.

બીજે દિવસે મારી કોર્પોરેશન તરફથી બાળકો માટે ક્રિસમસ પાર્ટી હતી, ત્યાં પહોચતાં, મોટા  મેદાનમાં સ્વર્ગ જેવા સુંદર ‘લેપલેંડ’નું દ્રશ્ય અમારી નજર સામે હતું. અજાયબી અને અચંબાથી ભરેલ ક્રિસના મોંના ભાવો અવર્ણીનીય હતા. અ–ને અચાનક બે મોટા, મદમસ્ત અરબી ઘોડા કરતાં ઊંચા હૃષ્ટ પુષ્ટ રેઇન્ડીઅર સ્લે ખેંચતા અમારી પાસે આવી ઊભા રહ્યા. પહેલી વાર સાચા રેઇન્ડીઅર જોઈ, અજાયબીથી ક્રીસના હ્રદયના ધબકારા ક્ષણિક થંભી ગયા. સ્લેમાથી ફાધર ક્ર્રિસમસ ઉતર્યા. લાલ કપડાં, કેપ, મોટી દાઢી અને મોટા જિંગલ બેલ સાથે ઉદ્ગાર્યા ___`હો હો હો’. અ —ને વાતાવરણ બાળકોની  કિકિયારીઓથી ગાજી ઊઠ્યું. ક્રિસ તો ફાધર ક્રિસમસે આપેલી પ્રેસણ્ટ, સુપરમેનનું કોશ્ચ્યુમ પહેરી સ્વર્ગીય પાર્ટીની યાદમાં, આગલા દિવસની વાત ભૂલી ગયો હતો. કદાચ થોડા સમય માટે .– પણ અમે નહીં!

ચાર દિવસ પછી એની બર્થડે હતી તેથી ‘પેટને’ લાવી ગેરેજમાં સંતાડયું.

વર્ષગાંઠના આગલા દિવસની રાત્રે, મોડે સુધી, તેને સૂવું ન હતું. વર્ષગાંઠના ઉત્સાહમાં બાર વાગ્યા પહેલાં જ તેની આંખ મીંચાઇ. ડેસ્ક ઉપર પેપર વીંટાયેલ પ્રેસણ્ટરૂપ ‘પેટના’ પાંજરામાં થતાં ખખડાટથી, તે જાગી ગયો, તેની નજર ડેસ્ક પર પડી. વીજળીની ત્વરાએ પ્રેસણ્ટ તરફ પહોંચ્યો. ધીરે રહીને સહેજ પેપર ફાડીને એણે જોયું તો અંદર કશુંક હાલતું લાગ્યું, જરા વધારે પેપર ફાડયું. અ —ને અ —ને, નાના પ્રાણીને જોતાં જ એ બહાર નીકળી મને ગળે વળગી ઝપ્પી અને પપ્પી કરી હજાર વાર “થેન્ક યૂ થેન્ક યૂ થેન્ક યૂ” બોલ્યો. “ઓહ, ગોડ, મમ, આઈ એમ સો સો એક્સાઈટેડ!!! એની બે ચળકતી આંખોથી એ મને ટીકી ટીકી જોઈ રહ્યું છે. એનું કાળું ફર મને અંધારામાં પણ દેખાયું. માય લિટલ પેટ!!! એને હું ‘ફ્રીસ્કી’ કહીશ”.

એનું નામકરણ અને સ્વાગત ક્રિસની ખૂબ ધમાધમથી થયું અને તેના ઘર – પાંજરાની સ્થાપના કોન્સર્વેટરીમાં. નાનકડો હેમ્પસ્ટર અમારા પરિવારનો એક અગત્યનો સભ્ય બની ગયો.

પશુ પક્ષી પ્રત્યે મને અવહેલના ન હતી, પણ એટલું આકર્ષણ પણ નહીં. છતાં ક્રિસ અને ફ્રીસ્કને હળેલા જોઈ ઓફિસથી આવી કોંસર્વેટરીમાં ડોકિયું કરી, બેચાર દાણા તેને ધરતી થઈ. પછી તો તર્જની આંગળી અને અંગૂઠા વચ્ચેથી દાણો ખાવા માટે મારો પગરવ સાંભળતાં જ પાંજરાની જાળી પર ચાર પગે લટકી, તલપાપડ રહેતો, જાણે આખો દિવસ એ માટે ભૂખ્યો રહેતો હોય એમ!!!

છ વર્ષની ઉમ્મરે ક્રીસે, ફ્રીસ્કીને અને તેના ઘરને સ્વચ્છ રાખવાની, ખવડાવવાની અને એકસરસાઈસ કરાવવાની જવાબદારી લીધી અને પાળી પણ. ફ્રીસ્કી કાં તો એની હથેળીમાં લપાયું હોય કે ખભા ઉપર ઝૂલતું હોય, બન્ને હંમેશ સાથે, અલબત્ત, એના નક્કી કરેલ શરત અને નિયમ પ્રમાણે. તે એટલું ‘ક્યૂટ’ હતું કે બધાને વહાલું.

હું પણ પરિવારને પ્રથમ રાખવાના સંસ્કાર ગળથૂથીમાંથી મળેલાં છતાં, ફ્રીસ્કને પ્રથમ પ્રાધાન્ય આપતી થઈ ગઇ મારામાં આટલો ધરખમ ફેરફાર!!!

હું જ કેમ. અમારે ત્યાં કોઈ પણ આવે તો પહેલાં પાંજરા પાસે જઇ ફ્રીસ્કની ખબર પહેલી લે. હવે ક્રિસને બદલે ફ્રીસ્ક સેન્ટર ઓફ એટ્રેક્શન!!!

લાંબા વિન્ટરના શીતળ અંધારિયા દિવસો પછી તે સમરનો હૂંફાળો દિવસ હતો. રવિરાજ સત અશ્વોના રથ પર સવાર થઈ ખોબલે ખોબલે લંડન પર સનશાઈન પધરાવતા હતા. પાડોશમાં બધા જ એનો લાભ લેવા ગાર્ડનમાં ઠલવાયાં હતાં. ક્રિસને પણ ફ્રીસ્ક્ને બહારની હવાનો સ્વાદ ચખાડવાનો ઉમળકો જાગ્યો. જેવું એણે બહાર કાઢ્યું કે તે ઉશ્કેરાટમાં ક્રિસના હાથમાંથી છટક્યું અને સ ર ર સરક્યું, બહાર જવા. તે જ સાથે કોન્સર્વેટરીના બારણાને પવનનો ઝપાટો લાગ્યો  અ —ને અ —ને ફ્રીસ્કિના શરીરને અથડાયું.

બધાંની ચીસ સાથે અમારા હાથ આંખ પર દબાયા. ફ્રીસ્ક એ ઘા ન જીરવી શક્યું. અમારા જીવ અધ્ધર થઈ ગયા. ક્રિસની બૂમો ‘ઇટ્સ માઈ ફોલ્ટ, મેં એની સંભાળ ના રાખી’ કલાકો સુધી તેના હીબકાં સાથે ચાલુ રહી. અમને ખબર હતી કે અમારા ગમે તેટલા આશ્વાસનની કોઈ અસર નથી થવાની.

છેવટે હિતેનની નાજુક પ્રસંગને સમજપૂર્વક સંભાળી લેવાની કુશળતા કામ આવી. ક્રિસને ફ્રીસ્ક પાસે લઈ જઈ તેના હાથમાં પ્રેમથી મૂકી, તેને પંપાળવાનું અને મને એક સારું બોક્સ લાવવાનું કહ્યું. સદ્દનસીબે મારી સંઘરાખોરી કામ આવી. એક નાનું સુંદર બોક્સ મેં હિતેનને આપ્યું. થોડું ઘાસ મૂકી ક્રીસે ફ્રીસ્ક્ને સૂવડાવ્યું અને પાંજરામાંથી ફ્રીસ્કના રમકડાં ગોઠવ્યાં. ક્રિસની પાસે લખાવ્યું ‘અવર લવિંગ ફ્રીસ્ક, રેસ્ટ ઇન પીસ. ઓમ શાંતિ’.

એની ક્રિયાકાંડ કરી પાછાં વળતાં સૂમસામ ઘરના સન્નાટાએ અમારી આંખમાં આંસુ તગતગાવ્યાં.

એનું મન બીજે વાળવા, તેને મેં ફ્રીસ્કના સ્મારક પર યાદગીરી સમ લખાણ મૂકવા થોડા શબ્દો કે નાની કવિતા વિચારવાનું કહ્યું. બીજે દિવસે બે લાઇન લખી મને બતાવી અને મેં એક પંક્તિ ઊમેરી અને કાયાએ એક પૂંઠા પર વોટરપ્રૂફ પેનથી લખ્યું. —

                                પ્યાર અતિ અમારો એ તને સમજાય
                                ઝૂરે આઝાદી કાજ ફ્રીસ્ક તું અંતરે સોરાય     
                                વિહંગ વિહારત વિશાળ વ્યોમે પિંજર જોઈ ફફડાય
                               મુક્તિ સૌ જીવોને પ્રાણથી પ્યારી બંધનમાં જીવ રૂંધાય

‘મમ તું સાંભળે છે’? ક્રિસના શબ્દોએ મને અતીતમાંથી વર્તમાનમાં ઝબકાવી. ‘હા, તો બે ત્યજાયેલ બિલાડીનાં બચ્ચાંને અપનાવવાની આર.એસ.પી.સી.એ.ની જાહેરાત વાંચી હું મારી જાતને રોકી ન શક્યો. એટલા બધા ક્યૂટ અને કડલી છે’!! કેટ્સ આર ક્લીનેસ્ટ એનિમલ્સ અને મેં તેમના બહાર જવા આવવા માટે એક ફ્લેપ બનાવ્યું છે, અને લૉન્ડ્રીમાં રહેવાનું. મમ, પાળતું પ્રાણીને પિંજરમાં રાખવા કરતાં મરઘીઓને પાંજરામાં પૂરી વધારે ઈંડાં કે ગાયોમાંથી અઢળક દૂધ મેળવવા થતી ક્રૂરતા વધુ હૃદયદ્રાવક છે.’

‘તારી વાત સો ટકા સાચી છે.’ તેની સાથે સહમત થતાં મે ઊમેર્યું. છતાં હું કહેવા જતી હતી કે ફ્લીઝ ન થાય તે ધ્યાન રાખજે. પણ મને અદ્રશ્ય વારંવાર વદેલ ‘હિતેન વાણી’ સંભળાઈ.

‘નિશુ, ઇટ્સ ટાઈમ ટૂ લેટ ગો.’

************

e.mail : ilakapadia1943@gmail.com          

Loading

22 August 2019 admin
← ‘ળ’ કોઈનો નહીં — નહીં; ‘ળ’ કવિતાનો
નોંધપાત્ર નવાં પુસ્તકો : ધીરુભાઈ ઠાકરનું ચરિત્ર, ઍન ફ્રૅન્કની રોજનીશી, કમળાબહેનનાં સંભારણાં, દલિતોના જમીન અધિકાર પરનું સંશોધન, હકારાત્મક સમાચાર કથાઓ …. →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved