હૈયાને દરબાર
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને
ભઇલો ઝુલાવે ડાળખી
લીંબડીની આજ ડાળ ઝુલાવે,
લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો,
આમ ઝુલણ્યો જાય,
લીલુડી લીંબડી હેઠે, બેનીબા હીંચકે હીંચે
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો,
પોપટજી પ્રેમથી હીંચો ..
આજ હીંચોડું બેનડી,
તારા હેત કહ્યાં ના જાય,
મીઠડો વાયુ આજ બેની
તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે,
બેનીનો હીંચકો ડોલે .. કોણ …
• ગીતકાર – સંગીતકાર : અવિનાશ વ્યાસ • ગાયક કલાકાર : આશિત દેસાઈ – ફોરમ દેસાઈ
———————-
ભાઈ-બહેનના પ્રેમનું અમર ગીત કોણ હલાવે લીંબડીથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે! ‘સોનબાઈની ચુંદડી’ ફિલ્મ આવી, ત્યારે અમે તો સ્કૂલ પણ પાસ કરી નહોતી પરંતુ, ગીતનો પ્રભાવ એવો જબરજસ્ત હતો કે એ વખતે ઘર ઘરમાં એ લોકપ્રિય થઇ ગયું હતું. યુવા આશિત દેસાઈના તરોતાજા અવાજ સાથે નાનકડી ફોરમના કુમળા અવાજની ફ્રેશનેસ લોકહૃદયમાં ઊંડું સ્થાન પામી હતી.
રક્ષાબંધનના દિવસે અચૂક યાદ આવે એવું આ ગીત ભાઈ-બહેનના પ્રેમની મિસાલ સ્વરૂપ છે. ફિલ્માંકન પણ બહુ સરસ છે. ફૂલના હારથી સજાવેલા હીંચકા પર ઝૂલતી નાનકડી બહેનને ભાઈ હીંચકે હિંચોળે છે અને પછી આ મધુર ગીત શરૂ થાય છે. ૧૯૭૬માં આવેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ના આ લાજવાબ ગીતનાં ગાયિકા ફોરમ દેસાઈ આ ગીતની સ્મૃતિઓ વાગોળતાં કહે છે, "આ ગીત રેકોર્ડ થયું ત્યારે મારી ઉંમર ફક્ત આઠ વર્ષની હતી. થયું એવું કે મારા કાકાની દીકરીનાં લગ્ન હતાં જેમાં ગૌરાંગકાકા (સંગીતકાર ગૌરાંગ વ્યાસ) આવી શક્યા ન હોવાથી ચાંલ્લો આપવા તેઓ મારા ઘરે આવ્યા હતા. મારા પિતા રાસબિહારી દેસાઈ સંગીતના ખૂબ જાણકાર અને ગીતોનું સ્વર નિયોજન પણ કરે. એમણે એ વખતે એક ગીત અમે તમારી વાંસળીઓ ને, તમે અમારા સૂર … ગીત સ્વરબદ્ધ કર્યું હતું. (આ જ પછીથી દિલરાજ કૌરે રેડિયો પર ગાયું હતું.)
ગૌરાંગભાઈ ઘરે આવ્યા હતા એટલે પપ્પાને આ નવું સ્વરાંકન એમને સંભળાવવું હતું. તેથી આ વાંસળીઓ ગીત મને ગાવા માટે કહ્યું. સાંભળીને ગૌરાંગભાઈ ખુશ થયા અને ઘરે જઈને એમના પિતા અવિનાશ વ્યાસને કહ્યું કે એક નાનકડી છોકરી સરસ ગાય છે. તમને ‘સોનબાઈની ચુંદડી’ ફિલ્મ મળી છે એમાં એના અવાજનો ઉપયોગ કરી શકો. અવિનાશ વ્યાસે ચોખ્ખી ના પાડી કે ઘણા વખતે મોટા બજેટની ફિલ્મ મળી છે એટલે મારે કોઈ નવા અવાજ સાથે પ્રયોગો કરવા નથી.
ગૌરાંગભાઈએ પછી મારા પપ્પાનું ગીત એમને સંભળાવ્યું અને કહ્યું કે આ અઘરું ગીત પેલી નાની છોકરી ગાય છે. અવિનાશભાઈને થયું કે આવું અઘરું ગીત ગાઈ શકતી હોય તો એ છોકરીને બોલાવો. એમણે મને તેજપાલ પાસેના એમના ઘરે બોલાવી. અવિનાશ વ્યાસ રોકિંગ ચેર ઉપર બેઠા હતા. એમને ગીત સંભળાવ્યું તો ખૂબ પસંદ આવ્યું. પછી તો એમણે મને ‘સોનબાઇની ચુંદડી’ માટે બુક કરી લીધી. મને બરાબર યાદ છે કે ૧૯૭૪ની સાલમાં ધુળેટીના બીજા દિવસે એનું રેકોર્ડિંગ હતું અને અવાજ બગડી જાય એટલે પપ્પાએ મને ધુળેટી રમવા દીધી નહોતી. મને બહુ ગુસ્સો આવ્યો હતો પણ થાય શું? બીજા દિવસે રેકોર્ડિંગ વખતે મને રેકોર્ડિંગ રૂમમાં ઊંચા ટેબલ પર બેસાડી દીધી અને ગીત ગાવા કહ્યું. મારી સાથે પુરુષ ગાયક તરીકે આશિત દેસાઈ હતા. હકીકત એ હતી કે પહેલાં આ ગીત પ્રફુલ દવે ગાવાના હતા, પરંતુ કોઈક કારણસર એમની ફ્લાઇટનું બુકિંગ થયું નહીં અથવા રદ્દ થયું એટલે તેઓ મુંબઈ આવી ન શક્યા અને ગીત આશિતભાઈના ફાળે આવ્યું. મને તો એનો ખૂબ જ આનંદ હતો, કારણ કે આશિતભાઈ ખરેખર મારા મોટાભાઈ જેવા જ છે. એ વખતે વડોદરાથી મુંબઈ નવા નવા શિફ્ટ થયા હતા. શરૂમાં મુંબઈમાં અમારે ત્યાં જ રહેતા હતા એટલે એમની સાથે ગાવાનું હોવાથી હું તો રાજીના રેડ થઈ ગઈ હતી. એ સમય દરમ્યાન આશિતભાઈની સગાઈ થઇ હતી અને હેમાભાભીએ ખાસ કાગળ લખીને નાની નણંદને અભિનંદન આપી કહ્યું હતું કે મારી સોનબાઈને ઊની આંચ નહીં આવવા દઉં! એ બન્ને સાથેનો સ્નેહ આજે ય બરકરાર છે.
મૂળ ગીત રેકોર્ડ થઈ ગયા પછી આ ગીતનો કરુણ પાર્ટ પણ મારે ગાવાનો હતો. ફિલ્મની સિચ્યુએશન એવી હતી કે એક ભાઈ-ભાભી, દિયર અને નાની બહેન સોનબાઈનો પરિવાર છે. જે મોટો ભાઈ છે એને નાની બહેન સોનબાઈ સાથે ખૂબ મનમેળ હતો. બહેન સોનબાઈને ભાઈ અત્યંત ચાહતો હતો એ ભાભી સાંખી શકતી નહોતી એટલે એમણે નાની બહેન સોનબાઈને મારી નાખવાનો કારસો ઘડ્યો જેમાં, અનાયાસે બહેનને મારતાં ભાઈ, એટલે કે એનો પતિ જ મરી જાય છે. એ વખતે ગમગીન થઈ ગયેલી સોનબાઈ કોણ હલાવે લીંબડીનો વિષાદમય હિસ્સો ગાય છે.
અત્યંત કરુણા અને હૃદયવિદારકતા પ્રગટાવતી એ પંક્તિઓ ગાતી વખતે અવિનાશભાઈએ મને વચ્ચે એકાદ ડૂસકું લેવાનું કહ્યું. પરંતુ ગીતના ભાવમાં હું એવી વહી ગઈ હતી કે જ્યાં મને લાગ્યું ત્યાં બે-ત્રણ વખત એ ડૂસકું મેં લીધું હતું. રેકોર્ડિંગ રૂમમાંથી બહાર આવીને જોયું તો બધા મ્યુઝિશિયન્સ, અવિનાશભાઈ, ગૌરાંગભાઈ, એમનાં પત્ની નયનાબહેન એ બધાં જ રડતાં હતાં. હું તો નાની હતી એટલે ગભરાઈ ગઈ. મને થયું કે કદાચ ગીત બરાબર નહીં ગવાયું હોય. પરંતુ મારા પપ્પા આવીને મને ભેટી પડ્યા ત્યારે થોડી હાશ થઈ. પછી તો મારી જિંદગીનું આ સૌ પ્રથમ ગીત સાચે જ અમર થઈ ગયું. રક્ષાબંધનના દિવસે ક્યાંક ને ક્યાંક સંભળાઈ જતું આ ગીત સાંભળીને યાદોમાં ખોવાઇ જાઉં છું, ભાવવિભોર થઈ જાઉં છું. આ ગીતને શ્રેષ્ઠ ગીતનો એવૉર્ડ જાહેર થયો ત્યારે હું એ એવૉર્ડ લેવા પણ નહોતી જઈ શકી કારણ કે એ દિવસે મારી પરીક્ષા ચાલતી હતી અને એલ્જિબ્રાનું પેપર હતું.
કોણ હલાવે લીંબડી … પછી ફોરમ દેસાઈએ એકાદ બે ગુજરાતી ફિલ્મો માટે ગીત ગાયાં હતાં. પરંતુ આજે કોરસ સિંગર તરીકે તેઓ ખૂબ વ્યસ્ત છે. અનેક ભાષાઓમાં કોરસ સિંગિંગ કરે છે, વિવિધ સંગીતકારો સાથે કામ કરે છે તથા લતા મંગેશકર સાથે પણ કોરસ સિંગિંગ કરી ચૂક્યાં છે. એ કહે છે કે, "કોરસ સિંગિંગ અઘરી કલા છે પરંતુ, એમાં ગીતો-ભાષાનું વૈવિધ્ય પુષ્કળ હોવાથી હું ખૂબ શીખી છું. સોલો સિંગર તરીકે હું કદાચ મર્યાદિત થઈ જાત કારણ કે ખૂબ રિયાઝ પછી જ તમે સોલો ગાઈ શકો. પારિવારિક જવાબદારીને લીધે મારે માટે એ શક્ય નહોતું. પરંતુ, એનો મને કોઈ રંજ નથી.
આજના આ દિવસે આ ગીત સાંભળવાની મજા કંઈક ઓર જ છે. ડોન્ટ મિસ ઈટ!
https://www.youtube.com/watch?v=OTPl_HxD2mw
ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં
લાડીને ફરવા ઑડી ગાડી લઈ દઉં!
ભાઈ-બહેનના પ્રેમને પ્રદર્શિત કરતું ચાર ચાર બંગડીવાળું ગીત પહેલી વાર સાંભળ્યું ત્યારે કિંજલ દવે કોણ છે એ ખબર નહોતી. અલબત્ત, પછીથી જાણવા મળ્યું કે ગુજરાતની આ યુવા ગાયિકાએ ગામ જ નહીં, આખું જગત ગજવ્યું છે. કોણ હલાવે લીંબડીમાં ભાઈના નિતાંત પ્રેમની વાત નાજુકાઈથી કહેવાઈ છે પરંતુ, ચાર બંગડીમાં તો બહેન ભાઈને ઑડી લઈ દેવાની વાત કરે છે. કોણ હલાવે લીંબડી .. રજૂ થયાના ચાર દાયકા પછી આ પરિવર્તન આવ્યું છે. આજના સમયની બહેન આર્થિક મદદની મોહતાજ નથી. એ પોતે આજે કરિયરમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે, પોતાનું ઇન્ડિપેન્ડન્ટ બૅંક બેલેન્સ ધરાવે છે અને આર્થિક રીતે ભાઈ નબળો હોય તો એને મદદ કરી શકે છે. મન અને ધનથી વૈભવશાળી બહેન તો ઑડી જેવી વૈભવી કાર પણ લઈ દઈ શકે છે!
ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં, વીરા વિરલ તને ઑડી લઈ દઉં…! ગીતમાં બહેન નાના ભાઈને ચાર બંગડીવાળી ઑડી ગાડી, સાથે મનગમતી લાડી લઈ આપવાની વાત કરે છે. ૨૦ વર્ષની નાની વયે અપ્રતિમ સફળતા મેળવનાર મૂળ બનાસકાંઠા-પાટણની કિંજલ દવેએ એક વીડિયો મુલાકાતમાં કહ્યું હતું કે, "હું નાની હતી ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. મારા પિતા હીરા ઘસવાનું કામ કરતા અને મા વીશી ચલાવતી હતી. એ વીશીમાં અમારે ત્યાં નોકરિયાત લોકો જમવા આવતા. એ વખતે ઘરમાં ફ્રિજ પણ નહોતું. તમે માનશો? મોબાઈલ પણ મેં ગયા વર્ષે મારી સગાઈ થઈ એ પછી પહેલી વખત લીધો, કારણ કે મને એની જરૂર નહોતી લાગી.
આજે મારી પાસે બે ગાડી છે છતાં, હું મધ્યમવર્ગીય જીવન જીવું છું. મારી વીસ વર્ષની જિંદગીમાં મેં ફક્ત ત્રણ ફિલ્મો જ થિયેટરમાં જોઈ છે. પિઝા અને બર્ગર પણ આટલાં વર્ષોમાં થોડા વખત પહેલાં પહેલી વાર ચાખ્યાં હતાં. ચાર ચાર બંગડી ગીત આવ્યું એ પહેલાં હું ઉત્તર ગુજરાતમાં ગાયિકા તરીકે ખાસ્સી લોકપ્રિય હતી કારણ કે એ વખતે નોન સ્ટોપ આલ્બમ બહુ બહાર પડતાં. એમાં માતાજીનાં ગીતો, ગરબા, લગ્નગીતો એ બધું ઘણું ગાતી હતી. મારું જોનડીયો (જાનૈયા) આલ્બમ ઉત્તર ગુજરાતમાં ખૂબ લોકપ્રિય હતું. ‘લગનીયા’ નામના એક આલ્બમમાં પણ ચાર ચાર બંગડી પ્રકારનું જ એક ગીત હતું જેના શબ્દો હતા, મારા વીરાની ગાડી, ઑડી રે હો રાજ, જે ત્યાંના લોકોને તો ખબર જ છે પરંતુ, એમાં શબ્દોમાં થોડા ફેરફાર કરી મનુભાઈએ જ આ ચાર ચાર બંગડીવાળું ગીત બનાવ્યું. એ ગીત બનાવ્યું ત્યારે અમને કલ્પના નહોતી કે આટલું બધું સુપરહિટ થશે. મનુભાઈએ આ ગીત લખ્યું અને એમણે કહ્યું કે આપણે આનું શૂટિંગ કરીએ. શૂટિંગ કરવાનું નક્કી કર્યું એટલે કશી તૈયારી વિના મારા અને મનુભાઈના દીકરા વિરલ ઉપર ગીત ફિલ્માવાયું. એક જ દિવસમાં શૂટિંગ પૂરું કરી અમે એને યુટ્યુબ પર અપલોડ કર્યું. એ જ દિવસે અમને ત્રણ લાખ વ્યૂ મળ્યા હતા. અમારે માટે આ જબરજસ્ત મોટી વાત હતી. આજે તો આ ગીત ૧૫૦ મિલિયન વ્યૂઝ ઉપર પહોંચી ગયું છે.
https://www.youtube.com/watch?v=6vyOlZ2fK4Y
જમાનો ગમે તેટલો આગળ વધે પણ ભાઈ-બહેનના પ્રેમમાં ક્યારે ય ઓટ આવે નહીં. આ એવી લાગણીનો સંબંધ છે જેમાં કહ્યા વિના ભાઈ અને બહેન એકબીજાની તકલીફ સમજી જાય અને એકબીજાને મદદ કરવા તત્પર હોય છે. પારંપરિક રીતે વિચારીએ તો રક્ષાબંધને બહેન ભગવાન પાસે ભાઈની રક્ષાની પ્રાર્થના કરે, પરંતુ હવે સમય અને સંજોગો બદલાયા છે. ભાઈ-બહેનના સંબંધોનો પ્રેમ તો યથાવત્ જ છે, પરંતુ આજે બહેન-દીકરીઓ બધી રીતે સક્ષમ થઈ ગઈ છે.
ભાવનાત્મક બ્રેકડાઉન વખતે ભાઈ-બહેન મિત્રની જેમ એક-બીજાને સપોર્ટ કરે છે. સમયની સાથે ભાઈ-બહેનના સંબંધમાં સશક્ત પરિવર્તન આવ્યું છે. ભાઈ તો બહેન માટે બધું કરી છૂટે પરંતુ, આજની આધુનિક ભાભી-નણંદ વચ્ચે પણ લાગણીના એવા સંબંધો કેળવાયા છે જાણે સગી બહેન ના હોય! ભાઈ તો બહેનની રક્ષા સદાય કરે પણ બહેન એ વાતની દરકાર રાખતી થઈ ગઈ છે કે મારો ભાઈ કોઈપણ સંજોગોમાં નબળો ન પડે, એટલું જ નહીં જરૂર પડ્યે બહેન પણ ભાઈની પડખે ઊભી રહે છે. બીજા કોઈને દાદ ન દેનારો ભાઈ પોતાની બહેનનો પડ્યો બોલ ઝીલે છે અને ભાભી એમાં સાથ પુરાવે છે. ભાઈ-બહેનના સંબંધમાં ઈગોને ભાગ્યે જ સ્થાન હોય છે. પતિ તેની બહેનનું ધ્યાન ન રાખતો હોય ત્યારે ભાભી જ કહેતી હોય છે કે તારે બહેન માટે જે કરવું જોઇએ એ કર. આજનાં ભાઈ-બહેનના સંબંધ અગાઉ કરતાં સ્ટ્રોંગ થયા છે, એમાં હવે ફરજ કે જવાબદારીનો ભાર નથી, ભાઈની બેની લાડકી જ હોય છે અને કાયમ લાડકી જ રહેવાની છે. સૌને રક્ષાબંધનની તથા સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ. આ મજાનાં ગીતો સાંભળીને ઊજવજો.
——————–
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઑગસ્ટ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=555354