“આવશે તો મોદી જ’ના અવાજ અને પડઘા વચ્ચે ૨૩મી મેની સવારથી ઈ.વી.એમ. ખૂલશે અને સાંજ સુધીમાં હારજીતનો ફેંસલો જણાઈ આવશે. લોકસભાની આ ચૂંટણીમાં કાં સત્તાપક્ષ જીતશે કાં વિપક્ષ. પણ હાર ચૂંટણી પંચની થઈ છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૪માં ચૂંટણી પંચની રચના અને સત્તાઓ નિર્ધારિત કરવામાં આવ્યાં છે. ચૂંટણી પંચનું કાર્ય માત્ર ચૂંટણીઓ કરાવવાનું છે તેવી માન્યતા ઘણે અંશે સાચી છે પરંતુ ચૂંટણીને આનુષાંગિક અને તે ઉપરાંતના ઘણાં કામો પણ તેણે કરવાનાં હોય છે. મતદાર યાદીઓ તૈયાર કરવાનું ગંજાવર કામ ચૂંટણી પંચનું મહત્ત્વનું કાર્ય છે. મતદાર યાદીઓ જેટલી સાચી અને અધ્યતન તેટલી ચૂંટણી પ્રક્રિયા દૂષિત થવાની શક્યતા ઘટે છે. એ જ રીતે મતવિસ્તારોનું સીમાંકન, રાજકીય પક્ષોની નોંધણી, મતદાર ઓળખકાર્ડ અને છેલ્લે મતદાન અને મત ગણતરીની કામગીરી ચૂંટણી પંચ બજાવે છે.
આમ તો ભારતનું ચૂંટણી પંચ તેની તટસ્થતા અને સ્વતંત્રતા માટે વિશ્વખ્યાત છે. પરંતુ હાલની લોકસભા ચૂંટણીમાં તેની કામગીરી જોતાં તેની શાખ તળિયે બેઠેલી લાગે છે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યાનું જણાવે છે તો દલિત નેતા અને ભારતીય બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકર, તેમનો પક્ષ સત્તામાં આવશે તો ચૂંટણી પંચના હાલના ભેદભાવભર્યા વલણ માટે ચૂંટણી કમિશનરોને જેલભેગા કરવાની આત્યંતિકતા વ્યક્ત કરે છે. દેશના ૬૬ પૂર્વ નોકરશાહો પણ રાષ્ટ્રપ્રમુખને પત્ર લખી ચૂંટણી પંચ વિશ્વસનીયતાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યાનું જણાવી તેની તટસ્થતા અંગે સવાલો ઉઠાવે છે.
દેશમાં મુક્ત અને સ્વતંત્ર ચૂંટણીઓ કરાવવાનું કામ સ્વાયત્ત એવા ચૂંટણી પંચનું છે. આ કામ ભારે પડકારભર્યું છે. આ વખતે સાત ચરણોમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું. મતદાનની જે તારીખો ચૂંટણી પંચે જાહેર કરી તેની સામે જ સવાલો થયા હતા. વડાપ્રધાનના મત વિસ્તારમાં સૌથી છેલ્લે મતદાન હોય કે ભા.જ.પ. માટે પડકારરૂપ વિપક્ષી રાજ્યોની લોકસભા બેઠકો પર બહુ મોડેથી કે અંતિમ ચરણમાં મતદાનનો કાર્યક્રમ શંકા જન્માવનારો નીવડ્યો હતો. આ મતદાનની તારીખો વડાપ્રધાન અને સત્તા પક્ષને માફક આવે તે રીતે ગોઠવાઈ હોવાનો આરોપ ચૂંટણી પંચ સામે લગાવવામાં આવ્યો હતો.
તટસ્થ, ન્યાયી અને મુક્ત ચૂંટણી માટેના નિયમો કહેતાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવું ચૂંટણી પંચ માટે લોઢાના ચણા ચાવવા જેટલું કઠણ હોય છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતાના પાલનમાં પંચ સરેઆમ નિષ્ફળ રહ્યાની વ્યાપક લાગણી પ્રવર્તે છે. આદર્શ આચાર સંહિતાને કોઈ કાનૂની પીઠબળ નથી. તમામ રાજકીય પક્ષોની સર્વ સંમતિથી તે ઘડાઈ છે. એટલે તેના અમલની જવાબદારી રાજકીય નેતાઓની અને રાજકીય પક્ષોની પણ બને છે. જો કે આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને બી.જે.પી.ના પ્રમુખો જ નહીં ખુદ વડાપ્રધાન આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં ઊણા ઉતર્યાની ફરિયાદો થઈ છે. આ ફરિયાદોના નિકાલમાં પંચે જે વિલંબ કર્યો તેનાથી તેનું વલણ પક્ષપાતી જ નહીં, સત્તા પક્ષના મદદગારનું હોવાની છાપ દ્રઢ બની હતી. ત્રણ ચૂંટણી કમિશનરો(સુનીલ અરોરા, સુશીલ ચંદ્રા અને અશોક લવાસા)એ વડાપ્રધાન સામેની આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદોમાં સર્વાનુમતે નહીં પણ બહુમતીએ નિર્ણય લઈને વડાપ્રધાનને નિર્દોષ ઘોષિત કર્યા હતા. ચૂંટણી પંચના આ સર્વાનુમત નહીં પણ બહુમત નિર્ણય એ વાતની ગવાહીરૂપ છે કે પંચ હજુ સ્વતંત્ર ,સ્વાયત્ત અને નકારને સાંભળવા-સ્વીકારવાની તટસ્થતા ધરાવે છે.
ચૂંટણી પંચની સ્વતંત્રતા અને તટસ્થતા સ્વીકારવી પડે તેવા નિર્ણયો તેણે લીધા છે. બ.સ.પા. પ્રમુખ માયાવતી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ, સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને આચાર સંહિતાનાં ઉલ્લંઘન માટે થોડા દિવસની ચૂંટણી પ્રચારબંધીની સજા પંચે ફરમાવી હતી. પરંતુ એ પણ નોંધવું રહ્યું કે પંચનું આ પગલું સુપ્રીમ કોર્ટની ફટકાર અને પંચને પોતાની સત્તાઓનું ભાન કરાવી તેનો અમલ કરવાનું કહેવાયા પછી બહુ વિલંબથી લેવાયું હતું. પંચે વડાપ્રધાન પરની બાયોપિક તે જોયા સિવાય જ રોકી હતી. તો ગુજરાતમાં તલાળા વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં અક્ષમ્ય ઉતાવળ કરી હતી. પંચ ગુજરાત અને કર્ણાટકમાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી તાબડતોબ કરાવે છે પણ તમિલનાડુ વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી ન કરાવે તે કેવું ? એ પ્રશ્ન થવો સહજ છે. બંગાળની ચૂંટણી હિંસા અને પંચના એક નિરીક્ષકની તેની ૧૫ વરસ પૂર્વેના બિહાર સાથેની સરખામણી પછી પણ પંચે કોઈ ઠોસ કદમ લીધાં જણાતાં નથી.
બંધારણીય હોદ્દે રહેલા રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંઘ, સત્તા પક્ષના નેતાની જેમ વર્તી ‘વડાપ્રધાન તરીકે તો મોદી જ આવવા જોઈએ’ તેવું જે જાહેર ઉચ્ચારણ કર્યું હતું તે આચાર સંહિતાનો ભંગ છે અને તે માટે પંચ કલ્યાણ સિંઘને દોષી પણ ઠેરવે છે. પરંતુ તેમની સામે પગલાં લેવા રાષ્ટ્રપ્રમુખને પત્ર લખીને સંતોષ માને છે. બીજી તરફ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર કૉન્ગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરે અને તે ય બંધારણીય હોદ્દે રહીને તો પંચ તેમને હોદ્દેથી ફારેગ કરવાને બદલે ઠપકો આપે છે. પંચનું આ બેવડું વલણ બેશક ટીકાપાત્ર રહેવાનું .
રાજકીય પક્ષોના ઈ.વી.એમ. સંબંધી વિચારો અવસરવાદી હોય તો પણ જ્યારે ૨૧ વિપક્ષો ઈ.વી.એમ. [Electronic Voting Machine] અને વી.વી.પી.એ.ટી.[Voter verifiable paper audit trail]ની ચકાસણી માટે સર્વોચ્ચ અદાલતમાં ધા નાંખે છે ત્યારે આ મુદ્દે પંચનું વલણ સાવ જ વિપક્ષવિરોધી જણાય છે. વી.વી.પી.એ.ટી. સાથે ઈ.વી.એમ.ની ચકાસણી વધુ માત્રામાં થાય તેનો પંચનો વિરોધ અને સત્તાપક્ષનો વિરોધ પંચની સ્વતંત્રતા અને તટસ્થતા જોખમાવે તેવો છે.
સાત દાયકા વળોટી ચૂકેલી ભારતીય લોકશાહીના સ્વાયત્ત અને સ્વતંત્ર ચૂંટણી પંચ સામે આ વખતે જે રીતે સવાલો ઉઠયા તેના પરથી પંચની છાપ, ઉત્તર ભારતના લોકગીતની આ પંક્તિ” ઉમરિયા બઢતી જાયે રે, ચુનરિયા ઘટતી જાયે રે”ની પડી છે. હાલની સ્થિતિ અને ચૂંટણી પંચની લોપાતી મર્યાદા સ્વસ્થ લોકશાહી માટે યોગ્ય નથી. ચૂંટણીનાં પરિણામો ભલે ગમે તે આવે ચૂંટણી પંચની શાખ બની રહેવી જોઈતી હતી. આ સ્થિતિનું નિવારણ સૌએ સાથે મળીને કરવું જોઈએ. ચૂંટણી કમિશનરોની નિયુક્તિ રાષ્ટ્ર પ્રમુખ કરે છે પણ તે સરકાર એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળની ભલામણ મુજબ કરે છે .તેને બદલે તટસ્થ સમિતિ મારફત ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય અને પંચના સભ્યો માત્ર સનદી અધિકારીઓ જ ન હોય પણ બિનસરકારી સભ્યો પણ હોય તે દિશામાં વિચારવું પડશે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ’ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 22 મે 2019