અગિયારમી જુલાઈએ અનિલભાઈ (અનિલ આત્મારામ ભટ્ટ) − આપણી વચ્ચે તો એમના જેવા એકના એક ગયા. 1930થી 2019 એમ નેવ્યાસી વરસનું પૂર્ણાયુષ ભોગવી નેવુંમે એ લય પામ્યા. એમને એકના એક એટલા માટે કહ્યા કે ગિજુભાઈ (દક્ષિણામૂર્તિ), હરભાઈ (ઘરશાળા) અને જુગતરામ દવે (વેડછી) જેવી જમાતજુદેરી શિક્ષકત્રિપુટીના એ છાત્ર રહ્યા, તો નાનાભાઈ-બુચભાઈની વિરલ પરંપરામાં (અને સાથે) લોકભારતી – ગ્રામદક્ષિણામૂર્તિ વિદ્યાપરિવારમાં એમનું શિક્ષકજીવન મહોર્યું.
આ ચારે મોભી સાથે પ્રત્યક્ષઅપ્રત્યક્ષ સંકળાયેલા અનિલભાઈને પશ્ચાદ્દવર્તી ધોરણે ગ્રામદક્ષિણામૂર્તિ લોકભારતી પંચાયત પૈકી કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. “કોડિયું”ના સંપાદનમાં કે નઈ તાલીમ સંઘના પ્રમુખીય વક્તવ્યમાં કે એમ એમનું શૈક્ષણિક ને નાગરિક ચિંતન વ્યક્ત થતું રહ્યું. સદ્દભાગ્યે તાજેતરનાં વરસોમાં ‘મુક્તશીલા કેળવણી’ અને ‘હૃદયકોષે અનિલભાઈ’ જેવા બે સંચયોમાં તે પૈકી ઠીકઠીક સંચિત થયું છે એ આપણું સંબલ બની રહેશે.
આ સાથે, અંજલિરૂપે ‘હૃદયકોષે …”ની મારી પ્રસ્તાવના ઉતારી છે. આશા છે, એ સમયોચિત સુમિરન બની રહેશે.
− તંત્રી (“નિરીક્ષક”)
અમારા પરિવારમાં ઉત્તરોત્તર પિતૃમાતૃભ્રાતૃમૂર્તિવત્, મારા તો જો કે બહુધા બિરાદર જેવા બની રહેલા મનુભાઈએ વર્ષો પર નયનાની શૈક્ષણિક મથામણ અને કંઈક વ્યાકુળ વૈષ્ણવી આરત જોઈને એને કહેલું કે તું અનિલભાઈને મળ. આ લખું છું, ત્યારે જોઉં છું કે મનુભાઈ લૉબીનું પગથિયું ઊતરવામાં છે અને એક હાથ ઊંચો કરી, અનાયાસ જ ઊંચે દીવા ભણી તર્જની ચીંધી કહે છે : ‘હું તો કેળવણીકાર છું, પણ શિક્ષક તો અનિલ છે.’ બનતાં બની આવેલી એમની આ મુદ્રા સંભારું છું, ત્યારે એમનાં અતિપ્રિય બાઇબલવચનો સ્મૃતિમાં દડી આવે છે કે દીવાને ટોપલા તળે ઢાંકશો મા. એને તો ડુંગરટોચે સ્થાપો, જેથી સૌને એનો પ્રકાશ મળે.
નયનાને તો પછી પણ એમને અનિલભાઈ સાથે ઉપનિષદ યોજવા કહ્યું હશે, પણ અનિલભાઈને પછીનાં વરસોમાં દર્શક ઍવૉર્ડ મળવાનો હતો એનો અવસર અમારે આંગણે તો આમ જાણે કંઈ કેટલાં વરસ આગમચ ઊજવાઈ ગયો ન હોય! જો કે મનુભાઈએ અનિલભાઈને શિક્ષક કહી એમનું સમુચિત ગૌરવ કીધું હશે એ સાચું; પણ જેમને ‘કોડિયું’માં પ્રસંગોપાત્ત અનિલભાઈની નોંધો વાંચવાનું કે કોઈ વિશેષ વ્યાખ્યાન વાંચવા-સાંભળવાનું બન્યું હશે – મને તો કેટલાંક વરસ એમના વાર્ષિક હેવાલમાંથી પસાર થવાનો લહાવો મળ્યો હશે – એને લાગ્યા વિના નહીં રહે કે દેખીતી દર્શક-પરંપરાના છતાં અનિલભાઈ સ્વતઃ એક શિક્ષણચિંતક પણ છે – અને તે ય વ્યાપક નાગરિક નિસબતમાં ચોપાયેલા.
એમનો પિંડ શી-શી વાતે બંધાયો હશે એ વિચારું છું, ત્યારે જોઉં છું કે એ સ્વરાજ આંદોલનનું સંતાન છે. એ ગાંધીયુગનું સંતાન છે, અને એથી સમાજ – નવરચનાના મંથનમનોરથનો પુટ પણ ચડેલો છે. એક વાર કંઈક વાત કરવાનું બન્યું ત્યારે એમની કનેથી, મધુબહેનના પિતાજી છોકરાને (અનિલ આત્મારામ ભટ્ટને) ‘જોવા’ આવ્યા, તે ક્ષણની અનિલભાઈની ખેડૂતમુદ્રા વિશે ય સાંભળવાનું બન્યું છે. નવરચના સંદર્ભે, વ્યક્તિગત જીવન પ્રકૃતિ સાથે સંકળાઈ પરિશ્રમી કમાણીએ કોળતું હોય એવી બુનિયાદી સમાજનિસબત એમાંથી ફોરતી હશે. ટૉલ્સ્ટૉયે, જાલિમ પ્રેમમૂર્તિ ટૉલ્સ્ટૉયે જે અનેકનો પીછો છોડ્યો નથી, ‘ત્યારે કરીશું શું’ના વાચને કાકાસાહેબના શબ્દોમાં જીવન દૂધમાં ખારો કાંકરો પડી ગયા જેવું થઈ જાય છે, એનો સંસ્કાર પણ એમાં કામ કરતો હશે.
રહો, ટૉલ્સ્ટૉયની વાત ઘડીક રહીને. હમણાં એમને મેં સ્વરાજસંતાન કહ્યા, પણ જીવનના પ્રાથમિક ઘડતરનું શ્રેય તે સ્વરાજસંગ્રામના એકંદર માહોલનાં પ્રતિરૂપશાં માતાપિતાને આપવા સાથે દક્ષિણામૂર્તિને (સવિશેષ કદાચ ગિજુભાઈસર્જ્યા વાયુમંડળને) આપે છે. સોટી-શિક્ષણ અને ગોખણપટ્ટીથી હટીને પ્રેમ ઉર્ફે અહિંસાથી, વિકસતાં બાળુડાંની કર્મેન્દ્રિયોની સહજ સંડોેવણી સોતી કેળવણીનો જે કીમિયો વીસમી સદીના પૂર્વાર્ધમાં મનુષ્યજાતિ સમક્ષ આવ્યો, મૅડમ મોન્ટેસૉરીનો, એનું એક પોતીકું અવતરણ ને આવિષ્કરણ ગુજરાતમાં ગિજુભાઈ મારફતે આવ્યું. અને એ પ્રક્રિયા મોન્ટેસૉરી પદ્ધતિના દેશકાળલાયક નવસંસ્કરણની પણ હતી.
સ્વરાજસંગ્રામ (એટલે કે અહિંસક પરિવર્તનનો ગાંધીયોગ) અને નવી તરેહનું બાળમંદિર (એટલે કે મોન્ટેસૉરીયોગ) આ બેઉની સહોપસ્થિતિ અનિલભાઈને મન કેવળ જોગાનુજોગ નથી. પરસ્પરં ભાવયન્તઃ એવી આ બે પ્રવૃત્તિ અને પ્રક્રિયા છે; કેમ કે બંને અહિંસાથી કામ લેવા ચહે છે. અનિલભાઈના વ્યક્તિત્વ અને કર્તૃત્વ વિશે એમના સાંધ્યજીવનની લાલિમામાં ઊભી જોવાવિચારવાનું બને છે, ત્યારે આ જોગસંજોગ સાથેનું એમનું આજીવન સંધાન સુપેરે ઊપસી રહે છે.
દક્ષિણામૂર્તિ અને ઘરશાળામાં થયેલું પ્રાથમિક-માધ્યમિક ઘડતર અને પછી વેડછીમાં થયેલું ઘડતર એમને પહેલે તબક્કે, બેલાશક પ્રથમ પસંદગીપૂર્વક ખેડુજીવન ભણી જ લઈ ગયું હતું. પણ હરિજનો સાથે આભડછેટ વગરના સહજ વ્યવહારને કારણે આ ખેડૂતને સાથીની ટાંચ પડી, મોટા ભાગની મહેનત-મજૂરી પોતાને હિસ્સે આવી પડી. આ આકરા પરિશ્રમે સ્વાસ્થ્યને જે હાણ પહોંચાડી એથી ખેડુજીવનથી હટવાનું અનિવાર્ય બની ગયું એમ સમજાય છે.
પ્રકારાન્તરે એ ઠીક જ થયું, કેમ કે એથીસ્તો આત્મારામ ભટ્ટ પરિવારથી સુપરિચિત દર્શક અનિલભાઈને પંચાયત તાલીમવર્ગ માટે ખેંચી લાવ્યા અને મહેનતમજૂરીના સાદા એટલા જ સંસ્કારી જીવનને સમર્પિત જીવ સહજક્રમે શિક્ષણમાં સંયોજાતો ચાલ્યો. માંહ્યલો એટલે કે અંતરને ગોખલે બેઠો પેલો ખેડુ અલબત્ત જાગતોજ્યોત હતો, એટલે કેળવણીના ચાલુ જંતરડાથી ઉફરાટે બુનિયાદી શિક્ષણ આપવાની દિશામાં કંઈક વિશેષ સજ્જતા પણ હતી – અનેક રીતે આવકાર્ય પણ શહેરી મધ્યમવર્ગમાં બદ્ધ મોન્ટેસૉરી-પરંપરા(દક્ષિણામૂર્તિ)થી આગળ, કેવળ ગામડાંમાં નહીં પણ રૂંવેરૂંવે ગામડાંની નિશાળ (ગ્રામદક્ષિણામૂર્તિ) ભણી લઈ જઈ શકે એવું એ એક સંબલ હતું.
સમજવાનું જો કે એ છે કે શહેરી કહેતાં જે નાગરિક અભિજ્ઞતાનું વાનું છે, એનો આ સંક્રાન્તિમાં નિષેધ નહોતો ને નથી. બલકે, કહેવું હોય તો કહી શકાય કે, આ અભિજ્ઞતાએ સ્તો છેવાડાના જણ અને ગ્રામભારત સાથેના તાદાત્મ્યપૂર્વક નઈ તાલીમની લહે લગાડી.
અહીં પાછા પેલા ટૉલ્સ્ટૉયને સંડોવશું જરી? ટૉલ્સ્ટૉય જેમ ‘ત્યારે કરીશું શું’ના તેમ ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’નાયે લેખક છે, દૃષ્ટા છે. ગાંધીને ટૉલ્સ્ટૉય ગુરુવત્ વરતાયા એ આ બીજા પુસ્તકને પ્રતાપે. એક પા પોતે ધર્મજિજ્ઞાસાથી પરિચાલિત હતા, તો બીજી પા નાગરિક અને નાગરિક વચ્ચે ભેદ કરતી હકૂમત સાથે કામ પાડવાની નિયતિ હતી. મુમુક્ષુ ટૉલ્સ્ટૉયે ધર્મને પ્રેમ સ્વરૂપે ઘટાવ્યો અને ધર્મ(પ્રેમ)ને વહેવારમાં ઉતારવાની ધખના એમને દુષ્કાળપીડિતો વચ્ચે લઈ ગઈ. જોયું કે પીડિતો ખ્રિસ્તી, શોષક શાહુકારો પણ ખ્રિસ્તી, અને એ શાહુકારોને સાચવી લેતા શાસક પણ ખ્રિસ્તી! પ્રેમધર્મને અમલમાં મૂકવા નીકળેલા ટૉલ્સ્ટૉયને આ સાક્ષાત્કારક ક્ષણે સમજાઈ રહ્યું તે એ કે પરમ ગહન એવા સેવાધર્મ હો યા પ્રેમધર્મ, રાજ્ય ને રાજનીતિ પરત્વે વિવેક કેળવ્યા વિના, આલોચનાત્મક દૃષ્ટિબિંદુ ((critique) કેળવ્યા વિના ધર્માર્થીમાત્રને ચાલવાનું નથી. રાયચંદભાઈ(શ્રીમદ્રાજચંદ્ર)થી પોતાની ધર્મમૂંઝવણોમાં સમાધાન લાધ્યાનું કહેતા ગાંધી થાકતા નથી. પણ બીજા જિજ્ઞાસુઓ ને મુમુક્ષુઓ કરતાં, શ્રીમદ્રાજચંદ્ર કરતાં પણ, ગાંધી ન્યારાનિરાળા એ મુદ્દે છે કે એ જાહેરજીવનથી અને અન્યાય પ્રતિકારથી પરહેજ કરતા નથી.
આ ગાંધીપણું શ્રીમદ્ને નહીં એટલું ટૉલ્સ્ટૉયને અનુસરતું છે. ‘ત્યારે કરીશું?’ જેમ સમર્પિત સેવાયજ્ઞની અહાલેક જગવવાની હદે ઝંઝેડી નાખે છે તેમ એ અને ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ બેઉ મળીને રાજ્ય અને રાજકારણ પરત્વે આલોચનાવિવેકની અનિવાર્યતા ઊપસાવી રહી છે. સંગઠિત ધર્મ પરત્વે તેમ અર્થકારણ-સમાજકારણ પરત્વે પણ આવો આલોચનાવિવેક અનિવાર્ય છે. દેખીતી રીતે જ, નિશાળેથી નીસરી જવું પાંસરા ઘેર, અગર તો બૉર્ડિંગ સ્કૂલબદ્ધ ઢબછબ આદિના વશની આ વાત નથી. ઉત્પાદક એ નાગરિક નથી અને નાગરિક એ ઉત્પાદક નથીઃ આ જુવારાંને ભાંગવા કરતો અભિગમ નજર સામે રહે, તો ગ્રામદક્ષિણામૂર્તિ પ્રયોગની વિશેષતા શી વાતે છે તે અને એમાં અનિલભાઈએ પૂરેલ સમિધનો મહિમા શી વાતે છે એ સમજાય. કૃષિ-ગ્રામવિદ્યાના સ્નાતકને પ્લેટોથી માર્ક્સની વિશ્વવિચારણાનો પરિચય હોવો જોઈએ તે નાનાભાઈ-મનુભાઈની પહેલથી સ્વીકારાયું, અને અનિલભાઈ પણ દક્ષિણામૂર્તિ, વેડછી થઈ ગ્રામદક્ષિણામૂર્તિ પહોંચી વગરભણતરે આ નવી સ્કૂલના સ્નાતક જ નહીં પણ આચાર્ય કહેતાં. ચાન્સેલર થઈ ગયા!
આ ચાન્સેલર એ રવીન્દ્ર-પરંપરામાં ‘આચાર્ય’ તરીકે ઓળખાય છે, જેમ ઉમાશંકર જોશી શાંતિનિકેતનના આચાર્ય થયા હતા. વસ્તુતઃ રવીન્દ્રનાથ અને શાંતિનિકેતનને અહીં ચહીને સંભાર્યા છે. રવીન્દ્રનાથ ગ્રામલક્ષ્મીને, પ્રકૃતિને ચાહનારા અને સૌંદર્યના ઉપાસક હતા. આપણે ત્યાં ક્વચિત્શ્રેયસ કે ક્વચિત્ ચી.ન. વિદ્યાવિહાર જેવી શાળાઓને સાચદિલ પણ હુલાવીફુલાવીને શાંતિનિકેતન કહેવાયેલ છે. કરાંચી-માંગરોળના શારદાગ્રામ વિશે પણ આવી સરખામણીનો સહજ ઉમળકો પ્રસંગે પ્રગટ થયેલ છે. પણ આંબલા જેવા ગામડામાં, વંચિતબહુલ શાળામાં સૌંદર્યાનુભવ શક્ય બને ત્યારે તે આ બધાં ઉદાહરણોને વટી જતી ગાંધી-રવીન્દ્ર મિલનભૂમિની એક નવી જ મિસાલ કાયમ કરે છે.
તપસીલમાં તો શું ને કેટલું જાઉં, પણ ગ્રામ ટેક્નોલોજી-વ્યવહારુ ગૃહવિજ્ઞાન – સમાજનવરચના જેવા વિષયો દાખલ કરવામાં અનિલભાઈ અને સાથીઓ નિમિત્ત બન્યા. તેમાં નઈ તાલીમની વિકસી શકતી ક્ષિતિજોનાં દર્શન થાય છે, એટલું તો ખસૂસ નોંધવું જોઈએ.
સમાજનવરચનાની જિકર નીકળી જ છે તો વાત સમેટતે-સમેટતે એક-બે નાનામોટા મુદ્દા કરી જ લઉં. દરેક છાત્ર (કે છાત્ર ટુકડી) પોતાપણું અનુભવી પોતાની રીતે સર્જનાત્મક રસ લઈ નિર્માણ કરે, એવી એક મોકળાશ અને પહેલ – સોઈ ‘વાડોલિયું’ પ્રયોગ વાટે અનિલભાઈના અવિધસરના ચાન્સેલરપદે મળતી રહી છે. લોકઆંદોલનનાં રચનાત્મક સ્પંદનો અહીં ક્યારેક કોઈક વાડોલિયાને જેપીનું નામ આપીને પણ ઝિલાયાં છે! નવનિર્માણ વખતે લોકદક્ષિણામૂર્તિમાં ભણતર ચાલુ રહ્યું. ત્યારે બહારથી છાત્રોજોગ બંગડીઓ આવી હતી. લોકદક્ષિણામૂર્તિના છાત્રોએ તેના પ્રતિભાવમાં ઊંબી મોકલી, આંદોલનનાં મૂલ્યોની સાથે રહી સર્જનાત્મક શક્યતાઓ ચીંધી બતાવી હતી.
આંબલાના પ્રયોગો નઈ તાલીમની નાનકડી દુનિયામાં મશહૂર છે. એ બહાર પહોંચવા જોઈએ એ તો ખરું જ; પણ જે બીજું એક વાનું તત્કાળ કરવા જેવું છે, તે તો એ કે જે તે પ્રયોગને ‘કેસસ્ટડી’ ગણી એના સ્વાધ્યાય-મુદ્દાઓને શિક્ષણપોથી તરીકે ગુજરાતના વિદ્યાસમાજ સમક્ષ રમતા મૂકવા જોઈએ. કોઈ સ્થળવિશેષમાં એકાદ વ્યક્તિવિશેષ પોતીકી મૌલિકતા ને સર્જકતાથી કશુંક કરે તે ઠીક જ છે. પણ શિક્ષણપદ્ધતિ રૂપે એનો વ્યાપક સ્વીકાર અને ધોરણસર અમલ થાય તે માટે હમણાં કહી એવી પોથીઓ વિદ્યાસમાજવગી થવી ઘટે છે.
વિધિસરના ભણતરમાળખાથી નિરપેક્ષપણે, આછાપાતળા ભણતરજોરે પેટિયું રળી ખાતો વ્યાપક વર્ગ પોતપોતાના વ્યવસાયમાં નવકૌશલ પ્રાપ્ત કરે અને આજુબાજુની દુનિયાને સમજવાજોગ માહિતી મેળવે – કહો કે નાગરિકતાના પાઠ ભણે – એવો જે માઇધાર પ્રયોગ દર્શકે બીજા સ્વરાજ પછી તરતનાં વર્ષોમાં હાથ ધર્યો એમાં એમના આ અનુજ તો હોય જ. એક રીતે, સાદા ગ્રામજીવનના ખયાલે ખેડૂત બનવા નીકળેલ જણને શિક્ષણના કામમાં પડવાનું થયું તે પછી ઉત્તરકાળે પાછા બંને તબક્કાની મિલાવટ શો ‘નવી ગિલ્લી-નવો દાવ’નો આ એક ઉદાત્ત ઉધામો હતો. સમાજ – નવરચનાના સિપાહીઓ વચ્ચે શિક્ષક જેવા અને શિક્ષકો વચ્ચે સિપાહી જેવા મનુભાઈ-અનિલભાઈની આ એક રમતાં રમાય એવી ઇનિંગ્ઝ હશે સ્તો. અનિલભાઈના એક પુત્ર ચૈતન્યભાઈ છેલ્લાં વર્ષોથી ઢેઢુકીમાં દાવ લઈ રહ્યા છે. પોતે જેમને પિતા, મિત્ર, શિક્ષક ત્રણે કહ્યા છે, એ અનિલભાઈ સાથે ચૈતન્ય સંવાદ કરે – શિક્ષણ અને ગ્રામપુનર્નિર્માણને અનુલક્ષીને – એવું કાંક ન બની શકે? જેને આપણે ‘કમ્પેરિંગ નોટ્સ’ કહી શકીએ, એવી ખાસી વિધાયક સામગ્રી એમાંથી મળી રહે, તે નિઃશંક.
આરંભે શિક્ષક અનિલભાઈ અને નઈ તાલીમનો ઉછેર નહીં એવી ‘હાર્ડ નટ ટુ ક્રૅક વિથ’ છાત્રાનો ઉલ્લેખ કરતે-કરતે ‘ઉપનિષદ’ જેવો શબ્દપ્રયોગ સહજ જ ચાલ્યો આવ્યો હતો. સદ્ભાગ્યે બે’ક વરસ પર અનિલભાઈ સાથે થોડા મિત્રોનો, આવા ઉપનિષદયોગ બની આવ્યો અને એમાંથી એક પછી એક એમ ત્રણ પુસ્તકોની યોજના શક્ય બની. આ બીજું પુસ્તક છે અને ત્રીજું તરતમાં જ પ્રેસમાં જશે. આગળ ચાલતાં ત્રણેનાં પુનરાવર્તનો ગાળી, જરૂરી ઉમેરણ સાથે એક નવો સમન્વિત ગ્રંથ પણ બની શકે. અને હા, પેલી શિક્ષણપોથીઓ પણ રાહ જુએ છે.
આ પ્રક્રિયાને શગ ચઢતી હશે, ત્યારે દર્શક વળી બોલતા સંભળાશે – હું નહોતો કહેતો, અમારામાં શિક્ષક તો અનિલ જ. અને રમેશ સંઘવીને બાઇબલવચનો સંભારી એ શ્રેય પણ ખતવતા જણાશે કે દીવો ટોપલા તળે ઢંકાઈ રહે નહીં એ સારુ તેં કામ તો રૂડું કીધું.
૨૨ ડિસેમ્બર, ૨૦૧૫
[પ્રસ્તાવના, ‘હૃદયકોષે અનિલભાઈ’, સંપાદન : રમેશ સંઘવી, પ્રકાશક : ગ્રામદક્ષિણા મૂર્તિ ટ્રસ્ટ, પહેલી આવૃત્તિ : ૨૦૧૬, રૂ. ૧૨૫/-]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૂ. 07-08