Opinion Magazine
Number of visits: 9483208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ બને ખરું, ભઈલા ?

વલીભાઈ મુસા|Opinion - Short Stories|31 August 2013

પ્રાકૃતિક અને ધાર્મિક વાતાવરણના સંગમસમા એવા બાળારામ મહાદેવના મંદિર પાસેના ગીચ જંગલમાં, નજીકના પાલનપુર શહેરનાં  કોલેજિયન યુવામિત્રોની આ મિજબાની છે. શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈમાં મીઠી વાનગીમાં દૂધપાક છે અને સાથે પૂરીઓ પણ. પંગતમાં જમવા બેઠેલાં સૌ કોઈને ગરમાગરમ પૂરીઓ મળી રહે, તે માટે મહારાજ પૂરીઓ તળતાં જાય છે અને તેમનો સહાયક પૂરીઓ પીરસતો જાય છે. સહાયકની દોડાદોડીમાં એક પૂરી નીચે પડી જાય છે, અને તેની ચીલઝડપ કરવા ચકોર એવો એક કાગડો અચાનક ત્યાં આવી ચઢે છે. એ કાગડો પોતાની ચાંચમાં પૂરી સાથે નજીકના એક ઝાડની ડાળી ઉપર જઈ બેસે છે. તે પૂરીને આરોગવાની શરૂઆત કરે તે પહેલાં તો ઝાડ નીચે એક કૂતરો આવી પહોંચે છે. કાગડો પૂરીને પોતાના પગ વચ્ચે દબાવી દઈને પેલા કૂતરાને પૂછે છે, ‘કેમ ભાઈ, પુનર્જન્મમાં કૂતરા થવું પડ્યું કે શું ? અગાઉના કોઈક જન્મમાં તો શિયાળ હતા, કેમ ખરું કે નહિ ?’

કૂતરો જવાબ વાળે છે, ‘કાગભાઈ, તમે તો ત્રિકાળજ્ઞાની લાગો છો ! તો તો તમને એ પણ ખબર હશે કે તમારા પૂર્વજની જેમ હું તમારી પાસેથી પણ પૂરી પડાવી લેવા તમને મધુર ગાન કરવાનું કહીશ !’

’મારા મનની વાતની તને શી રીતે ખબર પડી, અલ્યા !’

‘બોલવા પહેલાં બંને પગ વચ્ચે પૂરી દબાવી દીધી એટલે !’

‘વાહ રે ! નવીન જન્મમાં તારી બૌદ્ધિક પ્રગતિ સારી થઈ લાગે છે !’

‘હેં કાગભાઈ, પણ હું તમને પૂછું છું કે તમે પેલા ડાર્વિનનો પુન: અવતાર તો નથી ને ?’

‘અલ્યા, ઉત્ક્રાંતિવાદનાં ઊઠાં ભણાવી ચૂકેલો એ ડાર્વિન તેના નવીન જન્મમાં મનુષ્ય કરતાં ઉચ્ચ કોટિના કોઈક એવા દેવદૂત કે મહામાનવ તરીકે જન્મે, નહિ કે કાગડા તરીકે ! તેણે ઉત્ક્રાંતિનો નિયમ શોધ્યો છે, નહિ કે અવક્રાંતિનો ! ભલા, હું તો પહેલાં કાગડો હતો, હાલમાં કાગડો છું અને ભવિષ્યે પણ કાગડા તરીકે જ જન્મ ધારણ કરીશ ! મનુષ્ય તરીકે તો કદી ય નહિ, હા !’ માનવજાતિ પ્રત્યેની કાગડાની કોઈક કડવાશ અહીં પ્રગટ થઈ જાય છે.   

‘હવે, પૂરી પડી જવાનો ભય રાખ્યા સિવાય વાતો કરવાનું બંધ કરીને પહેલાં ભોજનને ન્યાય આપી દો. મને તમારી પૂરીમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી !’

‘અલ્યા, તને શું નથી ? કોઈ બીજી ભાષાનો શબ્દ બોલ્યો લાગે છે !’

‘અલ્યા ભાઈ, એ અંગ્રેજી શબ્દ છે. શિયાળના અવતાર પછી વચ્ચે એક વિલાયતી કૂતરાના અવતારનો  આંટો મારી આવ્યા પછી આ અવતારમાં હું દેશી કૂતરો થયો છું. પૂર્વજન્મના સંસ્કારની કોઈક અસર બાકી રહી જાય તે ન્યાયે મારા અંગ્રેજ માલિકની અંગ્રેજી ભાષાનો ‘ઈન્ટરેસ્ટ’ શબ્દ મારાથી બોલી જવાયો ! તેનો મતલબ એ થાય કે મને તમારી પૂરી ખાવામાં કોઈ રસ નથી, કેમ કે મને એસિડિટીની તકલીફ હોઈ હું તળેલું ખાતો નથી. આ કોલેજિયનોના જમી લીધા બાદ ફેંકી દેવાનારાં પતરાળાંમાંના પડિયાઓમાંથી હું દૂધપાક ચાટી લઈશ.’

‘જો સાંભળ, મને તારી વાતમાં પેલો તારાવાળો ઈન્ટરેસ્ટ પડ્યો હોઈ હું મારી પૂરીને આરોગી લઉં છું, પણ એટલી વારમાં તું જતો રહેતો નહિ ! પહેલી પંગતને જમી રહેવાને હજુ વાર છે. બીજું એ કે તારા દૂધપાકના ચાટણમાં અમારાં કોઈ કાગ ભાઈબહેન ભાગ પડાવે નહિ એ માટે એ લોકોને હું સમજાવી દઈશ.’

પોતાની વાતચીતને અટકાવીને પગ વચ્ચે દબાવેલી પૂરીને ખાઈ લીધા પછી કાગડો બોલે છે, ‘અલ્યા, કૂતરા તરીકેના તારા બંને અવતારોમાં તને કયો અવતાર સારો લાગ્યો ?’

‘દેશી કૂતરાનો આ અવતાર જ તો વળી ! કોઈ ગુલામી નહિ, ગળે પટ્ટો નહિ, જંક ફુડ નહિ, ઇચ્છા થાય ત્યાં શૌચક્રિયા કરી શકાય, ગમે ત્યારે ભસી શકાય, અવાજની તીવ્રતાના આંક ડેસીબલનો કોઈ નિયમ લાગે નહિ, અમારાં શેરીયુદ્ધો અને યુદ્ધવિરામો થકી માનવજાતને યુદ્ધ અને શાંતિના પાઠ ભણાવી શકાય …..’

‘બસ, બસ. તારા અવતાર ઉપર તેં પીએચ ડી. કર્યું લાગે છે !’

‘હું નહિ, પણ મારા વિલાયતી કૂતરા તરીકેના અવતાર વખતનો મારો ધલવલિયો માલિક કૂતરાઓ ઉપર પીએચ. ડી. કરતો હતો. હું તેનો લખેલો મહાનિબંધ (Thesis) વાંચી ગએલો અને તેથી જ તો દેશી કૂતરા તરીકેનો જાત અનુભવ મેળવવા માટે જ મેં ઈશ્વર પાસેથી માગીને આ પુનર્જન્મ લીધો છે !’

‘હવે વધારે મોટા ગપગોળા ફેંકીશ નહિ, મારી ચાંચમાં તે ઊતરશે નહિ ! વળી જો, ત્યાં પેલાં પતરાળાં ફેંકાયાં. પહેલાં તું તારી એસિડિટીનું ચાટણ ચાટી આવ, એટલી વારમાં હું પાણી પી આવું છું અને પછી આપણે શાંતિથી થોડીક વધારે વાતો કરી લઈએ.’

* * *

‘અલી અલી જ્યોત્સના, જો જો પેલા ઝાડ પાસેનું દૃશ્ય તો જો ! શેક્સપિઅરે તેના નાટક ‘Much Ado About Nothing ! ‘(ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર !’)માં આવા જ દૃશ્યની કલ્પના કરીને સરસ મજાનો એક સંવાદ આપ્યો છે. અહીં ફરક માત્ર એટલો જ છે કે કૂતરું ભસતું નથી !’ પ્રથમ વર્ગ એમ. એ.(અંગ્રેજી)ની  વિદ્યાર્થિની પ્રિયંકા બોલી.

‘હું તો સાયન્સની સ્ટુડન્ટ છું, તું એ સંવાદ કહી સંભળાવે તો ખબર પડે ! અલ્યાં બધાં આ પ્રિયંકાને સાંભળો.’ જ્યોત્સનાએ કહ્યું.

‘નાટકની નાયિકા તેના નાયકને કહે છે – ‘I had rather hear my dog bark at a crow than a man swear he loves me.’ પ્રિયંકા ત્રાંસી નજરે અને મલકતા મુખે અલ્કેશ સામે જોતાં બોલે છે.

પ્રોફેસર કુલશ્રેષ્ઠ સુદ્ધાં મોટા ભાગના કોલેજિયનો જાણે છે કે શ્રીમાન અલ્કેશ પ્રિયંકા તરફ્ના એકતરફી પ્રેમમાં લટ્ટુ છે અને પ્રિયંકા જાણી જોઈને બધાની વચ્ચે તેની ફિલ્લમ ઊતારી રહી છે.

‘હું તો રસાયણશાસ્ત્રનો પ્રોફેસર છું એટલે એ સંવાદનો ઉપલકિયો અર્થ સમજી શકું, પણ ગૂઢાર્થ તો, પ્રિયંકા, બધાંને તારે જ સમજાવવો પડશે !’ બધાં જુવાન કોલેજિયનોમાં મુક્ત રીતે ભળી જવા માટે પ્રોફેસર કુલશ્રેષ્ઠ હસતાંહસતાં બોલે છે.

‘જૂઓ સર, એ સંવાદનો સીધો અર્થ જ એનો ગૂઢાર્થ છે. ગુજરાતીમાં કહીએ તો સંવાદ એમ છે કે ‘કોઈ માણસ મને એમ કહે કે હું તને ખૂબ ચાહું છું એમ  સાંભળવા કરતાં મારા કૂતરાને કાગડા સામે જોઈને ભસતો સાંભળવાનું હું વધારે પસંદ કરું !’

અલ્કેશ ગાંજ્યો જાય તેવો ન હતો. તેણે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો, ‘પ્રિયંકા, એ સંવાદનો અનુવાદ કરવામાં તારી કંઈક ભૂલ થતી હોય એમ મને લાગે છે. સંવાદ નાટકનાં નાયક-નાયિકા વચ્ચેનો જ હોઈ બંને કૂતરા અને કાગડા પૈકી કાગડો નારી જાતિમાં જ હોવો જોઈએ ! મારા મતે સંવાદનો ઉત્તરાર્ધ ‘મારા કૂતરાને કાગડી સામે જોઈને ભસતો સાંભળવાનું હું વધારે પસંદ કરું !’ એમ હોવું જોઈએ !’

બધાં ખડખડાટ હસી પડે છે.

અહીં કોલેજિયનો વચ્ચે આ ટોળટપ્પાં ચાલી રહ્યાં છે, ત્યારે પેલા ઝાડ નીચેનો કૂતરો કાગડા સામે આંખ મીંચકારતાં સાનંદ બોલી ઊઠે છે, ‘જોયું ? આપણ બેઉને કેન્દ્રમાં રાખીને એ લોકો ગમ્મત-મજાક કરી રહ્યાં છે ! પણ By the way, હું તો જાણી લઉં કે એ નાટકના સંવાદમાંના કાગડાની જાતિ ગમે તે હોય, પણ તારી જાતિ કઈ છે ?’

‘કાગડી છું !’ મહાપરાણે શરમાતાં શરમાતાં તેણી બોલે છે.

‘તો તો, પેલો છોકરો સાચો હોં ! હવે જો આપણે ચૂપ રહીને એ લોકોની વાતો સાંભળીએ. મને પેલા છોકરા-છોકરી વચ્ચે ‘ઈલુ-ઈલુ’ જેવું કંઈક લાગે છે !’

‘તું પૂર્વર્જન્મમાં વિલાયતી કૂતરો હતો એટલે અંગ્રેજીમાં ખૂબ ફાડે છે અને મારે બધું હવામાં જાય છે ! તું ‘ઈલુ-ઈલુ’નો ફોડ પાડે તો હું આગળ કંઈક કહું !’ કાગડી બોલી.

‘એ તને હું પછી સમજાવીશ. હાલ આપણે ચૂપ રહીને એમને સાંભળીએ તો મજા પડશે !’

પેલી પ્રિયંકા જરા ય છોભીલી પડ્યા સિવાય અલ્કેશની વાતનો રદિયો આપતાં કહે છે, ‘પણ, એ સંવાદમાં ક્યાં he-crow કે she-crow એવું સ્પષ્ટ દર્શાવાયું છે ?’

‘એ તો સંદર્ભથી જ સમજી લેવું પડે કે એ કાગડી જ હોય ! અલ્કેશ સાચો છે, મિસિસ ભરતીઆ તમે શું કહો છો ?’ પ્રોફેસર કુલશ્રેષ્ઠ બોલે છે.

‘એ તો બધાંયનો મત જાણવો પડે ! ચાલોને, સૌને ‘કાગડો’ કે ‘કાગડી’ એવું ગુપ્ત રીતે ચિઠ્ઠીમાં લખી જણાવવાનું કહીને આપણે એ નક્કી કરીએ !’ પ્રોફેસર મિસિસ ભરતીઆ પ્રત્યુત્તર વાળે છે. 

એક તરફ પેલાં કોલેજિયનો અને તેમનાં અધ્યાપકગણ એકપાત્રીય અભિનય, રમૂજી ટુચકા અને અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોએ મનોરંજન કરી રહ્યાં છે, ત્યારે અહીં પેલી કાગડી અને કૂતરા વચ્ચેની પેલી ‘ઈલુ-ઈલુ’ની સમજૂતિ અંગેની અધૂરી વાત આગળ વધે છે.

‘અંગ્રેજીમાં બોલાતા ‘I Love U (you)’ ને ટૂંકમાં ILU (ઈલુ) કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘હું તને ચાહું છું.’; સમજી ?’ કૂતરો કાગડીને ‘ઈલુ’નો અર્થ સમજાવે છે.

‘તો તો, તારા કથનને સુધાર. તેમની વચ્ચે સામસામું ‘ઈલુ-ઈલુ’ નથી, પણ છોકરા તરફથી છોકરી માટે માત્ર એકપક્ષી ‘ઈલુ’ જ છે ! મારી કાગડીની ચાલાક નજરે મને તો એમ જ લાગે છે ! છોકરો પેલી પાછળ નકામો ખરાબ થાય છે; તારું શું માનવું છે, દેશી-વિલાયતી કૂતરા અને એ બેઉ જન્મ પહેલાંના હે શિયાળભાઈ ?’

‘તારી વાત સાચી છે, કાગડીબહેન. ભલે, મેં તને કે તારાં કોઈ પૂર્વજને મારા શિયાળના અવતારમાં પૂરી પડાવવા છેતર્યાં હોય; પણ, હવેથી તું મારી ધર્મની બહેન છે. વળી, કોયલો અને તમારા લોકો વિષેની એક બીજી વાત પણ મારે તને પૂછવાની છે. હું સામાન્ય રીતે જે આદિવાસીના ઘર આગળ પડ્યો રહું છું તેનો હાઇ સ્કૂલમાં ભણતો છોકરો ગઈકાલે એક ગુજરાતી કવિની ‘કાગડી અને કોયલ’ ઉપરની કવિતા તેનાં માબાપને વાંચી  સંભળાવતો હતો. મારે તારા સ્વમુખે તમે સૌ કાગડીઓ સાથે કોયલો તરફથી કાયમ માટે તમને થતી રહેતી તેમનાં બચ્ચાં સેવવા અંગેની એ છેતરપિંડી વિષે મારે વિશેષ જાણવું છે ! આ માટે તારી અનુકૂળતાએ આપણે ફરી કોઈવાર મળીશું.’

‘કેમ, તારા વિલાયતી કૂતરાના અવતાર વખતના તારા ધલવલિયા માલિકની ‘કૂતરાઓ ઉપરની પીએચ.ડી.’ની જેમ તારી પણ  ‘કાગડી અને કોયલ’ ઉપર પીએચ. ડી. કરવાની ઇચ્છા છે કે શું ?’

‘હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી મને મંજૂરી આપે તો એ પણ કરી લઉં !’

‘પણ, એ પહેલાં તારે ગ્રેજ્યુએશન તો કરવું પડે ને !’

‘હવે, આ ઉંમરે એ બધું ભણવાનું ફાવે નહિ ! પણ હા, જો પેલા ફિલ્મકલાકાર આમિરખાનની જેમ કોઈ યુનિવર્સિટી ડોક્ટર ઓફ લેટર્સ (ડી.લિટ.)ની  માનદ્દ ડિગ્રી આપે તો હું તેને સ્વીકારી લઉં ! પરંતુ, એક શરતે કે મારા માટેના એ પદવીદાન સમારંભ(Convocation)માં મારી ધરમની માનેલી વહાલી તું કાગડીબહેના હાજર રહે તો જ !’

‘વહાલી તું કાગડીબહેના’ સંબોધન સાંભળીને ભાવાવેશમાં આવી જતાં અશ્રુપૂર્ણ નયને કાગડી બોલી ઊઠે છે, ‘હું તારા માનસન્માનના એ કાર્યક્રમમાં હાજર ન હોઉં એ બને ખરું, ભઈલા ?’

કૂતરો પૂંછડી પટપટાવતો અને કાગડી ‘કા-કા’ કરતી એમ બેઉ જણ કોઈકવાર ફરી મળવાના વાયદા સાથે છૂટાં પડે છે.

e.mail : musawilliam@gmail.com

Loading

2 September 2021 admin
← Who Killed Narendra Dabholkar?
Rs. @ 70 →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved