હમણાં ગુજરાત વિધાનસભામાં જણાવવામાં આવ્યું કે ટાટા મોટર્સે સાણંદ ખાતે આવેલા તેનાં કારખાનામાં છેલ્લાં બે વર્ષમાં માત્ર 2059 કારોનું જ ઉત્પાદન કર્યું!
અને તે પણ જેનાં માટે ગુજરાત સરકારે 1,100 એકર જમીન ટોકન રૂપિયે આપી તે દુનિયાની સૌથી સસ્તી લાખ રૂપિયા વાળી નેનો કારનું ઉત્પાદન તો બંધ જ કરી દેવાયું છે. એનું તો ગયા ડિસેમ્બરમાં માત્ર 85 નંગનું જ ઉત્પાદન થયું!
2008માં ગુજરાત સરકારે 0.60 %ના દરે હજારો કરોડ રૂપિયાની લોનો અને જમીનો આપી. એ વખતે ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે 2,000 કરોડ રૂપિયાના રોકાણથી દર વર્ષે શરૂઆતમાં 2,50,000 – અઢી લાખ નેનો કારોનું ઉત્પાદન કરવામાં આવશે અને પછી થી દર વર્ષે પાંચ લાખ કારોનું ઉત્પાદન થશે અને ગુજરાતના દસ હજાર યુવાનોને તેને લઈ રોજીરોટી મળી રહેશે.
આજે 2019માં આ બધી જ વાતો પોકળ સાબિત થઇ રહી છે. ગુજરાતના લોકોના ટેક્સના નાણાંથી ઊભી થયેલી આ જંગી કાર ફેક્ટરી સાવ પાણીમાં બેસી જાય અને 1,100 એકર જમીન મફતના ભાવે લૂંટી લે અને સરકાર તેની સામે કોઈ જ પગલાં ના લે ત્યારે સવાલ થાય છે કે આ લૂંટ કરનારા અને લૂંટની લ્હાણી કરનારા રાષ્ટ્રદ્રોહી – દેશદ્રોહી કહેવાય કે ન કહેવાય ?
એક બાજુ આ ગુજરાત સરકાર હજારો આદિવાસીઓને વન અધિકાર હેઠળ તેમના હક્કની નાની સરખી જમીનના પટ્ટા આપવામાં વર્ષોથી ઠાગાઠૈયા કરી રહી છે અને બીજી બાજુ એક માત્ર વ્યક્તિને હજારો કરોડ રૂપિયાને સેંકડો એકર જમીન કોઈ બાંહેધરી લીધાં વિના લૂંટાવી દેવાય એને તે કેવો ન્યાય ગણવો રહ્યો ?
આ તો એક કાર-ઉત્પાદકની વાત, પણ હવે જે એક પછી એક દેશમાં દાયકાઓથી હજારો લાખો કર્મચારીઓ, અધિકારીઓને શ્રમજીવીઓની મહેનત-લગનથી પેદા થયેલાં સેવા-સુવિધા તંત્રોને ખાનગી વેપારીઓને વેચી મારવાની નીતિ ઝડપભેર અમલમાં મૂકવાની શરૂ થઈ છે તે ઘણી ચિંતાજનક છે.
સવાલ થાય છે કે આ ખાનગીકરણનો રસ્તો દેશને ક્યાં લઇ જશે ?
આપણા દેશમાં સૌથી પહેલી રેલગાડી ઠેઠ 1853માં મુંબઈ-થાણે વચ્ચે ચાલુ થઈ હતી. એ વાતને 165થી વધુ વર્ષ થઈ ગયાં. આજે દેશમાં 12,000 ટ્રેનો દોડે છે અને કહો કે રોજ આખા ઓસ્ટ્રેલિયાની વસતિ જેટલા લોકો એટલે કે આશરે અઢી કરોડ વ્યક્તિઓ તેમાં મુસાફરી કરે છે.
સત્તર લાખ જેટલા કામદારો-કર્મચારીઓની રાત દિવસની મહેનતથી આ ભારતીય રેલગાડી પાટાઓ પર સતત ચોવીસે કલાક લોકોની સેવામાં ઠેર ઠેર, દેશના ખૂણે ખૂણે ચાલતી રહી છે.
અને ભારતીય રેલવે સૌથી વધુ રોજગારી પૂરી પાડનારું દુનિયામાં સાતમા નંબરનું સ્થાન ધરાવતું સંગઠન છે.
આ ભારતીય રેલવેને પણ ખાનગી પેઢીઓને ચલાવવા આપી દેવાનો નિર્ણય ભા.જ.પ.ની સરકારે લઈ લીધો છે. અને આગામી 100 દિવસોમાં R.T.C.T.C.ને હરાજીથી ખાનગી પેઢીને દેશની બે ટ્રેનો ચલાવવા આપવાનો નિર્ણય પણ લેવાઇ ચૂક્યો છે.
જે ટ્રેનોમાં સૌથી વધુ લોકો મુસાફરી કરે છે, જ્યાં જેનો સૌથી વધુ ટુરિસ્ટો લાભ લે છે તે દિલ્હી – લખનઉ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને આ ખાનગી વેપારીઓને સોંપી દેવા પ્રથમ નંબર અપાયો છે.
2015 માં રેલવે બોર્ડ દ્વારા નિમવામાં આવેલા બિબેક દેબરોય કમિટીના રિપોર્ટે સરકારને રેલવેના નિગમીકરણની ભલામણ કરી હતી અને કહેવાયું કે હવે રેલવે મંત્રાલય દ્વારા માત્ર નીતિ ઘડવાનું કામ કરાવવું જોઇએ બાકી રેલવે ડબ્બા બનાવતાં છ કારખાનાઓને નિગમ-કોર્પોરેશન હેઠળ લઈ જવા જોઈએ અને રેલગાડીઓ ચલાવવાનું ખાનગીકરણ કરી નાંખવું જોઈએ.
અને આ રિપોર્ટના પગલે આ ખાનગીકરણની ટ્રેન 'બધું વેચી કાઢો'ના પાટાઓ પર ઝડપભેર દોડવા માંડી છે.
એક જમાનામાં એટલે કે 1974માં રેલવે ટ્રેડ યુનિયનોની આગેવાનીમાં આઠ કલાકની નોકરી અને યોગ્ય પગારધોરણની માગણી સાથેની કર્મચારીઓ-કામદારોની જબરદસ્ત રેલ હડતાલ પડી હતી ને સાત સાત દિવસ લગી ટ્રેનો ઠપ્પ પડી હતી. જેને લઈ રેલ કામદારોના જીવનમાં ને નોકરીના નિયમોમાં સુધારા જણાયા હતા.
આ હડતાલને કારણે રેલવેનાં તંત્રો ઢીલાં પડ્યાં કે તેની વિકાસની ગતિ ધીમી પડી એવું કંઈ બન્યું ન હતું.
ખરેખર તો અત્યારે રેલવેની બોગી-ડબ્બા બનાવતાં કારખાનાઓ મોટો નફો કરે છે, ઉપરાંત દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઉત્તમ કક્ષાના અને સૌથી સસ્તા રેલવે ડબ્બાઓ નિર્માણ કરવાના યશભાગી છે.
અને આવા સમયે રેલવેના ખાનગીકરણના મુદ્દે રેલવે કર્મચારીઓને કામદારોમાં ભારે અસંતોષ અને આક્રોશ ઊભો થઈ રહ્યો છે.
સતત રોજેરોજ અત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ખાનગીકરણ સામે દેખાવો – ધરણાં ને રેલીઓના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
એ પણ, ખાસ કરીને ટેલિવિઝન સમાચારો – મીડિયામાં એને યોગ્ય સ્થાન નથી મળી રહ્યું, એ ય આ દેશ કઈ તરફ ગતિ કરી રહ્યો છે અને તેને કોનું કોનું સમર્થન છે તે બાબતે સૂચક છે.
રેલવે કામદાર યુનિયનોના આગેવાનોનું માનવું છે કે ભારતીય રેલવેનું ખાનગીકરણ થશે એટલે નવી ભરતીઓ અટકી જશે. દેશમાં યુવાનોને નોકરી આપવાનું આ એક મોટું તંત્ર છે.
હવે તો આપણા સૌનો અનુભવ છે કે સરકારી કરતાં ખાનગી તંત્રોમાં ઓછા પગાર અને ઓછા કર્મચારી-કામદારો અને તેમની પાસે વધુ કલાકો કામ કરાવવાનું શોષણચક્ર ચાલતું હોય છે.
વળી પેસેન્જરો માટે પણ આ ખાનગી હાથોમાં જનારી ટ્રેનોના ભાડાં વધશે. પેસેન્જરો પાસેથી જાતભાતના અલગ અલગ ચાર્જીસ- ભાડાં વસૂલ કરવામાં આવશે. અત્યારે જે રીતે ખાનગી વિમાન સેવાઓ તહેવારો, વેકેશન કે ખાસ સંજોગોમાં જે રીતે બેફામ ભાવ વધારા ઝીંકીને પેસેન્જરોને લૂંટે છે એ જ પ્રકારે લૂંટ ખાનગીકરણમાં વધવાની.
ખાનગી માલિકો દ્વારા ચાલતી ટ્રેનોમાં સુવિધાઓ, ખાણીપીણી એ બધાં અંગે ક્યાં કોને ફરિયાદ કરવી એ પણ મુસાફરો માટે મોટા પ્રશ્નો બનવાનાં છે, જે અત્યારે ખાનગી ટીવી ચેનલો, મોબાઇલ સેવાઓ, ઈલેક્ટ્રીક સેવાઓમાં લોકો ભોગવી રહ્યા છે. કોઈ જવાબ આપવા હોતું જ નથી; એવો અનુભવ સામાન્ય જનતાનો છે.
ખાનગી હાથોમાં જ્યારે લોકસેવાનાં તંત્રો સોંપાય છે, ત્યારે એવી દલીલ થાય છે કે ખાનગી હાથોમાં જવાથી ચુસ્ત વહીવટ આવશે અને તેને લઈ ઉપભોક્તાઓને વધુ સરળ, ઝડપી સેવાઓ ને સુવિધાઓ મળશે.
પણ આપણા સૌના અનુભવથી આ વાત સાચી લાગતી નથી. ટેલિફોન – મોબાઈલની ખાનગી સેવાઓનો આપણને તાજો અનુભવ છે. થોડા સમય પૂર્વે BSNLની લોકો ખૂબ મજાક કરતાં હતાં પણ આજકાલ ખાનગી સેવાઓના અનુભવો પછી BSNL આ બધાં કરતાં સારી એવું બોલતા લોકો જોવા મળે છે .. પણ સરકાર તેને પણ ખતમ કરવા નીકળી છે તે સૌને ખબર છે.
ખાસ મુદ્દો તો રેલવેના ખાનગીકરણનો એ જ રહેવાનો કે જ્યાં વધુ પેસેન્જરો મુસાફરી કરે છે યા જ્યાં જે રૂટ પર સુખી સંપન્ન લોકો મુસાફરી કરે છે તેવી ટ્રેનો એટલે કે જ્યાં વધુ ફાયદો છે તેવી ટ્રેનો ચલાવવાની કામગીરી જ ખાનગી વેપારીઓ પસંદ કરશે.
જ્યારે સરકાર દ્વારા ચાલતી ભારતીય રેલવેમાં તો દેશના લોકોને દૂરસુદૂર મુસાફરી માટે સેવાસુવિધા પૂરી પાડવી એ જ મુખ્ય લક્ષ્ય રહ્યું છે. ટ્રેનમાં પુરતાં મુસાફરો ન હોય તો પણ જે કોઈ મુસાફરી કરે છે તેમને સસ્તાં ભાડે સેવા આપવી એ જ ધ્યેય રહ્યું છે. એટલે લાંબા ગાળે, ખાનગીકરણને લઈ કહેવાશે કે 'અમે હાઈક્વોલિટીની સેવા આપીએ છીએ અને જે ટ્રેનોમાં પેસેન્જર મળતાં નથી તેનાં પર કાપ મૂકીએ છીએ યા સરકારી ભારતીય રેલવેને પાછી આપીએ છીએ !'
અને તેને લઈ મોટા પાયે કર્મચારીઓ – કામદારોની નોકરીઓ પર કાપ મૂકાવાની સંભાવના રહેશે જ.
એક જમાનામાં મારી યાદદાસ્ત પ્રમાણે 1985-87ના સમયમાં, જ્યારે બ્રિટનમાં માર્ગારેટ થેચરની સરકાર હતી તેમણે બ્રિટનમાં બધું ખાનગી હાથોને સોંપવાનું શરૂ કર્યું હતું. 1986માં હું લંડન ગયો હતો ત્યારે લંડન બ્રિજ પાસે ઊભા રહી એક મિત્રે કહેલું કે 'આ થેમ્સ નદી પણ હવે તો વેચી દેવાઈ છે !'
એ થેચર રાજમાં તો ટ્રેનો ચલાવવાનું કામ પણ ખાનગી કંપનીઓને સોંપાયું.
ખાનગી કંપનીઓ એ ખોટમાં જઈએ છીએ એમ કહી કહી ત્રણ વાર ભાડાં વધાર્યા ને સરકાર પાસેથી સહાયો લીધાં કરી અને બહેતર સેવાઓની દલીલો પર ટ્રેનો દોડતી રહી. પણ આટલાં વર્ષે એ ભ્રમ તૂટી રહ્યો છે, અને એ જ કન્ઝરવેટીવ પાર્ટીની ટેરિઝાની સરકાર હવે પાછું એ જ બહેતર સેવાઓ ની દલીલ સાથે ટ્રેન સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે એવી વાતો સાંભળવામાં આવી રહી છે. બ્રિટનમાં ખોટ ખાવાની દલીલ કરનારને પોતાની કંપની દ્વારા ટ્રેનો ચલાવનારા ઉદ્યોગપતિ રિચર્ડ બ્રાન્સને કમાઈ કમાઈને જ પછી તો વર્જિન એરલાઇન્સ નામે હવામાં ઉડાડવાનો ધંધો પણ ચાલુ કર્યો .. એ ય ખાનગીકરણની જ બલિહારી ગણવી રહી ને ?
2014માં સત્તા ગ્રહણ કર્યા બાદ આપણા દેશના નવા ભા.જ.પ.ના વડાપ્રધાને કહ્યું હતું કે 'કોઈ પણ ભોગે રેલવેનું ખાનગીકરણ નહીં થાય .. હું મરવાનું પસંદ કરીશ પણ ખાનગીકરણ તો નહીં જ …!'
બનારસની સભામાં કહેલી આ વાત 2015માં પણ દોહરાવી ને રેલવે કર્મચારીઓને સંબોધતા તેમણે જણાવી હતી.
પણ ફરીથી ચૂંટણી જીત્યા બાદ આવેલી સરકારે બુલેટ ટ્રેનની ઝડપે ખાનગીકરણ તરફ દોડ માંડી છે ત્યારે સવાલ તો થાય જ કે પરદેશી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક વાર દેશમાં ધામા નાખીને દેશને કેરીના ગોટલાની જેમ ચૂસી ચૂસીને ખતમ કરી નાંખેલો અને દેશ ગુલામ બની ગયો હતો. તો શું આ ફરીથી દેશનાં તંત્રો, સુવિધાઓ, સેવાઓને ખાનગી હાથોમાં વેચી નાખવાના ધમપછાડાને આપણે દેશભક્તિ કહીશું કે પછી દેશદ્રોહ ?
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 24 જુલાઈ,2019