Opinion Magazine
Number of visits: 9449172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક-સંસ્કારના અનોખા પ્રવર્તક

જયંત મેઘાણી|Opinion - Opinion|23 April 2019

આજે પુસ્તક-દિન

 ‘હું તો હવે કાળના પ્રવાહમાં વિલીન થવાનો. … હું એકવાર સરનામાવિહોણો બનીને દુનિયા છોડી જઇશ, પણ હું આ સૃષ્ટિમાં તમને મળી જતો રહેવાનો છું’.  આવું કહેનાર જ્યોર્જ વ્હીટમૅને પૅરીસ નગરના તેના પુસ્તક-હાટને ઉપલે નિવાસ-મજલે છેલ્લીવાર આંખ મીંચી. અઠ્ઠાણું વરસનું પાન ખરી ગયું. પુસ્તકોના આશિકોનો દાયરો સૂનો પડ્યો. જ્ઞાનરસજગતના એક મોવડીએ ડિસેમ્બરની 14મીએ અસબાબ સંકેલ્યો.

આપણને આ સૃષ્ટિમાં મળી જતા રહેવાનો કૉલ આપનાર આ જ્યોર્જ વ્હીટમૅન કોણ? પૅરિસમાં સેન નદીને એક આરે ઊભી છે દુકાન : શેક્સ્પીઅર ઍન્ડ કંપની; ફ્રેન્ચ ભાષા-સંસ્કૃતિના ધામમાં અંગ્રેજી પુસ્તકોની આ દુકાન સંકોડાઇને બેઠી છે. તેના માલિક ને ઘડવૈયા જ્યોર્જ વ્હીટમૅન. એમણે છ દાયકા સુધી પુસ્તકોની દુનિયામાં જે કામ કર્યું છે તેનું જીવતું સ્મારક એટલે શેક્સ્પીઅર ઍન્ડ કંપની. એને દુકાન તો કેમ કહેવાશે? કહીએ કે લેખકોનું, સાહિત્યના રઝળુઓનું, વાચનરસિયાઓનું આ પ્રિય ધામ, વાચનની દુનિયાની એક દંતકથા.

અમેરિકાના વતની વિજ્ઞાની પિતા સાથે એક વરસનું કિશોરજીવન જ્યોર્જે ચીનમાં વીતાવ્યું ત્યારે તેના પગે ભમરો વળગ્યો, અને વતનમાં જઇને ઝટપટ ભણતર પૂરું કરીને ઉત્તર અમેરિકા ખંડને ખૂંદવા જુવાન જ્યોર્જ નીકળી પડ્યા : પગપાળા ભટક્યા, હીચહાઇકીંગ કર્યાં, ભારખટારાઓમાં ખડકાઇને ફર્યા, માગીભીખીને ખાવું પણ પડ્યું, ક્યાંક થોડું કામ કરીને વાટખરચી રળી લઇને વળી પાછા નીકળી પડે. એવા રઝળપાટમાં એકવાર ભાઇ મેક્સિકોના અડાબીડ જંગલમાં ખોવાયા, પણ આદિવાસીઓએ આવકારો દીધો, મહેમાનને સંભાળી લીધા. પનામા દેશના એક કળણમાં ખૂંપીને માંડ બહાર નીકળ્યા. ઠેઠ હવાઇ પહોંચી ને પછી ઘરનો મારગ લીધો. લશ્કરની કામગીરી એને ભાગે આવી, અને ગ્રીનલૅન્ડ જવાનું થયું. મુરાદ હતી ખલક આખી ભમી વળવાની, પણ યુરોપમાં ભ્રમણ કરીને પછી પહોંચ્યા પૅરિસ. અમેરિકન લશ્કરીસેવાની નોકરી પૂરી કરીને બનવું તો હતું નવલકથાકાર, પણ એમને તરત સમજાયું, ‘એ આપણું કામ નહીં’. સોબોર્ન યુનિવર્સિટીમાં ફ્રેન્ચ સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. એક બિસ્માર હોટેલના નાના ઓરડામાં જ્યોર્જનો નિવાસ હતો, અને તેમાં જ છતથી તળિયા સુધી પુસ્તકો ગોઠવ્યાં : પોતાનાં, કોઇએ કાઢી નાખેલાં, વિદ્યાર્થીઓ પાસેથી ખરીદેલાં જૂનાં પુસ્તકો : એ હતી કામચલાઉ લાઇબ્રેરી – પુસ્તક-ભંડાર નહીં, પુસ્તકાલય.

1951માં જ્યોર્જને નાણાનો જોગ થયો, ને એક આરબ પાસેથી મેવામસાલાની દુકાન ખરીદીને, પ્રિયતમાના નામ પરથી ‘લ મિસ્ત્રાલ’ નામે પુસ્તક-ભંડારનાં એ તોરણ બાંધે છે. ‘મિસ્ત્રાલ’ પુસ્તકોની દુકાન ઉપરાંત વાંચવા માટેની લાઇબ્રેરી પણ હતી. પુસ્તકો ખરીદવા આવતા ગ્રાહક એવો ઉષ્માવંત અનુભવ લઇને જતા કે બીજીવાર મિત્રભાવ લઇને આવતા. ‘મિસ્ત્રાલ’ જોતજોતામાં પૅરિસ નગરીના બુદ્ધિવંતોનું થાનક બની ગયું. સાહિત્યપઠનની, ગોષ્ઠીઓની મિજલસો અહીં ભરાતી. હરેક રવિવારની સાંજે દુકાનના ઉપલા મજલે ચા-મેળાવડો સહુ માટે ખુલ્લો રહેતો. હતી તો પુસ્તકોની દુકાન, પણ સ્થાપનાના થોડા મહિનામાં જ નાનું સામયિક શરૂ કર્યું જેમાં આયોનેસ્કો અને સાર્ત્ર જેવા પ્રસિદ્ધ લેખકોનાં લખાણો પ્રગટ થતાં. હજુ ખ્યાતિને દ્વારે ન પહોંચેલા બેકેટની કૃતિઓને પણ તેનાં પાનાંઓ પર સ્થાન મળતું. અણજાણ માનવીઓના સ્નેહ થકી અને લાંબા રઝળપાટો દરમિયાન વેઠેલી મુફલીસીએ જ્યોર્જના માનસ પર સામ્યવાદી રંગ છાંટ્યો. હા, સ્વભાવે નિજરંગી હતા, નોખા વિચારો ધરાવતા, તેથી ‘વિચિત્ર’ પણ ગણાયા, કેટલાકે રમૂજમાં એમને દોન કિહોતેનો અવતાર પણ કહ્યા હશે. પોતાના વાળ જાતે કાપતા નહીં પણ મીણબત્તીથી બાળતા! : ‘કેશકર્તન માટે તે કાંઇ પૈસા ખરચાતા હશે?’ બુકશોપમાં એમનો ઠસ્સો એક રાજવી જેવો. પણ એ જ માનવી કહે, ‘મારી પાસે કદી પૈસા હતા નહીં, મારે તેની જરૂર પણ નથી પડી. હું તો ભટકતો માણસ છું’. પૈસાને હાથનો મેલ ગણનાર આ માનવી હિસાબકિતાબમાં અડબંગ. અવારનવાર રોકડનો ગલ્લો ચોરાય, પણ એ પણ તત્ત્વજ્ઞાનીની જેમ ભૂલી જાય. ટેલિફોન કે ક્રેડીટકાર્ડ જેવી આધુનિક સુવિધાઓ માટે અણગમો. વ્હીટમૅન કહેતા કે “મારી પાસે જે નજીવી દુન્યવી જણશો મૂકી જવાનો એ તો થોડાં મેલાંઘેલાં મોજાં અને મજૂસમાં સાચવેલા થોડા પ્રેમપત્રો, નોત્રદામ દેવાલય જેમાંથી દૃષ્યમાન છે એ મારી પુરાણી બારીઓ, અને મારું આ ગ્રંથહાટ.”

વ્હીટમૅનના પૅરિસ-આગમન પહેલાં શેક્સ્પીઅર ઍન્ડ કંપની નામે પુસ્તક-ભંડાર હતો. સીલ્વિઆ બીચ નામે એક અમેરિકન સન્નારીની સરજત કહેવાય એવી એ દુકાન ખરેખર તો એક સાંસ્કૃતિક મથક હતું, નાનામોટા લેખકો કલાકારો જ્ઞાનરસિકોનું એ પ્રિય મિલનસ્થાન હતું. જેમ્સ જોઇસ સાહિત્યની દુનિયામાં અણજાણ નામ હતું. પછીથી એમની જગબત્રીસીએ ચડેલી નવલકથા ‘યુલીસિસ’ની હસ્તપ્રત જાણીતા પ્રકાશકો અસ્વીકારના શેરા સાથે પાછી મોકલ્યા કરતા ત્યારે, આ સીલ્વિઆ બીચે તેના પ્રકાશનનું સાહસ કરેલું. સીલ્વિઆબહેનના આ મથક પર સાહિત્યના નામવંતોનાં બેસણાં હતાં. બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓની ખફગીનો ભોગ બનેલી આ નારીએ દુકાનનું વિસર્જન કર્યું ને વતનની વાટ પકડી.

સાઠના દાયકામાં વ્હીટમૅન ‘લ મિસ્ત્રાલ’નું શેક્સ્પીઅર ઍન્ડ કંપની નામે રૂપાંતર કરે છે : પોતાનાં પ્રેરણાદાત્રી પુરોગામી સીલ્વિઆ બીચના આશિષ સાથે, તેના સન્માન અર્થે. 1964 શેક્સ્પીઅરની ચારસોમી જયંતીનું પણ વરસ હતું. વ્હીટમૅનની પ્રકૃતિ વેચનારની નહોતી : પુસ્તકો વેચાય એ એને ગમતું નહીં. અમુક પુસ્તકો સાથે તેની માયા એવી કે ગ્રાહકને વેચે નહીં, વાંચવા આપે! સાચા અર્થમાં દરિયાવદિલ આ મનુષ્ય દુકાને આવનારને મીઠો આવકાર આપે, કૉફી ધરે. ઉપરને મજલે પોતાના નિવાસમાં અંગત પુસ્તકાલય જોવા લઇ જાય. મોડે સુધી, અરધી રાત સુધી પુસ્તકોમાં ખોવાઇ જનાર ગ્રાહકો માટે દ્વાર ખુલ્લાં રહેતાં. સાહિત્યના રઝળુ બંદાઓ, નવલેખકો, અભ્યાસીઓ અહીં દિવસો સુધી રહી શકે એવી સગવડ : બદલામાં એમણે દુકાનમાં અમુક કલાક સેવા આપવાની. કેવી એ સુવિધા? ફાટેલાં પાગરણ, રાત પડે ને માંકડોની સેના નીકળી પડે.

મોટા લેખકો માટે થોડી ચડિયાતી વ્યવસ્થા ઉપલે મજલે. તેમાં એક ભાઇ આ રીતે રોકાય છે. જ્યોર્જ સવારે તેને માટે કૉફી-નાસ્તો આપવા જાય છે, પણ પછી કહે છે, ‘ચાલો ભઇલા, કામે ચડવાનો સમય થયો’. મિશેલ પીસેલ નામે એક સાહસિક પ્રવાસી એકવાર આવ્યા. વ્હીટમૅન કહે, “તમારી ભ્રમણકથાઓ વાંચીને મુરાદ સેવતો હતો કે ક્યારેક મળીએ.” પ્રવાસીનો જવાબ આવ્યો : “મળ્યા છીએ આ પહેલાં : વિદ્યાર્થી હતો ત્યારે અહીં આવવાનું વ્યસન હતું. અહીં વાંચેલી ચોપડીઓએ જ ‘એક્સ્પ્લોરર’ થવાનાં સપનાં આંજેલાં. અઢાર પ્રવાસકથાઓ લખીને પછી આ પ્રેરણા-થાનકને સલામ કરવા આવ્યો છું.” એક લેખિકા સંભારે છે કે, “જાતજાતનાં પીણાંઓ અને ખાદ્યો મુલાકાતીઓને ધરવાના રસિયા આ માનવીએ મારે માટે એકવાર લીંબુનું શરબત બનાવ્યું. કહે, ‘લીંબુની તાજી મંજરીઓની સોડમ આવે છે ને?’ મેં પૂછ્યું, ‘પૅરિસમાં અત્યારે લીંબુનાં લીલાં ફૂલ ક્યાંથી?’ એટલે રહસ્ય કહેતાં હોય તેમ ફોડ પાડે, ‘ના, લીલાં ફૂલની સુગંધ નથી; એ તો એવું કહીએ તો જરા કાવ્યમય લાગે.’ જ્યૉર્જે આપણે માટે આવું કાવ્યમધુર ધામ રચ્યું એ બદલ એનાં ઋણી રહેશું.”

મિસ્ત્રાલ અને શેક્સ્પીઅર ઍન્ડ કંપની, એ બે નામ એક પ્રકારના રોમાંચ સાથે લેવાતાં રહ્યાં, જ્યોર્જની સાહિત્યપ્રીતિમાં ઉમરાવદિલી છલકાતી, આ એવો માનવી હતો જેણે કવિ યેટ્સની કાવ્યપંક્તિને ગુરુમંત્ર બનાવી હતી : ‘અજાણ્યાઓને પણ અહીં આવકાર હજો – રખે ને તેમાં છૂપા વેશે દેવોનો દૂત હોય!’ છ દાયકામાં પોતાના આ ધૂણે આવનારા આવા પચાસ હજાર જાણેલા-અણજાણ સાહિત્યમાર્ગુઓને એ ઓલિયાએ સાચે જ મીઠો આવકાર આપ્યો હતો : ખરેખર દેવદૂત તો એ હતા. આપણા કવિ નિરંજન ભગત એ પુસ્તકધામની મુલાકાતનો મોંઘો-મિષ્ટ લહાવ લઇ આવ્યા છે; એમણે પોતાની મુલાકાતના સમાપનની વાત ઊર્મિસભર શબ્દોમાં કથી છે : શેક્સ્પીઅર ઍન્ડ કંપનીમાંથી વિદાય થયો તે ક્ષણે જાણે કે કોઇ તીર્થસ્થાનની યાત્રાનો અનુભવ કર્યો એવી હૃદયમાં ધન્યતા હતી.”[1] ભંડારની પુસ્તકભીડનું વર્ણન કવિ આમ કરે છે : “દાદરનાં પગથિયાં પર પણ પુસ્તકો, અરે, બાથરૂમ એ પણ પુસ્તકોનો સંચયખંડ, હાથ ધોવાની કૂંડીની આસપાસ પણ પુસ્તકો.” પત્રકાર દિલીપ પાડગાંવકરનો અનુભવ કેવો? “… મારો વસવાટ પૅરિસમાં હતો ત્યારે હું પ્રથમવાર વ્હીટમૅનને મળેલો. એ સમયે શેક્સ્પીઅર ઍન્ડ કંપની સાહિત્યકારોનું મિલનસ્થાન બની ગયેલું. વિદ્યાર્થી તરીકે હું એ તીર્થભૂમિમાં જતો-આવતો. કેટલાક જાણીતા લેખકોનો પરિચય મને ત્યાં જ થયેલો. વ્હીટમૅન પોતે પણ બીજા અનેક લેખકોની આવનજાવનની સાંભરણો કહેતા. …. સીલ્વિઆ બીચના કાળમાં કવિ આર્કીબાલ્ડ મૅકલીશ અહીં હંમેશ આવતા. કવિએ સંભાર્યું છે : ‘શેક્સ્પીઅર ઍન્ડ કંપનીવાળા રસ્તા-વળાંકે પ્રવેશ કરતો ત્યારે જાણે સ્વપ્નદ્વારે આવ્યો હોઉં એવી લાગણી થતી. વિચારતો : અરે, આન્દ્રે જીદ હજુ પરમદિવસે જ અહીં હતા, જેમ્સ જોઇસનું કાલે જ આગમન થયેલું – આ જ જગ્યાએ? અહીં જ?’

શેક્સ્પીઅર ઍન્ડ કંપનીમાં કાવ્યપઠનનાં, સાહિત્યગોષ્ઠીનાં, ગપ્પાંસપ્પાંનાં મિલનો ચાલ્યા જ કરતાં હોય. દર સોમવારે સાહિત્યપઠનનો કાર્યક્રમ કાયમી બની ગયેલો. એક રમૂજ વહેતી થયેલી કે પુસ્તકોની દુકાને કરવાનું કામ – પુસ્તકો વેચવાનું કામ – તો અહીં થતું જ નથી! આગંતુકોને જ્યોર્જ પોતાના ફ્લૅટમાં લઇ જાય, કૉફી પાય. કોઇવાર મૉજ આવી જાય તો અણધાર્યું સંધ્યાભોજન દુકાનની બહાર ફૂટપાથ પર ગોઠવી નાખે, પોતે રાંધીને જમાડે!

જીવનની ઢળતી સંધ્યાએ એણે સંસાર માંડ્યો ખરો, પણ લગ્નજીવન જલદી સમાપ્ત થઇ ગયું. શેક્સ્પીઅર ઍન્ડ કંપનીનાં સ્થાપકના નામ પરથી એકની એક પુત્રીનું નામ પણ સીલ્વિઆ રાખ્યું. એકલપંડે દીકરીને મોટી કરી. દીકરી ભણીગણીને પિતાની શાગિર્દ બની. પિતાની કેડીએ ચાલી, વારસાને સવાયો કરવા માટે મચી પડી, પુસ્તક-હાટનો કાયાકલ્પ કર્યો. જ્યાં સાહિત્યગોષ્ઠીઓ થતી, નાનાં મિલન યોજાતાં ત્યાં આ નવી સીલ્વિઆએ દર બે વરસે દેશવિદેશના લેખકોના મોટા મેળાવડાઓનાં ને પ્રવચનોનાં આયોજનો આરંભ્યાં. શેક્સ્પીઅર ઍન્ડ કંપનીએ હવે એક સાંસ્કૃતિક મથક તરીકેની જગતવ્યાપી ખ્યાતિ હાંસલ કરી, ને મોટામોટા બુદ્ધિવંતો તેના આમંત્રણનો આદર કરીને આ મેળાવડાઓમાં હોંશેહોંશે આવી પહોંચે છે. 2006ના આવા મેળાવડાનો વિષય હતો : પ્રવાસકથાઓ. ખ્યાતનામ ભ્રમણ-લેખકોએ તેમાં ભાગ લીધેલો. ‘ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ’ અને ‘ન્યૂ યોર્ક રિવ્યૂ ઑફ બૂક્સ’ જેવા જગવિખ્યાત પુસ્તક-વિષયક સામયિકોએ અને ફ્રેન્ચ સરકારે આ કાર્યક્રમોને સહાય કરી. 2010માં આ મેળાવડાનો વિષય હતો : જીવનચરિત્ર અને સ્મરણકથાઓ. ‘પૅરિસ રિવ્યૂ’ નામે એક ઉન્નતભ્રૂ સાહિત્ય-સામયિકની સામે સામાન્ય લેખકોનું એવું જ એક સામયિક ‘પૅરિસ મૅગૅઝીન’ નામે જ્યોર્જે આરંભેલું એ હવે સીલ્વિઆ વ્હીટમૅને નિયમિત બનાવ્યું છે. અહીં જ્યાં ગોષ્ઠીઓ યોજાય છે એ ખંડ છે તો એક પુસ્તકાલયનો : સીલ્વિઆ બીચ અને જ્યોર્જ વ્હીટમૅનના અંગત સંગ્રહનાં પુસ્તકો તો તેમાં છે જ, ગ્રેહામ ગ્રીન, સિમોન દ બુવાર અને સાર્ત્રના સંગ્રહો પણ આ પુસ્તકાલયને ભેટ મળેલાં. આ ખંડની બારી નોત્રદામ દેવળ તરફ ઊઘડે છે. 

જ્યોર્જ વ્હીટમૅન સામાન્ય અર્થમાં એક પુસ્તક-વિક્રેતા, પણ એમણે પોતાના વ્યવસાયને એક અનોખું સ્વરૂપ બક્ષ્યું, ‘વેપાર’ને એક ઊંચું ગૌરવ આપ્યું. એમણે પુસ્તકોનો માત્ર વેપાર ન કર્યો, પણ પુસ્તકોનો ગુલાલ કર્યો. એ વિક્રેતા તો હતા જ, કારણ કે એ પૈસા લઇને પુસ્તક વેચતા હતા, પણ ચોપડીને એમણે સંસ્કૃતિ-સંવર્ધનનું સાધન માન્યું. પણ પુસ્તક-પ્રવર્તનની આ પ્રવૃત્તિ પાછળ પણ સમાજ-સુધારનો કોઇ બોઝીલ ખ્યાલ નહોતો; હતો માત્ર નિજાનંદનો મસ્ત ભાવ. બસ, સ્વાનંદનો એક છંદ. અને એ સહજપણાએ જ એમને એક વિશાળ અને જગતવ્યાપી પુસ્તકપ્રેમી સમુદાયની ચાહના મળી – એમની પોતાની શરતે મળી. અધરાતે નીંદરમાં જ એ ‘સરનામાવિહોણા’ બન્યા, મૃત્યુદેવના સુંવાળા ખોળામાં સમાયા, એ સમાચાર તો માત્ર શેક્સ્પીઅર ઍન્ડ કંપનીના દ્વારે અને તેની વેબસાઇટ પર ચાર લીટીમાં મુકાયા, પણ જોતજોતામાં એ દુનિયાને ખૂણેખૂણે પહોંચ્યા, અને યુરોપ-અમેરિકા અને ભારતનાં અખબારોમાં પુસ્તક-સંસ્કારના એ અનોખા પ્રવર્તક માટે અંજલિ-નોંધો લખાઇ. સાહિત્યકારો અને બુદ્ધિવંતોએ એમના એક ભેરુને ભર્યા ભાવે વિદાય આપી. એ દિવસે શેક્સ્પીઅર ઍન્ડ કંપની અપવાદરૂપે બંધ રહી. સાંજે તેના ઉંબર પર પુષ્પબિછાત થઇ, અનેકોએ અંતિમ વંદનાના શબ્દો લખીને મૂક્યા, મીણબત્તીઓ જે પ્રગટી તેમાં જાણે મૌન આરઝૂ હતી કે, “તમે વાયદો કર્યો છે ને કે ‘હું તમને આ સૃષ્ટિમાં મળી જતો રહેવાનો છું’, તો, ફરી આવજો, નવા નવા સરનામે અવતરજો, અમારાં જીવનને કાવ્યમધુર બનાવવા આ પૃથ્વી પર ફેર સંચરજો”.        

[1] ‘શેક્સ્પીઅર ઍન્ડ કંપની’ લેખ, ‘સ્વાધ્યાયલોક’ (3) પુસ્તક (1997).   

[‘ઉદ્દેશ’, જાન્યુઆરી 2012]


402 'SATTVA', near GREEN PARK, PHULVADI BHAVNAGAR 364 002 (GUJARAT)

Loading

23 April 2019 admin
← ‘જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !’
મતદારોને કાકામાંથી ભત્રીજા બનાવતી આ 2019ની ચૂંટણી ! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved