Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે, ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે

સુમન શાહ|Opinion - Literature|6 April 2019

'સંવિત્તિ' : એક સાર્થક સાહિત્ય-સેતુ

'સંવિત્તિ' ઝંખે છે કે એ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે, ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે

ગુજરાતી સાહિત્યક્ષેત્રે હું એક નવપ્રસ્થાનની રાહ જોઇ રહ્યો છું. એક એવો પ્રભાવકારી બદલાવ -ઑપરેટિવ શિફ્ટ – એક ઍક્શન, એક ઍક્ટિવિટી, જે સાહિત્ય અને જનસામાન્યને જોડે. સાહિત્યને જિવાતા જીવનની વચ્ચોવચ લઈ જાય. શ્લોકને લોકમાં રમતો કરે. એકવચનીયને બહુવચનીય રૂપે ફેલાવે. શિષ્ટ-પ્રશિષ્ટને પ્રજાજનોમાં પ્રસરાવે. કહેવાનો મતલબ એ છે કે સાહિત્યકારને એના અતિઆત્મરતિથી લેપાયેલા ધૂંધળા ઓરડેથી છૂટો કરી નગરચૉકમાં લઈ આવે. સાહિત્યને યુનિવર્સિટીઓની જડસુ દીવાલોમાંથી બહાર કાઢીને નવપ્રાણિત કરે. ઉપકારક સાહિત્ય-સેતુ રૂપે સ્થિર થાય.

વાત એમ છે કે તાજેતરમાં મને એક સાર્થક સાહિત્ય-સેતુની ભાળ મળી છે. એ છે વડોદરાની સંસ્થા, 'સંવિત્તિ'. સંવિત્તિ એટલે, સંવેદના – સૂઝસમજ – અનુભૂત જ્ઞાન. 'સંવિત્તિ' મહિલાઓ માટે છે. એનો ધ્યાનમન્ત્ર છે : 'વીમેન લિવિન્ગ બાય લિટરેચર' – નારીજીવન સાહિત્યસંગે. સંસ્થાનો આશય શું છે? પીડિતા યુવતીઓને કિશોરીઓને અને આર્થિક કે સામાજિક રીતે અશક્ત કે માનસિક રીતે અસ્વસ્થ તેમ જ વિકલાંગ અનાથ સ્ત્રીઓને કે રોગગ્રસ્ત વૃદ્ધાઓને સાહિત્યની રીતેભાતે જીવન જીવવાને સમર્થ બનાવવી. 'સંવિત્તિ' પોતાના સાહિત્યિક કાર્યક્રમો લઈને પ્હૉંચી જાય છે વૃદ્ધાશ્રમોમાં કે જૅલમાં કૅદી હતાશ સ્ત્રીઓ પાસે. આદિવાસી કે ગ્રામીણ અરે પોલીસકર્મી બેનો પાસે કે ક્યારેક સ્લમનાં બાળકો પાસે પણ જઇ પ્હૉંચે છે. મને લાગે છે, હું કશા આવા જ નવપ્રસ્થાન વિશે કહી રહ્યો છું.

એની વિશેષતા એ છે કે એમાં સાહિત્યસર્જન એક ઈવેન્ટનું -ઘટનાનું – રૂપ પકડે છે; અ કાઈન્ડ ઑફ હૅપનિન્ગ. 'સંવિત્તિ'-કારોની રજૂઆત એવી તો પ્રભાવક હોય છે કે સામે બેઠેલાં સૌ સીધાં જ સાહિત્યપદાર્થ સાથે જોડાઇ જાય. સહભાગીતા શરૂ થાય અને એ દરેકની શક્તિમતિ અનુસારનાં અનુ-સર્જન થવા માંડે. જેમ કે, સુરેશ જોષીકૃત ટૂંકીવાર્તા 'થીગડું' વંચાતી ન હોય, કહેવાતી હોય. સાંભળનારાં સાવધચિત્ત થઇ સાંભળે. પછી પાત્ર બની જાય -'પ્રભાશંકર' 'પારવતી' કે 'મનુ'. સૌ એને ભજવે. ઝૂમી ઊઠે. અને એમ કથાને દિલોદિમાગથી જીવવાનો આનન્દ લૂંટે. સાહિત્ય અંતરમાં ઝિલાય. કલા ઉત્સવ બની જાય.

