વ્હાલીડા વીર
જત જણાવવાનું કે આજે રક્ષાબંધનના દિવસે તને રાખડી મોકલું છું જે તારું હંમેશાં ખરાબ વિચારોથી, ખરાબ મિત્રોથી રક્ષણ કરે એવી ભાવનાથી મોકલું છું .
મને ખાતરી છે કે તું મારી આ રક્ષા ખૂબ હોશે હોશે બાંધશે જ કેમ કે તું પણ મને ખૂબ વ્હાલ કરે છે ખરું ને?
તું જ્યારે ભાઈબીજ ઉપર મારે ત્યાં જમવા આવશે, ત્યારે મારે માટે ભેટ સોગાદ પણ લાવશે દર વર્ષની જેમ એની પણ મને ખાતરી જ છે કેમ કે તું રાખડીના બદલામાં દર વર્ષે મને કૈક ને કૈક ભેટ જરૂર આપે જ છે. પરંતુ ….
વીરા મારા, મને મનગમતી ભેટ આપી શકીશ ? તું કહેશે 'જરૂર, કેમ નહિ ?' તો લે સંભાળ, મારે શું જોઇએ છે તે .
પોતાની બહેનની રક્ષા અને અન્યની બહેનો ઉપર અત્યાચાર, બળાત્કાર, આ તે કયાનો ન્યાય ?
છતાં આવું જ દુનિયામાં બને છે ને? હું તને કહેતી નથી કે તું અત્યાચારી છે પરંતુ તારી આજુબાજુમાં એવા કેટલાયે દોસ્તો હશે જેઓ પોતાની બહેનની રક્ષા કરશે પરંતુ બીજાની બહેનની … ? સમજે છે હું શું કહેવા માગું છું તે ? હું પણ જ્યારે જ્યારે ઘરની બહાર જાઉં છું ત્યારે ત્યારે તારા સિવાયની અન્ય વ્યક્તિઓ કે જેમણે પણ પોતાની બહેનની રાખડી બાંધી છે તેમને મન હું તેમની બહેન નથી . પરંતુ એટલે શું તેઓ મારી છેડતી કે એલફેલ બોલવા જેવું કે ચેનચાળા જે કરવું હોય તે કરી શકે ખરા ?
જ્યારે જ્યારે હું ઘરની બહાર પગ મુકું છું ને ત્યારે ત્યારે બસ આ જ ફફડાટ મને ઘેરી વળે છે … તું સમજે છે ને કે હું શું કહેવા માગું છું ? છાપાં, ટીવી જેવા પ્રચાર માધ્યમોમાંથી તને આવા ફફડાટ જોવાના જડતા જ હશે … હું ઇચ્છું છું કે હવે એ ફફડાટ સમજવાનો પણ યત્ન તો કરી જો …. તું મારો ફફડાટ જો સમજે તો જ અન્યના ફફડાટ પણ સમજી શકશે , માટે ભૈલા મારા … પાલવ પાથરીને એક ભીખ માગું તારી પાસે ?
મારી રાખડી બાંધીને કેવળ મારી જ નહીં, પરંતુ બીજાની બહેનોની પણ રક્ષા કરજે અને એમને સમ્માન આપજે. તે માટેનો સંકલ્પ લેજે અને તારી આજુબાજુના તારા દોસ્તોને પણ આ વાત સમજાવી એમની પાસે પણ એવા સંકલ્પ લેવડાવજે મારા વીરા. તેઓ પણ એમના દોસ્તોને આ રીતે સમજાવશે, તેઓ વળી તેમના દોસ્તોને .
જો આમ થાય તો જ આ ભાઈ બહેનનો ઉત્સવ સમસ્ત પુરુષસમાજથી સ્ત્રીસમાજને નિર્ભય બનાવી શકશે. નહીં તો આવો ચીલાચાલુ રિવાજ દર વર્ષે આવે જ છે … તારે ય લગ્ન પછી તારી પત્ની આવશે પછી બાળકો થશે જ ને ? તું ય આવો જ રિવાજી કરીશ કે પછી કૈક અલગ મેં કહ્યું તેવું ? … વિચારજે .
મારે તો વીરપસલી આ જોઇએ છે, વીરા મારા …. આપીશને ?
.. નહીં તો તું વીર જ શાનો ?
લિ. તારી ગભરુ બહેન ગુણવંતી
e.mail : gunvantvaidya@hotmail.com