Opinion Magazine
Number of visits: 9483918
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂલ્યોનું હોકાયંત્ર કઈ દિશા ચીંધે છે?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|31 May 2019

ચૂંટણીનાં પરિણામ આવી ગયા પછી તેને સમજાવવાનું કામ બહુ સહેલું હોય છે. કેટલાક તો પરિણામ સમજાવવાની પ્રક્રિયામાં પોતાની વૈચારિક-નૈતિક જમીન ખોઈ બેસીને, પરિણામોના પ્રવાહમાં તણાઈ જાય છે અથવા પોતાનાં મૂળભૂત નૈતિક મૂલ્યોને વિસ્તારીને, તેમાં વિજેતાઓને સમાવવાનો પણ પ્રયાસ કરે છે.

પરિણામોને લોકોના મત તરીકે આદરપૂર્વક સ્વીકારવાં જોઈએ, પરંતુ તેનો અર્થ એ નહીં કે બહુમતીના મતને વાજબી ઠેરવવાની કવાયતમાં પડી જવું અને ભલું હોય તો આપણે પણ ધીમે રહીને પાટો બદલી નાખવો. ખરેખર તો, આપણે જેને અનૈતિક કે ગેરવાજબી માનતા હોઈએ, એવી બાબતોને કે નેતાઓને આટલું લોકસમર્થન કેમ મળ્યું અને આપણે જેમાં વિશ્વાસ ધરાવીએ છીએ એવાં કેટલાંક પાયાનાં – શાશ્વત મૂલ્યો સાથે લોકોના મનના બારણે શી રીતે ટકોરા દઈ શકાય? તે વિશે પ્રામાણિકતાથી, ખુલ્લી આંખે વિચારવાનું થાય છે.

ઇ.વી.એમ. સાથે છેડછાડ જેવી કોઈ પણ કાવતરા-થિયરીથી દૂર રહીને, નરેન્દ્ર મોદીને મળેલી ભવ્ય જીતના કેટલાક સૂચિતાર્થ, સંકેત અને સંભાવનાઓ વિશે થોડો મુક્તવિચાર.

એકહથ્થુ સત્તા અને કેવળ એક વ્યક્તિની આસપાસ રાસ રમતું રાજકારણ ઇંદિરા ગાંધી વખતે જેટલું ખરાબ હતું, એટલું જ નરેન્દ્ર મોદી વખતે પણ ખરાબ છે. તે લોકશાહી રસ્તે આવ્યું હોય તો પણ, લોકશાહીના હાર્દ માટે ઝાઝી જગ્યા રહેવા દેતું નથી. કેમ કે, લોકશાહીમાં કેવળ બહુમતીથી ચૂંટણી જીતવાનો સમાવેશ થતો નથી અને બહુમતીથી મળેલી જીતમાં લોકશાહીની ઇતિશ્રી થઈ જતી નથી. બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા અને વિરોધની મોકળાશ જેવાં ઘણાં પરિબળ તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે.

હકીકત એ પણ છે કે વિપક્ષોમાં પણ ક્યાં ય આ લક્ષણો દેખાતાં નથી. સિદ્ધાંતના તફાવતમાં પ્રકારભેદને બદલે માત્રાનો જ ફરક છે. આમઆદમી પક્ષે થોડી આશા ઊભી કરી હતી, પરંતુ ભાખોડિયા ભરવાની અવસ્થામાં જ વિવિધ વિવાદોમાં સપડાઈને તે વિસ્તાર કે વિકાસની તકો રૂંધી બેઠો છે. આ સંજોગોમાં સિવિલ સોસાયટી કહેતાં નાગરિકસમાજ પાસે ચૂંટણી ટાણે હાથ મિલાવવા જેવો કોઈ વિપક્ષ રહ્યો નથી. અત્યાર લગી કૉંગ્રેસે કેવળ હોવાની રૂએ, બાય ડિફૉલ્ટ, એ સ્થાન ભોગવ્યું અને સુધરવાની અનેક તકો વેડફી મારી. આ ડિફૉલ્ટ પસંદગી કૉંગ્રેસ માટે અને (ગુજરાતમાં) નાગરિકસમાજ માટે, પેલી વાર્તામાં આવતા સરગવાના ઝાડ જેવી નીવડી.  પાર્ટી ઘસાઈ ગઈ, પણ ઝાડ પરની સીંગો વેચીવેચીને જૂની સ્થિતિનો દેખાડો ટકાવી રાખ્યો હતો. વાર્તામાં એક સમજુ અતિથિ પરિસ્થિતિ સમજીને, ગુપચુપ સરગવાનું ઝાડ કાપીને જતો રહે છે. પરિણામે, તરત તો તે ગાળો ખાય છે, પણ લાંબા ગાળે તે આશીર્વાદ મેળવે છે.

નરેન્દ્ર મોદી કોઈ રીતે સમજુ અતિથિની ભૂમિકામાં નથી પણ સરગવાનું ઝાડ કપાઈ ગયું છે તે હકીકત છે. હવે જેની સાથે લઘુતમ સામાન્ય મૂલ્યો પૂરતો મેળ બેસાડી શકાય, એવા રાજકીય વિકલ્પની જગ્યા સંપૂર્ણપણે ખાલી પડી છે. (આમ તો એ ૨૦૧૪માં જ ખાલી પડી હતી.) કૉંગ્રેસે એ ભૂમિકામાં ગોઠવાવું હશે, તો ડિફૉલ્ટ પસંદગીની માનસિકતામાંથી બહાર આવીને બદલાવું પડશે. (કેમ કે, એ માનસિકતામાં હવે તો અમેઠી પણ ગયું છે.)

કૉંગ્રેસ કે આપ કે બીજો કોઈ પક્ષ એવું રૂપાંતરણ ન દાખવે તો, નાગરિકસમાજની લાંબા ગાળાની વૈચારિક લડાઈની તૈયારી અને તેમાંથી કોઈ વિકલ્પ ઊભો થવાની શક્યતા અત્યારે બહુ દૂર લાગે છે, પરંતુ લોકશાહીની તંદુરસ્તી માટે તો પાયેથી જ કામ કરવાની અને નવેસરથી વ્યૂહરચના ઘડવાની જરૂર વિશે ભાગ્યે જ બેમત હોઈ શકે. એ કામ અંતર્ગત સરકારી નીતિની ટીકાઓનો છોછ કે બાધ ન જ હોય.  સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકમંડળો અને મોદીભક્તિ કે કૉંગ્રેસભક્તિથી મુક્ત એવા સૌ કોઈ તેમાં હોઈ શકે. ખાસ કરીને, નવી પેઢીને તેમાં સાંકળવા માટે સભાન અને સક્રિય પ્રયાસ કરવો પડે. તેનું આરંભબિંદુ રાજકીય ચર્ચા કે લોકશાહીની ભારેખમ ભાષણબાજી નહીં, મૂળભૂત માનવીય મૂલ્યોની વાતો જ હોઈ શકે.

નવી પેઢી સાથે સંવાદનાં ઘણાં બિંદુઓ હોઈ શકે. સોશિયલ મીડિયા તેમાં જરૂરી હોવા છતાં, તે એકમાત્ર પરિબળ નથી. ઑફલાઇન, વાસ્તવિક જીવનમાં પરિચય-સંવાદનું પણ ઘણું મહત્ત્વ છે.  તેના વિના, કેવળ સોશિયલ મીડિયાથી લાંબા ગાળાનાં નિર્ણાયક પરિણામ મેળવી શકાય નહીં. સાથોસાથ, સોશિયલ મીડિયા પર વીડિયો સહિત બીજાં, નવી પેઢીને રુચે તેવાં સ્વરૂપોમાં, સાયબરસૅલ જેવી પ્યાદા માનસિકતાથી નહીં, છતાં આયોજનબદ્ધ રીતે સામગ્રી મૂકી શકાય. નરેન્દ્ર મોદીના રાજમાં ટ્રૉલિંગ ફક્ત રાષ્ટ્રીય જ નહીં, રાજ્યાશ્રય ધરાવતી પ્રવૃત્તિ બની રહી છે. એવા ટ્રૉલ અને તેમના આકાઓ સોશિયલ મીડિયા પર હવે એવું જ ચલાવશે કે ચૂંટણીમાં જીતથી નરેન્દ્ર મોદીની બધી વાજબી ટીકાઓ, તેમને પુછાયેલા અને જેના જવાબ મળવાના બાકી છે, એવા તમામ સવાલોનો અને તેમના વિશેની બધી ચર્ચાઓનો અંત આવી ગયો ગણાય. ચૂંટણીની સફળતાથી તે મોદીને નવા, લોકોએ ઊજળા કરીને મોકલેલા નેતા તરીકે ખપાવવાનો પ્રયાસ કરશે.

કેટલાક મોદીપ્રેમીઓ તેમને જ શોભે એવી માસુમિયતથી પૂછતા હોય છે, ‘જુઓને, લોકો મોદીસાહેબ વિશે કેવું કેવું બોલે છે? આવી ભાષા તે કંઈ વપરાતી હશે?’ પોતે જે ગધેડા પર બેઠા હોય, એ ગધેડું ગણે જ નહીં ને પછી આપણને ગણિત શીખવવા નીકળે, એવી તેમની હૅક થઈ ગયેલી મનોદશા હોય છે. તેમની સાથે દલીલમાં ઊલઝવાને બદલે, જેમની સાથે રાજકીય સિવાયની, જીવનલક્ષી મૂલ્યોની બાબતમાં સંવાદ શક્ય હોય, તેમની સાથે સંવાદમાં ઊતરવું અને નવા નવા પરિચયો કેળવવા જરૂરી બની જાય છે.  સવાલ ફક્ત નરેન્દ્ર મોદીનો નથી, પણ તેમની જીત સાથે મજબૂત બનીને આવેલી, ગાંધીહત્યારાને દેશભક્ત ગણાવવામાં ગૌરવ અનુભવતી બીમાર મનોદશાની પ્રાણપ્રતિષ્ઠાનો છે.

યેલ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવતા તિમોથી સ્નાઇડરે વીસમી સદીના વીસ બોધપાઠ વિશે ટૂંકું અને ચોટદાર, પુસ્તિકા જેવડું પુસ્તક લખ્યું છે. તેમણે તો વાત યુરોપ-અમેરિકા-રશિયાની કરી છે, પણ તેમાં રહેલાં ઘણાં તારણો ભારતની વર્તમાન પરિસ્થિતિને આબાદ લાગુ પડે છે. રાષ્ટ્રવાદી (નેશનાલિસ્ટ) અને દેશભક્ત (પેટ્રિયટ) વચ્ચેનો તફાવત આપતાં તેમણે નોંધ્યું છે : રાષ્ટ્રવાદી આપણામાં રહેલી ખરાબમાં ખરાબ વૃત્તિઓને બહાર આણે છે ને પછી આપણને ઠસાવે છે કે આપણે જ શ્રેષ્ઠ છીએ. દેશભક્ત આપણા દેશની ઉત્તમમાં ઉત્તમ પરંપરાઓ અને આદર્શો ચીંધે છે અને આપણામાં રહેલી સારપોને બહાર આણવા માગે છે. યાદ રહે, આ લખતી વખતે તેમની નજર સામે ભારતના કથિત રાષ્ટ્રવાદના ઠેકેદારો ન હતા, પરંતુ આ રાષ્ટ્રવાદની સામાન્ય પ્રકૃતિ (કે વિકૃતિ) છે. દેશભક્તિ તેનાથી જુદો મામલો છે. એવી દેશભક્તિને રાષ્ટ્રવાદીઓનાં પ્રમાણપત્રની જરૂર હોતી નથી, પણ રાષ્ટ્રવાદની સાર્થકતા જ બીજા સમક્ષ દંડૂકા પછાડવામાં હોય છે. ગોરક્ષાને નામે કે રાષ્ટ્રવાદના નામે, બીજા પર ધોંસ જમાવ્યા વિના આખી વાત બનતી જ નથી. સ્નાઇડરે લખ્યું છે કે જે સ્વાયત્તતાના બદલામાં સલામતી આપવાની વાત કરતો હોય, તે મોટે ભાગે તો બેમાંથી એકેય આપતો નથી.

લોકશાહીમાર્ગે આવતી આપખુદશાહીના મુકાબલા માટે સ્નાઇડરે સૂચવેલો એક ઉપાય છે : મેક ન્યૂ ફ્રૅન્ડ્ઝ ઍન્ડ માર્ચ વીથ ધૅમ. આપણે જૂના સાથીઓ સાથે વધારે મજબૂતીથી સંકળાવાનું છે અને નવા મિત્રો બનાવવાનું કામ કરવાનું છે. સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચર્ચાઓ કરવામાં જ આપણને સંતોષ થઈ જાય તેની સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચર્ચાઓ કરવામાં જ આપણને સંતોષ ન થઈ જાય.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 03-04

Loading

31 May 2019 admin
← ‘વિશ્વમાનવ’નું સ્મરણ
પર્યાવરણની જાળવણીના સંદેશા આપનાર બે અમેરિકનો : અધિનાયક ચીફ સીએટલ અને અલગારી જૉની ઍપલસીડ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved