Opinion Magazine
Number of visits: 9448006
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આત્મરતિ

સુમન શાહ|Opinion - Opinion|21 May 2019

વિચરતા વિચારો …

આ મહિનાની ૯ તારીખે મેં [આ પેજ પર] ‘લૂઝ કનેક્શન’ લેખ મૂકેલો. ૧૨૪થી પણ વધુ મિત્રોનું એ પર ધ્યાન ગયેલું. એક મિત્રે મને ફોનમાં કહ્યું કે ‘લૂઝનેસ’ જેવી માનવ-સમ્બન્ધોમાં બીજી અનેક સટપટર હોય છે, મને એમ છે કે તમે માનવસમ્બન્ધો વિશે આવું બધું વધારે લખો. મેં એમને કહ્યું કે તમારો ‘સટપટર’ શબ્દ મને ગમ્યો છે, કેમ કે સમુચિત છે. હું પ્રયત્ન કરીશ. આભારી છું.

પછી એ ‘સટરપટર’ શબ્દે મારા મગજમાં ચકલીની જેમ કૂદાકૂદ કરવા માંડી. મને થયું, સમ્બન્ધોમાં ઝીણી-મોટી કેટલી બધી સટરપટર હોય છે; મારે એ વાતો કરવી જોઇએ. પણ મને થયું, હું કોઇ મનોવિજ્ઞાની કે સમાજવિજ્ઞાની તો છું નહીં. થયું, નથી કરવી એવી વાતો કે લખવું પણ નથી એવું કશું.

છતાં સટરપટરની સટરપટર ચાલુ રહી. સટરપટર મને કહે, તારી પાસે સાહિત્યસર્જનની સૂઝબૂઝ જે કંઇ છે ને એથી તને માણસની જે અને જેટલી કંઇ ખબર પડી છે એને આધારે મિત્રો આગળ બે વાત કરવામાં તારું શું જાય છે, વાંધો શો છે, વિજ્ઞાનબિજ્ઞાનની ચિન્તા છોડ …

એટલે પછી, ‘લૂઝ કનેક્શન’-ના જેવો જ વિચારણીય મને એક શબ્દ દેખાયો – આત્મરતિ.

આત્મરતિ એટલે પોતાને વિશેની રતિ. સૅલ્ફ-લવ. આત્મરત માણસ એ છે જેને પોતાની જાત વિશે પ્રેમ છે. મને થયું, આ તો એકદમ સારી ચીજ છે. માણસ આત્મને, સ્વને, ચાહતો હોય એ તો બહુ જ સરસ કહેવાય. કેમ કે જે પોતાની જાતને, સ્વને, નથી ચાહતો તે પરને કે સર્વને તો શી રીતે ચાહી શકવાનો’તો? એવો કોઇ એની પત્નીને શું પ્રેમ કરવાનો’તો? એવી કોઇ એના પતિને કેટલું ચાહી શકવાની’તી? સન્તાનોને? પરિવારને? પડોશીઓને? સહકાર્યકરોને?

જેને પોતાનો ચ્હૅરો સુન્દર લાગતો હોય એ બધે સુન્દર ચ્હૅરા શોધતો હોય છે. પોતાની હોય એવી હૅઅર-સ્ટાઈલ, પોતાનું હોય એવું શર્ટ, એવા શૂઝ, એવી કાર, એ બધે શોધતો રહેવાનો. એના જાત-પ્રેમે એને દોરવ્યો હોય. પોતાના જેવું એને જ્યાં જ્યાં જોવા મળે, એને સારો સંતોષ થાય, ન દેખાય તો પણ એને સારું લાગે કે જોયું, મારા જેવું તો આ વિશ્વમાં કોઇ નથી. આમ, આત્મરતને બેયે બાજુથી સુખ જ સુખ હોય છે. બને છે એવું કે એથી એની આત્મરતિ દૃઢ અને સુદૃઢ થતી હોય છે.

મારા એક સાથી અધ્યાપક હતા, જેને જાત પ્રત્યે જરાપણ લગાવ નહીં. સ્લીપર પ્હૅરીને આવતા. લપટા પડી ગયેલા ને મૅલચૉંટેલા સ્લીપર. એમાંથી એમનાં નખવૃદ્ધિ પામેલાં આંગળા દેખાય, બિચારાં આંગળાં ધૂળની પથારીમાં ગોઠવાયાં હોય. ઘણા દિવસ પછી દાઢી કરે એટલે ત્યારે એમની અસલિયતની ખબર પડે. હવેનો અધ્યાપક તો કારમાં આવે છે-જાય છે. બ્રાન્ડેડ શર્ટ નહીં તો શૂઝ તો ઠઠાડે જ છે. અધ્યાપકબાનુ એની હૉન્ડાનું ડોર આસ્તેથી ખોલીને એના હાઈ-હિલ જૂતાંથી જમીન પર ખડાં થાય છે ત્યારે ચોપાસના સૌ એમને જોતા જોતા સ્તબ્ધ, એટલે કે સ્ટૅચ્યુ, થઇ જાય છે. સાક્ષાત્ આત્મરતિ ઊભાં લાગે. હવાને એમનું પરફ્યુમ મઘમઘતી કરી મૂકે.

મને પોતાને ઘણા વખત સુધી પરફ્યુમની ટેવ હતી. હું જ્યાં અધ્યાપક હતો ત્યાં એની જરૂર પણ હતી. સભા વખતે પણ મને એમ સુવાસિત રહેવું જરૂરી લાગતું. એક વાર, ભાવનગરમાં એક કાર્યક્રમ હતો. આયોજકોએ કરેલી જોગવાઈ અનુસાર મારે બે સાહિત્યકારો જોડે સહ-વાસ કરવાનો પ્રસંગ પડેલો. એમાંના એક કહે, પરફ્યુમની શી જરૂર? બૈરાં જેવું …! મેં સૌ પહેલાં એમને એ શબ્દ પાછો ખૅંચવા કહ્યું ને એમ પણ કહ્યું કે ક્યાં ય નારીવાદી ભાષણ કરવા જો ગયા તો તમારી ખૅર નથી. સ્ત્રીદ્વેષી તમારી અસલિયત પરખાઇ ગઇ છે. બીજું એમને મેં એ કહેલું કે દુનિયામાં મેલ અને ફિમેલનાં જુદાં જુદાં પરફ્યુમ આવે છે, જાણી રાખો. તો બન્ને જણા સાથે બોલ્યા, અમારે પશ્ચિમનું એવું બધું નથી જાણવું …આમે ય એમને પશ્ચિમનો ‘પ’ સાંભળતાં ટાઢ ચડતી …

હું અને રશ્મીતા ૧૯૯૨માં અમેરિકા પહેલી વાર ગયેલાં તે પાછા ફરતી વખતે થયેલું કે મિત્રો માટે કંઇક લઇ જઇએ. અમે કેટલાંક સૅન્ટેડ કાર્ડ્ઝ ખરીદેલાં. હાથમાં લેતાંમાં જ અવનવી સુગન્ધ આવે. મારી સહાધ્યાયી બેના ભારતી દલાલને એવું કાર્ડ આપ્યું તો કહે, સરસ, અમેરિકાથી સુગન્ધાતા સુગન્ધાતા પાછા આવ્યા ! સ-હાસ્ય વ્યંજના એ હતી કે ગયા’તા તો ગન્ધાતા’તા ગન્ધાતા’તા …પછી અમે ખૂબ જ હસેલાં, આમે ય, ભારતીના સંગમાં કોઇ હસ્યા વિના ન રહી શકે, ફર્ક એટલો કે એ ખૂબથી ખૂબ હસી શકે …

સાહિત્યસર્જકો કલાસર્જકો અભિનેતાઓ કે કોઇ કોઇ સાધુ મહાત્માઓ બધા વત્તેઓછે અંશે આત્મરતિને વરેલા જીવો હોય છે. બચ્ચન શાહરૂખ દીપિકા ઐશ્વર્યા શિલ્પા ઝાકિર હુસેન શિવકુમાર શર્મા અરિજિત પાપોન કે શ્રેયા, અરે મનીષ પૉલ પણ. સુવર્ણન્દ્રક તો ઘણાને મળ્યા હોય છે પણ આપણા કવિ સુન્દરમ્-ની જેમ રેશમિયા રંગના ઝભ્ભા પર લટકાવીને મ્હાલવાની હિમ્મત મેં આપણા કોઇ સાહિત્યકારમાં હજી જોઇ નથી. સુન્દરમ્-ને તો તૈયાર થતાં પણ બહુ વાર થતી. એક વાર ભાષાભવનના હૉલમાં અમે અને સભા આખી એમની રાહ જોઇને બેઠેલાં, ક્યારે આવશે, ક્યારે આવશે … આવ્યા, તો ક્હૅ, જગતને કારણે મૉડો પડ્યો. મેં પૂછેલું એવું કેવી રીતે? તો કહે, યજમાનપરિવાર હું સમયસર પ્હૉંચું એ કાજે અતિવ્યસ્ત હતો. મને સમજાઇ ગયેલું કે કવિએ પોતાના ઠાઠમાઠ માટે કેટકેટલી માગણીઓ મૂકી હશે. ગળામાં સોનાનાં અનેક ઘરેણાં ઝુલાવીને ફરતા ભપ્પી લ્હૅરીની આત્મરતિ હસી કાઢવાજોગ લાગે, પણ ભૂલ થાય. કોઇ સંગીતકારના જરીથી ફૂલવેલ ગૂંથેલા કીમતી ઝભ્ભાને વિશેની કે એની પશ્મીના શૉલને વિશેની એની રતિ એની કલામાં, એના પરફૉરમન્સમાં, એની ચાલમાં, બલકે એની ટોટલ લાઈફસ્ટાઈલમાં રસાઈ ગઈ હોય છે. એટલું જ નહીં, એક હરતીફરતી પ્રેરણા રૂપે વાતાવરણમાં એનો પ્રાણસભર સંચાર હોય છે.

આવુંતેવું એમને બધાંને પોસાય ને આપણને ક્યારે ય નહીં – એમ વાતનું પિંડલું વાળીને આઘા નહીં જતા રહેવાનું. આત્મરત વ્યક્તિઓના દોષ ને વાંક દર્શાવીને એમને એકાકી અહંકારી અભિમાની ઉધ્ધત તોછડા કહી દેવાનું સરળ છે, એવા કેટલાક આત્મરત હોય છે પણ ખરા. એક તો છે એવા, ઊંચા. સામે ઊભા હોય, તે હું એમને ઉત્કણ્ઠ થઇને જોતો રહું પણ એમને નતમસ્તકે બે શબ્દ બોલતાં પણ જોર પડે. ઊભા છતાં પોતામાં ડૂબેલા. એક બીજા છે, મળે ત્યારે એવી રીતે જુએ જાણે જીવનમાં પહેલી વાર મળતા હોય. પરાયાપણાની – ઍલિયેનેશનની – વાતો સાહિત્યવાચનમાં અનેક વેળા આવેલી પણ તેવે વખતે એનો તરત જલદ અનુભવ થતો. આત્મરતિનો અર્થ તળાવમાં કલાકોથી બેસી રહેલી ભૅંસ નથી થતો. માછલાની ફિરાકમાં ચૂપ બગલાની મીંઢી ને લુચ્ચી હોય એવી નથી આ આત્મરતિ …

પણ એવાઓને આપણે શું કામ તુચ્છકારવા? આપણે એમને હસી કાઢી શકીએ. તમને કહું, આત્મરત વ્યક્તિઓ મસ્તીમાં ને મસ્તીમાં હોય. જાતની કે બીજાની મજાક-મશ્કરી કરીને હસી શકે બહુ. એમની જોડે, આઈ મીન, એમની સર્જકતા જોડે, જો એકવાર આપણે કનેક્ટ થઇ ગયા તો સમજવાનું એ કનેક્શન કદી પણ લૂઝ નથી થવાનું. સદા ચાર્જ થવાશે, ને પ્રસન્ન રહેવાશે.

આત્મરતિ કરોડરજ્જુ છે. એ વિનાનો માણસ બેસી પડે છે. નમાલો નક્કામો ને નિરાશાવાદી થઇ જાય છે. આપણા અસ્તિત્વનું એક મહત્ રસાયણ આત્મરતિ પણ છે. કેમ કે આપણી ચોપાસ એ કોઇકનો રતિવિલાસ જ વિલસ્યો છે…

(૧૮ મે ૨૦૧૯ : યુ.ઍસ.એ.)

https://www.facebook.com/suman.shah.94/posts/2497642803599951   

Loading

21 May 2019 admin
← નાગરિક નાફરમાની અને ગાંધી
ચૂંટણી પંચ : બઢતી ઉમરિયા, ઘટતી ચુનરિયા →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved