Opinion Magazine
Number of visits: 9448929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વ. દક્ષાબહેન વિજયશંકર પટ્ટણી

અજય પાઠક|Opinion - Opinion|3 April 2019

તાજેતરમાં, તા. ૧૦-૩-૨૦૧૯ના રોજ, દક્ષાબહેન વિજયશંકર પટ્ટણીનું ૮૧ વર્ષની ઉંમરે અવસાન થયું. છેલ્લાં બે-ચાર વર્ષોથી તેઓ હૃદયરોગથી પરેશાન રહ્યાં હતાં.

હમણાં થોડાં વર્ષો પહેલાં, વિનોબાજીના વિચારને જીવનભર આત્મસાત્‌ કરી રહેલાં મીરાંબહેન અરુણભાઈ ભટ્ટનું નિધન થયું હતું. તેમનો ‘અંતિમ પડાવ’ કષ્ટદાયી રહ્યો હતો. આ તકે તેમનું ય સ્મરણ થાય છે. મીરાંબહેન વિનોબાજીના સાંનિધ્યમાં રહીને, પ્રવૃત્તિઓ દ્વારા વિનોબા-વિચારમાં પળોટાયેલાં હતાં. તેઓ સર્વાંગી સર્વોદયી હતાં. વળી વિચારપ્રધાન તેમ ચરિત્રલેખન અને વર્તમાનપત્રની કૉલમ દ્વારા સતત લખતાં રહેતાં વિદુષી હતાં. મીરાંબહેનને જીવનભર શરીરના વધુ વજનની સમસ્યા રહી હતી, ક્રમશઃ વધતી રહી હતી; પણ વૈચારિક પ્રવૃત્તિ, વાચન-લેખન પ્રવૃત્તિ, વિચાર અને ચિંતનપ્રવૃત્તિમાં છેવટ સુધી તેઓ સક્રિય રહ્યાં હતાં.

દક્ષાબહેન ગાંધીવિચારને વરેલાં હતાં. પારિવારિક વારસો અને વાતાવરણની સાથે ખૂબ સુમેળ ધરાવતા ગાંધીવિચારને પોતાના સંશોધન(પીએચ.ડી.)નો વિષય બનાવ્યો હતો. આધુનિક શિક્ષણપદ્ધતિની શિસ્તને અનુગ્રહીને ગાંધીવિચારને ઊંડળમાં લીધો હતો. દક્ષાબહેનને જીવનભર શરીરના ઓછા વજનની અને નાજુક તબિયતની સમસ્યા રહી હતી, ક્રમશઃ બે-ત્રણ ખરાબ અકસ્માતોના ભોગ બનવાથી, હૃદયરોગ થવાથી, શારીરિક સમસ્યા વધતી રહી હતી; પણ વૈચારિક પ્રવૃત્તિ, વક્તૃત્વપ્રવૃત્તિ, અવકાશ ઊભો થતાં લેખનપ્રવૃત્તિમાં તેઓ સક્રિય રહ્યાં હતાં.

બંને વિદુષી બહેનોનો ઉલ્લેખ અનિવાર્ય એમ બન્યો કે બંને બહેનો ભાવનગર નિવાસી અને સહજક્રમે મનોમૈત્રી, સંવાદ-વિવાદમૈત્રીથી તેમની સાથે સંપર્કમાં રહેવાનું બન્યું હતું. ઈ.સ. ૧૯૬૫માં દક્ષાબહેન સાથે અને ઈ.સ. ૧૯૭૦માં મીરાંબહેન સાથે પરિચય થયો અને ક્રમશઃ વધ્યો.

ઘરશાળા હાઈસ્કૂલમાં મારી શિક્ષક તરીકે નિમણૂક થઈ. તેમાં નિમિત્ત-કારણ દક્ષાબહેન હતાં. તેમને ઈ.સ. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીની રિસર્ચ સ્ટડી-સ્કોલરશિપ (પીએચ.ડી.) પ્રાપ્ત થઈ, તેથી તેમણે ઘરશાળામાં શિક્ષક તરીકેની નોકરીનું રાજીનામું આપ્યું. નિયમાનુસાર પ્રથમ સત્ર સમાપ્ત થવામાં હતું. વર્ષની મધ્યમાં તેમના સ્થાને શિક્ષક મળતા ન હતા. આવા સંજોગોમાં એમ.એ.(અંગ્રેજી)ના વર્ગમાં આવતા શ્રી બિપિન પારેખ નામના ઘરશાળાના અંગ્રેજીના શિક્ષકે મને કહ્યું કે “તમે ગુજરાતીના શિક્ષક તરીકે ઘરશાળામાં આવી શકો?” મેં હા કહી. બીજે દિવસે ઘરશાળાના તે સમયના આચાર્યશ્રી મહેશભાઈ વસાવડા સાથે સ્કૂલમાં મારી રૂબરૂ મુલાકાત ગોઠવી આપી. તેમણે મને પસંદ કર્યો અને કહ્યું, “કાલે સવારે ૭.૦૦ વાગે આવો. તમારે ૧૧ ‘અ’માં તથા ૧૧ ‘બ’માં ગુજરાતી ભણાવવાનું છે. મેં કહ્યું, ‘મારી પાસે પુસ્તક નથી.’ તેમણે દક્ષાબહેનનું ઘરનું સરનામું આપ્યું, ‘આંબાવાડી, ઘોઘા-સર્કલ’. તેમની પાસેથી પુસ્તક મેળવી લ્યો અને શું ભણાવવું બાકી છે, તેની વિગત લઈ લો.” ને તે જ સાંજે દક્ષાબહેનને તેમના આંબાવાડીના નિવાસસ્થાને હું મળ્યો. પ્રથમ મુલાકાતે જ પરસ્પરને સંવાદ પસંદ પડ્યો.

દક્ષાબહેન એટલે જાણીતા સાહિત્યકાર મુકુન્દરાય વિ. પારાશર્યનાં નાનાં બહેન. તેઓ પટ્ટણી કુટુંબની પરંપરાનાં, પણ મુકુન્દભાઈએ પોતાના કવિ તરીકેના ઉપનામ ‘પારાશર્ય’ને પછીથી અટક તરીકે સ્વીકારેલી. દક્ષાબહેને પટ્ટણી અટક જ રાખી.

વિજયશંકર કાનજી પટ્ટણી, દક્ષાબહેનના પિતાજી કવિ હતા, ચિંતક હતા, વિદ્વાન હતા. દક્ષાબહેને પોતાના એક પુસ્તક ‘ગાંધીવિચાર : સત્ય અને અહિંસા’-માં ઊઘડતા પાને એક અવતરણ મૂક્યું છે. “સત્ય : પ્રકાશ એ નયનનો અભિલાષ છે. નાદ એ શ્રવણનો અભિલાષ છે અને એ જ રીતે સત્યનું દર્શન એ મનનો અભિલાષ છે. સત્યનો અપરોક્ષ અનુભવ એ સમગ્ર અંતઃકરણના ઊંડા જ્ઞાતાપણાનો અભિલાષ છે. એમાં એને સહ આનંદ અને સંતોષાનુભવ થાય છે.” (વિજયશંકર કાનજી પટ્ટણી)

‘ગાંધીજીનું ચિંતન’ વિષય પર અધ્યયન/ સંશોધન દરમિયાન તથા ત્યાર પછી નિરંતર આ વિષયમાં ‘સહજ આનંદ’ અને ‘સંતોષાનુભવ’નો અનુભવ કરતાં દક્ષાબહેનને મેં જોયાં છે. ‘અસ્મિતા પર્વ’ મહુવા(તા. ૩૧-૩-૨૦૦૭)માં “મારું જીવન એ જ મારી વાણી”નું ‘જીવનચરિત્ર તરીકે મૂલ્યાંકન’ કરતાં દક્ષાબહેનને જેમણે પ્રત્યક્ષ સ્થળ પર અથવા ટી.વી.માં પ્રસારણ દ્વારા સાંભળ્યાં હશે તેમને પ્રસ્તુત વિષયમાં વક્તવ્ય આપતાં કેવું ઊર્જસ્વી શબ્દરૂપ પ્રગટતું અનુભવ્યું હતું!

વિષય ગાંધી-ચિંતન કે સાહિત્યસ્વરૂપ-મીમાંસા અથવા પ્રશ્નોત્તરીરૂપ કાર્યક્રમ હોય, દક્ષાબહેનની વાણી-ઊર્જા સોળે કળાએ ખીલતી! તેમાં ઉત્તમ વિશ્લેષણ હોય, દૂષિત તર્કનું ખંડન હોય, ઉચિત  વિચારની માંડણી હોય અને મનોરમ દર્શન હોય! ગાંધીજીને સાંભળવાનો લાભ તો ક્યાંથી મળ્યો હોય? પણ રાજમોહન ગાંધી, નારાયણ દેસાઈ જેવા અભ્યાસીઓને સાંભળ્યા છે. દક્ષાબહેન તેમની સાથે કદમતાલ મિલાવી શકે તેવાં વિદુષી હતાં. તેમનો અભ્યાસ નક્કર હતો. તેમનો રસ પારદર્શક હતો. તેમનું જીવન, તેમનું વ્યક્તિત્વ, તેમની અભિવ્યક્તિ એક સુમેળ સાથે પ્રગટતાં હતાં. રાજકોટ ખાતે ગાંધીજી અંગે કેટલાક પ્રશ્નો પરત્વે શ્રી નારાયણ દેસાઈ સાથે જુગલબંધીમાં દક્ષાબહેનને જેમણે રજૂ થતાં જોયાં હશે, તે સાખ પૂરશે.

જેપી શતાબ્દીની સમગ્ર ગુજરાતમાં ઉજવણી થઈ, ત્યારે ભાવનગરે પ્રતિમાસ એક કાર્યક્રમ વર્ષપર્યંત આપ્યો હતો. તેમાં એક અહીંની થિયોસૉફિકલ લૉજના સભાખંડમાં રાજમોહન ગાંધીનું વક્તવ્ય હતું. પ્રસન્નવદનભાઈ તેમની સાથે મંચસ્થ હતા. રાત્રીવાળુ વેળાએ એક્સેલ ગેસ્ટહાઉસમાં શ્રી તથા શ્રીમતી રાજમોહન ગાંધી સાથે પ્રસંગોચિત વાતચીતમાં કોણ સંગાથી હોય, તો સારું તે વિશે વિચારતાં સર્વશ્રી પ્રસન્નવદન મહેતા, દમયંતીબહેન મોદી, કીર્તિભાઈ પંડ્યા તથા અજય પાઠક(શતાબ્દીસમિતિ – ભાવનગર)એ સર્વાનુમતે ડૉ. દક્ષાબહેન વિ. પટ્ટણીની પસંદગી કરી હતી. કેટલો ઔચિત્યસભર નિર્ણય હતો! ગાંધી-દંપતી ગાંધીવિચારસંવાદની કેવી સરસ સ્મૃતિ લઈને ભાવનગરથી ગયાં હશે!

શિક્ષક / અધ્યાપક દક્ષાબહેનનો વિદ્યાર્થીપ્રેમ ઘરશાળા વિનયમંદિર, ભાવનગર (૧૯૬૨-૧૯૬૫)ના કાર્યકાળ દરમિયાન એક દંતકથા સમો ઊભર્યો છે. અવિનાશ ચાંદુરીકર, વિક્રમ મૂળશંકર ભટ્ટ, અશોક પંડ્યા, રોહક-રોહિત-જયકુમાર ભાઈઓ, દલપત દાણીધારિયા વગેરે જેવા અનેક વિદ્યાર્થીઓ અવારનવાર દક્ષાબહેનની પ્રતિભા તથા વિદ્યાર્થીપ્રેમને યાદ કરતા રહ્યા છે. અમેરિકાસ્થિત રોહક વોરા એક તકે ભાવનગર આવ્યા ત્યારે વિક્રમ ભટ્ટના સંપર્કસૂત્રથી અહીંના એક કેન્દ્રસ્થ સ્થળે (ફૂડપૉઇન્ટ – ઘોઘાસર્કલ) વિદ્યાર્થી-શિક્ષક પ્રેમગોષ્ઠિનું સાંજના સમયે આયોજન કરેલું. પચાસ વર્ષના અંતરાલ પછીનું મિલન ગોઠવ્યું હતું. ત્યારે પદ, પ્રતિષ્ઠા, ધનપ્રાપ્તિ બધું વિસરીને સૌ એકત્રિત વિદ્યાર્થીઓ ઘરશાળાના કિશોરવયના વિદ્યાર્થીઓ બની રહ્યા હતા! આ પ્રેમાંજલિ ખોબામાં ઝીલવા હું પણ દક્ષાબહેન તથા અન્ય શિક્ષણગણ સાથે ઉપસ્થિત હતો, તેનું ભાવભર્યું સ્મરણ છે.

આ પ્રેમાંજલિને શબ્દસ્થ કરીને રોહક વોરાએ સ્થાનિક દૈનિક ‘સૌરાષ્ટ્ર સમાચાર/ દિવ્ય ભાસ્કર’માં અંગ્રેજી ભાષામાં જાહેરખબર સ્વરૂપે એક લેખ તા. ૨૪-૧-૨૦૧૬ના રોજ પ્રગટ કર્યો હતો. આ લેખ પછીથી ગુજરાતી અનુવાદ(પીયૂષ પારાશર્ય)ના રૂપમાં ‘પ્રગતિશીલ શિક્ષણ-જુલાઈ-૨૦૧૬’માં પ્રસિદ્ધિ પામ્યો હતો. ગુરુપરંપરા પરિવર્તન પામી છે, ગુરુ-શિષ્ય ભાવ સનાતન છે. દક્ષાબહેનનું અધ્યાપનકાર્ય પછીથી ઈ.સ. ૧૯૬૯થી ઈ.સ. ૨૦૦૧ સુધી અનુક્રમે ગુરુકુળ મહિલા આટ્‌ર્સ કૉલેજ, પોરબંદર તથા વળિયા આટ્‌ર્સ અને મહેતા કૉમર્સ કૉલેજ, ભાવનગર ખાતે થયું હતું. આ દરમિયાન ઈ.સ. ૧૯૭૭થી ઈ.સ. ૧૯૯૪ સુધી ભાવનગર યુનિવર્સિટી અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગાંધીદર્શન તથા ગુજરાતી સાહિત્ય વિષય માટે વિઝિટિંગ વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. આ સાથે ‘ગૂજરાત વિદ્યાપીઠ’, અમદાવાદમાં તથા ‘લોકભારતી’, સણોસરામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે વ્યાખ્યાનો આપ્યાં હતાં. નોંધ એ વાતની લેવી જોઈએ કે વર્ગ-વ્યાખ્યાન અને અભ્યાસક્રમલક્ષી વ્યાખ્યાનોથી વિશેષ દક્ષાબહેન કાર્યરત રહ્યાં હતાં. ઈ.સ. ૧૯૮૨થી ઈ.સ. ૨૦૧૩ સુધી ગાંધીસ્મૃતિ-ભાવનગર આયોજિત ‘ગાંધીવિચારધારા’ સમિતિના સક્રિય સભ્ય રહ્યાં હતાં અને ગાંધીવિચાર પ્રચાર તથા ગાંધીવિચાર અંગેની શાળાકક્ષાની પરીક્ષાઓ યોજવાના કાર્યમાં સહયોગ આપ્યો હતો. આ કાર્યમાં ઘરશાળાના શિક્ષક/ મહિલા વિદ્યાલયના શિક્ષક, ગાંધીવિચારના ચુસ્ત હિમાયતી સ્વ. કિરીટભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ સાથેની દક્ષાબહેનની જુગલબંધી જાણીતી હતી.

દક્ષાબહેન વૈચારિક આંદોલનોમાં પણ સક્રિય રહ્યાં હોય તેમ બન્યું છે. રાજીવ દીક્ષિતનું સ્વદેશી અભિયાન ચાલતું હતું. તેમાં તેમણે સક્રિય રસ લેવાનું પસંદ કર્યું હતું. આદરણીય ચુનીકાકા પ્રેરિત આંદોલનોમાં પણ દક્ષાબહેન ભાવનગર ખાતે સક્રિય હતાં.

દક્ષાબહેન જ્યારે પીએચ.ડી. માટે ‘ગાંધીજીનું ચિંતન’ વિષય પર અધ્યયન / સંશોધનકાર્યમાં વ્યસ્ત હતાં, ત્યારે તેમની વાચનયોગની શિસ્ત નગરનાં શિક્ષિતજનો માટે ધ્યાનાર્હ બની રહી હતી. તેમના માર્ગદર્શક ડૉ. ઈશ્વરલાલ ર. દવે હતા. ખાસ્સાં વર્ષો તેમણે કામ કર્યું હતું. ઈ.સ. ૧૯૭૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમને પીએચ.ડી. ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. તેમના રૅફરી હતા શ્રી સી.એન. પટેલસાહેબ તથા શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’. સમર્થ માર્ગદર્શક, સમર્થ પરીક્ષક અને તેથી સમર્થ વિદ્યાર્થિની. એમનો મહાનિબંધ તેઓ યુનિવર્સિટીને રજૂ કરે તે પૂર્વે એક દિવસ માટે મને જોવા માટે દક્ષાબહેને આપ્યો હતો તેનું ગૌરવસહ સ્મરણ છે. પછીથી આ અભ્યાસને પુસ્તકોના સ્વરૂપે પ્રગટ કરવાનું બન્યું. છ પ્રકાશનો છે, (૧) ગાંધીજીનું ચિંતન-૧૯૮૦ (૨) ગાંધીજી : વ્યક્તિત્વનું ઘડતર – ૧૯૮૧ (૩) ગાંધીજી : ધર્મવિચારણા-૧૯૮૪ (૪) ગાંધી-વિચાર : સત્ય અને અહિંસા-૨૦૦૦ (૫) ગાંધીજીના વિચારમાં સત્યાગ્રહ-૨૦૦૧ (ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત) (૬) ગાંધીજીનું ચિંતન : મૂલ્યાંકન – ૨૦૦૩. આ સિવાય પચાસેકથી વધુ વ્યાખ્યાનો /લેખો/સમીક્ષાઓ/ અભ્યાસલેખો ગ્રંથસ્થ થયાં નથી, પરંતુ વિવિધ સંપાદનોમાં પ્રગટ થયાં છે.

‘ગાંધીવિચાર-સત્ય અને અહિંસા’ પુસ્તકની પ્રસ્તાવનામાં દક્ષાબહેન નોંધે છે : ‘આ પુસ્તકમાં ગાંધીજીના વિચારોનું સિદ્ધાંત વિવેચન છે. એટલે કેટલાક પ્રચલિત, કાલ્પનિક અને ઊભા કરેલા રસિક પ્રસંગો કે પ્રશ્નોની ચર્ચાને એમાં અવકાશ નથી. અનુભવે લાગ્યું છે કે તેના પણ ઉત્તરો આપવા એ એક ધર્મકાર્ય બની ગયું છે.’ આવું ધર્મકાર્ય દક્ષાબહેન હાથ ધરતાં રહ્યાં હતાં. ઈ.સ. ૨૦૧૦માં ભાવનગર ખાતે ટ્રસ્ટ તરલના ઉપક્રમે એક આયોજન હતું. વિષય હતો ‘ગાંધીજીનાં પાંચ ઐતિહાસિક પ્રવચનો’ નવી-જૂની પેઢીના વક્તાઓ દ્વારા રજૂઆત થઈ હતી. અંતે પ્રશ્નોત્તરીનું આયોજન હતું. ગાંધી વિરુદ્ધ ગાંધી(દિનકર જોશી)ના પ્રભાવમાં તથા કેટલીક ગાંધીવિષયક ફિલ્મોથી લોકમાનસમાં તરતા પ્રશ્નો આવા પ્રસંગે સામે આવે તે સ્વાભાવિક છે. તેમાં દક્ષાબહેન દ્વારા જે અભ્યાસખચિત ઉત્તરો આપવામાં આવ્યા તેનાથી ટ્રસ્ટ તરતલના ટ્રસ્ટી સ્વ. સુરેશ બુચ અત્યંત પ્રભાવિત થયા હતા. ‘શું અભ્યાસ છે? કેવી ઊર્જા છે? કેટલી સમૃદ્ધ ભાષા છે?’ શ્રી બુચ (મારા એક સમયના બૉસ) મને કહેતા હતા. આપણા સમયના પ્રખર બે વક્તાઓ – પૂ. મોરારિબાપુ તથા માનનીય શ્રી મોદીજી – પણ આ મુદ્દે સ્વ. બુચસાહેબ સાથે સંમતિનો સૂર મિલાવે છે. વાત એમ બની કે ડિસેમ્બર-૨૦૧૩માં બારડોલી મુકામે યોજાયેલ પૂ. મોરારિબાપુની કથામાં ‘સરદાર પટેલ : વ્યક્તિત્વદર્શન’ વિષય હતો. કથાના વિશાળ શ્રોતાસમૂહને દક્ષાબહેનના વક્તવ્યનો લાભ મળે તેવો ઉપક્રમ પૂ. બાપુએ યોજ્યો હતો. અભ્યાસપૂર્ણ તથા પ્રભાવશાળી વક્તવ્ય પ્રસારણમાધ્યમ દ્વારા સાંભળીને તત્કાલીન સી.એમ. (ગુજરાત) શ્રી મોદીજીએ પૂ. બાપુને તત્ક્ષણ (વ્યાખ્યાન પૂર્ણ થવાની ક્ષણે) ફોન કરીને પૂછ્યું કે “આ બહેન કોણ ? એમનો અભ્યાસ અને અભિવ્યક્તિ દાદ માગી લે છે. સરદાર વિશે આટલું માહિતીપ્રદ વક્તવ્ય!” પોતાના પ્રેરણાપુરુષ વિશે બે વાત વધુ જાણવા મળી, અસરકારક રીતે જાણવા મળી, તેનો હરખ શ્રી મોદીજીએ પૂ. બાપુ પાસે વ્યક્ત કર્યો. આદરણીય બાપુ તો દક્ષાબહેનનો આદર કરતા જ રહ્યા છે, તે સુવિદિત છે. ધર્મસત્તા અને રાજ્યસત્તા, ઉભયને જ્યારે શબ્દશક્તિ પ્રસન્ન કરે, ત્યારે તે શબ્દશક્તિને વંદન જ હોય!

ગાંધીઉચ્છંગે રમેલા નારાયણ દેસાઈનો ગાંધી પ્રતિ ભક્તિભાવ છલકે છે. દક્ષાબહેનનો અભિગમ અભ્યાસલક્ષી, વિશ્લેષણાત્મક, પર્યેષક બુદ્ધિથી પ્લાવિત, સજગ તેમ સતર્ક રહ્યો છે. તે રીતે તે જ્ઞાનમાર્ગના યાત્રી છે. કહે છે કે ભક્તિ, જ્ઞાન કે કર્મ-ત્રણેય ચરમબિન્દુ પહોંચતાં એક જ માનસભૂમિકામાં પરિણમે છે. આ રીતે નારાયણ દેસાઈ, ચુનીકાકા અને દક્ષાબહેન ગાંધીવિચારનાં સહયાત્રીઓ છે. તેમનો અંતિમ મુકામ-ગાંધીવિચાર : જીવનમૂલ્ય!

પ્રશ્નોરા જ્ઞાતિ પ્રશ્નો ઊભા કરવા / પૂછવા માટે જાણીતી છે, એમ છાપ છે. નાનાભાઈ-મૂળશંકરભાઈ ઉત્તરો આપનારા પ્રશ્નોરા હતા. કારણ બંને દક્ષિણામૂર્તિ – ઘરશાળાકુળના શિક્ષકો હતા. આ કુળમાં વિદ્યાર્થીઓ ક્ષણે- ક્ષણે પ્રશ્નો પૂછે – ઊભા કરે; જે શિક્ષક ઉત્તર ન આપે / આપી શકે તે વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ ઊભા ન રહી શકે. દક્ષાબહેન આ કુળનાં શિક્ષિત / દીક્ષિત થયેલાં વિદુષી હતાં. તેથી ગાંધીવિચાર સંબંધે ઊભા થતા / ઊભા કરાતા પ્રશ્નો પરત્વે ઉત્તર આપવા સદાતત્પર રહેતાં હતાં. શિક્ષકથી લોકશિક્ષક થવા પ્રતિ ગાંધીવિચાર મુદ્દે તેમની ગતિ રહી હતી. ઘરશાળાના દક્ષાબહેનના લાડકા વિદ્યાર્થીઓના ભાવપ્રદેશમાં પ્રવેશીને સાદર મારી ભાવાંજલિ / સ્મરણાંજલિ અર્પણ કરું છું.

(માહિતી સૌજન્ય : પીયૂષ પારાશર્ય)

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2029; પૃ. 13-14

Loading

3 April 2019 admin
← નવી યોજના
કૉન્ગ્રેસનો ચૂંટણીઢંઢેરો જોતાં લાગશે રાહુલ ગાંધી ગંભીર રાજકારણ કરી રહ્યા છે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved