સંસ્કૃતમાં એક કહેવત છે – यथा राजा तथा प्रजा – જેવો રાજા તેવી પ્રજા. લોકશાહીમાં તેથી ઊલટું પણ સાચું પડે છે. જેવી પ્રજા તેવો રાજા. ૨૦૧૯માં લોકોએ તેમને લાયક રાજાનું પુનઃચયન કર્યું. ભારતીય લોકશાહી અન્યોની તુલનામાં હજુ યુવાનીમાં કહી શકાય. પરિણામે, આમજનતા હજુ પણ માને છે કે દેશમાં કોઈ સક્ષમ રાજા અથવા રાણીનું શાસન હોવું જોઈએ. ઇન્દિરા ગાંધી એક રાણીમા હતાં, ત્યાર બાદ રાજકુંવર પધાર્યા અને પછી કુંવરની વિધવાએ રાજ્ય કર્યું. રાજ્યકર્તા કુટુંબનાં ભ્રષ્ટાચાર અને પરિવારવાદથી લોકો થાકી ગયા. સામાન્ય જનતાને એમ પણ લાગ્યું કે કૉંગ્રેસ અને અન્ય બિનસાંપ્રદાયિક પક્ષો દેશમાં મતોના રાજકારણ માટે લઘુમતીની આળપંપાળ કરી રહ્યા છે. કહેવાતા પ્રગતિશીલ સમયમાં સ્વયંને સનાતની હિન્દુ તરીકે ઓળખાવવું પ્રતિઘાતી ગણાતું હતું, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પક્ષ(BJP)ની યુતિ જનમાનસમાં આ વાત (લઘુમતીની આળપંપાળ) ઠાંસી-ઠાંસીને ઉતારવામાં અસરકારક રહી. આ પ્રયોગ ગુજરાતમાં તો સફળ રહ્યો હતો. ૨૦૦૧માં મુખ્યમંત્રી બનતાની સાથે શ્રી મોદી રાજ્યના રાજા બન્યા. સંપૂર્ણ સત્તાનું કેન્દ્ર મુખ્યમંત્રીની કચેરી જ બની રહી. ૨૦૧૪માં આ પ્રાદેશિક રાજ્યના રાજા દેશની જનતાને દેશમાંથી ભ્રષ્ટાચારનાબૂદી સાથે સલામતી અને સમૃદ્ધિનું સ્વપ્ન બતાવવામાં સફળ રહ્યા. લોકોએ તેમની વાતમાં ભરોસો મૂક્યો અને રાજ્યકર્તા રાજા અથવા તેમના હજૂરિયાઓને સ્થાને ગુજરાતમાં શાસન જમાવી ચૂકેલા રાજાને દેશ ચલાવવાની જવાબદારી સોંપી.
આ રાજાએ પાંચ વર્ષ સુધી તેમની કચેરીના અધિકારીઓ સાથે રાજ્ય કર્યું. અન્ય મંત્રીઓ અને તેમના અધિકારીઓ શોભાનાં પૂતળાં બની રહ્યા. મોટા ભાગના લોકો તો હિન્દુ રાજાના રાજ્યના કારણે ખુશ હતા. તેમની સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ગરીબ પરિવારોમાં રાંધણગૅસનું જોડાણ અને તેના બાટલા તેમ જ મકાન બનાવવા નાણાં આપ્યાં. વસ્તુ અને સેવાવેરો (જી.એસ.ટી.) અમલી કરવા માટે તેમની પાસે રાજકીય ઇચ્છાશક્તિ પણ હતી. પરંતુ દેશે જાહેરમાં, ગલીઓમાં, કટ્ટર હિંદુત્વનું વરવું સ્વરૂપ જોયું. દલિત અને લઘુમતીઓ પર અત્યાચાર સાથેની હિંસા જોઈ. પણ આ બાબતો પરત્વે તો રાજાએ શાહમૃગવૃત્તિ ધારણ કરી હતી! રાજા કદી ખોટું ન કરી શકે. જો કોઈ રાજાને વસ્ત્રવિહીન કહેવાની કોશિશ પણ કરે, તો તેના પર દમન ગુજારાય અને તેને દેશદ્રોહીનું બિરુદ મળે.
શ્રી મોદી રાજ્યકાળ દરમિયાન સામાન્ય લોકોના આર્થિક જીવનમાં, ખાસ કરીને ગરીબો માટે, કરેલા કામ અંગે જણાવતા રહ્યા. પરંતુ, કમનસીબે અર્થતંત્રની સ્થિતિ સારી ન હતી. તેમની શાખ ધીમે-ધીમે ઓછી થઈ રહી હતી. પરિણામે ૨૦૧૯ની ચૂંટણીના પ્રચારમાં તેમણે પ્રગતિપત્રક બતાવ્યું નહીં. પણ રાષ્ટ્રવાદ તથા બાહ્ય અને આંતરિક સુરક્ષાના મુદ્દા અંગે જનમાનસમાં એક જુવાળ ઊભો કરવામાં તેઓ સફળ રહ્યા. વિધિની વક્રતા કેવી કે પુલવામા અને બાલાકોટની ઘટનાઓએ આ ઊભરાને વેગ આપ્યો. શ્રી મોદીએ અસરકારક રીતે જનમાનસમાં ઠસાવ્યું કે પોતે એવા નેતા છે કે જેના હાથમાં દેશનું સુકાન ન માત્ર સુરક્ષિત રહેશે, પણ સાથે-સાથે સામા પક્ષને મહાત પણ કરી શકશે. અત્યંત ચાલાકીપૂર્વક રાષ્ટ્રવાદ અને બિન-સાંપ્રદાયિકતા વચ્ચે લોકોને ગૂંચવ્યા. બિનસાંપ્રદાયિકતામાં માનનાર લોકો દેશદ્રોહી હોવાની ગેરસમજ સામાન્ય લોકોમાં ફેલાવવામાં તેઓ સફળ રહ્યા. તેમની આ રણનીતિએ બી.જે.પી. અને તેના બિન-રાજકીય ટેકેદારોની અંતિમવાદી હિંદુત્વને લગતી પ્રવૃત્તિઓને છૂપું સમર્થન પૂરું પાડ્યું. ચૂંટણીનું પરિણામ તેનું જ પ્રતિબિંબ છે. ૧૭ રાજ્યોમાં બી.જે.પી. આગળ રહી. સામ્યવાદના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાં સી.પી.એમ.ના લાલના સ્થાને કેસરી રંગે સામ્રાજ્ય જમાવ્યું, તે ચિંતાનો વિષય છે. સી.પી.એમ.ના નિષ્ઠાવાન કાર્યકરો બી.જે.પી.માં જોડાઈ ગયા. હિંદુત્વનાં બળો સામ્યવાદની જડોને હચમચાવી દેવામાં અને પોતાની તરફ ખેંચી લાવવામાં સફળ રહ્યા. બિન-સંપ્રદાયિકતામાં માનનાર સાચે જ ઊંઘતા ઝડપાઈ ગયા અથવા શારીરિક અને શસ્ત્રબળ સામે ટકી ન શક્યા.
વિરોધપક્ષો અને બૌદ્ધિકો ઊંચા અવાજે જણાવતા રહ્યા કે ભારત બહુધર્મીય દેશ છે અને બી.જે.પી.ની ધાર્મિક મુદ્દા પર ભાગલા પાડવાની નીતિ દેશના અસ્તિત્વ માટે ખતરો છે. પરંતુ ભારતના મતદારો તો એક મજબૂત અને ભરોસાપાત્ર વ્યક્તિને વડાપ્રધાન તરીકે શોધી રહ્યા હતી. વિરોધપક્ષોમાં આવો એક પણ ચહેરો જોવા મળતો ન હતો. કૉંગ્રેસ અને શ્રી રાહુલ ગાંધી આવો ભરોસો પૂરો પાડવામાં નિષ્ફળ રહ્યા. થોડા સમયપૂર્વે વિધાનસભામાં જીતેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢને પણ તેઓ સાચવી શક્યા નહીં! કૉંગ્રેસનાં મૂળ હાલી ગયાં, તો મહાગઠબંધનના નેતાઓ વર્ષો પહેલાંથી વિશ્વસનીયતા ગુમાવી બેઠેલા હતા. વર્તમાન સમયમાં લોકોએ તે બધાનો અસ્વીકાર કર્યો છે. સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતદેશમાં જાહેરજીવનમાં સહજ લોકશાહી વિચારધારાને વિકસાવવા મથતા બિન-સાંપ્રદાયિક બૌદ્ધિકોની વિશ્વસનીયતા પણ કસોટી પર છે. હવે તેમની સમક્ષ વિશ્વસનીયતા પુનઃપ્રાપ્ત કરવાનો એક માર્ગ રહ્યો છે. એકદંડિયા મહેલમાંથી બહાર આવી, લોકો વચ્ચે જમીન પર કામ કરવું. એક સમયે ગાંધીજીના કાર્યકરો અને સર્વોદયમાં માનનારાઓએ આવું કામ કરીને યુવાઓને પ્રેર્યા હતા. આવાં બળ લગભગ અદૃશ્ય થઈ ગયાં છે. નોંધવાપાત્ર વાત એ છે કે શ્રી મોદી જરૂરિયાત અનુસાર ગાંધીજીને યાદ કરે છે અને પછી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ પણ આપે છે!
સત્તા સ્વીકારતા સમયે શ્રી મોદી અતિ નમ્ર બની રહે છે. ૨૦૧૪માં અને ૨૩ મે, ૨૦૧૯માં પક્ષની મુખ્ય કચેરીના તેમના વ્યાખ્યાનમાં આ અતિ નમ્રતા જણાઈ આવે છે. ડિઝાઇનરે બનાવેલાં વસ્ત્રો પરિધાન કરતા આ ફકીર તેમની ઝોળી ભરી આપવા માટે ભારતીયોનો આભાર માને છે. ભારતના બંધારણનું અક્ષરશઃ અને તેની ભાવનાનું પાલન કરવા માટે જાહેરમાં વ્રત લે છે. જાહેરજનતાને એ પણ જણાવે છે કે તેમની સરકાર માત્ર બહુમતીથી જ નહીં, પરંતુ સર્વસંમતિથી શાસન કરવાની કોશિશ કરશે. સંસદમાં બી.જે.પી.ને મળેલી ચોખ્ખી બહુમતી બાદ જોવાનું રહેશે કે સરકાર કઈ રીતે ચાલશે. શ્રી મોદીએ જાહેરમાં જણાવ્યું છે કે તેઓ કિન્નાખોરીથી કોઈ પણ પગલાં નહીં લે, પોતાના માટે કશું જ નહીં કરે; તેમની પ્રત્યેક ક્ષણ અને શરીરનું પ્રત્યેક અંગ દેશના કામ માટે અર્પણ છે. તેમના મતે આ ત્રણ માપદંડથી તેમનું મૂલ્યાંકન થવું જોઈએ.
આપણે યાદ રાખીએ કે બી.જે.પી.નો રાષ્ટ્રવાદ એ હિન્દુ રાષ્ટ્રવાદ છે. ૨૦૧૪થી બી.જે.પી.ના બિન-રાજકીય સાથીમંડળોને માટે જાણે કે આ અંગેની પ્રવૃત્તિઑ કરવાનો પરવાનો મળી ગયો હોય તેમ તેઓ લઘુમતી તથા દલિતો સામે આક્રમક અને હિંસક વિરોધોમાં પ્રવૃત્ત થયા. ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે આ સાથીઓનું સમર્થન અને ભવિષ્યમાં તેના પડઘા અંગે શ્રી મોદી જાણતા જ હશે. બહુમતી મતદારોએ શ્રી મોદીને વડાપ્રધાન બનાવવા માટે બી.જે.પી.ના ઉમેદવારને મત આપ્યો છે. પરંતુ કટ્ટર હિંદુત્વ બળો બી.જે.પી.ની આ જીતને તેમની હિંસક પ્રવૃત્તિઓને મળેલું સમર્થન માને છે. પરિણામે હિંદુત્વનાં બળો વધુ મજબૂત બનીને વધુ સત્તા મેળવશે. પક્ષ અને સાથીઓને સબકા સાથ, સબકા વિકાસની પુનરુક્તિ સાથે સબકા વિશ્વાસની માનસિકતામાં બાંધી રાખવાનું શ્રી મોદી માટે અત્યંત મુશ્કેલ બની રહેશે. કોમી માનસિકતા વધુ કટ્ટર બનશે અને શ્રી મોદીની કામગીરી આવનાર સમય જ બતાવશે.
દેશમાં રોજગારીની તકોનું સર્જન વર્તમાન સમયનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે. મેઇડ ઇન ઇન્ડિયા, સ્ટૅન્ડઅપ ઇન્ડિયા અને રાષ્ટ્રીય કૌશલ્યવિકાસ કાર્યક્રમને મર્યાદિત સફળતા મળી. રાષ્ટ્રીયતાના ઊભરામાં યુવાઓએ શ્રી મોદીને મત તો આપ્યા, પણ આ ઊભરો ઝડપથી શમી જશે. જો રોજગારીની તકોનું સર્જન નહીં થાય અને અનાજની કિંમત નિરંકુશ વધશે, તો યુવાઓમાં અસંતોષ વધશે. વિરોધપ્રદર્શનનું વાતાવરણ કટોકટીપૂર્વે હતું, તેવું પ્રોત્સાહક રહ્યું નથી. તેમ છતાં આવનારાં વર્ષોમાં આપણે મોટા પાયા પરના અસંતોષ અને વિરોધનું વાતાવરણ જોઈશું. અર્થતંત્રની ગાડીને પુનઃ પાટે ચડાવવા, નોકરીનું સર્જન કરવા અને ગરીબોની આવકમાં વધારો ભારતીય લોકશાહી માટે જરૂરી બને છે. શ્રી મોદી કદાચ વધારે અને વધારે સત્તાધીશ બનતા જણાય અને ફકીર કદાચ જાલીમ હૂકુમરાન બની રહે તેવી આશંકા અસ્થાને તો નથી જ.
E-mail : sudarshan54@gmail.com
[મૂળ ‘Deccan Herald’માં પ્રકાશિત લેખનો અનુવાદ : નિમિષા શુક્લ]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 05 તેમ જ 14