ઑપરેટિવ શિફ્ટની આ વાત નવી નથી. જુઓ, પેઈન્ટિન્ગમાં ઈન્સ્ટૉલેશન આર્ટનો પ્રવેશ થયો -મોટો શિફ્ટ. ચિત્રકૃતિઓના સદ્યોવેદી – પાલ્પેબલ – ભૌતિક અવતારો પ્રગટવા લાગ્યા. દૃશ્ય ચિત્રકલા શ્રાવ્ય સ્પર્શ્ય અને ચલચિત્રાત્મક બની. જુઓ, શિષ્ટ-પ્રશિષ્ટ નાટ્યપરમ્પરા હતી. ભવાઇ જાતરા નૌટંકી પ્રગટ્યાં. નાટક લોકજીવનનો હિસ્સો બની ગયું. નાનપણની એ વાત મને યાદ છે – રાત પડે ને અમે મોહન દરજીના ચૉગાનમાં ભવાઈ જોવા ધૂળમાં બેસી જઇએ !

સાહિત્ય, સંસ્કૃત પછી પ્રાકૃત / અપભ્રંશમાં અવતર્યું. તેમાં ય સરળ સેતુ માટેની સામાન્ય જનોની માંગનો ફાળો મોટો હતો. જુઓ, 'ભાગવત' 'રામાયણ' અને 'મહાભારત'-ને સુગમ રીતિ-પદ્ધતિના કથાકારો ન મળ્યા હોત તો વાત પોથીઓમાં ઢબુરાયલી રહી હોત. દર વર્ષે 'રામલીલા' જેવી હાસ્યરંજિત હળવાશભરી પ્રવૃત્તિ ન સંભવી હોત. 'ગામઠી ગીતા' ન રચાઈ હોત. ગાયન વાદન અને નર્તનના કલાધરો લોકમાં પ્હૉંચી જવા તલપાપડ હોય છે. એમની એ ધગશને કારણે પણ કબીર કે નરસિંહ-મીરાં જનહૃદયમાં વસ્યાં છે. સામાજિક દુરિતો પર કોલકાતાના કાલિઘાટ પેઈન્ટર્સ પોતાનાં ચિત્રો વડે પ્રહારો પણ કરતા. ગૃપમાં ચિત્રો કરતા – ઘણી વાર તો પરિવારનું દરેક સભ્ય ચિત્રને પૂરું કરે. એ ગૃપ-સર્જકતાને કારણે ચિત્રકૃતિ સરળ થઇ જતી પણ એથી એની સોશ્યલ અપીલ તીવ્ર થઈ જતી. જનમાનસમાં કાલિ અને દુર્ગા આદિ દેવીમાતાઓની ચિરંજીવી છબિઓ જે અંકાઈ છે તે એમની આ વિલક્ષણ પદ્ધતિનું પરિણામ છે.

'સંવિત્તિ'ની સ્થાપના થઇ છે, ૨૦૧૭-માં. બીજરૂપ વિચાર હતો સાહિત્યકાર, અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં ઍસોસિએટ પ્રૉફેસર, ડૉ. દર્શિની દાદાવાલાનો. બીજ ફળ્યું છે. સંસ્થાનો આકાર બંધાયો છે. 'સંવિત્તિ ફાઉન્ડેશન' ટ્રસ્ટ અને સોસાયટીની સ્થાપના થઈ છે. દર્શિની મૅનેજિન્ગ ટ્રસ્ટી અને પ્રમુખ છે. રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ અને લૉર્ડ પ્રૉ. ભીખુ પારેખ પૅટ્રન છે. 'સંવિત્તિ'-ને સ્વામી બ્રહ્માત્માનન્દજીના શુભાશિષ સાંપડ્યા છે. વડોદરાની નામાંકિત વ્યક્તિઓ ટ્રસ્ટીમંડળમાં છે. ઍડવાઈઝર્સ અને વૅલવિશર્સ પણ સાંપડ્યાં છે. કાર્યક્રમનું સંકલન-સંયોજન કરનારી મહિલાઓને 'સંયોજક', કૃતિ રજૂ કરનારને 'સાહિત્યમિત્ર', રજૂઆતમાં સહયોગી થનારને 'સહયોગી' અને એ સૌને સામે બેસી સાંભળનાર-ઝીલનાર મહિલાઓને 'સહૃદય' જેવાં સૂચક પદ અપાયાં છે. આમ 'સંવિત્તિ' સુઆયોજિત સંગઠન રૂપે કાર્યરત છે અને પોતાના ધ્યેયને વિશે ચૉક્સાઈથી વિકસી રહ્યું છે.

પુરા કાળે કાવ્યનો પાઠ થતો. કથાનું કથન થતું. શબ્દ સાંભળવા માટે હતો. સર્જન એક કાર્ય -ઍક્શન – હતું. ભાવન પણ કાર્ય હતું. સર્જન કરનારાં અને શ્રવણ કરનારાં એકબીજાં સામે હાજર હતાં. પરન્તુ સાહિત્યનો શબ્દ આપણા જમાનામાં આવતાંવૅંત લેખન વાચન અને પ્રકાશનનો મામલો બની ગયો – જાણે ટાઢોહિમ પથરો ! સર્જક ગેરહાજર હોય ને છપાયેલા શબ્દ જોડે વાચકોએ માથાં ફોડવાનાં – એમ જ ક્હૅવાય ! ક્રમશ: સાહિત્ય યુનિવર્સિટીઓમાં ઢંગધડા વગરનાં લૅક્ચરો વડે ચર્ચાતું ને ટીચાતું ચાલ્યું. બેઢંગ પરિસંવાદોમાં એના બૂરા હાલ પણ થયા.

સરવાળે સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે. ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મૂંગાં-નાં-મૂંગાં રખાયાં છે. પ્રશ્નોત્તર નામનું ઈન્ટરઍક્શન છે જ નહીં. પાઠ્યપુસ્તકો વર્ગમાં કોઇ લાવતું નથી. ઘરે હશે? પરીક્ષાઓમાં ચોરીઓનો પાર નથી. લાગે કે ડિગ્રીઓની છૂટે હાથે લ્હાણી થઇ રહી છે. કરમની કઠણાઈ તો જુઓ, પ્રજા લગી સાહિત્ય પ્રસરી શકતું નથી ને પ્રજા સાહિત્યને અલાબલા સમજે છે ! મને તો સાહિત્યનો જયવારો આટલાંતેટલાંમાં નથી જ દેખાતો -સિવાય કે આપણામાં હૉંશ જાગે ને આપણે 'સંવિત્તિ' જેવા અનેક સાહિત્ય-સેતુઓ રચીએ …

નૉંધપાત્ર વાત એ છે કે અત્યારસુધીમાં 'સંવિત્તિ'-એ આશરે ૧૫૦ કાર્યક્રમો કર્યા છે. હાલ એમાં ટૂંકીવાર્તાઓનું કહો કે કથાસાહિત્યનું સાધન હાથ ધરાયું છે. જેસલ-તોરલ કે પંચતન્ત્રની વાર્તાઓ, 'લોહીની સગાઇ', 'થીગડું', 'ઍગામૅમ્નોન', 'મળેલા જીવ', 'લાસ્ટ લીફ', 'જૉનાથન લિવિન્ગ્સ્ટન સીગલ', 'સુદામાચરિત્ર', ટાગોરકૃત 'ભિખારીન્', 'અરેબિઅન નાઇટ્સ' વગેરે ૨૦૦ જેટલી રચનાઓનો વિનિયોગ થયો છે.

સાહિત્ય આજે અનુ-આધુનિકતાના પ્રસરણશીલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. પ્રસરીને એણે હાંસિયામાં સબડતાં મનુષ્યો લગી ખાસ પ્હૉંચવાનું છે. આ સમય છે નારીપીડા અને વંચિતોની વ્યથાઓને ઉકેલવાનો; એની પાછળ છુપાયેલાં સત્તાતન્ત્રોને આ પ્રકારનાં સુયોજિત ઍક્શન્સ વડે ઢંઢોળવાનો. નૉંધો કે 'સંવિત્તિ'-કારો નારીવાદનાં પરિભાષાબદ્ધ જડબાંતોડ વ્યાખ્યાનો નથી કરતાં; સ્ત્રી-સશક્તિકરણની ચાંપલી ચાંપલી વાતો નથી કરતાં; પરન્તુ દુખિયારી સ્ત્રીઓને સાહિત્યરસે ભીંજવે છે, એમનાં મનહૃદયને સંતર્પે છે, અને એમ એમના આત્મબળને જગાડે છે. 'સંવિત્તિ' ઝંખે છે કે મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે. ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે.

પ્રાણસભર સાહિત્યનું પ્રસરણ નહીં થાય તો એ ગૉંધાઇને સડી જશે. સામે બેઠેલાંઓનાં આત્મામાં સાહિત્ય રોપાય છે ત્યારે એમની સર્જકતા પણ ખીલે છે. સર્જકતાથી સર્જકતા – વર્તુળ રચાય છે. સાહિત્યનું એક ભાવિ ભળાય છે. હું ઈચ્છું છું કે 'સંવિત્તિ'-નો પરિઘ વડોદરાથી વિસ્તરીને ગુજરાતભરમાં પ્રસરો. અભિનન્દન અને હાર્દિક શુભેચ્છાઓ.

= = =

[સૌજન્ય : શનિવાર તારીખ ૬/૪/૨૦૧૯ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ]

Loading

6 April 2019 admin
← ગુજરાતી : લોકભાષા, જ્ઞાનભાષા, ભવિષ્યભાષા
અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજીએ! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved