Opinion Magazine
Number of visits: 9447883
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિક નાફરમાની અને ગાંધી

આશા બૂચ|Opinion - Opinion|20 May 2019

સત્યાગ્રહ અને નાગરિક નાફરમાની કે જે સવિનય કાનૂનભંગ તરીકે પણ ઓળખાય છે, તેની વિભાવના કદાચ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ બાદ, ભારત અને અન્ય દેશોમાં વધુ પ્રચલિત બની હોય તે સંભવ છે. પરંતુ તેનાં મૂળ ઘણાં ઊંડાં અને વ્યાપક છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીના વિચારો ઉપર હેન્રી ડેવિડ થોરોના સવિનય કાનૂનભંગનાં પગલાંની અસર હતી.

એક એવી સર્વસામાન્ય માન્યતા છે કે જેની પાસે શસ્ત્રો ન હોય, ડરપોક હોય, પોતાનો જાન ફના કરવા તૈયાર ન હોય તેવા લોકો અહિંસક માર્ગ અપનાવે. ખરું પૂછો તો સત્યાગ્રહ કરવો એટલે સંઘર્ષ ટાળવો નહીં, પણ તેને સામી છાતીએ ઝીલવો. સત્યાગ્રહ એ ‘પાસિવ રેઝિસ્ટન્સ’ કરતાં વધુ બળૂકો છે. અહિંસા એ પ્રતિકાર ન કરનાર, સત્તાને તાબે થનાર અને ડરપોક લોકોનું હથિયાર છે, તેમ માનવું બિલકુલ ઉચિત નથી. સમાજના મોટા ભાગના લોકોને હિતકારી ન હોય તેવા નિયમો, કાયદા કે રિવાજ પ્રમાણે કોઈ કાર્ય ન કરવું કે તેને તોડીને કંઇ કરવું તેનું નામ સત્યાગ્રહ. એ કર્મનો અભાવ નથી, એ એવું કાર્ય છે જેમાં હિંસાનો અભાવ છે. દેખાવો કરવા, પોતાના વિચારો અને માંગણીઓ સામા પક્ષને ગળે ઉતરાવવી, અને એ તરકીબ નિષ્ફળ જાય ત્યારે અસહકાર કરવો એ નિઃશસ્ત્ર લડાઈનો ઉચિત ક્રમ છે. તેમાં સંઘર્ષ ટાળવાની વાત નથી પણ અન્યાયી કે જુલ્મી પરિસ્થિતિનો અંત ન આવે ત્યાં સુધી તેનો શાંતિમય ઉપાય કરવા સક્રિય બનવાનું હોય. સંઘર્ષમાં સંડોવાયેલ બંને પક્ષના લોકોનું શાબ્દિક કે માનસિક પરિવર્તન કરવા ઉપરાંત સામાજિક, આર્થિક અને રાજકીય દબાણ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો એ તેની ફળશ્રુતિ ગણાય. સત્યાગ્રહ અને સવિનય કાનૂનભંગ જેવાં શસ્ત્રોનો ઉપયોગ માત્ર સંત મહાત્મા જ નહીં, સામાન્ય માણસો પણ કરી શકે. સ્વબચાવ અને ન્યાયની માંગણી માટે પૂર્વ અને પશ્ચિમના ઘણા દેશોમાં આ યુક્તિ વપરાયેલ છે. આવી લડતની સહુથી મોટી શરત એ છે કે સામો પક્ષ (જે સામાન્ય રીતે કોઈ સરકાર કે અમર્યાદ સત્તા ધરાવનાર સંગઠન હોય છે) અહિંસક સામનો કરશે એવી શક્યતા ન હોવા છતાં પોતે તો અહિંસક રીત જ અપનાવે. તેમાં વિજય મેળવતા લાંબો સમય લાગે તે શક્ય છે પણ મળે ત્યારે બંને પક્ષને ફાયદો થાય, જેની વિરુદ્ધ લડાઈ આદરી હોય તેના પણ દિલ જીતાય, અને એવી શાંતિ ચિરકાળ ટકે.

એક અંગત ઉદાહરણ આપવું ઉચિત માનું છું. થોડાં વર્ષો પૂર્વે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં માન્ચેસ્ટરના તત્કાલીન મેયર ટોની લોઇડ હાજર રહેલા અને ટૂંકું વક્તવ્ય આપતાં કહ્યું, “ભારત અને બ્રિટનને સદીઓ જૂનો રાજકીય અને વ્યાપારી સંબંધ છે. મારા પિતા કાપડ પર ‘Made in Britain’ એવાં લેબલ બનાવવાનો વ્યવસાય કરતા. આજે ભારતના પ્રજાજનો બ્રિટન અને ખાસ કરીને માન્ચેસ્ટરમાં સ્થાયી થઈને આ દેશની આર્થિક અને સાંસ્કૃતિક સંપત્તિમાં મોટો ફાળો આપી રહ્યા છે તેનો મને ઘણો આનંદ છે.” આ વક્તવ્ય બાદ મેં મેયરશ્રીને કહ્યું, ‘મારા નાનાજી અને માતા-પિતાની પેઢીના લોકોએ એ લેબલના કાપડનો બહિષ્કાર કર્યો. તો આપણે બંને વિરોધ દળના કહેવાઈએ.’ તેમણે સુંદર જવાબ આપ્યો, “ના, તમે યોગ્ય જ પગલું ભરેલું. તમને સહુને તેનું ગૌરવ હોવું ઘટે.” મારુ દ્રઢ માનવું છે કે આજે બ્રિટનની ધરતી પર ઊભા રહીને બે ભૂતપૂર્વ શાસક અને શાસિત દેશના નાગરિકો (જો કે હવે તો હું પણ બ્રિટિશ નાગરિક ખરી) આ રીતે એકબીજાંના કર્તવ્યને બિરદાવી શકે તેનું કારણ એ છે કે આપણી સ્વતંત્રતાની ચળવળ અહિંસક હતી. અસહકાર આપણું શસ્ત્ર ન હોત અને જો મશીનગનથી વાત કરી હોત તો ખેલ કઇંક જુદો હોત. જો બંને પક્ષે સશસ્ત્ર જાનહાનિ થઇ હોત  તો પરસ્પર માટેનો આ આદરભાવ અને મૈત્રી કદાચ સંભવ ન બન્યા હોત.

દુનિયાના અલગ અલગ દેશોમાં જુદા જુદા સમયે સવિનય કાનૂનભંગ થયાના કેટલાક ઉત્તમ ઉદાહરણો જોઈએ.

પોતાની કે વિદેશી સરકારના કાયદાઓનો અને દમનકારી શાસનનો વિરોધ કરવા સવિનય કાનૂનભંગ અને શાંતિપૂર્ણ દેખાવો યોજવા એ જનસામાન્યની રીત છે, જે સૈકાઓથી ચાલી આવી છે. એક મત મુજબ તેની શરૂઆત ઈંગ્લેન્ડમાં ઈ.સ. 1381માં ખેડૂતોના બળવાથી – Revoltથી  થયેલ. વોટ ટાઇલર અને બીજા કર્મશીલોએ ખેડૂતો પર નખાતા ઊંચા કરવેરા માટે રિચર્ડ બીજા સમક્ષ  વિરોધ નોંધાવેલો. સખેદ નોંધ લેવી ઘટે કે એ ચળવળે હિંસક રૂપ ધારણ કર્યું, પરંતુ તેનાથી જમીનદારી પ્રથાનો અંત જરૂર આવ્યો.

એટલાન્ટિક સમુદ્રની પેલે પારનો દાખલો લઈએ. ઈ.સ.1775–1783 દરમ્યાન અમેરિકન રિવોલ્યુશન થયું. તેનો પ્રારંભ બોસ્ટન ટી પાર્ટી નામે પ્રખ્યાત બનેલ ઘટનાથી થયો. The Sons of Liberty નામે પોતાને ઓળખાવતા એક જૂથે રાજકીય પગલાં સામે સવિનય કાનૂન ભંગ કર્યો અને એ ક્રાંતિ શરૂ થઇ. બ્રિટનના The Tea Act સામે વિરોધ દર્શાવવા એ કર્મશીલોએ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાવવામાં આવેલ ચા ભરેલા બોક્સને બોસ્ટનના બંદર પાસે પાણીમાં પધરાવી દીધા. બંને પક્ષે આ ચળવળ જોર પકડતી ગઈ પરિણામે અમેરિકન રિવોલ્યુશનનું સ્વરૂપ ધર્યું. જો કે ચાની આયાત કરવા પાછળનો હેતુ આવી ક્રાંતિ કરવાનો નહોતો. દેખાવકારોનું માનવું હતું કે અંગ્રેજ સરકારને એટલાન્ટિક સમુદ્ર પારના દેશને પોતાનું સંસ્થાન માનીને તેની પ્રજા અને તેની પાર્લામેન્ટ પર વ્યાપારી કે આર્થિક હુકમો ઠોકી બેસાડવાનો કોઈ અધિકાર નથી. ત્યાર બાદ એ ક્રાંતિનું શું પરિણામ આવ્યું તે સહુ જાણીએ છીએ. જેમ ચપટીભર મીઠું પેદા કરવાથી અને વેંચવા-ખરીદવાથી બ્રિટિશ સરકારને લૂણો લાગી ગયો તેમ ચા ભરેલ બોક્સ પાણીમાં પધરાવી દેવાથી બ્રિટિશ હકૂમતની સાંકળ અમેરિકામાં પણ ઢીલી પડી. લોકશક્તિ સત્ય અને અહિંસાને વળગી રહીને સંગઠિત રૂપે કાર્યરત થાય તો જરૂર પ્રજા કલ્યાણ થાય તેવાં ફળો મેળવી શકે તે નિ:શંક છે.

યુદ્ધ અને લડાઈ શબ્દો સાથે મિસાઈલ્સ, મશીગન અને બૉમ્બ અનિવાર્યપણે જોડાયેલ હોય એ સર્વસાધારણ ધારણા છે. એટલે જ તો નાગરિક નાફરમાનીને કોઈ સધારીની નાગચૂડમાંથી છૂટવા માટેનું ‘શસ્ત્ર’ ગણાવીએ તો એ કોણ સ્વીકારશે? પણ વીસમી-એકવીસમી સદીમાં શાંતિમય દેખાવો અને હડતાળ વગેરેને એક અસરકારક સાધન તરીકે માન્યતા મળવા લાગી છે. પણ કદી કોઈ પ્રજાએ સંગીત દ્વારા પોતાના હક-અધિકારો મેળવ્યા હોય એવું જાણ્યું છે? યુગોસ્લાવિયામાં સામ્યવાદનો અંત લોહિયાળ યુદ્ધથી આવેલ, પણ એસ્ટોનિયા, લાટવિયા અને લીથુએનિયાએ એક અનોખો શાંતિમય ઉપાય અજમાવ્યો. ચાર વર્ષ સુધી કર્ફ્યુ દરમ્યાન ભક્તિ ગીતો અને રાષ્ટ્રીય ભાવનાવાળાં ગીતો ગાઈને સત્તાને વળગી રહેવા માગતા લોકો સામે સતત વિરોધ નોંધાવ્યો. આ ક્રાંતિ Singing Revolution તરીકે ખ્યાતિ પામી. આ ક્રાંતિએ સંગીત મહોત્સવનું રૂપ ધારણ કર્યું. આજ સુધી કોઈ સરકાર સંગીતની શક્તિથી ઉથલાવી પાડવામાં નથી આવી. અહિંસક લડત કયા કયા રૂપ ધારણ કરીને આવે છે!

પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાતી અસહકાર અને સત્યાગ્રહ જેવી લોકશક્તિ પર આધારિત શસ્ત્ર વિહીન લડતો હજુ વીસમી સદીમાં પણ એટલી જ અસરકારક રહી હતી અને એકવીસમી સદીમાં તો જાણે એ યુક્તિઓ પર આમ જનતાનો વિશ્વાસ વધવાની સાથે તેનો પ્રચાર અને પ્રસાર પણ વધવા લાગ્યો છે. વીસમી સદીમાં ઇંગ્લેન્ડને પોતાના જ દેશની પ્રજાની અહિંસક શક્તિનો અનુભવ ક્યાં નથી થયો? માર્ચ 1990માં લંડનમાં થયેલ શાંતિમય કૂચ ઘણાને યાદ હશે. સરકારે લાદેલ પોલ ટેક્સના વિરોધમાં અને કાઉન્સિલ ટેક્સને પાછો લાગુ કરવા માટે પ્રજાએ આ માર્ગ અપનાવેલો. એમ કહી શકાય કે માર્ગારેટ થાચરની કારકિર્દીના અંતની તેનાથી શરૂઆત થઇ. અલબત્ત લંડનમાં પોલીસે દેખાવકારોને કાબૂમાં રાખવા બળપ્રયોગ કરેલો, પણ દેશમાં અન્ય સ્થળોએ શાંતિમય દેખાવો થયા અને અંતે પોલ ટેક્સની અપ્રિયતાનો ખ્યાલ આવતાં સરકારે તેને રદ્દ કરવાનું પગલું ભરવું જ પડ્યું. શ્રીમતી માર્ગારેટ થાચરના વડપણ નીચેના કાળમાં જેમ પોલ ટેક્સ એ સરકાર માટે મોટો પડકાર હતો તેમ ટોની બ્લેરની સરકારને સત્તા પર આવ્યાને ત્રણ વર્ષ થયાં ત્યાં જ એ દાયકાના સહુથી ગંભીર વિરોધનો સામનો કરવાનું ભાગે આવ્યું. વાહનો માટેના બળતણના ભાવ ફુગાવાના દર કરતાં વધુ દરે વધવાની સાથે લોકોએ રિફાઇનરી પર નાકાબંધી કરી, અને વિતરકોને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરવાની ફરજ પાડી. એક બાજુ પેટ્રોલની છૂટક કિંમત ખૂબ વધી અને બીજી બાજુ સરકાર તેના પરનો કર ઓછો કરવા માટે તૈયાર નહોતી. ટેન્કર્સ પણ ડેપો છોડીને પોતાનો વ્યવસાય કરવા સામે વિરોધ દર્શાવવા લાગ્યા. આમ ત્યારે પણ લોક શક્તિનો વિજય થયો જ ગણો ને.

યુરોપના દેશોને ભાગે સવિનય કાનૂનભંગનો સામનો કરવાનું સમયાંતરે આવતું રહ્યું છે. બર્લિનની દિવાલનો ધ્વંસ થયો એ ઘટના ઐતિહાસિક અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની છે. જો કે સમાચાર માધ્યમોએ તેને જુદી રીતે વર્ણવેલી. દિવાલનો એક ભાગ તોડી નાખવામાં આવ્યો અને બંને તરફના લોકોએ હાથ મેળવ્યા એ દ્રશ્ય જોઈને દુનિયાભરના લોકોએ ખુશી અનુભવી. પૂર્વ જર્મનીના લોકોએ તો સરકારની સલાહની વિરુદ્ધ જઈને દિવાલ તોડવાનું શરૂ કરી દીધેલું. સરકાર તો પૂર્વ અને પશ્ચિમના લોકો છૂટથી આવ જા કરે તે માટે ચેક પોઇન્ટ બનાવવામાં વ્યસ્ત હતી. નવમી નવેમ્બરની રાત્રીએ બર્લિનની દિવાલ તૂટી એમ મનાય છે. હકીકતે મોટા ભાગની દિવાલ હજુ અકબંધ હતી અને તેનું રક્ષણ ત્યાર બાદ ઘણા સમય સુધી થતું રહ્યું. આમ છતાં એક જ શહેરને વિભાજીત કરતી દિવાલને સમય કરતાં વહેલી તોડી પાડવા માટે સવિનય કાનૂનભંગને જ મુખ્યત્વે યશ અપાય છે.

જો કોઈની એવી માન્યતા હોય કે  ધાર્મિક સંગઠનો સમલૈંગિક સંબંધોનો છડેચોક માત્ર વિરોધ જ કરે છે તો તેમણે આ હકીકત જાણીને તે વિષે ફરી વિચારવું યોગ્ય થશે. સોલફોર્સ – Soulforce એ એક એવું સુવ્યવસ્થિત જૂથ છેકે જે ચર્ચ દ્વારા લેવામાં આવતાં ઘણાં પગલાંઓ અને નિર્ણયોને બદલવા સવિનય પ્રતિકારનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરે છે. તેમની સહુથી મહત્ત્વની ઝુંબેશ હતી, રાઈટ ટુ સર્વ – સમલૈંગિક અને ઉભયલિંગી લોકોને અમેરિકાના લશ્કરમાં સેવા આપવાના અધિકારોને પ્રકાશમાં લાવવાનો તેમનો હેતુ હતો.

કેટલાક દેશોની શાસન પદ્ધતિ લોકશાહી મૂલ્યો આધારિત ન હોવાને લીધે દુનિયામાં તેમનું સ્થાન અને માન અન્ય ધનાઢ્ય અને ‘સુસંસ્કૃત’ ગણાતા દેશો કરતાં કઇંક અંશે અલગ હોય છે. ક્યુબા તેમાંનો એક દેશ. ક્યુબા એક માત્ર એવો સામ્યવાદી દેશ છે જ્યાં અવારનવાર સરકારી કાયદાઓ વિરુદ્ધ સવિનય કાનૂનભંગના પગલાં ભરવામાં આવે છે. તેમનો હેતુ ફિડલ કાસ્ટ્રોની સરકારની સત્તાને પડકારવાનો અને રાજદ્વારી કેદીઓને મુક્ત કરાવવાનો હતો. બાજુના પોસ્ટરમાં દર્શાવેલ તેમનો મંત્ર હતો, “હું ખંડન નથી કરતો, હું સહાય નથી કરતો, હું ચોરી નથી કરતો, હું અનુસરણ નથી કરતો, હું સહકાર નથી આપતો અને હું કોઈને અંકુશમાં નથી રાખતો.” સરકારે પોતાની સત્તાને કાયમ રાખવા દમન જરૂર કરેલ, પરંતુ પ્રજાએ મહદ અંશે અહિંસક માર્ગે જ પોતાના અધિકારોનું રક્ષણ કરેલું.

તાજેતરની ઘટનાઓની વાત કરીએ તો અમેરિકામાં 2011થી શરૂ થયેલ Keystone XL નામે જાણીતો થયેલ આ વિરોધ હજુ આજ સુધી ચાલે છે. એક તરફ પર્યાવરણની સુરક્ષાની ખાતરી અપાયેલી હતી અને બીજી તરફ અધિકૃત પુરાવાઓ મુજબ ફ્રેકિંગ ખનીજ તેલ મેળવવાની તદ્દન સુરક્ષિત રીત નથી તે જાણતા હોવા છતાં પ્રેસિડન્ટ ઓબામાએ કીસ્ટોન પાઈપને આલ્બર્ટા-કેનેડાથી મેક્સિકોના ગલ્ફ સુધી લાવવાની યોજનાને બહાલી આપી. લોક શક્તિ પર્યાવરણની રક્ષા ખાતર હજુ ઝઝૂમે છે, પરંતુ ખાનગી કંપનીઓને સરકાર તરફથી મળતી મંજૂરીને કારણે તેમના પ્રયાસો વિફળ થયા કરે છે.

એવી જ બીજી એક ચળવળ તે The Orange Revolution. યુક્રેઇનમાં 2014ની સાલથી અશાંતિ પ્રવર્તી રહી છે, જેનાં મંડાણ તેના દસેક વર્ષ પહેલાં થઇ ચૂક્યાં હતાં. યુક્રેઇનના પ્રેસિડેન્ટ યાનુકોવિચ કે જે રશિયા તરફી વિચારધારા ધરાવનાર હતા, તે નીતિભ્રષ્ટ અને લાંચ લેનારા-દેનારાના ટેકાથી ચૂંટાઈને સત્તા પર આવેલા. આથી પશ્ચિમી વિચારધારા ધરાવનારા લોકો ધરણા, સામાન્ય હડતાળ અને સામૂહિક દેખાવો યોજીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતા રહ્યા. પ્રજાના એકહથ્થુ સત્તા ભોગવતા શાસકને દૂર કરવાના અહિંસક પ્રયાસો હોવા છતાં યાનુકોવિચ ફરી પ્રેસિડન્ટ બન્યા, જેને કારણે 2013માં વધુ દેખાવો થયા અને એ પ્રશ્ન 2014માં ઉગ્ર કક્ષાએ પહોંચ્યો. એમ લાગે છે કે ઓરેન્જ રિવોલ્યુશનનો અંત આવવાને હજુ વાર છે.

સદીઓ સુધી વિસ્તરેલા દુનિયાના દેશોના રાજકીય અને સામાજિક ઇતિહાસને તપાસતાં જણાશે કે લોકશક્તિ આધારિત આંદોલનો સમાજમાં હંમેશ સકારાત્મક પરિવર્તનો લાવે એ સંભવ નથી, પરંતુ પોતાને થતા અન્યાય, માનવ અધિકારના ભંગ, પ્રજાના સામૂહિક હિતનું જોખમાવું, પર્યાવરણ પરનો ખતરો જેવા સાર્વજનિક મુદ્દાઓ વિષે જો પ્રજા જાગૃત રહે તો એ પરિસ્થિતિઓમાં પરિવર્તન લાવવા માટે સવિનય અસહકાર એક શક્તિશાળી બળ બની શકે. દરેક સ્વતંત્ર નાગરિકનો એ અધિકાર છે અને હોવો જોઈએ, એટલું જ નહીં તેમની એ ફરજ છે કે એ પોતાના અને સમસ્ત પ્રજાના હિતમાં ન હોય તેવા સરકારના કાયદાઓ અને નિયમોનો બહિષ્કાર કરે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાએ સરકારથી ડરવાની જરૂર નથી, સરકારે પ્રજાથી ડરવું જોઈએ. માટે આજે પણ અહિંસક માર્ગે આદરેલ સવિનય કાનૂનભંગની નીતિ એટલી જ પ્રસ્તુત છે એ શ્રદ્ધા જ માનવ જાતને સશસ્ત્ર સંગ્રામથી દૂર રાખનારી નીવડશે.

e.mail : 71abuch@gmail.com

Loading

20 May 2019 admin
← ‘ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો’ : કાવ્ય પરંપરાના ઉઘડતા સંદર્ભો
Gandhi’s Assassin Godse’s ideological inheritors →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved