હું ગદ્દગદ્દ છું. "મિડ – ડે"માં મારી ‘કારણ તારણ’ કૉલમ બંધ થઈ, એ પછી તેનું કારણ જાણવા એટલાં બધાં ફોન, ઇ-મેઈલ્સ, મેસેજિઝ અને ફેસબુક પર પોસ્ટ આવી, જેની મેં કલ્પના નહોતી કરી. ચીમનભાઈ સંગોઈ જેવા કેટલાક એવા મિત્રો પણ હતા, જેઓ મારા વિચારનો વિરોધ કરતા હોવા છતાં મને વાંચતા હતા, અને હું લખતો રહું એમ ઈચ્છતા હતા. તમારા બધાની લાગણી માટે હું આભારી છું.
હું ગદ્દગદ્દ એટલા માટે નથી કે તમે મને વાંચો છો અથવા મારા પણ મોટી સંખ્યામાં વાચકો છે. વાચકોની સંખ્યા ગણવાના અને ગણીને પોરસાવાના સંસ્કાર તો જ્યારથી લખવાનું શરૂ કર્યું ત્યારથી વિકસવા દીધા નથી. જો એવો મોહ હોત તો સસ્તું ચિંતન અને જ્ઞાનની ગોળી પીરસવાની ચેષ્ટા કરી હોત. પવનની દિશા જોઇને લોકોને ગમે એવું લખવાની ચેષ્ટા કરી હોત. લોકપ્રિય થવાના પદાર્થોથી હું અજાણ નથી. હું ગદ્દગદ્દ એટલા માટે છું કે જેવા ભારતના અને જેવા સમાજના પડખે હું ઊભો રહું છું એના પડખે ઊભા રહેનારાઓની સંખ્યા મેં ધારી હતી એના કરતાં પણ ઘણી મોટી છે. જે નથી ઊભા રહેતા એમાંના ઘણા એવા છે જે એમ માને છે કે ‘આ ભાઈ ભલે આપણને ગમે એવી વાત નથી કરતા; પણ કરે છે વ્યાપક સમાજહિતની, અંગત એજન્ડા વિનાની, પક્ષપાત વિનાની, તાર્કિક વાત. ઘણાંને મારાં લખાણમાં પક્ષપાત અને એજન્ડા પણ નજરે પડે છે અને એ છતાં તેઓ વાંચે છે માટે તેમનો પણ અભાર માનવો પડે.
હું બે નિસબત સાથે જીવું છું, અને પ્રસંગ પડ્યે લખું કે બોલું છું. પહેલી નિસબત છે મૂળભૂત માનવીય મૂલ્યો. પરસ્પર માનવીય આદર અર્થાત્ બંધુતા, સહિષ્ણુતા, દરેક પ્રકારની સમાનતા, સ્વતંત્રતા, સર્વધર્મ સમભાવ, લોકતંત્ર, વહીવટી પારદર્શકતા, જવાબદાર રાજ્ય, વગેરે. આ મૂળભૂત માનવીય મૂલ્યો છે જે દેશ અને સમાજ માટે હિતકારી છે. આને પાછા આપણા બંધારણમાં પણ આમેજ કરવામાં આવ્યા છે, એટલે આપણે માટે તે અનિવાર્ય અને પવિત્ર બને છે. આમ જે સકળ સમાજ માટે હિતકારી હોય તેનું જતન કરવું જ જોઈએ.
મારી બીજી નિસબત રહી છે : ગરીબ, વંચિત, શોષિત છેવાડાના માણસના હિતની ચિંતા. એવો તે કેવો પત્રકાર જે ખોટું કરનારા કે બોલનારાને પડકારે નહીં, બલકે અનુમોદન આપે અને નક્કર વાસ્તવિકતાને વ્યક્ત નહીં કરી શકનારા મૂંગાને વાચા આપે નહીં! મેં આ બે નિસબતને મારું જીવનકર્તવ્ય માન્યું છે.
મેં મારી યુવાની કૉંગ્રેસનો વિરોધ કરવામાં વિતાવી છે. કોંગ્રેસના કુકર્મો હજુ પણ યાદ છે અને તેનો રસ્તા પર ઊતરીને અને જેલ જઇને વિરોધ કર્યો છે. કારણ એ જ હતાં. મૂળભૂત મૂલ્યો અને છેવાડાના માણસ માટેની નિસબત. પરંતુ અત્યારે જે બની રહ્યું છે અને ત્યારે જે થતું હતું એમાં ફેર છે. કૉંગ્રેસની સરમુખત્યારશાહી સત્તાજન્ય અને સત્તા માટેની હતી. અત્યારની સરમુખત્યારશાહી પાછળ ચોક્કસ એજન્ડા છે. એ એજન્ડા છે : સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક ભારતની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવાનો, જેમ પડોશમાં ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઈમરજન્સીમાં મીડિયા, પત્રકારો, સમાજના પ્રતિષ્ઠિત માણસો ડરેલા હતા એટલે મૂંગા હતા. અત્યારે ખરીદાયેલાં કે વેચાયેલાં છે એટલે હળહળતાં જૂઠાણાંને વાચા આપે છે. ડરીને મૂંગા રહેવું અને પૈસા ખાઈને કે કાંઈક મેળવીને ખોટાને અનુમોદન આપવું એમાં પાયાનો તફાવત છે. આવી સ્થિતિમાં દેશ માટે સરોકાર ધરાવનારા મૂલ્યનિષ્ઠ લોકોએ બોલવું જરૂરી છે. સદ્ભાગ્યે રાજેશ થાવાણી “મિડ-ડે”ના એડિટર હતા એ વરસોમાં મને સ્વતંત્ર રીતે લખવાની તક મળી હતી. હું રાજેશ થાવાણીનો આભાર માનું છું.
રાજેશ થવાણીના જવા પછી મારી કૉલમ બંધ થશે એમ મને લાગતું હતું. મારી એવી તૈયારી પણ હતી. સાધારણ રીતે સિનિયર પત્રકારોની કૉલમ બંધ કરવામાં આવતી નથી. તેને અનિયમિત કરવામાં આવે છે, એટલે લખનારે સમજી જવાનું. આમ સત્તાવાર રીતે મારી કૉલમ બંધ કરવામાં આવી નથી. મેં રહસ્યમય અનિયમિતતા પછી લેખો મોકલવાનું બંધ કર્યું છે, અને હજુ સુધી કોઈએ પૂછ્યું નથી કે તમે લેખ કેમ નથી મોકલતા? હું ધારું છું કે આપને વાત સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત આરતી ઊતારનારાઓને માલામાલ કરો અને વિરોધ કરનારાઓના પ્લેટફોર્મ છીનવો એ અત્યારની નીતિ છે એટલે જે બન્યું એમાં આશ્ચર્ય ન થવું જોઈએ.
એની વે, જેમ દરેક સારા કે નરસા સમયનો અંત આવતો હોય છે, એમ સારાં કે નરસાં કામનો પણ અંત આવતો હોય છે, અને એ ન્યાયે મારી કોલમ(સારી કે નરસી)નો અંત આવ્યો છે. આમ છતાં, અઠવાડિયામાં હજુ ત્રણ કોલમ (“ગુજરાતમિત્ર”માં ગુરુવારે અને રવિવારે તેમ જ “સંદેશ”માં દર રવિવારે) છપાય છે જે મારી વૉલ પર મૂકતો રહીશ.
આટલી મોટી સંખ્યામાં સાથ આપવા માટે દિલથી આભાર અને પ્રણામ!
https://www.facebook.com/ramesh.oza.37/posts/2406455899367100