ગઠબંધન, એન.ડી.એ., યુ.પી.એ., જાણ્યાં અજાણ્યા ચહેરાઓની શક્યતાઓ વચ્ચે દેશની જરૂર છે લોકશાહીને સાચા અર્થમાં સાચવે એવા નેતાની.
ઉનાળો અને ચૂંટણીનો માહોલ, આ બંન્ને ગમે કે ન ગમે આપણે માથે તપી રહ્યાં છે. ચૂંટણી અફરાતફરી, આક્ષેપબાજી, નારાબાજી, ભાષણબાજીના માહોલમાં જ્યારે પણ ખાસ કરીને ‘ભક્તો’ સાથે ‘ચર્ચા’ થાય ત્યારે એમની પાસે એક સવાલ હંમેશાં હાજર હોય છે. આ એવો સવાલ છે જે જવાબ તરીકે અને દલીલ તરીકે વાંરવાર ધરી દેવામાં આવે છે. પરંતુ, આ સવાલનો જવાબ મેળવવો ખરેખર અઘરો છે? પહેલાં તો આ સવાલ શું છે એ જાણીએ. મોદી, નહીં તો કોણ? આ એક સવાલ મોટે ભાગે આખરી દલીલ તરીકે ધરી દેવામાં આવે છે. એવું નથી કે આનો જવાબ નથી, કારણ કે આ દુનિયામાં કોઇ પણ ‘ઇનડિસ્પેન્સેબલ’ – જેના વિના ચાલે નહીં – એવું કોઇ છે જ નહીં. પરંતુ જ્યારે મોટા ભાગનાં લોકોને તાર્કિક તારણ અને કારણ સાંભળવાની ધીરજ નથી હોતી, અથવા તો દલીલ કરનારા બન્નેમાંથી કોઇની પાસે દલીલ કરવા માટેની કાચી સામગ્રી નથી હોતી. આજે આપણે કેટલાંક એવાં વિકલ્પો પર નજર નાખીએ જે આ જવાબ તરીકે ધરી દેવાતા સવાલના જવાબ તરીકે ચાલી શકે છે.
સ્વાભાવિક રીતે જ સૌથી પહેલું નામ રાહુલ ગાંધીનું હોય, કારણ કે તે વિરોધ પક્ષ, કૉન્ગ્રેસનો સૌથી આગળ ધરાતો ચહેરો છે. કૌટુંબિક રાજનીતિની દ્વષ્ટિએ રાહુલ ગાંધી દેશનાં ત્રણ ભૂતપૂર્વ વડાપ્રધાન સાથે સંબંધ ધરાવે છે. નરેન્દ્ર મોદી કરતાં રાજકારણમાં વીસ વર્ષ જુનિયર કહી શકાય તેવા રાહુલ આમ તો ભારતના ‘યુવા’ મતદારો સાથે વધારે સારી રીતે તાલ મિલાવી શકે એમ છે પરંતુ ૨૦૧૪માં તેઓ મતદાર સાથે એક કડી ન જોડી શક્યા. રાહુલ ગાંધી રાજકીય માહોલમાં ઉછર્યા હોવા છતાં તે એક ‘રિલક્ટટન્ટ પૉલિટિશ્યન’ એટલે કે અનિચ્છાએ રાજકારણી બન્યા હોય તેવી સ્થિતિ છે. તેમની આ અનિચ્છા દેખીતી નથી છતાં પણ તેમનાં ભાષણોમાં થતી ગફલતો, ઘણીવાર વિચાર્યા વગર બોલાઇ દેવાતાં વિધાનો અને ક્યારેક તેમની બૉડી લેન્ગવેજ પણ આની ચાડી ખાય છે. તેમના વિરોધીઓએ તેમને ‘પપ્પુ’નું બિરુદ આપ્યું છે પણ તેમને એટલા કાચા ખેલાડી માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. જો કે કૉન્ગ્રેસ પક્ષે આ વખતે ચૂંટણીમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધીને પણ મેદાનમાં ઉતાર્યાં છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે કે નહીં એ કહેવું તો મુશ્કેલ છે પણ જો એમ થાય તો તે પોતાને મળેલી સત્તાને હળવાશથી તો નહીં જ લે. જો કે રાહુલ ગાંધીએ અને કૉન્ગ્રેસ પક્ષે સહેજ વિચાર કરીને પોતાના પક્ષમાં રહેલા અન્ય યુવા રાજકારણીઓને વધારે આગળ કર્યા હોત તો ‘સગાંવાદ’ના આક્ષેપનો તેઓ કોઇ રીતે જવાબ વાળી શકત. આંધળી ભક્તિ, કટ્ટરવાદ અને પાછલાં બારણે થતાં ભ્રષ્ટાચારની સામે ટીકા વેઠી શકે એવી સરકાર બને તેમાં કંઇ ખોટું નથી. રાહુલ ગાંધી જો વડાપ્રધાન બને તો તેમણે રાજકીય સલાહ માટે તેમની આસપાસના લોકોમાં પીઢ અને ધીટ થઇ ગયેલા રાજકારણીઓને બદલે જ્યોતિરાદિત્ય સિંધિયા કે સચીન પાયલટ જેવા એકંદરે યુવાન રાજકારણીઓ સાથે કામ પાર પાડવું જોઇએ. જો કે ભા.જ.પા.ને જો ૨૦૦ કે તેનાથી ઓછી બેઠક મળે તો જ રાહુલ ગાંધી વડાપ્રધાન બને એવા સંજોગો ખડા થાય. વળી કોએલિશનની સરકાર બને અને ટેકેદારો રાહુલ ગાંધીને બદલે કોઇ બીજાને વડાપ્રધાન પદ માટે પસંદ કરવાનું દબાણ કરે તો સિંધિયા કે પાયલટને આ મોકો મળી શકે છે.
જો એન.ડી.એ.ને કોએલિશનની સરકાર બનાવવી પડે તો એવી પૂરી શક્યતાઓ છે કે નિતીન ગડકરી વડાપ્રધાન પદ માટે રાજનાથ સિંઘને ટક્કર આપે. શરદ પવાર અને ઠાકરે કેમ્પ સાથે તેમના રાજકીય સંપર્કો તો તગડા છે જ પણ તેમણે કેબિનેટ મિનિસ્ટર તરીકે સારું એવું કાઠું કાઢ્યું છે. રોડ્ઝ, ફ્લાય ઓવર્સ, ટ્રાન્સપોર્ટેશનનાં નવા વિકલ્પોને મામલે તેમણે ઘણું કામ કર્યું છે. રાજકારણ અને વહિવટ બન્નેમાં નિતીન ગડકરી બાજી મારી જાય તેવી શક્યતા છે. નિતીન ગડકરીનું નામ પણ વિકલ્પ તરીકે ચર્ચાઇ ચુક્યું છે પણ આ સંજોગો તો ત્યારે જ ખડા થાય જ્યારે ભા.જ.પા.ને સો કે તેથી વધુ બેઠકોની ખોટ જાય. હવે એન.ડી.એ. કોએલિશનની સરકાર બનાવવાનો વારો આવે તો રાજનાથ સિંઘના વિકલ્પને પણ ટાળી શકાય તેમ નથી. તે બહુ જ સારા સ્ટેટ્સમેન અને રાજકીય મેનેજર સાબિત થયા છે. જો ભા.જ.પા.ને બહુમત ન મળે તો કોએલિશનની સરકાર માટે તે પહેલી પસંદગી હોય. તેઓ પાકા રાજકારણી છે અને રાજરમતમાં તેમને હાંસિયામાં ધકેલી દેવા જરા ય સહેલા નથી. તે અમિત શાહની પણ સાડાબારી ન રાખે એવા રાજકીય નેતા છે.
જે સંજોગો છે એ જોતાં કૉન્ગ્રેસ કે ભા.જ.પા., બેમાંથી કોઇપણ પક્ષને પૂરેપૂરી બહુમતી મળે એ શક્યતાઓ થોડી મુશ્કેલ છે. શાસન કરવા માટે તેમને પ્રાદેશિક ટેકેદારોની જરૂર પડશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ – આ એવા રાજ્યો છે જે અડધોઅડધ બેઠકો ધરાવે છે. જો ભાજપાને ૨૦૦-૨૩૦ બેઠકો મળે તો એન.ડી.એ.ની બહારની પ્રાદેશિક પાર્ટીઓને ગણતરીમાં લેવા પડે. વળી પ્રાદેશિક પક્ષો કોને પડખે જઇને ઊભા રહેશે એ પણ કહેવું મુશ્કેલ છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી ભલે દર્શાવે નહીં પણ તેમને વડાપ્રધાન બનવામાં ચોક્કસ રસ છે. પશ્ચિમ બંગાળમાંથી લોકસભામાં ૪૨ સાંસદો છે જે ‘પાવરબ્રોકર’ તરીકે કામ કરી શકે છે. આ પાવર બ્રોકર્સ મહાગઠબંધનની રચના કરી શકે છે.
બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતીએ બહુ મોટી સંખ્યામાં દલિત ટેકેદોરા ગુમાવી દીધા છે અને વડાપ્રધાનની ખુરશીનો દાવો કરતાં પહેલાં તેમણે ખાસ્સી જહેમત કરવી પડે એમ છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથેની નવી નક્કોર દોસ્તીને પગલે તેમને ઉત્તર પ્રદેશમાં બેઠકો મળી શકે છે પણ એ એટલી નહીં હોય કે તે દોડમાં આગળ પહોંચી જાય. વળી આ જ સંજોગોમાં જેમાં કોઇપણ પક્ષને પૂરતી બહુમતી ન મળે તો માયાવતીને સમાજવાદી પક્ષ સિવાયની પાર્ટીઓનો ટેકો જરૂરી બની જાય. વહીવટી આવડતને મામલે આંધ્ર પ્રદેશનાં મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ, નરેદ્ર મોદી માટે બહુ મોટો પડકાર સાબિત થઇ શકે છે પણ કમનસીબે તેમના પોતાના રાજ્યની બહાર તેમનો પ્રભાવ બહુ ઓછો છે.
બેઠકોને ધ્યાનમાં લઇને ફરી એકવાર જોઇએ તો જો ભા.જ.પા.ને ૨૩૦થી વધુ બેઠકો મળે તો આપણને એ જ મળશે જે અત્યારે આપણી પાસે છે. આપણે બીજા પાંચ વર્ષ ‘સાહેબ’ના પરફોર્મન્સના સાક્ષી બનવું પડશે. જો કે આ વર્ષે ચૂંટણી ‘વેવ’ આધારિત નથી થઇ એટલે એમ થવાની શક્યતાઓ પાંખી છે. ભા.જ.પા.ને ૨૦૦-૨૩૦ બેઠકો મળશે તો નવા નેતૃત્વ માટે અંદર અંદર જ મતભેદ થવાના અને તેમાં રાજનાથ સિંઘ અને ગડકરી જેવા વિકલ્પો આપણને મળી શકે છે. પ્રાદેશિક પક્ષો પોતે જે મંત્રાલયો સંભાળે છે તેની પર પકડ મજબૂત કરશે. ભા.જ.પા.ને ૨૦૦ બેઠકોથી ય ઓછી બેઠક મળશે તો કૉન્ગ્રેસ કોએલિશન સરકારનું સુકાન સંભાળશે. આ સ્થિતિમાં રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે. જો કૉન્ગ્રેસને ૧૩૦ જેટલી બેઠકો મળશે તો ૨૦૦૪ જેવી સ્થિતિ થશે જ્યારે યુ.પી.એ.ની રચના થઇ હતી. આમાં કયા પ્રાદેશિક પક્ષો કોને ટેકો આપે છે તે જ અગત્યની બાબત રહેશે, અને તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ આ સ્થિતિમાં સૌથી મહત્ત્વના પક્ષ સાબિત થશે, વળી ચૂંટણી પછી ડી.એમ.કે. અને ટી.એમ.સી.નાં નિર્ણયો પણ પ્રભાવી રહેશે. વળી ચોથી શક્યતા એ છે કે ભા.જ.પા.ને ૨૦૦થી ઓછી બેઠક મળે અને કૉન્ગ્રેસ કોએલિશન સરકાર ન બનાવી શકે. આવું ૧૯૯૬ની સાલમાં થયું હતું જ્યારે પ્રાદેશિક પાર્ટીઓએ સૌથી મોટો પક્ષ સિદ્ધ થવા છતાં ભા.જ.પા.ને ટેકો નહોતો આપ્યો. જો પ્રાદેશિક પાર્ટીઓ કૉન્ગ્રેસ કે ભા.જ.પા. કોઇને ય ટેકો ન આપે તો આ પક્ષોએ નક્કી કરવું પડશે કે તેમનામાંથી કયા ૧૫-૨૦ પક્ષ એક સાથે આવીને ભા.જ.પા. કે કૉન્ગ્રેસનો બાહ્ય ટેકો મેળવીને ગઠબંધન કરી શકશે.
આપણે મતદાનની પેટર્ન પણ સમજવી રહી. જે રીતે મતદાન થયું છે એ બતાડે છે કે ઘણાં લોકો મત કરવા નથી જતાં. મત ન કરવા જનારાઓ કોઇ પણ પક્ષના ટેકેદાર નથી પણ દ્વિધામાં છે અને તેઓ મત આપશે તો પણ અપક્ષ ઉમેદવાર કે નાના પક્ષોને આપવાનું પસંદ કરશે જેનાથી તોતિંગ માથાઓને કોઇ લાભ નથી થવાનો. આ બધી શક્યતાઓ વચ્ચે એક સાવ જ જુદું ચિત્ર ત્યારે ખડું થાય જ્યારે ભારતનો યુવા મતદાર નવી જ સ્થિતિ માટે ક્રાંતિકારી પગલું ભરવાનો વિચાર કરે. જો કે એમ થવાની શક્યતાઓ ઓછી છે કારણ કે આપણું રાજકારણ યુવાનોને એટલી હદે આકર્ષિત નથી કરતું.
બાય ધી વેઃ
નરેન્દ્ર મોદી નેતૃત્વનો મુગટ પહેરે છે પણ ખરેખર તો તેમના નેજા હેઠળ એવા બદલાવ થયા છે જેના ફાયદા ઓછા અને નુકસાન વધારે છે. છેલ્લાં ચાર વર્ષમાં કોલ, પાવર સેક્ટર, રોજગારી વગેરેમાં જે ફેરફાર થયા છે તેમાં ખોટ વધારે નજરે ચડે છે. આ ઉપરાંત ધ્રુવિકરણ એક સામાન્ય બાબત બની ચૂકી છે. સરકારે પ્રજા સાથે ડિમોનેટાઇઝેશન અને બાલાકોટ જેવા ખેલ ખેલ્યા છે જે ક્યાંક લેખે લાગ્યા છે તો ક્યાંક સાવ એળે ગયા છે.
દેશને અત્યારે મોદી કે અન્ય કોઇ ચહેરાની નહીં પણ બિનસાંપ્રદાયિક લોકશાહીની તાતી જરૂર છે. એકચક્રી શાસન નહીં પણ સર્વાંગી અને વૈચારિક શાસન આપણા દેશની અનિવાર્યતા છે. ‘મોદી નહીં તો કોણ?’ એ સવાલને બદલીને આપણે ‘મોદી નહીં, તો શું?’માં ફેરવવાની જરૂર છે. જવાહરલાલ નહેરુ ગૂજરી ગયા ત્યારે પણ ‘નહેરુ નહીં તો કોણ?’ એવા પ્રશ્નો ખડા થયા હતા પણ એનો જવાબ પણ ત્યારે જડી ગયો. દેશ ટકી ગયો અને પ્રગતિનાં પંથે આગળ પણ વધ્યો કારણ કે નહેરુએ અંતે તો લોકશાહીના વિચારનાં મૂળિયાં ઊંડા ઉતાર્યા હતા. આપણને અત્યારે એક એવા નેતૃત્વની જરૂર છે જે લોકશાહીના હચમચી ગયેલા પાયાને સ્થિર કરી, બધાંને ગણતરીમાં લઇને, દરેકનું સારું વિચારીને, તંગ માહોલને મોકળો બનાવી શકે. બીજું એક, બાય ધી વે – જો આ ચૂંટણીને ‘વૉઇડ’ કરવાનો તખ્તો ગોઠવાતો હોય તો?
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 12 મે 2019