Opinion Magazine
Number of visits: 9448856
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનરેશન ગૅપનાં બદલાયેલાં સમીકરણ

આરતી નાયર|Opinion - Opinion|1 July 2019

ધારો કે તમે તમારા સંતાન સાથે રસ્તા પર ચાલતા જઈ રહ્યા છો. રસ્તો ખોદેલો છે. ત્યાં તમને ખાડાની પાસેથી જવાય એવો બીજો રસ્તો દેખાય છે. પણ એ તમારો જાણીતો નથી. એટલે તમે એ રસ્તો લેતા નથી. પણ તમારું બાળક તમારો હાથ છોડીને માટીના ઢગલા પર થઇને બીજા રસ્તા પર પહોંચી જાય છે. એ જોઈને પહેલાં તો તમને ધ્રાસ્કો પડે છે અને પછી તરત એ ડર ગુસ્સામાં ફેરવાઈ જાય છે.

“આ શું કરે છે? ભાન નથી પડતું? હમણાં પડી જાત તો? આપણે આ બાજુ જવાનું છે ને તું ત્યાં ક્યાં જાય છે?” તમે એને વઢી નાખો છો.

“આ રસ્તો પણ ત્યાં જ જાય છે. અમારી સ્કૂલરિક્સા રોજ આ જ રસ્તેથી જાય છે.”

વાર્તા પૂરી.

આ વાર્તાના અંત માટે તમારી પાસે વિવિધ વિકલ્પો છે. તમે તમારા બાળકને ધમકાવીને તમારા જાણીતા રસ્તે ખેંચી લાવો છો અથવા તમે પણ એ માટીનો ઢગલો કૂદીને તમારા બાળકની જાણકારીના ભરોસે નવો રસ્તો લો છો.

આવા મતભેદોનો સામનો આપણે લગભગ દરરોજ કરીએ છીએ. તે 'જનરેશન ગૅપ' એટલે કે બે પેઢી વચ્ચેના મતભેદ તરીકે ઓળખાય છે. હું નાની હતી ત્યારે માનતી હતી કે જુદી જુદી ઉંમર અને તેના કારણે જોયેલી જુદી જુદી દુનિયાને કારણે જનરેશન ગૅપ પેદા થતી હશે. મારા મનમાં એક આંકડો પણ હતો: જે તમારા કરતાં ૧૦-૧૫ વર્ષ મોટાં હોય એ તમને સમજવામાં તકલીફ અનુભવે. પણ મારી આ સમજમાં મુશ્કેલી એ હતી કે ઉંમરનો આટલો તફાવત ધરાવતાં યુગલો વડીલોમાં જોવા મળતાં હતાં. મારા દાદા મારાં દાદી કરતાં દસ વર્ષ મોટા હતા.

જનરેશન ગૅપ એ શબ્દપ્રયોગ સાથે નકારાત્મક ભાવ સંકળાયલો છે. તમે કટાક્ષમાં બોલો કે ગંભીરતાથી, પણ મતલબ એટલો જ કે કંઈક લોચો છે. જનરેશન ગૅપની એક કમાલ એ છે કે તેના વિશે બધા જાણે છે. છતાં તેનો અહેસાસ ઝડપથી હજમ થતો નથી. એવું જ લાગે છે કે ‘આ કેવું? આવું તો ન હોય.’ આપણી નિકટની વ્યક્તિ આપણા કરતાં સાવ જુદી રીતે વિચારે છે, એ સ્વીકારતાં આપણને બહુ તકલીફ પડે છે. આવું દુઃખ મોટે ભાગે વડીલોને વધારે થતું હોય છે. કારણ કે મતભેદ ઉપરાંત આઘાત, માનભંગ જેવી બીજી લાગણીઓ પણ તેમને ઘેરી વળે છે. ‘શું હું સાવ મૂરખ છું? શું હું જમાનાથી પાછળ રહી ગયો હોઉં એવો લાગું છું?’

આમ તો બે પેઢી વચ્ચે હદ આંકી શકાય એવું કોઈ ચોક્કસ વર્ષ નથી. પણ એક રીતે વિચારીએ તો અત્યારે ચાળીસ-પચાસ વર્ષના હોય એવા લોકો સહેલાઈથી પોતાની પેઢીનો સમયગાળો નક્કી કરી શકે છે.  ‘અમારા જમાનામાં’ એવું કહીને એ લોકો એમના દસ-પંદર વર્ષના ‘જમાના’ની વાત ઝાઝા ગૂંચવાડા વગર કરી શકે છે. તેમને લાગી શકે છે કે તેમની જિંદગી તેમનાં માબાપ અને સંતાનોની વચ્ચે સેન્ડવીચ જેવી બની ગઈ છે. એ નાના હતા ત્યારે એમનાં માબાપ કડક અને કઠોર હતાં. હવે તે પોતે મૈત્રીપૂર્ણ અને સમજુ માબાપ તરીકે વર્તે છે, તો પણ સંતાનોને એવું લાગે છે કે તેમનાં માતાપિતા લેટેસ્ટ ટેક્નોલોજી, ફેશન વગેરે સાથે તાલ નથી મેળવી શકતાં.

પણ આ તો આ વાત થઈ ૧૯૭૦-૧૯૮૦ના ગાળામાં જન્મેલા લોકોની. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં જન્મેલા લોકો ‘અમારા જમાના’ની વાત કરે ત્યારે એમનો સમયગાળો ખાસ્સો નાનો થઈ જાય છે. મારો જન્મ ૧૯૯૧માં. અમે લોકો (એટલે કે, મારાથી એક-બે વર્ષ આગળ કે પાછળ જન્મેલા લોકો) નવા અને જૂના જમાનાને જોડતી કડી હોઈએ એવું લાગે છે.

ચકરડાં ઘુમાવવાં પડે એવા ફોનનાં ડબલાં જોનારી અમારી પેઢી છેલ્લી છે. અમારા પછી ચાર-પાંચ વર્ષે જન્મેલા ઘણાખરા લોકોએ કોર્ડલેસ ફોન જ જોયા. મૉલ-મલ્ટીપ્લેક્સ વગરની દુનિયામાં, સિંગલ થિયેટરમાં ફિલ્મ જોનારી પણ અમારી છેલ્લી પેઢી. અમે વી.સી.આર. પણ જોયા. ત્યારે સી.ડી.-ડી.વી.ડી.-પેન ડ્રાઇવ આવે છે એવી ખબર પણ ન હતી. અમે એવાં કાર્ટૂન જોયાં જેમાં અર્થસભર વાર્તાઓ આવતી હતી.. 'પોકેમોન' આવ્યું ત્યારથી મેં કાર્ટૂન જોવાનાં બંધ કરી દીધાં, કારણ કે મને એ નકામાં લાગતાં હતાં. કમ્પ્યુટર ત્યારે નવાં હતાં અને મોટા ભાગના લોકો માટે તે દૂરની જણસ હતાં. હું રોજ કમ્પ્યુટરનાં સપનાં જોતી અને વિચારતી, ‘કાશ, મારી પાસે પણ કમ્પ્યુટર હોય … તો જિંદગી બની જાય.’ અમારા કમ્પ્યુટર ટીચર બહુ બોરિંગ હતા. કોઈ વિદ્યાર્થી કંઈક નવું શોધી કાઢે તો પાછો તેમનો અહમ્ ઘવાઈ જાય અને તેમનો વિષય એવો હતો કે તેમાં વિદ્યાર્થી શિક્ષકથી પહેલાં શીખી લે એવી શક્યતા મહત્તમ રહેતી.

આ બધી વાતો ૧૯૯૫-૯૬માં જન્મેલાં ઘણાં બાળકો માટે અપ્રસ્તુત બની જાય છે. કોર્ડલેસ ફોન અને મૉલ-મલ્ટીપ્લેક્સ ઉપરાંત તેમને માટે તો ગેમ રમવા માટે કમ્પ્યુટર મોજૂદ હતાં. એમને સંગીત પણ ૧૯૯૦ના દાયકાનું અને એ પછીનું જ યાદ રહે છે. જૂનાં હિંદી ગીતોથી તેમને કંટાળો આવે છે (એ તો જો કે મારી પેઢીના લોકોને પણ આવે છે). ફક્ત પાંચ વર્ષ નાના મારા પિતરાઈ ભાઇની અને મારી વચ્ચે જનરેશન ગૅપ છે, તેની પહેલવહેલી જાણ મને સંગીત થકી જ થઈ. અરિજીતના તાજા જ આવેલા લોકપ્રિય ગીત વિશે મને ખ્યાલ ન હતો એનાથી તેને આંચકો લાગ્યો. “દીદી, તમારી ઉંમર થઈ ગઈ. તમને એઇટીઝનાં ધીમાં-જૂનાં ગીતોમાં શું મઝા આવે છે?”

એની વાત સાવ ખોટી ન હતી. હજુ હમણાં સુધી મને સારાં-ખરાબ બધાં નવાં ગીતોની જાણકારી રહેતી હતી. પણ હવે હું નથી રેડિયો સાંભળી શકતી કે નથી ટીવી જોઇ શકતી. “તો તમે કરો છો શું?” એણે પૂછ્યું. પણ અમુક સવાલોનો એક જ જવાબ હોય છે: મોનાલિસા જેવું સ્મિત.

ક્યારેક રેસ્ટોરાંમાં એક જ ટેબલ પર બેઠેલા, મારાથી પછીની પેઢીના લોકો પોતપોતાની જુદી જુદી સ્નૅપ સ્ટોરી પોસ્ટ કરવા ઇચ્છતા હોય ત્યારે તેમને જોઈને જબરી રમૂજ થાય છે. ટેબલ પર ખાવાનું પીરસાય અને જો કોઈ એમાં હાથ મારવા જાય તો એને તરત રોકવામાં આવશે, “હાથ દૂર રાખ …પહેલાં ફોટો પાડી લેવા દે.” આવી રીતે પડતા અઢળક ફોટોમાંથી કેટલાકના નસીબમાં જ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થવાનું લખાયેલું હોય છે. તમે જો કોઇ વૈભવી રેસ્ટોરાંમાં જાવ તો તેના ‘પૈસા વસૂલ’ કરવાની રીત છે ફેસબુક પર ‘ચેકઇન’ કરવાનું, જેથી દુનિયાને ખબર પડે કે તમે ત્યાં છો. ત્યારબાદ જુદી જુદી રીતે સેલ્ફી પાડવી પડે. અને આ બધાં ખાસ્સી જહેમત માગી લેતાં કામ છે. ભોજન વખતે સંગાથની મઝા હોય છે, પણ આ પેઢી માટે સંગાથની વ્યાખ્યા ઇન્સ્ટાગ્રામ-ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પર સાથે ટેગ થવું – એવી બની જાય છે.

કૉલેજ પૂરી કરીને છ વર્ષ કામ કર્યા પછી મેં ફરી ભણવાનું – માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું. અમેરિકાની ટોચની ગણાતી બે કૉલેજમાં ઍડમિશન પણ મળી ગયું. ત્યાંના કેટલાક જૂના વિદ્યાર્થીઓ પોતાના અનુભવને આધારે નવા વિદ્યાર્થીઓને ટિપ્સ આપે, એવી પ્રથા છે. એવી રીતે એક વિદ્યાર્થીએ મને ઇ-મેઇલ મોકલ્યો, જેમાં લખ્યું હતું, “તમારે અહીંના લોકો સાથે સહેલાઈથી ભળવું હોય તો ‘ગેમ ઓફ થ્રોન’ અને ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ જેવી ટીવી સીરિયલ જોવી જ જોઇએ. વાતચીત શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ વિષયો છે.” ઍડમિશન લેવા માટે મારે શું શું કરવું પડ્યું એ હું જ જાણું છું. ગણિત સાથે છત્રીસનો આંકડો હોવા છતાં મારે ગણિત ભણવું પડ્યું – અને તે પણ એવી રીતે કે હું પ્રવેશ પરીક્ષા સરસ માર્કે પાસ કરી શકું. પણ ગણિત ભણવા કરતાં પણ પેલો ઇ-મેઇલ વાંચીને હું મૂંઝાઈ ગઈ. કૉલેજ પૂરી થયા પછી મને આવું કશું જોવાનો સમય પણ મળ્યો ન હતો કે મારી પાસે એટલી ધીરજ પણ ન હતી. અમુક લોકોનું જેમ પુસ્તકવાચન છૂટી જાય છે તેમ મારે આ બધું જોવાનું છૂટી ગયું હતું. આ ઇ-મેઇલ વાંચ્યા પછી અમેરિકા ભણવા જવાના નિર્ણય પર હું નવેસરથી વિચાર કરી રહી છું.

'આજકાલના' જુવાનિયા ભેગા થાય ત્યારે કેવી વાતો કરતા હોય છે? ઘણીવાર ગપશપની શરૂઆત જ ‘તેં પેલુ જોયું?’થી થતી હોય છે. 'પેલું' એટલે કયો શો તેનો આધાર એ લોકો કઈ ઉંમરના છે અને જીવનના કયા તબક્કે છે, તેની પર હોય છે. એ કોઈ કૉમિક વિડિયો હોઇ શકે છે, કે પછી ટીવી સિરીઝ, ઑનલાઇન સિરીઝ, ઑનલાઇન રિલીઝ થયેલી કોઇ ફિલ્મ કે પછી ઑનલાઇન ફિલ્મરિવ્યુ પણ હોઈ શકે છે. હમણાં સુધી કુટુંબમાં નવી પેઢી-જૂની પેઢી વચ્ચે ટીવી પર અધિકાર જમાવવાના મુદ્દે ખેંચતાણ થતી હતી. પણ હવે નવી પેઢી માટે મનોરંજનના માધ્યમ તરીકે ટીવીનું મહત્ત્વ નથી રહ્યું. ભારતીય હોય કે અમેરિકન, મોટાભાગના લોકપ્રિય શો ઑનલાઇન છે, જે સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબલેટ કે પછી મોબાઇલ પર જોઈ શકાય છે. તેમાં ‘બિંજવોચિંગ’ની બોલબાલા છે. મતલબ કે, બધા એપિસોડ એક પછી એક, ઉપરાછાપરી જોઈ પાડવાના. ટીવી શો સિવાય હવે તો નેટ ફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ કે હૉટસ્ટાર પણ જાતભાતનું મનોરંજન પીરસે છે. તેમાં ચોક્કસ રકમ ચૂકવીને વિશિષ્ટ ફિલ્મો, ટીવી શો, વેબસિરીઝ, ડોક્યુમેન્ટરી વગેરે જોઇ શકાય છે. હા, તેમાં મનોરંજનનું બજેટ વધી જાય ખરું, પણ જેને તેનો ચસકો લાગ્યો તેને ખર્ચો કર્યા વિના છૂટકો છે.

***

ઇન્ટરનેટનું ડાયલ અપ કનેક્શન હતું ત્યારે એક તો એ ચાલે ગોકળગાય ગતિએ ને પાછું વચ્ચે વચ્ચે ખોટકાઈ પડે. એ અટકે ત્યારે કસ્ટમર કેરમાં ફોન કરવાનો. નસીબ સારાં હોય તો એકાદ દિવસમાં ટૅકનિશિયનનાં દર્શન થાય. તેમને જોઈને મને કાયમ વિમાસણ થતી કે આ કયા પ્રકારની નોકરી છે? ને એના માટે શું ભણવું પડતું હશે?’ આવીને તરત એ વાયર છોડવા ને જોડવા માંડે. અગાશીમાં જઈને વાયરો મચેડી આવે. પછી કમ્પ્યુટરનો વારો આવે. કંઈક કોડ ટાઇપ કરીને ઍન્ટર કરે એટલે ફર્રર્રર્ર કરતાં અષ્ટમપષ્ટમ લીટીઓથી કમ્પ્યુટર સ્ક્રીન ઊભરાઇ જાય. એ જોઈને ટૅકનિશિયન જાહેર કરે, ‘લો, ઇન્ટરનેટ ચાલુ.’ એક દિવસ મેં ભોળા ભાવે પૂછી નાખ્યું હતું, “તમે આ બગાડો છો જ શું કામ?’” હવે અમારા ઘરનું આવું ટૅકનિકલ ખાતું હું સંભાળુ છું. ડૉંગલ બરાબર કામ ન કરે ત્યારે ટૅકનિશિયનને નહીં, મને કહેવામાં આવે છે અને કહેતી વખતે ઘરવાળાંનો સૂર એવો હોય છે કે, ‘આ ઍપ ને આ નેટ ને આ ડબલાં, આ બધી જફામાં તમારી પેઢીએ અમને નાખ્યાં છે, તો તમે જ કરો એને રિપેર.’ મારા ઘરે જ નહીં, મોટાભાગનાં ઘરમાં ટૅકનિકલ ખાતાની જવાબદારી નવી પેઢીના માથે હોય છે. તેમનાથી ન થાય તો જ કસ્ટમર કેરને ફોન કરવાનો.

ટૅકનોલોજીએ કેટલીક બાબતોમાં બે પેઢી વચ્ચેના સંબંધોનું સમીકરણ ઉલટાવી નાખ્યું છે. મારા એક મિત્રની ફરિયાદ છે કે “મારી મમ્મી મારા પર સરખું ધ્યાન નથી આપતી. જ્યારે જુઓ ત્યારે એ વૉટ્સઍપ પર જ લાગેલી હોય છે.”

“આપણે કોલેજમાં હતા ત્યારે તારી મમ્મીની તારા માટે આ જ ફરિયાદ હતી," મેં એ મિત્રને કહ્યું, “તારી મમ્મી કહેતી હતી કે એ તો કાયમ મોબાઇલ પર જ ચોંટેલો હોય છે. તને યાદ છે ને?”

મારી વાત સાંભળીને એની મમ્મી પણ ખુશ થઈને વાતમાં જોડાઈ, “એ જ ને! મેં તો એને કહ્યું કે મને ફેસબુક પણ શીખવાડી દે. પણ એ માનતો જ નથી. કહે છે કે પછી તો તું સાવ બગડી જઇશ.”

અત્યારનાં ઘણાં માતાપિતાની સવાર ‘મોર્નિગ મેસેજીસ’થી પડે છે. ફૉરવર્ડ થઇને આવેલા બધા મેસેજને એ ધ્યાનથી વાંચે છે. પહેલાં મમ્મીઓ એવો નિસાસો નાખતી હતી કે, ‘સવારથી ઘડીક પગ વાળીને બેસવાનો સમય જ મળ્યો નથી.’ હવે તે એવું બોલતી થઈ છે કે, ‘સવારથી વૉટ્સઍપ જોવાનો સમય પણ મળ્યો નથી.’ આટલા બધા મેસેજ આવતા હોય એટલે એનો ભરાવો પણ થાય જ અને મેમરી પણ વપરાઈ જાય. એટલે મેસેજ ડિલીટ કરવા એ પાછું વધારાનું કામ. આગળની પેઢીના ઘણા લોકો  મૅસેજ ફૉરવર્ડ કર્યા પછી કૉલ કરીને પાકું પણ કરી લે, "મેં મોકલ્યો એ મેસેજ જોયો ને?” એમાં પણ પોતે બાળકોને કાયમ શિખામણ આપતા હોય, એ પ્રકારનો મેસેજ વોટ્સઍપ પર જોઈને વડીલો રંગમાં આવી જાય.

“ખાધા પછી એક કલાક સુધી પાણી નહીં પીવાનું – જો, મેં કીધું ’તું ને? વૉટ્સઍપ પર પણ એવું જ કહે છે.”

“આ વાંચ, કોફી પીવાના ગેરફાયદા.”

“લે જો, આ કાનનાં ભૂંગળાથી મોટી ઉંમરે કમ્પલિટ બહેરાશ આવી જાય.”

“જો, આ તો વોટ્સઍપ પર પણ આવી ગયું.”

મારાં ૮૪ વર્ષનાં દાદીએ એક દિવસ પૂછ્યું, “મને વૉટ્સઍપ ફાવે?” ત્યારે હું બે ઘડી અવાક થઈ ગઈ. એ સમયે હું એવા તબક્કામાંથી પસાર થઇ રહી હતી કે મેં પોતે જ થોડા મહિનાથી વૉટ્સઍપ-ફેસબુક બંધ કર્યાં હતાં. સોશિયલ મીડિયાથી મને મારા કામમાં એ હદે ખલેલ પહોંચતી હતી કે મારે આવો નિર્ણય લેવો પડ્યો હતો. પણ ખાસ્સો વિચાર કર્યા પછી મને સમજાયું કે આ જ સોશિયલ મીડિયા અને વોટ્સઍપ મારાં દાદી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે. કારણ કે થોડા વખતથી તેમની આસપાસ ફેસબુક-વૉટ્સઍપને લઈને કેટલીયે વાતો થવા લાગી હતી. તેમને એ બધું સમજાતું નહીં. એટલે તે વાતચીતમાંથી વિમુખ થઈ રહ્યાં હતાં. હવે એ પણ વૉટ્સઍપ પર આવી જાય તો તે ફરી બધી ચર્ચાઓમાં સામેલ થઇ શકે. અને આ શીખવાનું તેમના માટે અઘરું પણ નહોતું. કારણ કે તે અંગ્રેજી ભણેલાં છે અને એનાથી પણ મોટી વાત એ કે નવું શીખવા માટે તે કાયમ તત્પર હોય છે.

આજે દાદી પાસે સ્માર્ટફોન છે. તેમાં બેઝિક ફીચર્સ ઉપરાંત તે ફેસબુક, વોટ્સઍપ, ટેલિગ્રામ (વોટ્સઍપ જેવી જ એક ઍપ), સ્કાઇપ અને યુટ્યુબ પણ સરસ રીતે વાપરે છે. એ પોતાનાં સંતાનોને અને તેમનાં પણ સંતાનોને રોજ ‘ગુડમોર્નિગ’ અને ‘લવ યુ’ જેવા મેસેજ મોકલે છે. પછી ફેસબુક ખોલે છે, મારા સ્ટેટસને ‘લાઇક’ કરે છે. તો ક્યારેક વળી ભૂલથી ભળતી જ જગ્યાએ ક્લિક, ને “… વોઝ ટ્રાવેલીંગ ટુ સુરત વીથ આરતી નાયર” એવું પોસ્ટ કરી દે છે. એમને ગમતી ધાર્મિક સામગ્રીનો તો તોટો જ નથી. હા, એમને વૉટ્સઍપ પર “જીસને ઉસકો જનમ દીયા, આજ ઉસકી કોઇ કદર નહીં” આવી ઑડિયો કે વીડિયો ક્લિપથી ભાવુક થતાં જોઉં ત્યારે મને અકળામણ થાય છે.

હું એમને કહું છું, ‘તમારે આવા મેસેજ જોવાની શી જરૂર છે? તમારાં સંતાનો તમને કેટલો પ્રેમ કરે છે.’ અને મારા આ વર્તનથી મને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે વડીલો બાળકોને ખરાબ સોબતથી સાચવે કે આડા રસ્તે ન ફંટાઈ જાય તેનું ધ્યાન રાખે, એવી જ રીતે હું દાદી શું જુએ છે તેની ચિંતા કરવા લાગી છું. હું જ નહીં, મારી અને મારા પછીની પેઢીનાં ઘણાં ટૅકનોલોજીના મામલે વડીલો સાથે 'વડીલગીરી' કરે છે, એ જનરેશન ગૅપનું શીર્ષાસન છે.

એક સાંજે હું ઑફિસેથી પાછી આવી ત્યારે દાદી ચિંતાતુર હતાં. મને કહે, ‘તારી પાસે થોડી વાત કરવાનો ટાઇમ છે?’ તેમની ચિંતાનો અંદાજ આવી જતાં મે હા પાડી. એટલે તેમણે તરત મોબાઇલ કાઢ્યો અને વૉટ્સએપ ખોલીને કહે, “ફોન ‘મેમરી ફુલ’ એવું બતાવે છે. પણ હું ‘આ’ ડિલિટ કરવા જાઉં છું તો નથી થતું. અને આવું એટલું બધું છે કે બધી જગ્યા ભરાઈ ગઈ છે.” દાદી વૉટ્સઍપ ગ્રૂપના ‘ફલાણાએ ગ્રૂપ છોડ્યું’ કે ‘ઢીકણું ગ્રૂપમાં જોડાયું’ જેવા પચાસેક ઑટોમેટેડ મૅસેજીસની વાત કરતાં હતાં, જે ડિલિટ ન થઈ શકે. તેમને લાગતું હતું કે આવા મૅસેજને કારણે જગ્યા ભરાઈ ગઈ છે. મેં તેમના ફોનમાં ફોટો-વીડિયોની ગેલેરી ખોલી. તેમાં ફૉરવર્ડ થઈને આવેલા ૩૭૪ વીડિયો પડ્યા હતા. મેં એ બધા ડિલિટ કરી નાખ્યા, એટલે જગ્યા થઈ ગઈ. દાદી કહે, “તારાથી પેલું ડિલિટ થયું?” મેં એમને સમજાવવાની કોશિશ કરી કે એ ઑટોમેટેડ મેસેજ છે, ડિલિટ ન થાય અને તેમને ડિલિટ કરવાની જરૂર પણ નથી. છતાં દાદી એ સ્વીકારવા તૈયાર ન હતાં. તેમણે કહ્યું, આપણે ડિલિટ કરવા હોય તો કેમ ના થાય? આના વિશે એ લોકોએ કંઈક કરવું જોઇએ. આ બહુ અગત્યની વાત છે.” અને દાદીના આગ્રહથી મને મઝા પડી રહી હતી. અમસ્તાં પણ દાદા-દાદીની પેઢીના લોકો ટૅકનોલોજીનો ઉપયોગ કરે ત્યારે બહુ વહાલાં લાગતાં હોય છે.

***

મને ખ્યાલ પણ ન આવ્યો કે ક્યારે હું જનરેશન ગૅપના સામા છેડે પહોંચી ગઈ. મોટા ભાગની સોશિયલ મીડિયા ઍપ્સને પહોંચી વળવું મારા માટે વધારે ને વધારે મુશ્કેલ બની રહ્યું છે. હું એક સોશિયલ મીડિયા પર ઍક્ટિવ હોઉં (મોટે ભાગે ફેસબુક), તો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરેમાંથી ઓછામાં ઓછાં બેને હું ડિલિટ કરું છું. સંદેશા માટે વૉટ્સઍપનો બહોળો વપરાશ છે, પણ મારી પ્રકૃતિને એ માફક ન આવ્યું. એટલે મેં એ પણ છોડી દીધું છે. મેં મેસેજ વાંચ્યા કે નહીં, હું અત્યારે ‘ઓનલાઇન’ છું કે છેલ્લે ક્યારે હતી, એવું બધું લોકો જાણે એવું હું ઈચ્છતી ન હતી મને થોડા થોડા સમયે એવો ધ્રાસ્કો પડતો હોય છે કે ફરી પાછું નવું કશુક આવશે અને મારે નવેસરથી એ શીખવું પડશે. શું આને જ ‘ઉંમર થવી’ કહેતા હશે? આટલી નાની વયે ઉંમર થવાની વાતથી કોને ડર ન લાગે?

જનરેશન ગૅપમાં ઉંમરનો તફાવત ઓછો થઇ ગયો છે. સદ્નસિબે મારે મારાથી બમણી ઉંમરના મિત્રો છે. તેમને હું ઘણીવાર પૂછતી હોઉં છું : હું તમારી ઉંમરની થઇશ ત્યારે હું તમારા જેવી રહી શકીશ? ‘હું મોટી છું એટલે મને બધી ખબર પડે’ એવા વહેમ વગર, પોતાનાથી અડધી ઉંમરની વ્યક્તિને નાની કે નીચે દેખાડ્યા વિના તેની સાથે દોસ્તી કરી શકીશ? જો એ માગે તો સલાહ આપ્યા પછી પણ, તેનો અમલ ન કરે તો દુભાયા વિના, એમને ભૂલો કરવાની આઝાદી આપી શકીશ? એવું તો નહીં થાય ને કે એ લોકો મને જૂનવાણી ગણીને મારી સાથે મિત્રતા જ ન કરે?”

મારા વડીલ મિત્રોનો જવાબ હોય છે, "એ બધો આધાર તારી પર છે.” જનરેશન ગૅપને સામેની વ્યક્તિને પછાડી દેવા માટેના યુદ્ધ તરીકે લેવાને બદલે, પોતાની ક્ષમતા વિકસાવવાના પડકાર તરીકે જોઈ શકાય તો આવું ન થાય. બાકી, આપણે આપણને ગમતું કરીએ અને બીજાની પસંદગીમાં માથું માર્યા વિના તેમને તેમનું ગમતું કરવા દઈએ તો એ બધી જનરેશનને માફક આવવાનું જ છે.

(અનુવાદ – આશિષ કક્કડ)

સૌજન્ય : “સાર્થક જલસો – 10”, મે 2018; પૃ. 79-84

Loading

1 July 2019 admin
← વન નેશન વન ઇલેક્શન પાછળ કોઈ બીજા ઇરાદાઓ પણ છે ?
ઇન્ટરનેટની આલમમાં સામાજિક નિયમો લાગુ પડે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved